પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય  સંસ્કૃતિના વિદ્વાન, સંશોધક અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ લઈ 1959માં બી.એ. થયા તથા 1961માં એમ.એ.માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં પ્રથમ આવવા બદલ ગુજરાત યુનિવર્સિટી તરફથી શેઠ ચીનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક મળ્યો. એ જ વરસે ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ’ વિષયમાં સંશોધન કરીને, 1967માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. આ સંશોધનકાર્ય માટે તેમને 1971-75નો નર્મદ ચંદ્રક સૂરતની નર્મદ સાહિત્ય સભા તરફથી 1981માં એનાયત કરવામાં આવ્યો.

પ્રવીણચન્દ્ર ચિમનલાલ પરીખ

તેમણે 1964થી 1975 દરમિયાન રાજકોટની વીરબાઈમા મહિલા કૉલેજમાં ભારતીય સંસ્કૃતિના અધ્યાપક તરીકે, 1975થી અમદાવાદની ભો.જે. વિદ્યાભવનમાં રીડર તરીકે અને 1982થી 1997 સુધી તે જ સંસ્થામાં નિયામક અને પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સાત વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે.

તેમના ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, પુરાતત્ત્વ વગેરે વિશેના 141 લેખો ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થયા છે. તેમનાં સંશોધન, વિવેચન, સંપાદન, અનુવાદ, બાલસાહિત્ય વગેરે સહિતનાં કુલ 44 પ્રકાશનોમાં – (1) ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ, (2) ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ, (3) ભારત દર્શન (આદિયુગ), (4) મધ્યકાલીન ભારતમાં આર્થિક જીવન અને સંગઠન, (5) ભારતીય પ્રાચીન શિલ્પકલા, (6) ભારતીય સિક્કાશાસ્ત્ર (સહ લેખક), (7) અમદાવાદમાં ભદ્રવિસ્તારનાં મંદિરો, (8) श्री प्राणनाथ वंदना, (9) પ્રાણનાથ પ્રજ્ઞા (ભાગ 1-2), (10) બાલસોપાન (ભાગ 1થી3), (11) Shaktikund At Akhaj વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃત ભાષામાં છ ગ્રંથોના અનુવાદ અને સમીક્ષાત્મક સંપાદન કરેલ છે.

તેમણે ભો.જે. વિદ્યાભવનના સંશોધન ત્રૈમાસિક ‘સામીપ્ય’ના પ્રથમ સંપાદક તેમજ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ ગ્રંથ 8 અને 9ના સહસંપાદક તરીકે સેવા આપી હતી. ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી અને પ્રમુખ તરીકે જવાબદારી પણ સંભાળી હતી. ભાગવત મહાપુરાણ ગ્રંથ-1 (સ્કંધ 1 થી 3) અને ગ્રંથ-4 વિભાગ-1 (સ્કંધ-10)ની સટીક આવૃત્તિ તૈયાર કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતનાં ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરો તથા ગુજરાતી વિશ્વકોશ માટે લેખો લખ્યા છે. ‘સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્ય કળા’ ગ્રંથ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તેમને તથા સહલેખક કિરીટકુમાર જે. દવેને 1984માં મળ્યું હતું. ભારતીય સંસ્કૃતિ વિષયમાં તેમણે કરેલા પ્રદાનના સંદર્ભમાં 1997માં એક જાહેર સમારંભ યોજી તેમને ‘ન્યૂ ડાઇમેન્શન્સ ઑવ્ ઇન્ડોલૉજી’ નામનો અભિનંદન-ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતી વિશ્વકોશના સમાજવિદ્યા વિભાગના સંપાદક તરીકે તેમણે સેવા આપી હતી. 2007થી તેઓ કામરેજ સૂરત મુકામે આવેલી ‘હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર’ સંસ્થાના નિયામક અને એ સંસ્થાના સંશોધન સામયિક ‘Holistic Vision’ના મુખ્ય સંપાદક તરીકે સેવા આપી હતી. આ સંસ્થાના ઉપક્રમે તેમણે સંપાદન કરેલા 10 ગ્રંથો અંગ્રેજી ભાષામાં પ્રગટ થયા છે.

છેલ્લાં પાંચ વર્ષથી તેઓ જામનગરની શ્રી નિજાનંદ શિક્ષણ સંસ્થા (શ્રી પ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર)ના નિયામક તરીકે સેવા આપી રહ્યા છે અને એ સંસ્થાના ઉપક્રમે ચાલતા સાહિત્ય પ્રકાશન તેમજ સંસ્કૃતિ અને સંસ્કારલક્ષી સેવા મૂલક કાર્યોમાં પોતાનું અગત્યનું યોગદાન આપી રહ્યા છે.

તાજેતરમાં બ્રાહ્મી-લિપિના મૂળાક્ષરો તેમજ સંયુક્તાક્ષરોના કમ્પ્યૂટરમાં પ્રયોજાયેલ એવા ‘ફોન્ટ’ રચનામાં તેઓ સેવા આપી રહ્યા છે.

જયકુમાર ર. શુક્લ

થોમસ પરમાર