પુરાતન પ્રબન્ધ સંગ્રહ

January, 1999

પુરાતન પ્રબન્ધ સંગ્રહ : મુનિ જિનવિજયજીએ સંકલિત કરેલ પ્રબન્ધોનો સંગ્રહ. તે કોઈ એક સળંગ ગ્રંથ નથી, પરંતુ વિભિન્ન 6 પ્રબંધસંગ્રહોને ‘પ્રબન્ધચિન્તામણિ’માંના પ્રબંધોના ક્રમે સંકલિત કરી મુનિ જિનવિજયજીએ તૈયાર કરેલ એક સંગ્રહગ્રંથ છે. આ ગ્રંથને એમણે ‘(પ્રબન્ધચિન્તામણિગ્રંથસમ્બદ્ધ) ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’ એવું નામ આપ્યું છે. આ ગ્રંથ કૉલકાતાના સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી 1936માં પ્રકાશિત થયો છે. આ સંગ્રહમાં પાટણના સંઘના ભંડારમાંથી મુનિ પુણ્યવિજયજી દ્વારા પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને ‘P’ સંજ્ઞા, ભાવનગરની જૈન આત્માનંદ સભામાં સંગૃહીત ભક્તિવિજયજીના સંગ્રહમાંની હસ્તપ્રતને ‘B’ સંજ્ઞા, પાટણના સાગરગચ્છના ઉપાશ્રયમાંના ગ્રંથભંડારમાંની ‘B’ સંજ્ઞા સાથે સામ્ય ધરાવતી અને રવિવર્ધનગણિએ લખેલી પ્રતને ‘BR’ સંજ્ઞા, રાજકોટના ગોકુલદાસ ગાંધીના ગ્રંથસંગ્રહમાંની પ્રતને ‘G’ સંજ્ઞા, પાટણના સંઘના ગ્રંથભંડારમાંની પ્રતને ‘PS’ સંજ્ઞા અને અમદાવાદના ડેલાના ઉપાશ્રયમાંના ભંડારમાં ‘પ્રબન્ધચિન્તામણિ’માંના કેટલાક પ્રબંધોના કરેલા સંક્ષેપની પ્રતને ‘પરિશિષ્ટ’ સંજ્ઞા આપવામાં આવી છે. આ પ્રતોમાંથી એકંદરે મૂળ 63 પ્રબંધો સાથે સંબંધ ધરાવતા કુલ 258 પ્રબંધો આ ‘પુરાતન-પ્રબન્ધસંગ્રહ’માં આપવામાં આવ્યા છે. આમાંના કોઈ પ્રબંધ કોઈ એક કે વધુ પ્રતોમાં છે. કેટલાક પ્રબંધ સમાન છે, તો કેટલાક વિભિન્ન છે. આમ આ પ્રબંધો નથી એકકર્તૃક કે નથી એકકાલિક કે નથી એકક્રમિક; છતાં એ સર્વ સમાન ઉદ્દેશના અને સમાન-વિષયક છે. આમાંના ઘણા પ્રબંધ ‘પ્રબન્ધચિન્તામણિ’માંના પ્રબંધો સાથે વત્તું-ઓછું સામ્ય ધરાવે છે, તો કેટલાક ‘પ્રબન્ધકોશ’માંના પ્રબંધો સાથે. કોઈ સંગ્રહ તો ‘પ્રબન્ધચિન્તામણિ’ કરતાંય પ્રાચીન લાગે છે. આમાંના કોઈ સંગ્રહના કર્તા કે સંકલનકારનું નામ જાણવા મળ્યું નથી. કોઈ સંગ્રહ તો ‘પ્રબન્ધચિન્તામણિ’ જેવા ગ્રંથોમાંના પ્રબંધોમાં પૂરક માહિતી ઉમેરી પૂર્તિરૂપ બની રહે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી