પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau)

January, 1999

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau) : દુનિયાનો સૌથી વધુ ઊંચો ઉચ્ચસપાટપ્રદેશ.

દુનિયાનું છાપરું : પામિરનો ઉચ્ચપ્રદેશ

હિમાલય પર્વતમાળા અને હિન્દુકુશ, કારાકોરમ, ક્યુએન લુન, તિયેન શાન અને ટ્રાન્સ અલાઈ જેવી મધ્ય એશિયાની અન્ય ઊંચી હારમાળાઓને જોડતો પામિરનો મોટો વિસ્તાર જે ઉચ્ચસપાટપ્રદેશનું ભૂમિસ્વરૂપ છે તે ‘દુનિયાના છાપરા’ (roof of the world) તરીકે જગપ્રસિદ્ધ છે. ફારસી ભાષામાં `પામિર'(પા-ઈ-મીર)નો અર્થ શિખરોનો તળભાગ એવો થાય છે. પામિરની હારમાળા ગેડ પર્વતોથી બનેલી છે, જે પૈકીનાં ઘણાં પર્વતશિખરો 6,1૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળાં છે. અહીં પર્વતમાળાઓ મધ્યમાં આવેલી ગાંઠ (knot) પ્રતિ કેન્દ્રવર્તી બની રહે છે.

આ વિસ્તાર ઊંચાઈવાળા પર્વતોને કારણે જુદી પડી ગયેલી 3,6૦૦ મીટરથી વધુ ઊંચી, કાંપથી ભરેલી અને પહોળી ખીણોથી બનેલો છે. પામિરથી અગ્નિ તરફ હિમાલયની હારમાળા હિમાચ્છાદિત, અખંડિત તેમજ ઘાટોવાળી પર્વતમાળા તરીકે વિસ્તરે છે. અહીંના કેટલાક પર્વતો 5,2૦૦ મીટરથી ઓછી ઊંચાઈવાળા છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડયા