પીટીટ મીઠુબહેન હોરમસજી

January, 1999

પીટીટ, મીઠુબહેન હોરમસજી (. 11 એપ્રિલ 1892, મુંબઈ; . 16 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની અને સમાજસેવિકા. મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં તેમનો જન્મ. હિંદના પહેલા બૅરોનેટ સર દીનશા માણેકજી તેમના વડદાદા થાય. મીઠુબહેનના પિતાનું નામ હોરમસજી અને માતાનું નામ પીરોજબાઈ હતું. તેમના કુટુંબના મૂળપુરુષ નસરવાનજી કાવસજી ઠીંગણા કદના હોવાથી ‘પીટીટ’ (ઠીંગણા) તરીકે ઓળખાતા હતા. આથી તેમનું કુટુંબ પીટીટ કુટુંબ તરીકે જાણીતું બન્યું.

મીઠુબહેને પ્રાથમિક શિક્ષણ એક બંગાળી સ્કૂલમાં મેળવ્યું હતું. કોલાબાની સેન્ટ જિસસ અને મેરી કૉન્વેન્ટ સ્કૂલમાં તેમણે સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેઓ વૈભવશાળી જીવન જીવ્યાં હતાં.

1915માં ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે મીઠુબહેનના માસા જહાંગીરજીએ ભોજન-સમારંભ યોજ્યો હતો. આ સમયે મીઠુબહેન ગાંધીજીના સંપર્કમાં આવ્યાં.

સરોજિની નાયડુએ ‘રાષ્ટ્રીય સ્ત્રીસભા’ની સ્થાપના કરી હતી. તેમાં મીઠુબહેન પણ જોડાયાં. મીઠુબહેને પોતાનાં માસી જાયજીબહેન સાથે જાહેર જીવનની પ્રવૃત્તિઓ શરૂ કરી.

ઈ. સ. 1919માં ગાંધીજીએ ‘રોલેટ ઍક્ટ’ના વિરોધમાં શરૂ કરેલી ચળવળમાં તેમણે ભાગ લીધો. ખાદીની પ્રવૃત્તિ તરફ તેઓ આકર્ષાયાં અને રાષ્ટ્રીય સ્ત્રી-સભાના ખાદી વિભાગનાં મંત્રી બન્યાં. ખાદીના વેચાણ માટે તેઓ ગાંધીજી સાથે આખા દેશમાં ફર્યાં. જલિયાંવાલા બાગના હત્યાકાંડના બનાવે તેમના મન ઉપર ઊંડી અસર કરી. 1923માં બોરસદ સત્યાગ્રહમાં ભાગ લઈ તેઓ છાવણીમાં રહ્યાં હતાં.

મીઠુબહેન હોરમસજી પીટીટ

1927માં ગુજરાતમાં રેલસંકટ વખતે મીઠુબહેને ખેડા જિલ્લામાં રહીને રતનબહેન મહેતા અને દરબાર ગોપાળદાસ દેસાઈનાં પત્ની ભક્તિબા સાથે રાહતકાર્યો કર્યાં. રેલરાહત માટે ફાળો એકત્રિત કરવા છ મહિના સુધી તેઓ ખેડા જિલ્લાનાં ગામોમાં ફર્યાં હતાં.

સ્વાતંત્ર્ય-સંગ્રામોમાં ભાગ લેવાને કારણે તેઓ ગાંધીજી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ સહિત ગુજરાતના મોટાભાગના નેતાઓના સંપર્કમાં આવ્યાં હતાં.

1928માં બારડોલી સત્યાગ્રહમાં તેમણે ગામેગામ ફરીને બહેનોમાં જાગૃતિ આણી હતી. આ પ્રવૃત્તિમાંથી ખસી જવા અને સરકાર સામેની ચળવળમાં ભાગ નહિ લેવા તેમના વડીલો તરફથી દબાણ થયું હતું. તેમને કુટુંબના વારસાહક્કમાંથી દૂર કરવામાં આવ્યાં, તોપણ તેમણે રાષ્ટ્રીય સેવા ચાલુ રાખી.

1930માં સવિનય કાનૂનભંગ વખતે તેઓ દાંડીમાં કસ્તૂરબા સાથે રહ્યાં. ત્યારબાદ મીઠુબહેને કસ્તૂરબાના સહકારથી ‘સ્ત્રી સ્વરાજ્ય સંઘ’ નામની સંસ્થા સ્થાપી હતી.

આ દરમિયાન ગાંધીજીની હિમાયતથી તેમણે સૂરત શહેર અને જિલ્લામાંની દારૂતાડીની અને પરદેશી કાપડની દુકાનો પર પિકેટિંગની વ્યવસ્થા કરી હતી. એકલા સૂરત શહેરમાં તેમની આગેવાની નીચે 1,500 બહેનો કામ કરતી હતી. 30 ડિસેમ્બર, 1930ના રોજ તેમણે મરોલી (જિ. સૂરત) ખાતે કસ્તૂરબા વણાટશાળાની સ્થાપના કરી. તે પછી તેમણે મરોલીમાં ઈ. સ. 1931માં કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી અને મહાત્મા ગાંધીજીના હાથે આશ્રમના મકાનનો પાયો સરદાર પટેલ અને સરહદના ગાંધીની હાજરીમાં નંખાયો. તેમાં સ્ત્રીઓને શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ મળે તે માટે ખાદીપ્રચારનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. આ આશ્રમ સ્થાપવાનો હેતુ બહેનોમાં રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનો હતો. સવિનય કાનૂનભંગની લડતમાં તેમને ચાર મહિનાની જેલની સજા થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી તેમણે સત્યાગ્રહીઓની સારવારનું કામ કર્યું. મરોલીના કસ્તૂરબા આશ્રમમાં તેમણે એક દવાખાનું શરૂ કર્યું હતું. ગરીબ દર્દીઓની સેવા ઉપરાંત સત્યાગ્રહોમાં ઘવાયેલાંની સારવાર પણ ત્યાં કરવામાં આવતી. મરોલીનું આ દવાખાનું આગળ જતાં અસ્થિર મગજના દર્દીઓ માટેનું ચિકિત્સા-કેન્દ્ર બન્યું હતું. આજે પણ ત્યાં માનસિક બીમારીવાળા દર્દીઓને રાહતભાવે સારવાર આપવામાં આવે છે.

