પારડી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો તાલુકો અને તાલુકા-મથક. આ તાલુકાની ઉત્તરે  વલસાડ તાલુકો, દક્ષિણે ઉમરગામ તાલુકો, નૈર્ઋત્યમાં દાદરા-નગરહવેલી, પૂર્વ તરફ ધરમપુર તાલુકો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 425.9 ચોકિમી. છે અને વસ્તી 28,4,95 છે (2011). સાક્ષરતાની ટકાવારી 80.7 છે.

તાલુકાની મોટા ભાગની જમીન કાળી છે, તે ટ્રૅપ ખડકોના ઘસારા અને ધોવાણમાંથી તૈયાર થયેલી છે. મધ્યજીવયુગને અંતે ગુજરાત પર સમુદ્રનાં જળ ફરી વળતાં ચૂનાખડકો અને માટીનું 30 મીટર જાડું પડ બનેલું. તેની ઉપર રેતી, કંકર અને માટીના થરો છે. કિનારાની જમીન ખારી અને કળણવાળી છે. વગવાડ, ચોરવાડ, મોતીવાડા, મોરાઈ અને અર્જુનગઢ જેવી ટેકરીઓ આવેલી છે. પાર અને કોલક એ બંને નદીઓની લંબાઈ 78 કિમી. છે; આ સિવાય રતિ, બીલ, દમણગંગા, પીપરીથી, ભરુ, કોકડા, પાર્શ્વ નદીઓ પણ વહે છે. તે અનુક્રમે મહારાષ્ટ્રમાંથી અને ધરમપુરના જંગલમાંથી નીકળે છે.

દક્ષિણ ગુજરાત પ્રદેશમાં પારડીનું ભૌગોલિક સ્થાન

આ તાલુકામાં ગોઇમાનાં જંગલોમાં સાગ, સાદડ, મહુડો, ટીમરુ, બાવળ, બોરડી જેવાં વૃક્ષો અને ઘાસ થાય છે. ખનિજપેદાશોમાં રેતી અને માટી તથા ખડકોમાં ઇમારતી પથ્થર નીકળે છે.

આ તાલુકામાં ડાંગરનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. તે ઉપરાંત ઘઉં, ચણા, શેરડી, તેલીબિયાં, શાકભાજી તથા કેરી, કેળાં, ફણસ, ચીકુ જેવાં ફળો થાય છે. દરિયાકિનારે તાડ અને નાળિયેરી થાય છે. અહીં ઘાસ પણ ખૂબ થાય છે.

પારડી અને વાપીમાં ઔદ્યોગિક વસાહતો છે, તેમાં રસાયણો, ઇજનેરી, દવાઓ, પ્લાસ્ટિક વગેરેનાં ઘણાં કારખાનાં છે.  એશિયાનો સૌજન મોટો ઈન્ફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન વાપી ખાતે આપેલો છે. ઉમરગામમાં હોડીઓ બનાવવાનો વ્યવસાય ચાલે છે. કોલક, ઉમરસાડી, ઉમરગામ બંદરો માછીમારીનાં કેન્દ્રો છે. પારડીમાં ડેરી છે. ઉદવાડા શહેર આ તાલુકામાં આવેલ છે. જે જસ્થોષ્ટ્રીમનોનું મુખ્ય યાત્રાધામ ગણાય છે. અહીં આતશ મંદિર ઈ. સ. 1742માં બાંધવામાં આવ્યું હતું. પારસીઓનું `મક્કા’ ગણાય છે.

આ તાલુકામાં રસ્તા અને રેલમાર્ગની સગવડ છે.

આદિવાસી વસ્તી પ્રમાણમાં વધુ છે.

પારડી (શહેર) : પારડી શહેર 20o 31′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલું છે. મરાઠા સમયના અહીં આવેલા કિલ્લાને કારણે તે ‘કિલ્લે પારડી’ તરીકે ઓળખાય છે. આ શહેર વલસાડથી 12 કિમી. અને મુંબઈથી 173 કિમી. દૂર આવેલું છે. તે મુંબઈ-વડોદરા-દિલ્હી રેલમાર્ગ પરનું મથક છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8 અહીંથી પસાર થાય છે. ત્રૈકૂટક વંશના દહ્સેનના ઈ. સ. 456ના તામ્રપત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે.

પારડીમાં 1956 પછી નિયંત્રિત બજાર સ્થપાયા બાદ ડાંગર, કઠોળ અને ઘાસ વગેરે વેચાવા આવે છે. તે નજીકનાં ગામડાં માટે ખરીદ-વેચાણ કેન્દ્ર બની રહેલું છે. વ્યાપારી અનુકૂળતા માટે ચારેક બૅંકોની સગવડ પણ છે.

અહીં ચોખાની પાંચ અને તેલની બે  મિલો તથા કાગળનું એક કારખાનું છે. ઔદ્યોગિક વસાહતમાં 108 જેટલા શેડ છે. ત્યાં ઇજનેરી, પ્લાસ્ટિક, વીજળીનાં સાધનો, રાચરચીલું, બિન-લોહ ધાતુની ચીજવસ્તુઓ વગેરેનાં કારખાનાં છે. આ ઉપરાંત વાંસમાંથી ટોપલા, સૂપડાં જેવી વસ્તુઓ તથા નાળિયેરીના રેસામાંથી કાથી અને તેની વસ્તુઓ બને છે.

પારડીમાં માધ્યમિક અને ટૅકનિકલ શાળાઓ ઉપરાંત આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વ્યાયામશાળા અને તાલુકા પુસ્તકાલય છે. પંડિત સાતવળેકરનો વેદ આશ્રમ અહીં હતો.

પારડીની ઘાસિયા જમીન અંગેના અનન્ય સત્યાગ્રહને કારણે તે એક વખત દેશભરમાં જાણીતું બન્યું હતું.

શિવપ્રસાદ રાજગોર