પરમાર, ખોડીદાસ ભાયાભાઈ

February, 1998

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; . 31 માર્ચ 2004) :  ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની હોંશ પૂરી કરી.

પરંપરાથી કારડિયાનું ખોરડું હંમેશાં કલાકસબના સુશોભનથી હર્યુંભર્યું રહેતું હોવાથી ખોડીદાસમાં બાળપણથી જ લોકસંસ્કૃતિ સાથે લોકકળાના સંસ્કારો સીંચાતા જતા હતા. ઘરમાં બહેનો, ભાભી અને માતાના ભરેલાં ભરત-ચીતર અને મોતીપરોવણાની ગૂંથણી સાથે રોજ ગવાતાં લોકગીતોના સથવારે ઘડાતાં ઘડાતાં ખોડીદાસભાઈની બાળકિશોર-વય પસાર થઈ. વળી એ દિશામાં સમજણરસ વધતાં તેમણે ભરતકામ, મોતીપરોવણું અને આળેખચીતરમાંથી મનગમતું ચયન કરી તેનું ચિત્રણ શરૂ કર્યું. લોકગીતો, વારતાઓ અને લોકસંસ્કારના સમન્વયમાંથી લોકકળામાં પ્રવેશ કર્યો.

1948માં ગુજરાતના ખ્યાતનામ કલાચાર્ય સોમાલાલ શાહના  માર્ગદર્શન નીચે ખોડીદાસભાઈની ચિત્રયાત્રા પ્રારંભાઈ.

ખોડીદાસ પરમાર 

1950માં રાજકોટ ખાતે સૌપ્રથમ વાર રજૂ કરેલાં ત્રણ ચિત્રોમાંથી ‘શ્યામસખી’ ચિત્રને ત્રીજું પારિતોષિક મળ્યું અને તે ચિત્ર વેચાઈ ગયું. 1951માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરીને યુવાન ખોડીદાસ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા.

કૉલેજકાળ દરમિયાન હિંદુ ધર્મકથાઓ, પુરાણો અને ગુજરાતી સાહિત્યની કૃતિઓના વાચન-મનન અને આલેખિત દર્શનના અનુભવ ઉપરથી લોકકળા, સાહિત્ય અને સંસ્કૃતિમાં વિશેષ રુચિ થતાં તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છની લોકકળામાંથી દૃશ્ય-સંવેદનાને રુચિકર લાગે એવાં રૂપાંકનોનું ચયન શરૂ કર્યું. તળપદ લોકભરતનાં આકૃતિક ‘મોટિફ’-વળાંઓને નાણ્યાં, પારખ્યાં અને પોતાનાં ચિત્રોમાં પ્રયોજ્યાં. મોતીપરોવણાંની ભરચક ભાતોને આકાર અને અવકાશની રીતે સંયોજીને ચિત્રણમાં સ્થાન આપ્યું. લોકરમકડાં, લોકબરનાં વસ્ત્રોની ભાત, પાળિયાનાં પ્રતીકો અને લોકવપરાશમાં પ્રયોજાતી સાધનસામગ્રીના ઉપચયનમાંથી તેમણે ભરપટે આકૃતિઓનો સમજપૂર્વક અભ્યાસ કરીને નિજી ચિત્રશૈલીના અંકન માટેનો સંભાર એકઠો કર્યો અને એમાંથી ખોડીદાસ પરમારની ચિત્રશૈલી ઊપસી.

1952થી તેમણે દેશભરમાં યોજાતાં ચિત્રપ્રદર્શનમાં ચિત્રો પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું. પ્રથમ વર્ષે જ એમનાં ચિત્ર ‘ઍટ રેસ્ટ’ને દિલ્હીના ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ સોસાયટીનું દ્વિતીય પારિતોષિક મળ્યું અને આ ચિત્ર રાષ્ટ્રીય સંગ્રહાલયે ખરીદી લીધું. ત્યારપછીનાં ત્રણ વર્ષના ગાળા દરમિયાન તેમણે નિજી શૈલીના ઢંગે – લોકશૈલીની લઢણથી ચિત્રાંકન કરી પોતાનાં ચિત્રો દેશમાં દિલ્હી, કૉલકાતા, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, રાજકોટ વગેરે નગરોમાં અને રશિયા, ઇંગ્લૅન્ડ તેમજ શારજાહમાં યોજાયેલાં પ્રદર્શનોમાં પ્રદર્શિત કર્યાં. તળપદ લોકશૈલીના સંસ્કારવાળાં આ ચિત્રો ચોમેરથી પ્રશંસા અને પુરસ્કાર પામતાં ગયાં અને તેમની ચિત્રણપદ્ધતિ એમની આગવી ઓળખરૂપ બની રહી.

