પીઠવણ : દ્વિદળી (મેગ્નાલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફેબેસી (અપરાજિતા) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Uraria picta Desv. syn. Doodia picta Robx, Hedysarum pictum Jacq. (સં. પૃશ્નિપર્ણી, પુષ્ટિપર્ણી, પૃથક્પર્ણી, સિંહપુચ્છી, ચિત્રપર્ણી, કોષ્ટુવિન્ના, શૃગાલવિન્ના, હિં. પીઠવન, શંકરજટા, પિઠાની, ડાવડા, દૌલા, બં. ચાકૂલે, શંકરજટા, મ. પિઠવણ, રાનભાલ, શેવરા, કોંડવલા, ગુ. પીઠવણ, પીળો સમેરવો, કાબરચીતરો, ક. નરિયલબોને, તે. કોલાકુપન્ના, ઓ. કષ્ટપર્ણી) છે. તેનાં પર્ણો નાનાં હોવાથી પૃશ્નિપર્ણી, ચિત્ર-વિચિત્ર રંગનાં હોવાથી ચિત્રપર્ણી, પુષ્પની મંજરી સિંહપુચ્છ જેવી હોવાથી સિંહપુચ્છી અને શિયાળ જેવી હોવાથી ક્રોષ્ટુવિન્ના કે શૃગાલવિન્ના કહેવાય છે.

વિતરણ (Distribution) : ભારતમાં તેનું વિતરણ સમગ્ર દેશમાં બહોળા પ્રમાણમાં થયું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, મલાયના ટાપુઓ, ફિલિપાઇન્સ, ઑસ્ટ્રેલિયા અને એશિયાના ઘણાખરા ભાગોમાં તે થાય છે. આયુર્વેદિક યોગ (preparation), ‘દશમૂળ’ પૈકી પંચ લઘુમૂળમાં પીઠવણનો સમાવેશ થાય છે.

બાહ્યાકારવિદ્યા (morphology) : તે ઉન્નત (erect), બહુવર્ષાયુ (perennial), અલ્પશાખિત, સંલગ્ન-રોમિલ (apressed-pubescent), ઉપક્ષુપ (undershrub), 0.6થી 1.8 મી. ઊંચી વનસ્પતિ છે. પર્ણો સંયુક્ત, અયુગ્મ, પીંછાકાર (imparipinnate), એકાંતરિત, 25-32 સેમી. લાંબાં, પર્ણિકાઓ 3-9, સૌથી નીચેનાં પર્ણો 1-3 પર્ણી, 4-4.2 × 1.3-2.5 સેમી. પર્ણિકાઓ સાંકડી, ભાલાકાર, ઘણી વાર બહુવર્ણી (variegated), પીળાશ પડતા ભૂરા કે ફિક્કા સફેદ પટાઓવાળી, ચળકતી, ઉપરની સપાટી અરોમિલ (glabrous), નીચેની સપાટી ખરબચડી રોમિલ અને પર્ણકિનારી અખંડિત હોય છે.

પુષ્પવિન્યાસ અગ્રસ્થ 55 સેમી. જેટલો લાંબો અને દીર્ઘ સફેદ રોમ વડે આવરિત હોય છે. પુષ્પો નજીક નજીક કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં, ગુલાબી, ભૂરાં જાંબલી કે લાલ રંગનાં અને પતંગિયાકાર હોય છે. ફળ શિંબી (legume) પ્રકારનું, 3-6 સાંધાઓ, સાંધાઓ વલયાકાર, શિંગ ઘેરા કાળા રંગની અને સુંવાળી હોય છે. બીજ  પીળાથી માંડી લાલ-બદામી રંગનાં અને ચપટાં વૃક્કાકાર હોય છે.

પીઠવણ નદીકિનારે કે  પહાડી પ્રદેશમાં છૂટીછવાઈ થાય છે.

વનસ્પતિ રસાયણ (phytochemistry) : બીજ વિપુલ પ્રમાણમાં પ્રોટીન (67.50 %) ધરાવે છે. બીજ પ્રોટીન સાંદ્રન (concentrate) (શુષ્કતાને આધારે 69.5 %) આહાર/ચારા માટે સસ્તા પ્રોટીન તરીકેના ઉપયોગ માટેની શક્યતા ધરાવે છે. તેનું બંધારણ (શુષ્ક વજનને આધારે)  આ પ્રમાણે છે : સ્ટાર્ચ 1.8 %, શર્કરાઓ 1.1 %, રેસો 1.3 %, ઇથર નિષ્કર્ષ 4.5 %, ફૉસ્ફરસ 0.32 %, કૅલરી મૂલ્ય 6.4 કિ.કૅલરી/ગ્રા. અને પાત્રે (in vitro) પાચ્યતા (digestibility) 48.25 %, બીજ પ્રોટીન સાંદ્રનમાં આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનીન 3.2 %, આઇસોલ્યુસીન 3.7 %, લ્યુસીન 7.6 %, લાયસીન 7.1 %, મિથિયોનીન 0.6 %, પ્રોલીન 5.2 %, થ્રિઓનીન 4.1 % અને વેલાઈન 4.1 %. સલ્ફર ધરાવતા મિથિયોનીન સિવાય, તે આવશ્યક ઍમિનોઍસિડોનું સારું પ્રમાણ ધરાવે છે. પીઠવણમાં લાયસીનનું સોયાબીન સહિતની ઘણી શિંબી વનસ્પતિઓ કરતાં વધારે પ્રમાણ હોય છે. લાયસીન-ન્યૂન આહારના સંપૂરક તરીકે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મ : એકેરસનાશી (acaricidal) ગુણધર્મ  પીઠવણના હવાઈ અંગોના જલીય અને મિથેનૉલીય નિષ્કર્ષો એરંડા ઉપર થતી ઈતડી (Ixodes ricinus) સામે એકેરસનાશી ગુણધર્મ ધરાવે છે. ફીનૉલીય સંયોજનો, ફ્લેવોનૉઇડો, સ્ટેરૉલો અને ટર્પીન વ્યુત્પન્નો આ સક્રિયતા માટે જવાબદાર હોવાનું મનાય છે.

