પારડી સત્યાગ્રહ : દેશના સામાજિક-આર્થિક પરિવર્તનની દિશામાં જનસમુદાય દ્વારા વલસાડ જિલ્લામાં થયેલ સત્યાગ્રહનો પ્રયોગ. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો.

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની દક્ષિણે પારડી તાલુકો આવેલો છે. વસ્તીમાં 70 % આદિવાસીઓ હતા. ત્યાં મુખ્યત્વે ઘાસિયા પ્રદેશ છે; ખેતીલાયક જમીન ઓછી છે. જમીનના કાયદાઓના પરિણામે સીમાંત ખેડૂતોએ પોતાની જમીનો ગુમાવી. ખેતમજૂર બની ગયેલા આદિવાસીઓની પરિસ્થિતિ વિકટ બનવાના પરિણામે ઘાસિયા જમીન આંદોલન થયું.

1950માં તે સમયના સૂરત જિલ્લામાં 17 લાખ એકર જમીન ખેતીલાયક હતી. તેમાંથી ત્રીજા ભાગની એટલે કે સાડા પાંચ લાખ એકર જમીનમાં ઘાસ થતું હતું. એમાંયે પારડીની કુલ 98 હજાર એકર જમીનમાંથી આશરે 50 હજાર એકર જમીન પર ઘાસ થતું હતું. તાલુકામાં ત્રીજા ભાગની જમીન માત્ર 100 જેટલા જમીનદારોનાં કુટુંબોની માલિકીની હતી. તેઓ 100થી 3,000 એકર સુધીની જમીનના માલિકો હતા. તેમનો મુખ્ય વ્યવસાય ઘાસનો વેપાર હતો. તેમણે છેલ્લાં 50થી 75 વર્ષના ગાળામાં આદિવાસીઓ અને નાના મધ્યમવર્ગો પાસેથી ઘણીખરી જમીનો કબજે કરી હતી.

જમીનની ફેરબદલીનો ઇતિહાસ છેતરપિંડીથી ભરેલો છે. આ ઘાસિયાંના માલિકોએ કેવળ આપખુદશાહી ચલાવી હતી. બ્રિટિશ અમલ દરમિયાન ખરી સત્તા આ જમીનદારોએ જ ભોગવી હતી. ગામની જમીનનું દફતર ગણોતધારાની ચાવીરૂપ હતું, પણ એ જમીનદારોના દરબારમાં રાતોરાત બદલાઈ જતું હતું. પોલીસતંત્ર અને અધિકારી વર્ગને તેમણે પોતાના હાથમાં રાખ્યાં હતાં.

કિસાનો પોતાની જમીનના માલિકો મટી ગણોતિયા બન્યા, ઉપરાછાપરી ગણોત-કાયદાઓ હેઠળ જમીનવિહોણા બની જઈને છેવટે મજૂરો બન્યા. જ્યાં અન્નની ખેતી થતી ત્યાં ઘાસિયાં ઊભાં થયાં. આ જમીનદારોએ આદિવાસીઓ પાસેથી જમીન લઈને સાચા અર્થમાં ખેતી કરી હોત તો ખેતમજૂરો તરીકે પણ તેઓ ટકી રહ્યા હોત. આ ગરીબ સીમાંત ખેડૂતોએ રહીસહી ગણોતની જમીન પણ 1952ની સાલમાં ગણોત કાયદા હેઠળ ગુમાવી. કબજા છોડવાની નોટિસો મળવા લાગી. ખૂનરેજી સુધી વાત પહોંચી ગઈ. તે સમયે પારડીના ખેડ સત્યાગ્રહની શરૂઆત પારડી તાલુકાના ડુમલાવ ગામથી થઈ. આ સત્યાગ્રહનું સ્વરૂપ શાંત અને અહિંસક હતું. તે ગાંધી-ચીંધ્યા માર્ગે ચાલ્યો હતો.

પારડી તાલુકો મુંબઈ રાજ્યના સૂરત જિલ્લામાં સમાવિષ્ટ હતો. મે, 1960 પછી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ થતાં પારડીનો પ્રશ્ન ગુજરાત સરકારે હાથમાં લીધો. દેશમાં આઝાદી પછી પારડી ખેડ સત્યાગ્રહે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. આ ખેડ સત્યાગ્રહનું એક રાજકીય પાસું પણ હતું. કૉંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને આઝાદી પછી કૉંગ્રેસની નીતિરીતિ સામે મતભેદો થયા. સમાજવાદથી દેશના પ્રશ્નો ઉકેલી શકાશે એવી શ્રદ્ધાથી તેઓ કૉંગ્રેસમાંથી છૂટા પડી પ્રજાસમાજવાદી પક્ષમાં જોડાયા. વર્ષો સુધી કૉંગ્રેસ સરકાર સામે તેમણે વિરોધ વ્યક્ત કર્યો. પારડી સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, અશોક મહેતા અને સ્થાનિક આદિવાસી નેતા ઉત્તમભાઈ પટેલની રાજકીય કારકિર્દીનો ઇતિહાસ આ બાબતો સ્પષ્ટ કરે છે. તેમાં આશ્ર્ચર્યજનક બાબત એ હતી કે ઈશ્વરભાઈ તથા ઉત્તમભાઈ જેવા નેતાઓએ પ્રથમ પ્રજાસમાજવાદી પક્ષના ધારાસભ્ય તરીકે અને 1964 પછી કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે સરકાર સાથે સંઘર્ષ કર્યો અને પારડીનો અહિંસક સત્યાગ્રહ સફળ થયો. સરકારમાં અને પક્ષમાં રહીને આ રીતે શાંત, અહિંસક પ્રતિકાર કરવો એ આઝાદી પછીના ઇતિહાસમાં દૃષ્ટાંતરૂપ છે.

સત્યાગ્રહના મુખ્ય નેતાઓ ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, અશોક મહેતા, ઉત્તમભાઈ પટેલ, હકૂમત દેસાઈ, અમૂલ દેસાઈ, કુમુદબહેન દેસાઈ (ઈશ્વરભાઈનાં પત્ની) અને ગોવિંદભાઈ દેસાઈ (સ્થાનિક ઍડવોકેટ) હતાં. સત્યાગ્રહમાં ભાગ લેનાર અન્ય આગેવાનોમાં સનત મહેતા, જયંતિ દલાલ, નાનુભાઈ નીછાભાઈ પટેલ (માજી સંસદસભ્ય), જશવંત મહેતા (માજી નાણામંત્રી), નટવરલાલ મોદી, ડાહ્યાભાઈ મોદી, પુરુષોત્તમ ભગત અને વસંત દલાલનો સમાવેશ થતો હતો.

પારડી તાલુકાની કુલ જમીનમાંથી આશરે 50 % જમીન ઉપર ઘાસિયાં હતાં. આ ઘાસિયાંને લીધે ખેતમજૂરોને 11 મહિના બેકાર બેસી રહેવું પડતું. પારડી વિસ્તારમાં અડધી જમીન પર ઘાસ ઊગતું હતું અને કિસાનોની વસ્તી ગીચ હતી. તેથી આ વિસ્તારના કિસાનોની માગ ખેતી માટે ભૂમિ સંપાદન કરવાની અને ઘાસિયા જમીનમાં જમીનમાલિકો પાસે ખેતી કરાવી મજૂરી મેળવવાની હતી. તે માટે સત્યાગ્રહ દરમિયાન નીચે મુજબ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો :

(1) પારડી વિસ્તારની આશરે 50 હજાર એકર ઘાસિયા જમીનમાંથી 32 હજાર એકર જમીન એટલે કે ભાગની જમીનને અનાજની ખેતી નીચે લાવવી, (2) આ 32 હજારમાંથી 25 હજાર એકર જમીન તાલુકાનાં 5,000 ભૂમિહીનોનાં કુટુંબોને અથવા નાના સીમાંત ખેડૂતોને વહેંચવી; તે માટે જમીનની ટોચમર્યાદા નીચે લાવવી, (3) બાકીની 7,000 એકર ઘાસિયા જમીન ખેડવાની ખેડૂત-જમીનદારોને તક આપવી, (4) છેવટે બાકી રહેતી જમીનમાં સારું ઘાસ પાકે તે માટે પ્રયત્નો કરવા તથા પ્રત્યેક ગામનાં ઢોરોના પ્રમાણમાં ગોચરો માટે ઘાસિયાં અનામત રાખવાં.

આશરે 25,000 એકર જમીન મેળવી તે ભૂમિહીનોને વહેંચવાનું ધ્યેય હતું. તેની સામે સત્યાગ્રહના અંતે 14,000 એકર જમીન મેળવી શકાઈ; પરંતુ ઘાસિયા જમીનમાં ખેતી શરૂ કરવાનું સ્વપ્ન મહદ્ અંશે સાકાર બન્યું નહિ.

ઈશ્વરભાઈએ પારડીના કિસાનોના પ્રશ્નોમાં રસ લઈ ‘પારડી કિસાન પંચાયત’ સ્થાપી. તે પારડી વિસ્તારમાં ખેડૂતો અને જમીનમાલિકોના પ્રશ્નોનો અભ્યાસ કરતી હતી. સત્યાગ્રહ વગર પારડીનો પ્રશ્ન ઉકેલી શકાય તેમ નથી એવી ઈશ્વરભાઈને ખાતરી થઈ. 1952થી 1953ના જુલાઈ સુધીમાં ઈશ્વરભાઈ, ઉત્તમભાઈ પટેલ, સનતભાઈ મહેતા વગેરે મુંબઈ રાજ્યના મહેસૂલ-પ્રધાન હીરેને મળ્યા; તેમને એક આવેદનપત્ર આપ્યું; ઘાસની પડતર જમીનોનો વહીવટ સંભાળી લેવા અને તેમાં ખેતી કરાવવા પગલાં સૂચવ્યાં; પરંતુ સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ નીવડી.

12 ઑગસ્ટ, 1953ના રોજ જમીનવિહોણા કિસાનોની રૅલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પંદર દિવસમાં સરકારનો જવાબ ન મળે તો કિસાનો સત્યાગ્રહ કરશે એવી જાહેરાત કરવામાં આવી. આ સત્યાગ્રહનો ઉદ્દેશ ઘાસિયા જમીનમાં ખેડાણ કરી અનાજ ઉગાડવાનો હતો.

27 ઑગસ્ટ, 1953ના દિવસે ફરીથી કિસાન રૅલી યોજાઈ એમાં અશોક મહેતાએ નેતૃત્વ લીધું. એ રૅલીમાં સત્યાગ્રહનો કાર્યક્રમ જાહેર થયો. તે મુજબ 3,000 એકર જમીનના માલિક અમૃતલાલ  લલ્લુભાઈ શાહની ડુમલાવ ગામમાં આવેલી જમીનમાં, સાતતાડ નામની જગ્યાએથી સત્યાગ્રહની શરૂઆત કરવાનું નક્કી થયું. આ જાહેરાત થતાં જ આખા ગુજરાતમાં તેના પડઘા પડ્યા.

1 સપ્ટેમ્બર, 1953ના રોજ આશરે 20 હજાર આદિવાસીઓ એકત્ર થયા. સરકારે કાયદો-વ્યવસ્થા જાળવવા બંદૂકધારી અને લાઠીધારી પોલીસોની ટુકડીઓ મોકલી. સત્યાગ્રહીઓને અહિંસક રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બરાબર 12 વાગ્યે 97 બહેનો સહિત 1,054 કિસાનોએ અશોક મહેતાની આગેવાની હેઠળ અમૃતલાલ લલ્લુભાઈની જમીનમાં પ્રવેશ કર્યો. અશોક મહેતાએ હળ પકડ્યું. ખેડવાનું શરૂ કર્યું અને કિસાનોએ કોદાળીથી જમીન ખોદવા માંડી.  સાંજના 4 વાગ્યે અશોક મહેતા સહિત સત્યાગ્રહીઓને પકડી 11 જણાંને અટકમાં લઈ બાકીનાંને છોડી મૂકવામાં આવ્યાં. અશોક મહેતાની ધરપકડને કારણે આખા દેશનું ધ્યાન પારડી તરફ ખેંચાયું. સપ્ટેમ્બર અને ઑક્ટોબર, 1953 દરમિયાન 11 વખત સત્યાગ્રહ થયો. 5 સપ્ટેમ્બર, 1953ના રોજ મોટા પોંઢા (ધરમપુર) મુકામે થયેલા બીજા સત્યાગ્રહમાં આશરે 1,500 મહિલાઓએ ભાગ લીધો. તેમાંથી 8 જણની ધરપકડ કરવામાં આવી. 10 સપ્ટેમ્બર, 1953ના રોજ ધગડમાળ (પારડી) મુકામે થયેલા ત્રીજા સત્યાગ્રહમાં 29 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. 15 સપ્ટેમ્બર, 1953ના રોજ સોનવાડા (પારડી) મુકામે થયેલા ચોથા સત્યાગ્રહમાં 102 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. 25 સપ્ટેમ્બર, 1953ના રોજ ધગડમાળ (પારડી) મુકામે થયેલા પાંચમા સત્યાગ્રહમાં 276 મહિલા-સત્યાગ્રહીઓની ધરપકડ કરી, દરેકનો રૂ. 25 દંડ કરવામાં આવ્યો.

28 સપ્ટેમ્બર, 1953ના રોજ છઠ્ઠો સત્યાગ્રહ મોટા પોંઢા, ધગડમાળ અને બાલદા મુકામે થવાનો હતો; પરંતુ પ્રાંત ઑફિસરે 3,119 એકર જમીન ભૂમિહીન ખેડૂતોને આપવાની જાહેરાત કરી. આથી મોટા પોંઢાનો સત્યાગ્રહ મોકૂફ રખાયો; પરંતુ ધગડમાળ અને બાલદામાં સત્યાગ્રહ થયો. તેમાં 221 સત્યાગ્રહીઓની ધરપકડ કરી, દરેકને રૂ. 25 દંડ અથવા બે માસની જેલની સજા કરવામાં આવી.