પરમારની ચિત્રશૈલીની રચનાનું પોત સૌરાષ્ટ્ર અને કચ્છની લોકકલા-કારીગરીનાં દર્શનમાંથી બંધાયું હોવા છતાં તેમણે પોતાના ચિત્રાંકનમાં આ લોકકલાકારીગરીનું સીધેસીધું અનુકરણ નથી કર્યું. તેમણે ગ્રામકલાનાં આકાર-રૂપને શણગારી, સંસ્કારીને ગ્રામલઢણની રીતે મૂક્યાં છે.

એક સહૃદયી ચિત્રકાર તરીકે ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત્ કરી, તેના સૌંદર્યતત્ત્વને પ્રમાણીને પોતે રજૂઆત કરી છે. આથી તેમના ચિત્રનો આત્મા તો લૌકિક જ રહ્યો છે, પણ સમજણપૂર્વક થયેલ તેમનાં ચિત્રોનું નવું દર્શન લૌકિકમાંના અલૌકિક રૂપને રજૂ કરે છે.

ખોડીદાસ પરમારની ચિત્રાંકનશૈલીના બે પ્રકાર છે : લોકજીવનના કથાવસ્તુવાળાં ચિત્રોમાં તેઓ સાદી સીધી સરળ રચનારીતિમાં નાત-જાત પ્રમાણેના ગ્રામીણ પહેરવેશવાળાં માનવપાત્રોને આલેખી ઘેરા રંગની રંગવાટથી મેળા, ઉત્સવો, લગ્ન, વરઘોડો, જાન ઉપરાંત કૃષ્ણલીલા, રામકથા વગેરેનાં ચિત્રાંકનો કરે છે. બીજી રચનાધાટીમાં લોકપ્રજા દ્વારા ચિત્રિત ‘મોટિફ’ પ્રતીકો અને વિવિધ સંજ્ઞાઓનું ચિત્રકાર્ય તેઓ તેજસ્વી રંગો અને લસરતી રેખાઓથી કરે છે. તેમાં ‘જીવન અને સંસ્કૃતિ’, ‘શ્રીગણેશ’, ‘વલોણું’, ‘રાજારાણી’, ‘નાગદમન’ વગેરે ઉલ્લેખનીય છે. શરૂઆતમાં તેમના ચિત્રણમાં બંગાળી શૈલીની અસર હતી, પણ 1955થી તેમની ચિત્રણપરિપાટીમાં લૌકિક રીતનો નવો વળાંક આવ્યો છે. આ વળાંકે જ એમને રાષ્ટ્રીય ખ્યાતિ અને માનપાન અપાવ્યાં.

1957માં લલિતકલા અકાદમી, નવી દિલ્હીનો પુરસ્કાર તેમના ચિત્ર ‘સૌરાષ્ટ્રમાં ભરવાડનાં લગ્ન’ને મળ્યો. 1958માં સૌરાષ્ટ્ર કલામંડળ રાજકોટનો સુવર્ણચંદ્રક તેમની કૃતિ ‘બહેનો’ને મળ્યો અને 1965માં એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, કૉલકાતાનો રૌપ્યચંદ્રક તેમના ‘ધણ’ ચિત્રને મળ્યો. આ ઉપરાંત 1954થી 1992 દરમિયાન ઑલ ઇન્ડિયા ફાઇન આટ્ર્સ સોસાયટી, નવી દિલ્હીનાં કુલ આઠ અને 1959થી 1995 દરમિયાન કાલિદાસ અકાદમી, ઉજ્જૈનનાં સાત પારિતોષિકો તેમનાં ચિત્રોને પ્રાપ્ત થયાં. કાલિદાસની સંસ્કૃત કૃતિઓ પરથી લોકશૈલીમાં થયેલાં તેમનાં ચિત્રો એક નવી જ ભાત પાડતાં હતાં. એ પછી એમનાં ચિત્રસર્જનોને બૉમ્બે આર્ટ સોસાયટી(મુંબઈ)નાં બે ઇનામો અને ગુજરાત રાજ્ય લલિતકલાના બે પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. હૈદરાબાદમાં ટાગોર-શતાબ્દીના અનુસંધિત પ્રદર્શનમાં તેમના ચિત્ર ‘કચદેવયાની’ને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વળી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનો ગૌરવ પુરસ્કાર, ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટનો ‘કલાશ્રી’ ઍવૉર્ડ પણ તેમને મળ્યો છે.