આયુર્વેદ અનુસાર તેના ગુણધર્મો આ પ્રમાણે છે :

ગુણ

ગુણ – લઘુ, સ્નિગ્ધ

રસ – મધુર, તિક્ત

વિપાક – મધુર

વીર્ય – ઉષ્ણ

દોષઘ્નતા – ત્રિદોષશામક

તે ત્રિદોષનિવારક, નાડીબલ્ય, વાતહર, તૃષ્ણાશામક, દીપન, અનુલોમન, ગ્રાહી, હૃદ્ય, શોણિતસ્થાપન, શોથહર, કફોત્સારક, મૂત્રલ, વૃષ્ય, જ્વરઘ્ન, દાહપ્રશમન, સંધાનીય, અંગમર્દપ્રશમન અને વિષઘ્ન છે.

તે ત્રિદોષજ વિકારો, વાતવ્યાધિ, તૃષ્ણા, કોષ્ઠવાત, રક્તાતિસાર, રક્તાર્શ, ગ્રહણી, હૃદયરોગ, રક્તવિકાર, વાતરક્ત, શોથ, કાસ, શ્ર્વાસ, શુક્રદૌર્બલ્ય, મૂત્રકૃચ્છ્ર, જ્વર, દાહ, દૌર્બલ્ય, અંગમર્દ, સર્પવિષ અને અસ્થિભંગની ચિકિત્સામાં ઉપયોગી છે.

ચિકિત્સા-પ્રયોગો :

(1) દૂઝતા અર્શમાં બલા કે પીઠવણનો ક્વાથ પિવડાવવામાં આવે છે.

(2) પીઠવણનો રસ 908 ગ્રા., તેલ 225 ગ્રા. અને બકરીનું દૂધ 454 ગ્રા. લઈ તેલ સિદ્ધ કરવામાં આવે છે. આ તેલ વાતરક્તને મટાડે છે.

(3) એકાંતરિયા તાવમાં પીઠવણનું મૂળ પુષ્પ નક્ષત્રમાં સંભાળપૂર્વક ઉપાડી લાવી તેના ઉપર નાડું બાંધી હાથ ઉપર બાંધવામાં આવે છે.

(4) રક્તાતિસારમાં 454 ગ્રા. બકરીના દૂધ તથા 227 ગ્રા. પાણીમાં પીઠવણના મૂળનું ચૂર્ણ નાંખીને, રાબ પકાવીને આપવામાં આવે છે.

(5) હાડકું ભાગ્યું હોય તો પીઠવણના મૂળનું ચૂર્ણ માંસના રસ સાથે 21 દિવસ પિવડાવવામાં આવે છે.

(6) આંખના રોગમાં  પીઠવણનું મૂળ તાંબાના વાસણ ઉપર ઘસી તેમાં સ્હેજ સિંધાલૂણ, મરી અને કાંજી નાખી આ અંજન આંખમાં આંજવાથી આંખના રોગો મટે છે.

(7) કફજન્ય મદાત્યયની તૃષ્ણામાં – પીઠવણ કે બલાનો ક્વાથ આપવામાં આવે છે.

ઉપયોગી અંગ – મૂળ, પંચાંગ

માત્રા – પંચાગ – 6-12 ગ્રા., ક્વાથ 50-100 મિલી.

વિશિષ્ટ યોગ  દશમૂલારિષ્ટ

વક્તવ્ય  ચરકે શોથહર અને અંગમર્દપ્રશમન ગણમાં તથા સંધારણ દશેમાનિમાં પૃશ્ર્નિપર્ણીનો ઉલ્લેખ કર્યો છે. સુશ્રુતે પૃશ્ર્નિપર્ણીને વિદારીગંધાદિ અને હરિદ્રાદિ ગણમાં મૂકેલ છે.

पृश्निपर्णी र्कटूष्णाङम्ला तिक्तातिसारकासजित् ।

वातरोगज्चरोन्मादव्रणदाहविनाशिनि ।।

રાજનિઘંટુ

पृश्निपर्णी त्रिदोषघ्नी वृष्योष्णा मधुरा सरा ।

हन्ति श्वाहज्चरश्वासरक्तातिस्तारतृड्वमी :

ભાવપ્રકાશ

આદિત્યભાઈ છ. પટેલ

બળદેવભાઈ પટેલ