પિનેલ, ફિલિપ્પ (. 20 એપ્રિલ, 1745, સેંટ ઍંડર; . 25 ઑક્ટોબર, 1826, પૅરિસ, ફ્રાન્સ) : માનસિક રોગના પ્રખ્યાત ફ્રેંચ ચિકિત્સક. કારકિર્દીની શરૂઆત ગણિતના શિક્ષક તરીકે કરી. સાથે સાથે તેઓ વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વિજ્ઞાનના ક્ષેત્રને લગતાં પુસ્તકોનું ભાષાંતર પણ કરતા હતા.

ફિલિપ્પ પિનેલ

આ ઉપરાંત માનસિક રોગની ઇસ્પિતાલના દર્દીઓનું અવલોકન કરીને તે તેની નોંધ પણ રાખતા હતા. ઈ. સ. 1792માં પુરુષોની ઇસ્પિતાલના ચિકિત્સક નિમાયા. તેમણે તુરત જ દર્દીઓને શૃંખલા વડે બાંધી રાખવામાં આવતા હતા તે પ્રથા બંધ કરાવી. ઈ. સ. 1794માં સ્ત્રીઓની ઇસ્પિતાલના નિયામક તરીકે તે નિયુક્ત થતાં, ત્યાં પણ આવી પ્રથા જે ચાલતી હતી તે તેમણે તુરત જ બંધ કરાવી.

સામાજિક, મનોવૈજ્ઞાનિક, આનુવંશિક અને અંશત: દેહધાર્મિક પરિબળોની અસર હેઠળ માનસિક વિકાર ઊપજે છે તેવી તેમની દૃઢ માન્યતા હતી. અગાઉ માનસિક દર્દીઓનો ઉપચાર રક્તસ્રવણ, વિરેચન (purging) અને ફફોલન (blistering) વડે કરવામાં આવતો. તે પ્રથા બંધ કરીને તેમણે ચિકિત્સાશાસ્ત્ર(therapeutics)ની વૈજ્ઞાનિક પ્રથા અપનાવી અને દર્દીઓને નડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને મૈત્રીભર્યા વાતાવરણમાં તેમનો ઉપચાર કરવાની પદ્ધતિ અમલમાં મૂકી.

મ. શિ. દૂબળે