31 સપ્ટેમ્બર, 1953ના રોજ સોનવાડા અને ધગડમાળ મુકામે થયેલા સાતમા સત્યાગ્રહમાં 100 સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. 1 ઑક્ટોબર, 1953ના રોજ બાલદા, ધગડમાળ અને સોનવાડા મુકામે થયેલ આઠમા સત્યાગ્રહમાં 73 સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી, તેમાં બાળકોને પણ પકડવામાં આવ્યાં હતાં.

દરમિયાન પારડીમાં અશોક મહેતા, ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલ સામે કેસ ચાલ્યા. તેમને 11 માસની કેદની સજા કરવામાં આવી. બીજા 9 સત્યાગ્રહીઓને 4 માસની કેદની સજા થઈ. પ્રજામત પ્રબળ બનતો જતો હોવાથી સરકારે અઢી મહિનામાં જ તેમને છોડી મૂક્યા.

આ સત્યાગ્રહની સફળતાથી કૉંગ્રેસમાંના જમીનમાલિકોતરફી નેતાઓને ચિંતા થઈ. નવસારીના લાલભાઈ નાયકે ખેડૂતોને સત્યાગ્રહથી દૂર રહેવા સલાહ આપી. પારડી સત્યાગ્રહની વિરુદ્ધ પત્રિકાઓ પ્રગટ કરી. આની કોઈ અસર થઈ નહિ, સત્યાગ્રહ ચાલુ રહ્યો.

5 ઑક્ટોબર, 1953ના રોજ નવમો સત્યાગ્રહ સોનવાડામાં થયો. 7 ઑક્ટોબર, 1953ના રોજ પરિયા (પારડી) ગામે થયેલા દસમા સત્યાગ્રહમાં 35 બાળકોને પકડીને રિમાન્ડ-હોમમાં મોકલી આપવામાં આવ્યાં. 10 ઑક્ટોબર, 1953ના રોજ કવાલ મુકામે થયેલા 11મા સત્યાગ્રહમાં 16 સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી.

10 ઑક્ટોબર, 1953ના દિવસે ખેડ સત્યાગ્રહને બહિષ્કારનું નવું સ્વરૂપ અપાયું. આ દિવસે દાદરીમાં જયંતિ દલાલે લાલ ઝંડો ફરકાવી કિસાનો પાસે સંકલ્પ કરાવ્યો કે આ ઘાસ કિસાનોનું લોહી ચૂસનારું છે માટે કોઈ તેને કાપશો નહિ, તેમજ કોઈને તે કાપવા દેશો નહિ.

26, 27, 28 નવેમ્બર, 1953ના રોજ રવિશંકર મહારાજ પારડી તાલુકાના પ્રવાસે ગયા. શરૂઆતમાં જમીનદારોએ થોડી જમીન ભૂદાનમાં આપી, મહારાજના મન ઉપર સારી છાપ પાડવા પ્રયત્ન કર્યો. ફેબ્રુઆરી, 1954માં રવિશંકર મહારાજ ફરીથી 10 દિવસ માટે પારડીના પ્રવાસે આવ્યા. તેમણે ખેડ સત્યાગ્રહનાં કારણોની છણાવટ કરતું એક નિવેદન બહાર પાડ્યું. 10 ઑક્ટોબર, 1954ના રોજ રવિશંકર મહારાજે ‘પારડી વિકાસ સમિતિ’ની નિમણૂક કરી. આ સમિતિએ 130 પાનાંનો અહેવાલ બહાર પાડ્યો. તેમાં સત્યાગ્રહીઓની માગણી ન્યાયી છે અને ઘાસિયા જમીનમાં અનાજની ખેતી થવી જોઈએ એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો.

28 ઑક્ટોબર, 1954ના રોજ સરકારે પુણે યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડ્રાઇવરના અધ્યક્ષપદે 10 કૃષિ- અધિકારીઓની બનેલ સમિતિને વિગતવાર અભ્યાસ કરવાનું કામ સોંપ્યું. લોકોએ અહેવાલ તૈયાર કરવામાં સહકાર આપ્યો. આ સમિતિનો અહેવાલ બહાર પડે તે પહેલાં ઈશ્વરભાઈએ 7 મુદ્દાનો કાર્યક્રમ ઘડીને બહાર પાડ્યો.

સત્યાગ્રહનો બીજો તબક્કો : 1954થી 1959 : 1954માં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ પારડીનો પ્રવાસ કરીને કેટલાંક નિવેદનો કર્યાં; પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નહિ. આ જ સમયે પ્રજાસમાજવાદી પક્ષના પ્રમુખ આચાર્ય કૃપાલાની પારડી આવ્યા. તેમણે પારડીનો સત્યાગ્રહ ગાંધીવિચાર પ્રમાણેનો ઉમદા સત્યાગ્રહ છે એમ જણાવ્યું.

