પશુપોષણ

પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત દાણ કે આડપેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે (જુઓ : સારણી 1).

1. ઘાસચારો : ઘાસચારાના બે પ્રકાર હોય છે : લીલો અને સૂકો. લીલો ચારો મુખ્યત્વે મોસમી હોય છે, જ્યારે સૂકો બારેય માસ મળી રહે છે. કણસલાં બંધાયેલાં ન હોય તેવા ઘાસચારાને ‘બાંટું’ કહે છે, જ્યારે સૂકા સાંઠાને ‘કડબ’ કહે છે. દરિયાઈ વનસ્પતિનો ઉપયોગ પણ ઘાસચારા તરીકે થાય છે.

2. દાણ : પશુપોષણ માટે વપરાતા દાણાને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય :

(અ.) અનાજ : બાજરી, મકાઈ, મઠ, જુવાર, જવ, ઓટ, બાવટો વગેરે.

(આ.) કઠોળ : ચણા, મગ, મઠ, ગુવાર, મેથી, સોયાબીન વગેરે.

(ઇ.) તેલીબિયાં : કપાસિયા, સરસવ, તલ, મગફળી, સોયાબીન, રાયડો વગેરે

3. આડપેદાશો : થૂલું, છાલ, ફોતરી, ગોતર, ખોળ, બગાસ, મોલૅસિઝ, દૂધનો પાઉડર, છાશ, પનીર, માંસ અને હાડકાંનો ભૂકો, માછલી કે તેનો ભૂકો.

ફળફળાદિની છાલ અને ગોટલીનો ઉપયોગ પણ પશુપોષણમાં કરવામાં આવે છે.

વાગોળતાં પશુઓનો ઘાસચારો કુદરતી તેમજ અગત્યનો ખોરાક છે; કારણ કે તેમના પાચનતંત્રની રચના પણ આવા ખોરાકને પચાવવા માટે જરૂરી સગવડવાળી છે. તેમના મોટા કદના જઠરમાં સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે જે ઘાસચારાને પચાવવામાં મદદરૂપ બને છે. વાગોળતાં પશુઓની પાચનક્ષમતા ઘણી જ વધુ હોય છે; તેથી તેમને પેટ ભરવા માટે વધુ ખોરાકની જરૂર હોય છે. ડુક્કર, ઘોડાં, ગધેડાં, મરઘાં જેવાં નહિ વાગોળનારાં પશુ-પ્રાણીઓના ખોરાકમાં મુખ્યત્વે દાણ, ખોળ જેવો અનાજ વર્ગનો ખોરાક હોવો જરૂરી છે. ઝડપથી વૃદ્ધિ કરતાં વાછરડા, પાડાં તેમજ દુધાળાં પશુઓ ફક્ત સૂકા ચારામાંથી પૂરતાં પોષક તત્વો મળતાં નથી; તેથી તેમને દાણ આપવું જરૂરી હોય છે. પશુ-આહાર ભાવે તેવો તેમજ સમતોલ હોવો જોઈએ.

સૂકો ચારો : કડબ, પરાળ, ગોતર જેવી જુદા જુદા પ્રકારની કૃષિની આડપેદાશોનો વાગોળતાં પશુઓના ખોરાક માટે ઉપયોગ થાય છે. કડબ અને પરાળમાં પોષક તત્વો ઓછાં હોવા છતાં જાનવરોનું વિશાળ જઠર ભરવા માટે તે જરૂરી છે. પરાળ અને કડબ કરતાં ગોતરમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને સહેલાઈથી પચે છે. આથી પરાળ અને ગોતરનું મિશ્રણ કરીને ખવડાવવાથી તે જાનવરોને વધારે ફાયદાકારક બને છે. જો સૂકા ચારાની સાથે ત્રીજા ભાગનો લીલો ચારો ખવડાવવામાં આવે તો જાનવર સૂકો ચારો વધારે ખાઈ શકે છે. પોષણની દૃષ્ટિએ કડબ-પરાળ કરતાં બાંટું ઘણું સારું હોય છે.

લીલો ચારો : ગૌચરમાં થતા ઘાસનો લીલા ચારા તરીકે ઉપયોગ થાય છે. ગામનાં પશુઓ તેમાં ચરતાં હોય છે. ગૌચરનું ઘાસ ઉત્તમ પ્રકારનું તેમજ પશુ-પાલન માટે ઓછું ખર્ચાળ હોય છે. વળી સૂકા કરતાં લીલા ચારામાં સામાન્ય પોષણતત્વોનું પ્રમાણ વધારે હોય છે; એટલું જ નહિ, પરંતુ વિટામિન ‘એ’ જેવાં જરૂરી તત્વો માત્ર લીલા ચારામાંથી મળી રહે છે. લીલા ચારા માટે નેપિયર ઘાસ, એન. બી. 21, કોઈમ્બતુર-1, ગિની ઘાસ, ગજરાજ, ન્યુપુસા-1 તેમજ પૅરા ઘાસ તથા બારમાસી રજકો બારે માસ જ્યાં પાણીની સગવડ હોય ત્યાં ઉગાડવામાં આવે છે. લીલો ચારો ઉગાડી ન શકાય ત્યાં ઝાડનાં પાંદડાંનો ઉપયોગ પશુઓને ખવડાવવામાં કરી શકાય. સાધારણ રીતે વડ, આમલી, પીપળો, લીમડો, રાયણ વગેરેનાં પાંદડાં પશુઓને ભાવે છે. તેમાંથી પણ પશુઓને વિટામિન ‘એ’ મળી રહે છે. ઝાડનાં પાંદડાંમાં કૅલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય છે; આથી જ કેટલાંક શાકભાજીનાં પાન (કોબીજ, ફ્લાવર, બટાકા, શક્કરિયાં, કેળ વગેરેનાં પાન), ફળોની છાલ વગેરેનો પણ પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. આવું કરવાથી લીલા ચારાની અછત કાંઈક અંશે ઓછી કરી શકાય છે.

પશુ-આહારમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ખોરાકી પદાર્થોમાં આવેલાં પોષક તત્વો

ક્રમ ખોરાકી-પદાર્થ રેસા % પ્રોટીન % કાર્બોદિતો % ચરબી %
 1. લીલો ચારો (કઠોળ-અનાજ) 35થી 50 10થી 20 30થી 40 1થી 3
 2. લીલો ચારો (ગોચર-ઘાસચારો) 20થી 30 5થી 15 30થી 50 1થી 3
 3. ઝાડપાન 10થી 20 12થી 25 40થી 50 1થી 3
 4. નીંદામણ 15થી 20 10થી 15 40થી 60 1થી 2
 5. શાકભાજી 10થી 25 10થી 25 40થી 50 1થી 2
 6. અન્ય (પાન) 15થી 30 5થી 15 40થી 50 1થી 4
 7. સૂકા દાણા (કઠોળ) 15થી 30 20થી 30 60થી 70 4થી 5
 8. સૂકા દાણા (અનાજ) 3થી 10 8થી 12 70થી 80 3થી 5
 9. સૂકા દાણા (તેલીબિયાં) 5થી 25 10થી 15 15થી 35 20થી 40
10. ચૂની (કઠોળ) 2થી 10 16થી 30 30થી 50 2થી 5
11. થૂલું (અનાજ) 5થી 10 10થી 15 60થી 75 1થી 3
12. ફોતરાં (કઠોળ) 15થી 35 10થી 25 40થી 50 1થી 3
13. છાલાં (કઠોળ, અનાજ) 15થી 40 5થી 15 40થી 60 1થી 5
14. ખોળ 10થી 20 20થી 40 30થી 40 10થી 20
15. અન્ય 10થી 20 20થી 25 30થી 50 3થી 5
16. બીજ 10થી 20 15થી 25 20થી 50 5થી 20

સ્પષ્ટીકરણ : (1) જાતજાતનાં કઠોળ અને અનાજ; (2) આલ ઘાસ, ગાંઠિયું વગેરે; (3) લીમડો, ગૂંદી, દિવેલા, બોર, ખજૂરી, આંબલી વગેરે; (4) લાણો, ચીઢો, ધરો, વાકુંબો વગેરે; (5) કોબીજ, કોબી-ફ્લાવર, શક્કરિયાં, શેરડી વગેરે; (6) પાનફૂટી, ગળો, કેતકી, ફાફડાથોર વગેરે; (7) મગ, ચોળા, કળથી, મઠ, તુવેર વગેરે; (8) ઓટ, બાજરી, વરી, જુવાર, નાગલી, જવ વગેરે; (9) તલ, કપાસિયાં, સૂર્યમુખી, કરડી વગેરે; (10) ગુવાર, અડદ, ચણા, તુવેર, વાલ વગેરે; (11) મકાઈ, વરી, રાઇસપૉલિશ, ઘઉં વગેરે; (12) મગ, તુવેર, કપાસિયાં, ચણા, અડદ વગેરે; (13) ઘઉં, કોદરા, મકાઈ, જુવાર, બાજરી વગેરે; (14) મગફળી, કપાસિયાં, અળસી, રાઈ, તલ, કરડી વગેરે; (15) ટામેટાં, કોબીજ, માલ્ટ, ડુંગળી વગેરેનો કચરો; (16) કૂંવાડિયા, કચૂકા (આમલી), ગોટલી (કેરી) વગેરે.

દાણ : પશુઓના ખોરાકમાં ઘાસચારાની સરખામણીમાં દાણમાં રહેલાં પોષક તત્વો વધુ સુપાચ્ય હોય છે. જુદા જુદા દાણમાં ખાસ કરીને રેસાનું પ્રમાણ વધારે હોય છે. રેસાઓને લીધે ખોરાકી ઘટકો સુવાહી બને છે અને અન્નમાર્ગમાંથી આ ખોરાકી ઘટકો સહેલાઈથી પસાર થઈ શકે છે. સામાન્ય રીતે દરેક દાણમાં તેનું પ્રમાણ 10 %12 %થી વધારે હોવું જોઈએ નહિ. કપાસિયાં, કપાસિયાંખોળ, બીજડા-ખોળ, ગાંડા બાવળની સિંગો વગેરેમાં 18 %થી 25 % રેસાવાળા પદાર્થો હોય છે. આ કારણોને લીધે ફક્ત એક જ દાણ પશુઓને આપવાથી પોષક તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી; તેથી હંમેશાં પશુઓને જુદા જુદા દાણનું જોઈતા પ્રમાણમાં મિશ્રણ કરીને આપવું હિતાવહ હોય છે. સામાન્ય રીતે દાણમાં એકબીજાંનાં પૂરક-પોષક તત્વો ભેગાં થવાથી તે પૌષ્ટિક બને છે અને કિંમતમાં પણ સસ્તું પડે છે.

શક્તિદાયક/મેંદાયુક્ત દાણ-અનાજ : જે દાણમાં મેંદાયુક્ત તત્વો 50 %થી 80 % અને પ્રોટીન 4 %થી 10 % જેટલું હોય તે દાણમાંથી પશુઓને વિપુલ પ્રમાણમાં કાર્યશક્તિ મળી રહે છે. તેમાં વિટામિન ‘બી’ સમૂહ પણ હોય છે, જ્યારે કૅલ્શિયમનું પ્રમાણ નહિવત્ હોય છે.

અનાજની આડપેદાશ : થૂલું, ચોખાની પૉલિશ, કુશકી, છોડાં, બ્રાન જેવી અનાજની આડપેદાશોમાં 8 %થી 12 % પ્રોટીન અને 50 %થી 75 % કાર્બોદિત પદાર્થો રહેલાં હોય છે. અનાજ પછી અનાજનું થૂલું સારું દાણ ગણાય છે. ઘઉંનું થૂલું સર્વોત્તમ દાણ છે; કારણ કે તે રેચક છે. તેમાં ફૉસ્ફરસનું પ્રમાણ પણ 1 % કરતાં વધુ હોય છે. ચોખાની પૉલિશમાં 12 %થી 19 % જેટલા તૈલી પદાર્થો હોવાથી તેના પ્રાશનથી પશુઓની કાર્યશક્તિ વધે છે. તેમાં વિટામિન ‘બી’ તથા ‘ઈ’ પણ રહેલાં છે. છોલાંમાં રેસાવાળો ભાગ વધુ હોવાથી દાણ-મિશ્રણમાં જથ્થો અથવા કદ વધારવા માટે 3 %થી 5 % જેટલું તે વપરાય છે.

મકાઈની આડપેદાશ : તેમાં મકાઈમાંથી સ્ટાર્ચ બનાવતાં ઉત્પન્ન થતી આડપેદાશો(જેવી કે, મકાઈનું ચળામણ, મકાઈના ટુકડા, મકાઈ-બીજનો ખોળ, મકાઈ ગ્લુટેન વગેરે)નો સમાવેશ થાય છે.

અન્ય મેંદાયુક્ત દાણ : દાણ મિશ્રણમાં મૉલૅસિઝ વાપરવાથી તે ખોરાકને રુચિકર અને સુપાચ્ય બનાવે છે.

પ્રોટીનયુક્ત દાણ : આ વર્ગના દાણમાં કઠોળ, તેલીબિયાં અને તેની આડપેદાશોનો સમાવેશ થાય છે.

તેલીબિયાંનો ખોળ : તેમાં ખાસ કરીને કપાસિયાનો, તલનો તથા મગફળીનો અને કોપરાંનો ખોળ, તથા સૉયાબીનનો સમાવેશ થાય છે. ખોળ પશુઆહારમાં ઉત્તમ પ્રોટીનયુક્ત આહાર ગણાય છે. ખોળમાં તેલનું પ્રમાણ નહિવત્ જ રહી જાય છે. કપાસિયાના ખોળમાં રેસાવાળો ભાગ વધુ હોય છે. તેવી જ રીતે કરડીના ખોળમાં પણ રેસાવાળા પદાર્થો વધુ હોય છે. મકાઈ ખોળમાં પ્રોટીન ઓછું હોય છે, પરંતુ પલાળવાથી તે ફૂલે છે; જેથી દાણનો જથ્થો વધુ દેખાય છે તેમજ પશુને તે ખૂબ જ ભાવે છે.

પ્રાણીજન્ય પ્રોટીનયુક્ત ખોરાક : આ વર્ગમાં દૂધ અને દૂધની બનાવટનો સમાવેશ થાય છે. માંસનો ભૂકો, લોહીનો પાઉડર, માછલીનો ભૂકો વગેરે પ્રાણીજન્ય-માંસજન્ય ખોરાકનો ઉપયોગ પણ દાણ તરીકે કરી શકાય છે.

કૃત્રિમ અથવા રાસાયણિક પ્રોટીનયુક્ત તત્વો : યુરિયા અને એમોનિયમ બાયકાર્બોનેટ એ નૉન-પ્રોટીનયુક્ત રાસાયણિક પદાર્થો છે. તે ફક્ત મેંદાયુક્ત તથા દાણવાળા ખોરાકમાં વધુમાં વધુ 1 % જેટલું ઉમેરીને વાગોળતાં-પશુઓને આપી શકાય છે. ખાસ કરીને ખોળ મોંઘા હોય ત્યારે યુરિયા પ્રોટીનની માત્રા વધારવા ઉપયોગમાં લેવાય છે. નાના ઊછરતા વાછરડાના ખોરાકમાં યુરિયા વપરાતું નથી.

અપ્રચલિત દાણ : અનાજનો ઉપયોગ માનવ-આહારમાં થાય છે, તેથી પશુ-આહારની ખેંચ રહે છે. હાલમાં પશુ-આહાર મેળવવા માટે સંશોધનો હાથ ધરાયાં છે, જેને લઈને કેટલાંક બિન-પ્રણાલીગત દાણ તથા ઘાસચારાનો ઉપયોગ પશુ-આહારમાં કરવામાં આવી રહ્યો છે. આવી ચીજવસ્તુઓમાં મુખ્યત્વે કૂંવાડિયો, કેરીની ગોટલી, સાલબીજ ખોળ, દેશી બાવળનાં સિંગ તથા બીજ, પરદેશી બાવળની ફળી (સિંગો), દરિયાઈ લીલ, મહુડાનો ખોળ, ફૂલ, ચેરફળ વગેરેનો તેમજ ઔદ્યોગિક કારખાનાંની (જેમ કે, કેનિંગ ઉદ્યોગની) આડપેદાશોનો-ટામેટાં-વેસ્ટ, કેરીની ગોટલી અને છાલ, કેળાંની છાલ વગેરેનો સમાવેશ થાય છે. તે પણ પશુઆહારમાં સંશોધનના આધારે વાપરવાની ભલામણો થયેલી છે. જોકે આવાં અપ્રચલિત દાણ પશુઆહારમાં સામાન્ય રીતે વપરાતાં નથી અથવા તો ઓછાં વપરાય છે; કારણ કે પશુઓને તે ઓછાં ભાવે છે અથવા તેનાથી તે ટેવાયેલાં હોતાં નથી.

હાલમાં જુદા જુદા પશુઆહારોનો સમન્વય કરી જુદા જુદા વર્ગનાં પશુઓ માટે ખાસ સુમિશ્રિત ખોરાક તૈયાર કરવામાં આવે છે. તેથી જુદાં જુદાં પ્રાણીઓને સમતોલ આહારનો પુરવઠો સહજસાધ્ય બને છે. આ આહાર પ્રમાણમાં સસ્તો હોય છે. તે આખા વર્ષ દરમિયાન મળી રહે છે. મુખ્યત્વે આ આહાર ટીકડી(pellet)ના સ્વરૂપમાં મળતો હોવાથી ભેળસેળ કરી શકાતી નથી અને એ રીતે શુદ્ધ માલ ગ્રાહક પાસે પહોંચે છે.

પશુઓની જરૂરિયાતને અનુલક્ષીને ઊછરતાં પશુ, પુખ્ત સગર્ભા પશુ, દુધાળાં પશુ માટે વિશિષ્ટ આહારનું ઉત્પાદન કરવામાં આવે છે.

ખેતી, જંગલ અને ઔદ્યોગિક આડપેદાશોનો ઉપયોગ સુમિશ્રિત ખોરાક બનાવવામાં થાય છે; તેથી ખોરાકની કિંમત ઘટાડી શકાય છે.

બજારમાં તથા ગ્રાહકોમાં સુમિશ્રિત પશુ-આહાર બનાવતી ભારતીય માનક સંસ્થા I.S.I. (B.I.S.) છે. તેનું પ્રમાણપત્ર મેળવવા જે તે દાણ-ઉત્પાદકોને ISSનાં ધોરણો પ્રમાણે ગુણવત્તાની જાળવણી કરવી પડે છે. આ સંસ્થા વારંવાર દાણઉત્પાદકોના તૈયાર માલમાંથી નમૂનાઓ ભેગા કરે છે અને તેમની ચકાસણી કરે છે. તેથી જ હમેશાં પ્રમાણિત થયેલો પશુઆહાર વાપરવાનો આગ્રહ રાખવો હિતાવહ છે.

ભારતીય માનક સંસ્થાપ્રમાણિત ધોરણો

જાનવરોના સુમિશ્રિત દાણનાં ધોરણો (આઇએસ 2051979)

પ્રકાર 1 પ્રકાર 2
1. ભેજ-જથ્થાના ટકા-વધુમાં વધુ 11 11
2. પ્રોટીન-જથ્થાના ટકા-ઓછામાં ઓછા 22 20
3. ફૅટ-જથ્થાના ટકા-ઓછામાં ઓછા 3 2.5
4. રેસાવાળાં તત્વોના ટકા-વધુમાં વધુ 7 12
5. સિલિકા-જથ્થાના ટકા-વધુમાં વધુ 3 4

ઉપરના સુમિશ્રિત દાણમાં 2.0 % મીઠું, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ ઓછામાં ઓછાં 0.5 % અને વિટામિન ‘એ’ (આઇ. યુ. / કિગ્રા.) 5000 હોવું જોઈએ.

ઊછરતાં પશુઓ માટેના સુમિશ્રિત દાણના ઘટકો (આઇએસ 5561970)

કાફ-સ્ટાર્ટર મીલ ગ્રોઅર  મીલ
1. ભેજ-જથ્થાના ટકા-વધુમાં વધુ 11 11
2. પ્રોટીનજથ્થાના ટકા 23 થી 26 22થી 25
3. ફૅટના જથ્થાના ટકા-ઓછામાં ઓછા 4
4. રેસાવાળાં તત્વોના ટકા-વધુમાં વધુ 7 10
5. રાખ-જથ્થાના ટકા-વધુમાં વધુ 5 5
6. સિલિકા-જથ્થાના ટકા-વધુમાં વધુ 2.5 3.5

ઉપર દર્શાવેલ સુમિશ્રિત દાણમાં મીઠું વધુમાં વધુ 1.5 %, કૅલ્શિયમ ઓછામાં ઓછું 1.2 %, ફૉસ્ફરસ ઓછામાં ઓછું 2.5 % હોવું જરૂરી છે. વિટામિન ‘એ’ કાફ-સ્ટાર્ટરમાં 10,000 આઇ.યુ./કિગ્રા. અને ગ્રોઅર મીલમાં 5,000 આઇ.યુ./કિગ્રા. હોવું જરૂરી છે. કુલ પાચ્ય તત્વો અનુક્રમે 70 % અને 65 %, કાફ-સ્ટાર્ટર અને ગ્રોઅર મીલમાં અને પાચ્ય પ્રોટીન 17 % અને 16.5 %, કાફ-સ્ટાર્ટર અને ગ્રોઅર મીલમાંથી મળવાં જોઈએ.

સુમિશ્રિત દાણનું બંધારણ : સુમિશ્રિત દાણ જુદી જુદી કક્ષાનાં પશુઓ માટે તેમનાં પોષક તત્વોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે કાચા માલની લભ્યતા અને કિંમત ધ્યાનમાં લઈ સુમિશ્રિત દાણના ઘટકોનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે.

(1) નાનાં ઊછરતાં વાછરડાં/પાડિયાં માટે કાફ-સ્ટાર્ટર મીલના ઘટકો (ટકામાં) : ઉંમર 8થી 26 અઠવાડિયાં સુધી :

જવ અથવા મકાઈ 30
ચણા 10
મગફળી-ખોળ 30
ઘઉંનું થૂલું 27
ક્ષાર-મિશ્રણ 1
મીઠું 2

(2) પુખ્ત વયનાં પશુઓ માટેના સુમિશ્રિત દાણના ઘટકો (ટકામાં) :

કોઈ પણ સારો ખોળ 27
કઠોળ વર્ગની ચૂની 25
ચોખા-પૉલિશ/કુશકી/ડીઑઇલ્ડ રાઇસ બ્રાન 15
અનાજની આડપેદાશ (થૂલું) 15
મૉલૅસિઝ 10
છાલાં/ઢૂણસા 5
ક્ષાર-મિશ્રણ 2
મીઠું 1

(3) સગર્ભા પશુઓ માટે સુમિશ્રિત દાણના ઘટકો (ટકામાં) :

ઘઉંનું થૂલું 40
મગફળી કે બીજો કોઈ ખોળ 20
ચણા, તુવેરની ચૂની 17
ગુવાર 10
મૉલૅસિઝ 10
ક્ષાર-મિશ્રણ 2
મીઠું 1

(4) દુધાળાં પશુઓના સુમિશ્રિત દાણના ઘટકો (ટકામાં) :

ગુવાર મીલ કે ચૂની અથવા બીજી તેવી આડપેદાશ 15
કોઈ પણ ખોળ – મુખ્યત્વે સારા પ્રોટીનવાળો 20
મકાઈ-ગ્લુટેન 15
ચોખાની પૉલિશ 15
ઘઉં અથવા મકાઈનું થૂલું 17
મૉલૅસિઝ 10
અનાજ અથવા કઠોળનાં છાલાં 5
ક્ષાર-મિશ્રણ 2
મીઠું 1

1. ઢોરનો દૈનિક આહાર : જુદી જુદી કક્ષાનાં પશુઓ એટલે કે વાછરડાં/પાડિયાં, દુધાળાં ગાય-ભેંસ, ગાભણ પશુ, બળદ, આખલા કે પાડા અને વસૂકેલાં પશુઓને દાણ-ઘાસચારાની જરૂરિયાત જુદી જુદી હોય છે. તેમને દાણ તથા લીલો અને સૂકો ચારો કેટલા પ્રમાણમાં આપવો જોઈએ તે વિશેની વિગત નીચે મુજબ છે :

વાછરડાં અને પાડિયાંનો આહાર : વાછરડાં/પાડિયાં વૃદ્ધિ પામતાં હોય છે. તેથી તેમને આહારમાં શક્તિદાયક પદાર્થ ઉપરાંત વધુ પ્રમાણમાં પ્રોટીન, ખનિજ તત્વો અને વિટામિનની જરૂર રહે છે.

વાછરડું/પાડિયું જન્મે કે તેને એક કલાકની અંદર કરાંઠું કે ખીરું મળવું જોઈએ. કરાંઠામાં રોગપ્રતિકારક શક્તિ આપે તેવાં તત્વો હોય છે, જે તેમના જન્મ પછી એક કલાકની અંદર આપવામાં આવે તો વાછરડાં/પાડિયાંને વધુ પ્રમાણમાં રોગ સામે પ્રતિકાર કરી શકે તેવાં તત્વો તેમાંથી મળી રહે છે.

સામાન્ય રીતે વાછરડાં/પાડિયાંને ત્રણથી છ માસ કે તેથી વધુ સમય માટે ધવડાવવામાં આવે છે. શરૂઆતના પંદર દિવસ સુધી વાછરડું/પાડિયું ઘાસચારો કે દાણ બરાબર ખાઈ શકતું નથી. પરંતુ તે પછી વાછરડાં/પાડિયાંને તેમને માટેનું સારી જાતનું દાણ થોડું થોડું આપવું જરૂરી હોય છે. વળી ત્યારે સારી જાતનો લીલો તથા સૂકો ચારો પણ આપવાની જરૂર હોય છે.

વસૂકેલ ગાય, ભેંસનો આહાર : જે ગાય-ભેંસ દૂધ નથી આપતી અને છેલ્લા ત્રણ માસથી ગર્ભાવસ્થામાં હોતી નથી તેને તથા કામ ન કરતા બળદોને પોષક તત્વો ફક્ત તેમના શરીરના નિભાવ માટે જ જોઈતાં હોય છે.

વસૂકેલાં ગાય ભેંસ કે કામ ન કરતા બળદોનો દૈનિક આહાર (કિગ્રા.) :

સમતોલ દાણ-મિશ્રણ 1.0થી 1.5
કઠોળ-વર્ગનો લીલો ચારો (રજકો/ચોળા/ગુવાર વગેરે) 3
ધાન્ય વર્ગનો લીલો ચારો (મકાઈ/જુવાર/એન.બી. 21 વગેરે) 8થી 10
સૂકો ચારો (સૂકું ઘાસ/કડબ/પરાળ વગેરે) ખાઈ શકે તેટલો, 5થી 7

દુધાળાં પશુનો આહાર : દૂધ-ઉત્પાદન આપતાં પશુને નિભાવ ઉપરાંત દૂધ-ઉત્પાદન માટે વધુ પોષક તત્વોની જરૂર રહે છે. વળી, તેમનું દાણમિશ્રણ પણ સારી ગુણવત્તાવાળું હોય એ જરૂરી છે.

દુધાળાં પશુના નિભાવ માટે દૈનિક આહાર : કિગ્રા.

સમતોલ દાણ-મિશ્રણ 1.0થી 1.5
કઠોળ-વર્ગનો લીલો ચારો (ઓછામાં ઓછો) 4થી 5
ધાન્ય વર્ગનો લીલો ચારો (ઓછામાં ઓછો) 8થી 12
સૂકો ચારો ખાઈ શકે તેટલો, 6થી 9

દુધાળાં પશુઓમાં ગાયને દર 2.5થી 3.0 કિગ્રા. દૂધ-ઉત્પાદનદીઠ એક કિલોગ્રામ વધારાનું દાણ, તો ભેંસને દર 2.0થી 2.5 કિગ્રા. દૂધ-ઉત્પાદનદીઠ એક કિગ્રા. વધારાનું દાણ આપવું જરૂરી છે. વળી, ગાય કે ભેંસ પ્રથમ કે બીજા વેતરમાં હોય ત્યારે તેને અનુક્રમે 400થી 200 ગ્રામ વધારાનું દાણમિશ્રણ અપાય છે.

સંકર ગાયોને સારી જાતનું દાણમિશ્રણ અને લીલો ચારો વધુ પ્રમાણમાં આપવો જરૂરી હોય છે.

ગાભણ પશુનો આહાર : ગાભણ પશુને શરૂઆતના છ-સાત મહિના સુધી વધારાનાં દાણ કે પોષક તત્વોની જરૂરિયાત હોતી નથી; પરંતુ છેલ્લા ત્રણ મહિના દરમિયાન બચ્ચાનો વિકાસ ઘણો ઝડપથી થતો હોવાથી બચ્ચાના વિકાસ માટે તેમજ આવનાર વેતરમાં દૂધ-ઉત્પાદન વધુ મળે તે માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના પશુને વધારાનું દાણ આપવું જોઈએ. આ માટે શરૂઆતમાં નિભાવ ઉપરાંત એક કિલોગ્રામ દાણ આપી દર પંદર-વીસ દિવસે 500 ગ્રામ તે વધારતા જવું પડે છે, જેથી જ્યારે ગાય-ભેંસ વિયાય ત્યારે રોજનું 4 કિગ્રા. કે વધુ દાણ ખાઈ શકે. આ પદ્ધતિને ‘સ્ટીમિંગ અપ’ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિ અપનાવવાથી ગાય-ભેંસ વિયાય ત્યારે તેમને વિયાણનું દાણ કે ગોળ, તેલ, અસાળિયો વગેરે આપવાની જરૂર રહેતી નથી.

બળદ અને આખલાનો આહાર : ગુજરાતમાં બળદોને કામમાં લેવાના થાય (એટલે કે જેઠ મહિનાથી ખેતીના કામમાં ઉપયોગમાં લેવામાં આવે) ત્યારે દાણ આપવામાં આવે છે; પરંતુ બાકીના સમયગાળા દરમિયાન દાણ આપવામાં આવતું નથી. તે પ્રથા બરાબર નથી. બળદોને પણ, જ્યારે કામ ન લેતા હોઈએ ત્યારેય એકથી દોઢ કિલોગ્રામ દાણમિશ્રણ આપવું હિતાવહ છે. જોકે તેમને ઓછા પ્રોટીનવાળું દાણમિશ્રણ પણ આપી શકાય.

બળદઆખલા માટેનો દૈનિક આહાર (કિગ્રા.)
બળદ આખલો
સમતોલ દાણમિશ્રણ 2થી 3 3.0
કઠોળ-વર્ગનો લીલો ચારો (ઓછામાં ઓછો) 5થી 6 5.0
ધાન્યવર્ગનો લીલો ચારો 10થી 14 10થી 14

2. બકરાંનો દૈનિક આહાર : બકરાંનો મુખ્ય આહાર ઘાસચારો છે, જેમાં મુખ્યત્વે ઝાડ-પાન છે. તદુપરાંત નાના છોડનાં પાન, વેલા વગેરે તે ખાય છે. તેમને ચરવાનું વધુ ગમે છે. બકરાં ગોચરનો ચારો પણ ચરે છે. ઉગાડેલા ઘાસચારાનાં બરસીમ, રજકો, ચોળા, ઓટ, મકાઈ, જુવાર, ગાજર તેમજ શાકભાજીનાં પાદડાં તે ખાય છે.

નાનાં બચ્ચાંનો ખોરાક (ક્રિપ-મિશ્રણ) : બકરાં અને ઘેટાંનાં નાનાં બચ્ચાં(1થી 12 અઠવાડિયાંની ઉંમર સુધીનાં)ને જેમાં 12 %થી 18 % પાચ્ય પ્રોટીન તેમજ 70 %થી 80 % સુધી કુલ પાચ્ય તત્વો હોય તેવું સારી ગુણવત્તાવાળું દાણ આપવામાં આવે છે. તે બચ્ચાંને ભાવે તેવું અને સહેલાઈથી પચી શકે તેવું હોય છે. તેને ‘ક્રિપ-મિશ્રણ’ કહેવામાં આવે છે. ક્રિપ-મિશ્રણમાં સામાન્યત: મકાઈ 30 %થી 40 %, મગફળી-ખોળ અથવા અન્ય સારી જાતનો ખોળ 20 %, માછલીનો ભૂકો 10 %, ઘઉંનું થૂલું 5 %થી 10 %, મૉલૅસિઝ 5 %થી 10 %, ક્ષારમિશ્રણ 2 % અને મીઠું 1 % હોય છે. આ ઉપરાંત 100 કિગ્રા. ક્રિપ-મિશ્રણમાં 150 ગ્રામ ટી.એમ.5 પણ ઉમેરવામાં આવે છે.

બકરાંનો વાડામાં રાખીને ઉછેર કરવાનો હોય તો તાજા જન્મેલા બચ્ચાનેલવારાને (જન્મથી ત્રણ માસ સુધી) નીચે મુજબનો દૈનિક આહાર અપાય છે :

બચ્ચાની ઉંમર (દિવસ) વજન કિગ્રા. દિવસમાં કેટલી વખત દૂધ પાવું ? બકરી થવા ગાયના દૂધની માત્રા (મિલી.) લીલો ચારો સારી ગુણ વત્તાવાળું દાણ (ક્રિપમિશ્રણ) ગાય)
1થી 7 1થી 3 બકરી સાથે 300
8થી 30 3થી 6 3 350 ખાય તેટલો ખાય તેટલો
31થી 60 6થી 9 2 400 ખાય તેટલો 100થી 150
61થી 90 9થી 12 2 200 ખાય તેટલો 200થી 250

જો બકરીને ચરવાની સારી સગવડ ન હોય તો બચ્ચાને દરરોજ આશરે 100થી 200 ગ્રામ જેટલું દાણ અપાય છે. આ ઉપરાંત ગોતર અથવા પરાળ તે ખાય તેટલું અપાય છે. દૂધ આપતી બકરીને સારું ઘાસ અને 250થી 300 ગ્રામ દાણ આપવાથી તેની પોષક તત્વોની જરૂરિયાત પૂરી થાય છે. ગાભણ બકરીને છેલ્લા 45 દિવસ દરમિયાન દરરોજનું ચરવા ઉપરાંત 250 ગ્રામ દાણ અથવા સારી જાતનો ઘાસચારો આપવામાં આવે છે. પ્રજનન માટે બકરાને તેના શરીરના કદ પ્રમાણે 250, 300 અને 400 ગ્રામ દાણ ઉપરાંત સારી જાતનો લીલો અને સૂકો ચારો આપવો જરૂરી છે.

