પરીખ, મોહનભાઈ નરહરિભાઈ (. 24 ઑગસ્ટ 1922, અમદાવાદ; . 14 ઑક્ટોબર 1991, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભૂદાન કાર્યકર, સૂર્યકૂકરના અને કૃષિ-ઓજારોના સંશોધક.

તેમના પિતા નરહરિભાઈ પરીખ પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી લોકસેવક હતા. મોહનભાઈએ પ્રાથમિક શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં લીધું હતું. અમદાવાદમાં 1941માં કોમી હુલ્લડ થયું ત્યારે રવિશંકર મહારાજ સાથે મૃતાત્માઓની દુર્ગંધવાળી લાશો બાળવાનું સેવાકાર્ય તેમણે કર્યું હતું. 1945માં તેમના પ્રયાસોથી સાબરમતી સત્યાગ્રહ આશ્રમના ખાદી સરંજામ કાર્યાલયમાં હાથ-કાગળનો ‘કલમખુશ’ વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1946માં અનસૂયાબહેન સાથે લગ્ન થયા બાદ તેમણે વેડછીમાં નિવાસ શરૂ કર્યો.

ઑગસ્ટ, 1947માં દેશને સ્વતંત્રતા મળ્યા બાદ, તેમણે વેડછીમાં ગ્રામશાળાની સ્થાપના કરી અને તેમાં પ્રાથમિક શિક્ષક બન્યા. વિનોબા ભાવેએ શરૂ કરેલ ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિમાં તેઓ 1951માં જોડાયા અને 1955માં ગુજરાત ભૂદાન સમિતિના મંત્રી બન્યા. તે જ વરસે સ્વરાજ આશ્રમ, બારડોલીમાં તેમણે ખેતી સાધન સંઘની સ્થાપના કરી. 1959માં કૃષિ-ઓજાર-સુધારની કાર્યશાળા અને સહશિક્ષણ સંસ્થા શરૂ કરી. 1960માં બારડોલીમાં કૃષિ-ઓજાર-સુધાર સમિતિની સ્થાપના કરી તથા દિલ્હીમાં યોજાયેલ વિશ્વ કૃષિમેળામાં હાજરી આપી.

1961માં યાંત્રિક ખેતી તથા કૃષિયંત્રોના અભ્યાસ વાસ્તે તેઓ જાપાન જઈ આવ્યા. 1962માં રવિશંકર મહારાજના પ્રમુખપદે સુરુચિ છાપશાળા ટ્રસ્ટની સ્થાપના કરી, તેના બીજા વરસે સુરુચિ છાપશાળાનું ઉદ્ઘાટન કર્યું. તેના નિયામક જુગતરામ દવેને બનાવ્યા. તેમના પ્રયાસોને લીધે લોકોને સુંદર તથા શુદ્ધ છાપકામનો લાભ મળ્યો. આ બધી લોકોપયોગી પ્રવૃત્તિઓની કદર કરીને તથા તેના પ્રોત્સાહન માટે સ્વિટ્ઝર્લૅન્ડના ઓપ્લિગરે 1965માં સુરુચિ ટ્રસ્ટને રૂ. 7,79,000 નું દાન આપ્યું. ત્યારબાદ સંસ્થાની પ્રવૃત્તિઓનો નોંધપાત્ર વિકાસ થયો. તેમણે બારડોલીમાં યંત્રવિદ્યાલયની સ્થાપના કરી અને સુરુચિ વસાહત ઊભી કરી. 1968માં તેમણે સૂરત જિલ્લામાં પૂરસંકટ-નિવારણની સેવાપ્રવૃત્તિ કરી હતી. 1975માં યંત્રવિદ્યાલયમાં મોહનભાઈએ સૂર્યકૂકરની શોધ કરી.

1976માં દેશમાં જાહેર કરેલી કટોકટી વખતે, એક પુસ્તક છાપવા માટે સુરુચિ ટ્રસ્ટ પર કેસ કરવામાં આવ્યો. ખેતીવાડી કૉલેજ, આણંદ તરફથી તેમને 1979માં પ્રોફેસર જે. પી. ત્રિવેદી ઍવૉર્ડ અને પ્રમાણપત્ર ખેતી-ઓજારમાં સુધાર-સંશોધનના કામ માટે મળ્યાં. 1981માં તેમણે સુરુચિ વસાહતમાં નર્સરી અને શાકભાજીના રોપાનો ઉછેર શરૂ કર્યો. વિજ્ઞાન તથા ટૅક્નૉલૉજીના વિનિયોગ વાસ્તે 1984માં તેમને પ્રસિદ્ધ જમનાલાલ બજાજ ઍવૉર્ડ મળ્યો. તે જ વરસે તેમણે નવી રચનાવાળા ડમરુ ચૂલા બનાવ્યા. તેમનાં 22 પુસ્તકો ગુજરાતીમાં, 5 હિન્દીમાં તથા 4 અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકોમાં જાપાન-પ્રવાસકથા ‘હોકાઈડોથી ક્યુશુ’ (1963); ‘આવતી કાલનું શિક્ષણ’ (અન્ય સાથે 1985), ‘મારી વાત’ (1985) નામની શિક્ષણની પુસ્તિકાઓ, ઉપરાંત ‘ખેતીનાં ઓજારો’ (1973), ‘ખેત-તલાવડી’ (1974), સૂર્યકૂકર (બીજા સાથે, 1979) અને ‘ગ્રામવિકાસની ટૅક્નૉલૉજી’ (1985) જેવાં હુન્નર-ઉદ્યોગ સંબંધી પુસ્તકોનો સમાવેશ થાય છે.

દશરથલાલ શાહ