1954ના વર્ષ દરમિયાન 25,000 કરતાં વધુ ખેતમજૂરો આ લડતમાં જોડાયા. સત્યાગ્રહીઓએ ઘાસિયાં પર પિકેટિંગનો કાર્યક્રમ યોજી અસહકારને સફળ બનાવ્યો. જમીનદારોએ 5,000 એકર જમીન આપવાનો નિર્ણય જાહેર કર્યો. પિકેટિંગ બંધ કરવામાં આવ્યું, પણ અસહકાર ચાલુ રહ્યો.

મુંબઈ સરકારે 1955-56ના બજેટમાં ધરમપુર-પારડીની ઘાસિયા જમીનમાં અનાજની ખેતી કરવા રૂ. 30 લાખના ખર્ચવાળી યોજના તૈયાર કરી, ખેડૂતોની સહકારી મંડળી રચી તે મારફત ઘાસિયા જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું; પરંતુ આ પ્રશ્ન પક્ષીય રાજકારણમાં અટવાવાથી યોજના નિષ્ફળ ગઈ.

1956-57 દરમિયાન ઈશ્વરભાઈ દેસાઈ દમણ સત્યાગ્રહને લીધે ગોવાની જેલમાં હતા. તેમની ગેરહાજરીમાં પારડીમાં ઉત્તમભાઈ, ગોવિંદભાઈ વકીલ, કુમુદબહેન દેસાઈ તથા હકૂમત દેસાઈએ સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. આ સમય દરમિયાન જમીનદારોએ હાઈકૉર્ટમાં રીટ કરી હતી. ન્યાયમૂર્તિ ચાગલાએ ઘાસિયા જમીનને ખેતીલાયક ગણાવી ગણોતધારાની કલમ 65ને આધારે એવી જમીન સરકાર પોતાના વહીવટ હેઠળ લઈ શકે એવું જાહેર કર્યું.

1957માં પારડીમાંથી  પ્રજાસમાજવાદી પક્ષના ઉમેદવાર ઉત્તમભાઈ પટેલ ચૂંટાયા. ચૂંટણી પછી ફરીથી સત્યાગ્રહની શરૂઆત થઈ. આ વર્ષમાં 1 એપ્રિલ, 1954થી અમલમાં આવેલો નવો ગણોતધારો આખા રાજ્યને લાગુ પડ્યો. ગુજરાતમાં 5 લાખથી વધુ નોટિસો ગણોતિયા ઉપર કાઢવામાં આવી; એ પૈકી 5,000 નોટિસો પારડી વિસ્તારના ગણોતિયા ખેડૂતોને મળી. જમીનદારોએ ગણોતિયાઓ સામે અદાલતમાં દાવા કર્યા. આમ ક્રાંતિ અને પ્રતિક્રાંતિનાં બળો સામસામે આવ્યાં. પારડીના કિસાન કાર્યકર્તાઓને વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં શ્રદ્ધા બેઠી. તેમણે 21 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી 12 દિવસની પદયાત્રા કરી. ડિસેમ્બર, 1957માં પારડી તાલુકાનાં ઘણાં ગામોમાં શિબિરો યોજી ગ્રામદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું.

31 જાન્યુઆરી, 1958થી ઈશ્વરભાઈએ ફરીથી ગ્રામદાન આંદોલન અંગે પ્રવાસ શરૂ કર્યો. જમીનદારોએ થોડી જમીનો આપવાનો સંકલ્પ જાહેર કર્યો. ભૂદાન આંદોલન અંગે વિનોબાજી સાથે ચર્ચા કરવામાં આવી, છતાં ભૂદાન આંદોલનની પણ સ્થાપિત હિતો પર ખાસ અસર થઈ નહિ.

1959માં વિનોબાજી ગુજરાતના પ્રવાસે આવ્યા. કાર્યક્રમના આયોજકોએ તેમના સૂરત જિલ્લાના પ્રવાસમાંથી પારડી-ધરમપુર તાલુકાને બાદ રાખ્યા; તેથી પારડીના 1,000થી વધુ કિસાનો વિનોબાજીનાં દર્શન કરવા પારડીથી 120 કિમી.નો પગપાળો પ્રવાસ કરીને સૂરત ગયા. વિનોબાએ પારડી ખેડ સત્યાગ્રહને બિરદાવ્યો. 1959માં જમીન ટોચ-મર્યાદાના કાયદામાંથી છટકવા જમીનદારોએ જમીનના કૃત્રિમ ભાગલા કર્યા. કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના નામે જમીનો ચડાવવા માંડી. ઉત્તમભાઈના ઉપર હિંસક વર્ગવિગ્રહ કરવાનો આરોપ મૂકી તેમને તાલુકામાંથી તડીપાર કરવા નોટિસ કાઢી. ઉત્તમભાઈ ધારાસભ્ય હતા છતાં તેમની સામે આવાં પગલાં લેવાયાં, તેથી સમગ્ર તાલુકામાં ઉશ્કેરાટ ફેલાયો. સપ્ટેમ્બર-ઑક્ટોબર, 1959માં જમીનદારોનાં કાવતરાં તરફ સરકારનું ધ્યાન દોરી તે અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. 7 વર્ષના સત્યાગ્રહ પછી પણ આવી પરિસ્થિતિ સર્જાતાં ફરીથી આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી થઈ.

ફેબ્રુઆરી, 1960માં ઓરિસાના મુખ્યપ્રધાન અને જાણીતા ભૂદાન-કાર્યકર નભકૃષ્ણ ચૌધરી પારડીના પ્રવાસે આવ્યા. તેમણે સત્યાગ્રહીઓને બળ આપ્યું. ત્યાંની ઘાસિયા જમીન ખેતીલાયક છે એવો મત જાહેર કર્યો.

મે, 1960માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું. ગુજરાત સરકારે મુંબઈ સરકારનો જમીનની ટોચમર્યાદાનો ધારો ચાલુ  રાખ્યો; પરંતુ જમીનના ભાગલાની પ્રવૃત્તિ સામે તાત્કાલિક કશું કર્યું નહિ. 16 ઑગસ્ટ, 1960ના રોજ પારડી-ધરમપુર કિસાનોની રૅલી યોજાઈ. ફરીથી સત્યાગ્રહની તૈયારી થઈ. સત્યાગ્રહના નેતા ઈશ્વરભાઈ સાથે રસિકભાઈ પરીખ, જીવરાજ મહેતા અને મોરારજી દેસાઈની મંત્રણા યોજાઈ.

1 સપ્ટેમ્બર, 1960ના રોજ પારડી મુકામે મળેલી પ્રજાસમાજવાદી પક્ષની કારોબારીમાં સરકાર સાથે થયેલી મંત્રણાની ચર્ચા કરવામાં આવી અને 16 સપ્ટેમ્બર, 1960ના રોજ પરિયામાં વેલવાગડ મુકામે ફરીથી રૅલી યોજવાનું નક્કી થયું. સરકારે ‘જિલ્લા વિકાસ દળ’ની રચના કરી; પરંતુ તેમાં અહીંના કોઈ પ્રતિનિધિને સ્થાન ન આપ્યું. 1961માં સરકારની શુભ નિષ્ઠામાં વિશ્વાસ મૂકી સત્યાગ્રહ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો.

માર્ચ, 1962માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પારડી સત્યાગ્રહના બે નેતાઓ ઈશ્વરભાઈ ગણદેવીમાંથી અને ઉત્તમભાઈ પારડી વિભાગમાંથી પ્રજાસમાજવાદી પક્ષ તરફથી ચૂંટાયા. પારડીમાં ઉત્તમભાઈ કૉંગ્રેસના ઉમેદવાર સામે વિજયી બન્યા હતા એટલે પારડી તાલુકાની પ્રજાનો આ ખેડ સત્યાગ્રહને ટેકો હતો એમ સ્પષ્ટ થયું. 1 સપ્ટેમ્બર, 1962ની કિસાન રૅલીમાં સરકારને એક વર્ષમાં પારડીનો ઘાસિયા જમીનનો પ્રશ્ન ઉકેલવા આખરીનામું આપવામાં આવ્યું. સરકારે પારડી તાલુકાની જમીનની મોજણીનું કામ હાથ ધર્યું. 1 સપ્ટેમ્બર, 1963ની રૅલીમાં અખિલ ભારત પ્રજાસમાજવાદી પક્ષના મહામંત્રી પ્રેમ ભાસિનની હાજરીમાં સરકારને ફરીથી આખરીનામું આપી 10 સપ્ટેમ્બર, 1963ના દિવસથી સામુદાયિક ધોરણે ફરીથી 10 ગામોમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો. આ વ્યાપક સત્યાગ્રહની જાહેરાતથી વાતાવરણ તંગ બન્યું અને સરકારે મનાઈહુકમ પ્રગટ કર્યો. સૂરત જિલ્લાના કલેક્ટરે પારડી-ધરમપુર વિસ્તારમાં હથિયાર સાથે ફરવાની અને સૂત્રોચ્ચાર કરવાની મનાઈ ફરમાવી. તે પછી સરકારે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે ‘10 સપ્ટેમ્બરથી શરૂ થનાર ખેડ સત્યાગ્રહના વિચારને અમલમાં મૂકવાનું સલાહભર્યું નથી. તેનાથી અશાંતિ સર્જાશે. ખાનગી માલિકોની જમીન કાયદામાં જણાવ્યા અનુસાર જ પ્રાપ્ત કરી શકાય, સત્યાગ્રહથી નહિ’. સરકારનું આ નિવેદન 9 સપ્ટેમ્બર, 1963ના રોજ વર્તમાનપત્રોમાં છપાયું. સત્યાગ્રહની સામે સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસો અને એસ.આર.પી.ના જવાનોનો કાફલો ઉતારી બંદોબસ્ત ગોઠવ્યો.

10 સપ્ટેમ્બર, 1963ના રોજ ડુમલાવ ગામે સત્યાગ્રહ થયો. પોલીસે પ્રથમ ઈશ્વરભાઈને અટકમાં લીધા. પછી બીજા 17 સત્યાગ્રહીઓની ધરપકડ કરી. ઘાસિયા જમીનમાં પોલીસ તથા લોકોની દોડાદોડી ચાલુ રહી. 4 વાગ્યે ઉત્તમભાઈએ બધાંને પાછાં ફરવાનો આદેશ આપતાં માત્ર 10 મિનિટમાં 20થી 25 હજાર લોકો ઘાસિયાંમાંથી નીકળી ગયા.

દરમિયાન રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ બનેલા ઘણા મહત્વના બનાવો પારડીના પ્રશ્નને પણ સ્પર્શી ગયા. રાષ્ટ્રીય કક્ષાએ અશોક મહેતા અને તેમના કેટલાક સાથીઓ કૉંગ્રેસમાં જોડાયા. ગુજરાતમાં જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતા મુખ્ય પ્રધાન બન્યા. તેમની સાથે પારડીના પ્રશ્ન બાબતમાં સમાધાનના કરાર થયા. જમીનના સર્વેનું કામ શરૂ થયું. બળવંતરાય મહેતા સાથેની ચર્ચા પછી, પારડી ખેડ સત્યાગ્રહના નેતાઓ કૉંગ્રેસમાં જોડાયા. 4 ઑક્ટોબર, 1964ના રોજ તેમના કૉંગ્રેસના પ્રવેશ પછી મહિનામાં પારડીનો પ્રશ્ન ઉકેલવાનો હતો; પરંતુ સરકારનું કામ ધીમું પડી ગયું. સરકાર તરફથી નિરાશાજનક જવાબ મળવા લાગ્યા.

1 સપ્ટેમ્બર, 1965ની રૅલીમાં ગુજરાત સરકારને ચેતવણી આપવાનું નક્કી થયું કે જો રાજ્ય એના આપેલા વચનનું પાલન નહિ કરે તો છેવટના ઉપાય તરીકે કિસાનો ઘાસને બાળીને ડાંગરની રોપણી કરશે અને તે માટે 25 જુલાઈ, 1965 સુધીમાં ગુજરાત સરકારને પોતે કરેલી જાહેરાતનો અમલ કરવા જણાવાયું. દરમિયાન દેશ પર પાકિસ્તાનનું આક્રમણ થયું. સરકાર વચન-પાલન કરી શકી નહિ તેથી સત્યાગ્રહ ચાલુ રહ્યો.

17 સપ્ટેમ્બર, 1965ના દિવસે ઈશ્વરભાઈ અને સરકાર વચ્ચે મંત્રણા યોજાઈ. દરમિયાન હાઈકૉર્ટનો ચુકાદો પ્રગટ થયો. તે મુજબ જમીન ટોચ-મર્યાદાના ધારા હેઠળ ઘાસિયા જમીનને ડાંગરની ખેતી માટે ખેડાણ હેઠળ લઈ શકાય એમ જાહેર થયું. આનાથી સરકારનો માર્ગ મોકળો થયો.

21 માર્ચ, 1966ના દિવસે ઈશ્વરભાઈ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈ અને મહેસૂલ-પ્રધાન ઉત્સવભાઈ પરીખ વચ્ચે ઘાસિયા જમીનના પ્રશ્નનો છેવટનો નિર્ણય કરવા એક મુલાકાત ગોઠવવામાં આવી; પરંતુ એ મુલાકાતની માત્ર 20 મિનિટ પહેલાં જ ઈશ્વરભાઈનું અવસાન  થયું.

ઈશ્વરભાઈના મૃત્યુ પછી તેમનાં ધર્મપત્ની કુમુદબહેન દેસાઈની પારડી કિસાન પંચાયતના પ્રમુખપદે વરણી થઈ. ઉત્તમભાઈ, ગોવિંદભાઈ, અમૂલ દેસાઈ, હકૂમત દેસાઈ વગેરે એમના સાથીઓએ ખેડ સત્યાગ્રહનું કાર્ય આગળ ધપાવ્યું.