પશ્મીના જાતનાં બકરાંનો દૈનિક આહાર

લવારું બકરી બકરા
1થી 3 માસ 3 માસ ઉપર ગાભણ દૂધ આપતી (પ્રજનન માટે)
ક્રિપ-મિશ્રણ (ગ્રામ) 250
સુમિશ્રિત દાણ (ગ્રામ) 250 350 350 250
પાંદડાં (ઝાડ-પાન) 1 5 5 5 5
અથવા લીલું ઘાસ (કિગ્રા.)

3. ઘેટાંનો દૈનિક આહાર : ઘેટાની ચરવાની ટેવ બકરાના કરતાં જુદી હોય છે. ઘેટાના હોઠમાં ફાટ હોવાથી તે તદ્દન નાની અથવા ઝીણી વનસ્પતિ/ઘાસ વગેરે સહેલાઈથી ચરી શકે છે. જ્યારે બીજાં પશુઓ એટલું ઝીણું ઘાસ ચરી શકતાં નથી. ઘેટાના નાના બચ્ચાને બકરાના નાના બચ્ચાનો આહાર આપી ઉછેરી શકાય છે, જે અંગેની માહિતી બકરાના ખોરાકમાં આપવામાં આવી જ છે.

ઘેટાના મોટા બચ્ચાનો આહાર (12થી 15 કિગ્રા. વજન) : ગોચરના ઘાસચારા ઉપરાંત ઘેટાને નીચે મુજબનો ખોરાક આપવામાં આવે છે.

વજન કિગ્રા. સુમિશ્રિત દાણની માત્રા ગ્રા./દિવસ ઓટ કે સારી જાતનો સૂકો ચારો ગ્રા./દિવસ નોંધ
12થી 15 200 400 જો ચરાણની સારી વ્યવસ્થા હોય અને 8 કલાક ચરવાની વ્યવસ્થા હોય તો ઘાસચારો આપવાની જરૂર રહેતી નથી.
16થી 25 250 600
26થી 35 300 700

સૂકા ઘાસચારાની ગુણવત્તા સારી ન હોય તો દાણ ઘેટાદીઠ અનુક્રમે 300, 400 અને 600 ગ્રામ/દિવસ અપાય છે. પ્રજનનયોગ્ય ઘેટાં-ઘેટીઓને સારી ગુણવત્તાવાળો ઘાસચારો અપાય છે. આ ઉપરાંત 200થી 300 ગ્રામ સુમિશ્રિત દાણ અપાય છે. જો લીલા ઘાસમાં મકાઈ, ચોળા, બરસીમ, રજકો વગેરેની સગવડ હોય તો દાણની જરૂરિયાત પ્રમાણમાં ઓછી થાય છે. દૂધ આપતી ઘેટીઓને વિયાણ પછીના દસ દિવસ સુધી સૂકા રજકાનું નીરણ કરાય છે. અગિયારમા દિવસથી બચ્ચાં ધાવે ત્યાં સુધી દરરોજનું 250 ગ્રામ સુમિશ્રિત દાણ ઉપરાંત સારી ગુણવત્તાવાળો કઠોળવર્ગનો સૂકો ચારો ખવડાવી શકાય. ત્રણ માસ પછી નિભાવ માટેનો ખોરાક આપી શકાય.

પ્રજનનનો સમય શરૂ થતા અગાઉ, બે અઠવાડિયાં પહેલાં, દરેક પ્રજનનયોગ્ય ઘેટીને દરરોજનું સારા ઘાસચારા ઉપરાંત 200 ગ્રામ સુમિશ્રિત દાણ આપવાથી તેમનું ગાભણ થવાનું પ્રમાણ વધી જાય છે.

ઊનના સારા ઉત્પાદન માટે ઘેટાના આહારમાં જરૂરિયાત મુજબનાં પોષક તત્વો(જેવાં કે ગંધકવાળા ઍમિનો અમ્લ તેમજ ખનિજ તત્વો)નું પ્રમાણ જળવાઈ રહે એ જરૂરી છે.

4. ઊંટનો દૈનિક આહાર : જુદી જુદી ઉંમરના ઊંટને દૈનિક આહાર નીચે મુજબ આપી શકાય :

ઉંમર સૂકો ચારો સુમિશ્રિત દાણની
(કિગ્રા.) માત્રા (કિગ્રા.)
0થી 6 માસ 2.5 0.5
6થી 12 માસ 2.5 0.5
1થી 2 વર્ષ 5.0 1.0
2થી 3 વર્ષ 8.0 1.5
3 વર્ષથી ઉપરનાં 12.0 2.5
પુખ્ત 15.0 3.0

સામાન્ય રીતે ઊંટના માલિકો ઊંટને જ્યારે કામ ન હોય ત્યારે ચરવા છોડે છે અને ઊંટ પોતાના નિભાવ માટેનાં જરૂરી પોષક તત્વો મેળવી લે છે. ઊંટને બધા જ પ્રકારની વનસ્પતિ ભાવે છે જેમાં ઝાડનાં પાદડાં, ઝાંખરાનાં પાન તેમજ વેલાનાં પાન વગેરેનો સમાવેશ થાય છે. ઊંટને ખારી, કડવી તેમજ તૂરો સ્વાદ ધરાવતી વનસ્પતિઓ ચરવાની ટેવ હોય છે.

5. ઘોડા અને ગધેડાનો દૈનિક આહાર : દરરોજ 3થી 4 કલાક સુધી કામ કરતા ઘોડા, ખચ્ચર અને ગધેડાને 8થી 10 કલાક સુધી મધ્યમ કક્ષાની ચરાણ-વ્યવસ્થા પૂરી પડાય છે. તે ઉપરાંત ખોરાકની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવે છે. વધુ પડતું zકામ કરતાં ખચ્ચરોને ચરવા ઉપરાંત ઘરઆંગણે દાણ, પરાળ અથવા બાંટું ખવડાવવામાં આવે છે. ઘોડાદોડમાં ભાગ લેતા ઘોડાઓની સવિશેષ કાળજી રાખવાની હોય છે.

