પરીખ, મુકુન્દ ભાઈલાલ (. 26 જાન્યુઆરી 1934, નદીસર, જિ. પંચમહાલ) : ગુજરાતના નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર અને કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોર(બાલાસિનોર)માં લીધું. 1957માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1980માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. 1954થી 1980 દરમિયાન પ્રૉવિડંટ ફંડ કમિશનરની કચેરીમાં કામગીરી કરી. 1981થી ખાસ કરીને મજૂર-કાયદાઓ વિશે વકીલાતનો વ્યવસાય હાથ ધર્યો.

તેમણે 1952થી સાહિત્યમાં રસ લેવા માંડેલો. 1968માં પ્રગટ થયેલી તેમની ‘મહાભિનિષ્ક્રમણ’ નામની લઘુ નવલકથા ખૂબ જાણીતી થયેલી. તે આંતરચેતનાના નિર્વહણની નવા પ્રવાહની નવલકથા છે. તેમાં નાયકના મનોવ્યાપારની વિષમ અને તીવ્ર વાસનાવૃત્તિ, પત્ની કે પ્રેયસીમાં પ્રેમ કે કામનાનો અસંતોષ, માતા પ્રત્યે અનુરાગ અને અપરાધ-ભાવ વચ્ચે ઝોલાં ખાતું તેનું મન અને અંતે સર્વસ્વ છોડી દઈને માતાની સેવામાં લાગી જવાનો દૃઢ સંકલ્પ – એવા બધા ચિત્તભાવોનું એમાં તેમણે સુંદર નિરૂપણ કર્યું છે. નવલકથામાં કશી સ્થૂળ ઘટના બનતી નથી, મનોમય સમયના પ્રવાહમાં વસ્તુ ચાલે છે. એમાં તેમના મહાભિનિષ્ક્રમણભાવની પ્રતીતિ થાય છે. દિવાસ્વપ્નો, સ્મૃતિ-સંધાનો વગેરે માટે તેમણે પ્રયોજેલ પ્રતીકો દ્વારા કૃતિની સંરચનાની વિશિષ્ટતા જળવાઈ હોવાથી તે નોંધપાત્ર બની છે.

એમણે ‘મોક્ષ’ નામનો એક એકાંકીસંગ્રહ પણ રચ્યો છે (1974). તેમને ‘મેક બિલીવ’ નાટક માટે (સંયુક્તપણે) 1968માં અને ‘મોક્ષ’ એકાંકી માટે 1975માં (વિભૂત શાહ સાથે) ગુજરાત સરકાર દ્વારા પ્રથમ પારિતોષિક અપાયાં હતાં.

પ્રયોગવાદના પ્રભાવ હેઠળ તેમણે ‘ચોરસ ઈંડાં અને ગોળ કબર’  નામનું નાટક લખ્યું છે, તેમની કાવ્યરચનાઓ અને વાર્તાઓ અવારનવાર સામયિકોમાં પ્રગટ થતી રહે છે. માનવધર્મ અને માનવવિકાસ તથા મજૂરોના પ્રશ્નો  એ એમના રસના વિષય છે. એમણે કાવ્યસર્જન પણ કર્યું છે. ‘મન ચીતરીએ’ (2011) અને ‘મોરપીંછની છાંયે વૃક્ષવાટિકા’ (2016) એમના કાવ્યસંગ્રહો છે અને ‘લુકિંગ ગ્લાસ’ એમનો વાર્તાસંગ્રહ છે.

બળદેવભાઈ કનીજિયા