પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ. તેને પીઠોદય પણ કહે છે.

તેમાં સામાન્યત: નીચેથી ઉપર જતાં ક્રમશ: ભીટ્ટ (એક અથવા એકથી વધુ), જાડયકુંભ (જાડંબો), અંતરપત્ર (અંધારિકા), કર્ણિકા (કણી), ગ્રાસ પટ્ટી (કીર્તિમુખ), અંતરપત્ર, છાદ્ય (છાજલી) વગેરે આડા થરો વડે અલંકૃત હોય છે. સ્થાપત્યની પરિભાષામાં આવી પીઠને ‘કામદ પીઠ’ કહે છે. મોટાં મંદિરોમાં ઉપરોક્ત થરો ઉપર ગજથર, અશ્વથર (વાજિથર), નરથર, હંસથર પૈકી એક કે એકથી વધુ થર ઉમેરવામાં આવે છે. આ પ્રકારની પીઠને ‘મહાપીઠ’ કહે છે. ગજથરમાં હાથી અને અશ્વથરમાં હાથી અને ઘોડાનાં વિવિધ અંગભંગીવાળાં શિલ્પો કોતરેલાં હોય છે. નરથરમાં માનવજીવનની વિવિધ પ્રવૃત્તિઓનાં શિલ્પો કંડારેલાં હોય છે, જેમ કે આનંદ-પ્રમોદના પ્રસંગો, યુદ્ધ, શિકાર, યાત્રા, સવારી વગેરે. આ જ થરમાં ‘મિથુન’ અર્થાત્ ભોગાસનનાં જાણીતાં શિલ્પો પણ ક્યારેક કંડારેલાં જોવા મળે છે. દા. ત., મોઢેરાનાં અને કોણાર્કનાં સૂર્યમંદિરો અને ખજુરાહોનાં મંદિરો આ પ્રકારનાં શિલ્પો માટે નોંધપાત્ર છે. કેટલાંક મંદિરોમાં રામાયણ-મહાભારત અને પુરાણોના પ્રસંગોનો થર પણ જોવા મળે છે. પીઠના દરેક થરના ચોક્કસ માન (માપ) શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. થરોના માપને આધારે મહાપીઠના ચાર પ્રકાર પડે છે. ભીટ્ટ, જાડંબો અને કર્ણિકાના જ થર ધરાવતી પીઠને કર્ણપીઠ કહે છે. આ પીઠ એકદમ સાદી હોય છે.

થોમસ પરમાર