જુદી જુદી કક્ષાના ઘોડાઓનો આહાર

ઘોડાનો આહાર સુમિશ્રિત દાણની

માત્રા (કિગ્રા.)

લીલો ચારો

(કિગ્રા.)

સૂકા ચારાની

માત્રા (કિગ્રા.)

1 વર્ષથી નીચેની ઉંમર (250થી 270 કિગ્રા.) 2.5થી 3.0 3.0થી 3.5
1 વર્ષથી 1.5 વર્ષ સુધી (330 કિગ્રા.) 1.5થી 1.7 5.0થી 5.2
1.5 વર્ષથી 2 વર્ષ સુધી (365 કિગ્રા.) કામ કરતા ઘોડાઓ માટે 1.5થી 1.7 9.5થી 10.0
અ. 400 કિગ્રા. વજન 3.0થી 3.5 5.0થી 6.0
બ. 500 કિગ્રા. વજન 2.6થી 2.8 9.0થી 10.0
ઘોડી માટે
પ્રજનનયોગ્ય 10.0થી 5.0 8.0થી 9.0
ગાભણ (છેલ્લા ત્રણ માસમાં) 2.0થી 2.5 4થી 5 4.5થી 6.0
દુધાળ (પહેલા ત્રણ માસ) 4.0થી 4.5 4.5થી 5.0 4.0થી 5.0
દુધાળ (ત્રણ માસ પછી) 3.5થી 4.0 15.0થી 20.0 5થી 6

ખનિજ – મિશ્રણ તેમજ મીઠું તેમના આહારમાં ઉમેરવું જરૂરી હોય છે. આ ઉપરાંત પિવાય તેટલું સ્વચ્છ અને તાજું પાણી તેમને મળી રહે તેવું પણ થવું જોઈએ.

ખચ્ચર અને ગધેડાને ઘોડા કરતાં સરખી સ્થિતિમાં 75 % ખોરાકની જરૂરિયાત હોય છે. તે પ્રમાણે તેમના આહારના આયોજનમાં ફેરફાર કરી શકાય. સામાન્ય રીતે ખચ્ચર અને ગધેડાં ચરવા ઉપર નભે છે; તેથી જ્યારે 8થી 10 કલાક સુધી કામ કરે છે ત્યારે તેમને સૂકું ઘાસ અથવા બાંટું 5થી 6 કિગ્રા. અને તે ઉપરાંત 2.0થી 2.5 કિગ્રા. સુધી દાણ (ચણા, ઓટ, ઘઉંનું થૂલું અને મીઠું) ખવડાવી શકાય.

6. સસલાંનો આહાર : સસલાને કુમળો ચારો બહુ ભાવે છે. ઉપરાંત, તે રજકો, બરસીમ, ચોળા, ગુવાર પણ ખાય છે. ગોચરનું ધરો જેવું ઘાસ તેને વધારે પસંદ પડે છે. સસલાનો સારી રીતે ઉછેર કરવો હોય તો તેને ઘાસચારા ઉપરાંત દાણ આપવું જોઈએ.

સસલા માટેનું દાણ

ઘટક ટકા
મકાઈ/જવ 30
મગફળીનો ખોળ 15
ઘઉંનું થૂલું 53
ક્ષાર-મિશ્રણ 1
મીઠું 1
કુલ 100

7. ડુક્કર(ભુંડ)નો દૈનિક આહાર : ડુક્કરના આહારમાં ઘાસચારાનો સમાવેશ 5 % જેટલો થાય છે. ડુક્કરનાં નાનાં બચ્ચાં પ્રથમ અઠવાડિયામાં દૂધ પીએ છે. નાનાં બચ્ચાંની ખોરાકની જરૂરિયાત દૂધમાંથી પૂરી થઈ જાય છે; પરંતુ જો દૂધ-ઉત્પાદન ઓછું હોય તો તેમને નાનાં બચ્ચાં માટેનું ખાસ દાણ (ક્રિપ-મિશ્રણ) પણ ખવડાવવામાં આવે છે. જુદી જુદી કક્ષાના ડુક્કરનો દૈનિક આહાર નીચે મુજબ હોય છે.

પ્રકાર શરીરનું વજન (કિગ્રા.) ખોરાકની માત્રા (કિગ્રા./દિવસ/પશુ)
તાજાં જન્મેલાં નાનાં બચ્ચાં 2થી 5 0.40થી 0.50
ઊછરતાં બચ્ચાં 5થી 10 0.60
ઊછરતાં નાનાં-મોટાં બચ્ચાં 10થી 20 1.2
20થી 35 1.6થી 1.7
35થી 100 2.5થી 3.5
ઊછરતી પ્રજનનયોગ્ય ભૂંડણ 105થી 155 2.0
પુખ્ત વયની પ્રજનનયોગ્ય ભૂંડણ 155થી 245 2.0
પ્રથમ વિયાણવાળી દુધાળ ભૂંડણ 130થી 200 5.0
દુધાળ ભૂંડણ 200થી 245 5.3થી 5.5
પ્રજનન માટે નાનું ભુંડ 105થી 175 2.4થી 2.5
પુખ્ત વયનું ભુંડ 175થી 245 2.0

જો સારી ગુણવત્તાવાળો લીલો ચારો ખવડાવવો હોય તો નીચે પ્રમાણેના ખોરાકનું આયોજન કરવું જોઈએ (દૈનિક કિગ્રા.).

પ્રકાર દાણ બરસીમ/રજકો
ગાભણ ભૂંડણ 2.0થી 2.5 5થી 6
પ્રથમ વખત ગાભણ થયેલી ભૂંડણ 3.0 5થી 6
દુધાળ ભૂંડાણ 3.5 5થી 6
ઉપરાંત 0.2 કિગ્રા. દરેક બચ્ચા માટે વધારાનું દાણ આપવું જોઈએ.
પ્રજનનયોગ્ય 2.5 5થી 6
પુખ્ત વયનું ભુંડ

પૂનમભાઈ તળપદા

મગનભાઈ પાંડે