એમનાં ચિત્રોનાં એકલ-પ્રદર્શનો પણ યોજાયાં છે. તેમનાં ચિત્રો નૅશનલ ગૅલરી, નવી દિલ્હી, મૉડર્ન આર્ટ ગૅલરી, નવી દિલ્હી, અમૃતસર આર્ટ ગૅલરી, મધ્યપ્રદેશ ઉજ્જૈન ગૅલરી, ગુજરાત લલિતકલા અકાદમીના કલાસંગ્રહમાં સામેલ છે. તેમનું એક ચિત્ર કાશ્મીરના મહારાજાના સંગ્રહમાં છે. વહાણનાં 24 ચિત્રોનો સંપુટ સુમતિબહેન મોરારજીના નિજી સંગ્રહમાં છે. છેલ્લાં પાંચેક વર્ષથી તેમનાં લોકશૈલીનાં ચિત્રોનાં કલાત્મક અભિનંદન-કાર્ડ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન પ્રસિદ્ધ કરે છે. લલિતકલા અકાદમી, નવી દિલ્હીએ ખોડીદાસ પરમારનું ‘સોનબાઈ અને વાઘ’ નામનું એક ભીંતચિત્ર પણ પ્રસિદ્ધ કર્યું છે.

લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ-વિષયક ગ્રંથોનાં સંશોધન-સંપાદન ક્ષેત્રે તેમણે મૂલ્યવાન કામગીરી કરી છે. 1969માં ‘સૌરાષ્ટ્રનું લોકભરત’ જેવો ભરતકામ ઉપરનો સચિત્ર ગ્રંથ આપ્યો. 1971માં લોકવાર્તાસંગ્રહ ‘ઊજળાં ઓહાણ’ પ્રસિદ્ધ કર્યો. 1974માં ‘ધોળમંગળ’નો સંગ્રહ આપ્યો. તેમાં લોકધોળ અને લૌકિક રામાયણનું આદિકાલીન ગાથાઓના મૂળ રૂપે સચવાયેલું કથાવસ્તુ છે. 1979માં પ્રસિદ્ધ થયેલ ‘રાસડાનો રંગ’માં સૌરાષ્ટ્રી રાસડા, ગરબા, હીંચ વગેરેના પ્રકારો, તેની પરંપરા અને તેનાં સ્વરૂપ ઉપરાંત લોકનૃત્યો વિશે તેમણે સવિસ્તર ખ્યાલ આપ્યો છે. દિલ્હી સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલ તેમનાં ‘ગુજરાતનાં લોકગીતો’ના સંપાદનમાં લોહસાહિત્યના પદ્યસ્વરૂપના વિવિધ પ્રકારોનો વિશદ પરિચય છે.

આ ઉપરાંત ‘કાનુડાની બાળક્રીડા’, ‘લોકસંસ્કૃતિમાં પંખીઓ’, ‘લોકસાહિત્યમાં ક્ધયાકેળવણી’, ‘ચિત્રકાર સોમાલાલ શાહ’, ‘લોકભરતની સરજત’, ‘ભાવરૂપ’, ‘લોકસંસ્કૃતિમાં પાઘડીઓ’, ‘ભાવનગર જિલ્લાનાં સલાટી શિલાવત’, ‘કમાંગટી અને લોકશૈલીનાં ભીંતચિત્રો’, ‘લોકસાહિત્યની બાળકિશોરકથાઓ’, ‘મુખપાટીની લોકવારતાઓ’ જેવાં લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકળાનાં પ્રકાશનો એમણે આપ્યાં છે.

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી, (લોકસાહિત્ય) અને આકાશવાણી  રાજકોટ તથા વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર(ઉદેપુર)ના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. વળિયા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ(ભાવનગર)માં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપીને, નિવૃત્ત થયા પછી  તેઓ ચિત્ર અને લેખનક્ષેત્રે પ્રવૃત્ત હતા. ગુજરાત રાજ્ય લલિત-કલા અકાદમી તરફથી તેમનું 1988-89 દરમિયાન બહુમાન કરાયું હતું.

જોરાવરસિંહ જાદવ