મીઠુબહેને આજીવન મરોલીમાં રહીને ગરીબ-આદિવાસી સ્ત્રીઓ અને બાળકો માટે વિવિધ પ્રકારની તાલીમી સંસ્થાઓ સ્થાપી તેમની સેવા કરી. તેમણે મરોલી ઉપરાંત સૂરત અને ભરૂચ જિલ્લામાં ચાસવડ, કેવડી, આંબાવાડી વગેરે સ્થળોએ આશ્રમો, દવાખાનાં અને શાળાઓ શરૂ કર્યાં હતાં. તેનું સંચાલન મરોલીના કસ્તૂરબા સેવાશ્રમ ટ્રસ્ટ મારફતે કરવામાં આવતું હતું. આજે પણ આ ટ્રસ્ટ હેઠળ ઘણી આશ્રમશાળાઓ ચાલે છે; જેમાં સ્ત્રીઓને વિવિધ તાલીમ ઉપરાંત રોજગારી પણ આપવામાં આવે છે. આ આશ્રમોમાં પછાત વર્ગનાં છોકરા-છોકરીઓને શિક્ષણની સાથે સંસ્કાર-ઘડતરની તાલીમ આપવામાં આવે છે.

મીઠુબહેને સૂરત જિલ્લામાં છાત્રાલયો ઉપરાંત આરોગ્ય-કેન્દ્રો, બાલવાડીઓ, નર્સોનાં તાલીમ-કેન્દ્રો, નાનાં ઉદ્યોગ-કેન્દ્રો અને જંગલવિસ્તારનાં ગામોમાં આશ્રમશાળાઓની સ્થાપના કરી હતી. તે બધાંનું સંચાલન તેઓ પોતે જ કરતાં હતાં.

જલાલપોર છાવણીમાં કસ્તૂરબા અને મીઠુબહેનના માર્ગદર્શન હેઠળ કાંતણકાર્ય ઘણા મોટા પ્રમાણમાં થતું અને પિકેટિંગની પ્રવૃત્તિ પણ ઉત્સાહપૂર્વક ચાલતી હતી. જ્ઞાતિપંચો દારૂતાડી છોડવાના ઠરાવો કરતાં હતાં અને ખાદીપ્રચારનું કામ પણ સારું ચાલતું હતું.

મીઠુબહેને સ્થાપેલો અને વિકસાવેલો મરોલીનો આશ્રમ સાચા અર્થમાં સેવાશ્રમ હતો. અહીં આશ્રમશાળા, છાત્રાલય, ખાદીવણાટ, ગૌશાળા, ગ્રામોદ્યોગ, વૈદકીય સારવાર અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ વિકસી હતી. ઉજળિયાત અને આદિવાસી જનતાની સેવાનાં અનેક કાર્યોની સુવાસ કસ્તૂરબા સેવાશ્રમમાંથી સમગ્ર સમાજમાં ફેલાતી હતી. 1941માં સૂરત જિલ્લામાં રેલસંકટ આવ્યું હતું ત્યારે પણ સંકટગ્રસ્તોને માટે રાહતકાર્યો અહીંથી થયાં હતાં. 1959ની અને 1968ની રેલ વખતે પણ સૂરત જિલ્લાની જનતાની સેવાનું કાર્ય આશ્રમે કર્યું હતું અને ફાળો ઉઘરાવ્યો હતો.

ગાંધીજીની નઈ તાલીમની દૃષ્ટિ અને શિક્ષણપદ્ધતિનો ખ્યાલ પ્રાથમિક શાળાના નવા શિક્ષકોને મળે અને તેમના જ્ઞાનભંડોળમાં વધારો થાય તે હેતુથી સૂરત જિલ્લા સ્કૂલ બોર્ડના નવશિક્ષક તાલીમ-વર્ગો પણ મરોલી સેવાશ્રમમાં ચાલ્યા હતા.

ભારત સરકારે આદિવાસીઓ માટે પછાત વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપવાની યોજના 1954માં અમલમાં મૂકી ત્યારે ભરૂચ જિલ્લાના ચાસવડ ગામે મુંબઈ રાજ્યની પહેલી આશ્રમશાળાની સ્થાપના થઈ. ત્યારપછી આંબાવાડી ગામે અને પછી કેવડી મુકામે આશ્રમશાળાઓની સ્થાપના કરવામાં આવી.

એ રીતે શરૂઆતમાં કસ્તૂરબા વણાટશાળાના નામે શરૂ થયેલી સંસ્થા પછી ‘કસ્તૂરબા સેવાશ્રમ’ નામકરણ પામી, વટવૃક્ષની જેમ ફેલાઈ હતી. મીઠુબહેનની અર્ધી સદી જેટલી લોકસેવાની કદર રૂપે 1961માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો.

ગુણવંતરાય દેસાઈ