પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા માર્ગની રાહ જુએ છે. આથી રાજાને ખૂબ ક્ષોભ અને પોતાના કર્યા કાર્યનો પસ્તાવો થયો. તેણે હૃદયપૂર્વક વિનંતી કરી. નારદે એક બીજા રાજાની કથા કહીને રૂપક દ્વારા હરિભક્તિનો માર્ગ ચીંધ્યો. એ માર્ગનું પુરંજને ખૂબ નિષ્ઠાપૂર્વક અનુસરણ કર્યું, જેથી પુરંજનને આત્મજ્ઞાન થયું અને સર્વ પ્રકારનાં પાપોના બોજથી મુક્ત થયો.

પ્રવીણચંદ્ર પરીખ