અંતે, ગુજરાતની નવી રચાયેલી સરકારના મહેસૂલ-પ્રધાન પ્રેમજીભાઈ ઠક્કર સાથે જમીનદારોના પ્રતિનિધિ અને પારડી કિસાન પંચાયતના પ્રતિનિધિઓએ અવિરત 14 કલાકની મંત્રણા કરી. 5 જુલાઈ, 1967ના દિવસે સરકાર અને જમીનદારો વચ્ચે કરાર થયા, જેનો સારાંશ નીચે પ્રમાણે છે :

(1) જમીનમાલિકો 14,000 એકર જમીન ભૂમિહીન આદિવાસીઓને વહેંચવા માટે ફાજલ પાડી આપશે. (2) 14,000 એકર પૈકી ટોચ-મર્યાદાના કાયદા હેઠળ 6,000 એકર જમીન નીકળે. બાકીની 8,000 એકર જમીન સરકાર જમીનમાલિકો પાસેથી સ્વૈચ્છિક રીતે લઈ શકશે. જે 8,000 એકર જમીન સરકાર હસ્તે સોંપાય તેની કિંમત મુખ્ય મંત્રીશ્રી નક્કી કરે તે જમીનદારોને મંજૂર રહેશે. (3) ઘાસિયા જમીનમાં ખેતી થાય તે માટે પ્રયત્ન કરવાની જમીનદારોએ ખાતરી આપી.

કરાર મુજબ મળેલી જમીનની ભૂમિહીનોને વહેંચણી કરવા દરેક તાલુકા માટે સરકારે સમિતિની રચના કરી. આ સમિતિમાં પારડી તાલુકામાં ઉત્તમભાઈ પટેલની કાળજી અને પરિશ્રમને કારણે યોગ્ય વહેંચણી થઈ શકી. બીજા તાલુકામાં સંતોષકારક કામ થયું નહિ.

પારડી વિભાગના ભૂમિહીન આદિવાસીઓને મળેલી જમીનની વહેંચણીનું કાર્ય ભારતનાં તે સમયનાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના હસ્તે પારડીમાં વિરાટ રૅલીમાં કરવામાં આવ્યું. ઇંદિરા ગાંધીએ પારડીમાં થયેલી ભૂમિક્રાંતિને બિરદાવી.

જે ઘાસિયા જમીન આદિવાસીઓને મળી તેમાં અનાજ પાકી શકે તેમ નથી એમ કહેવાતું. ત્યાં હાલમાં એક એકરે 65 મણ જેટલી ડાંગર આદિવાસી ખેડૂતો પકવે છે. કરવડ ગામે તો ભૂમિહીનોને મળેલી જમીનમાં સહકારી ખેતીનો સફળ પ્રયોગ પણ થયો. 23 જેટલાં હરિજન અને આદિવાસી કુટુંબોને એક સ્થળે જમીન આપવામાં આવી અને ઝૂંપડાં બાંધી વસવાટ કરાવી બીજાં સાધનો આપવામાં આવ્યાં. આ પ્રયોગથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રભાવિત થઈ.

પારડી વિસ્તારનાં ભૂમિહીન આદિવાસીઓ માટે આ ખેડ સત્યાગ્રહ આશીર્વાદ સમાન પુરવાર થયો. અનેક ગરીબ કિસાનો ખેતી કરતા થયા. તેમની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થયો. પ્રતિવર્ષ પારડી તાલુકાના હજારો કિસાનો નિશ્ચિત સ્થળે ભેગા મળી વિશાળ રૅલીનું આયોજન કરે છે. જોકે સત્યાગ્રહના બધા ઉદ્દેશો સંપૂર્ણપણે સફળ થયા નથી. 5 જુલાઈ, 1967ના રોજ જમીનદારો અને સરકાર વચ્ચે થયેલા કરાર પછી આ સત્યાગ્રહનો અંત આવ્યો; પરંતુ મોટા જમીનદારોએ પોતાની ઘાસિયા જમીનમાં ઘાસ ઉગાડવાનું ચાલુ રાખ્યું અને ટોચમર્યાદાના કાયદામાં છૂટછાટ મેળવી હતી, પરિણામે ખેડ સત્યાગ્રહના નેતાઓએ 1975 સુધી બહિષ્કાર અને અહિંસક સત્યાગ્રહ રૂપે પોતાની લડત ચાલુ રાખી હતી. આ લડતને બળ આપનાર 1 સપ્ટેમ્બર, 1953નો દિવસ તેમને માટે પ્રેરણારૂપ બન્યો છે.

ગુણવંતરાય દેસાઈ