પીઠમર્દ : સંસ્કૃત નાટકના મુખ્ય નાયકનો સહાયક. નાટકમાં નાયક સિવાયના પાત્રને લગતું પ્રાસંગિક કે ગૌણ કથાનક જે લાંબા સમય સુધી ચાલે છે તે પતાકા કહેવાય છે. આવા કથાનકનો નાયક ‘પીઠમર્દ’ કહેવાય છે. આથી જ સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ ‘દશરૂપક’ના કર્તા ધનંજય ‘પીઠમર્દ’ને ‘પતાકાનાયક’ તરીકે ઓળખાવે છે. આ પીઠમર્દ વિચક્ષણ હોય છે અને નાયકનો વફાદાર સેવક તેમજ ભક્ત હોય છે. ત્યાગાદિ ગુણોની સમૃદ્ધિમાં તે નાયક પછીના ક્રમે આવે છે.

આ જ પ્રકારે ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ પણ ‘પીઠમર્દ’ની બાબતમાં પોતાની સમજ વ્યક્ત કરે છે : નાટકના મુખ્ય નાયકનું પ્રાસંગિક કથાનક જ્યારે દીર્ઘકાળ પર્યંત ચાલ્યા કરે છે ત્યારે નાયકનો એક સહાયક કે જે નાયકની તુલનામાં, જરાક ઓછા ગુણવાળો હોય છે તે નાયકનાં મહત્વનાં કાર્યોમાં સાથ આપે છે. નાયકના આવા સહાયકને ‘પીઠમર્દ’ કહે છે.

‘રામાયણ’માં રામના સહાયક સુગ્રીવને તથા ‘માલતીમાધવ’ નાટકમાં માધવના મિત્ર મકરન્દને પીઠમર્દ કહી શકાય; કારણ કે કાવ્ય કે નાટકના મુખ્ય નાયકના એ કાર્યકુશળ, વફાદાર સહાયક મિત્રો છે. એ જ રીતે નાયિકાની સહાયિકાને પીઠમર્દિકા કહી શકાય.

મહાકવિ કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’ નામના સંસ્કૃત નાટકમાં, પંડિતા કૌશિકી નામની એક પરિવ્રાજિકાનું પાત્ર આવે છે વિદૂષક તેનો ‘પીઠમર્દિકા’ કહીને નિર્દેશ કરે છે. (માલ. 1.13 ઈ.) અહીં વિદૂષક હળવી શૈલીમાં પરિવ્રાજિકા પંડિતા કૌશિકીમાં પીઠમર્દના ગુણો આરોપે છે. આનો અર્થ એ કે પીઠમર્દ કે પીઠમર્દિકા, નાયકના પ્રણયકાર્યમાં સહાયક બને છે. મહાકવિ ભવભૂતિના ‘માલતીમાધવ’ નાટકમાં કામન્દકીનું પાત્ર આવે છે તે પણ નાયક અને તેની પ્રિયતમાના પ્રણયકાર્યમાં મદદ કરવાની ભૂમિકા ભજવે છે. પીઠમર્દની ભૂમિકા, નાયક અને તેની પ્રિયતમાના પ્રણયમિલનને ઉપકારક થતી હોવાથી જ, ‘कुपितस्त्रीप्रसादक: पीठमर्द:’ અર્થાત્ નાયકની રિસાયેલી પ્રિયતમાને મનાવનાર માણસ ‘પીઠમર્દ’ કહેવાય એવી ‘પીઠમર્દ’ની વ્યાખ્યા ‘રસમંજરી’(પૃ. 192)માં મળે છે.

આમ, શાસ્ત્રકારોએ બધા પ્રકારના નાયકના મહત્વના સહાયક તરીકે પીઠમર્દની જે ભૂમિકા દર્શાવી છે તે, પ્રયોગોમાં તથા વ્યવહારમાં, ધીમે ધીમે, શૃંગારરસના નાયકના સહાયક, સખા, મિત્ર કે નર્મસચિવની ભૂમિકામાં, કંઈક સંકુચિત અર્થમાં સરી પડે છે. જોકે પ્રાચીન કામશાસ્ત્રીય ગ્રંથોમાં જે રસિક જન કે નાગરકની વાત આવે છે તેના સહાયકો તરીકે પીઠમર્દ, વિટ અને ચેટનો ઉલ્લેખ છે. એટલે શૃંગારી નાયકના સખા તરીકેની ‘પીઠમર્દ’ની ઓળખ પણ આકસ્મિક નથી.

અમૃત ઉપાધ્યાય