પટેલ, આઈ. જી. (. 11 નવેમ્બર 1924, સુણાવ; . 17 જુલાઈ 2005, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ..) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેન્દ્રીય નાણામંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર. આખું નામ ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. માતાનું નામ કાશીબહેન. વડોદરા કૉલેજમાંથી 1944માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવ્યા પછી 1946માં તે જ યુનિવર્સિટીની એમ.એ.(અર્થશાસ્ત્ર)ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1949-50 દરમિયાન પોતાની માતૃસંસ્થા વડોદરા કૉલેજમાં આચાર્ય તથા અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે દાખલ થયા. ત્યારપછી તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે; દા. ત., 1950-54 દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાં, 1954-58 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રાલયમાં નાયબ આર્થિક સલાહકાર, 1958-61 દરમિયાન ફરી વાર આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાં વૈકલ્પિક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, 196163 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તથા આયોજન-પંચના આર્થિક સલાહકાર, 1968-69 અને 1970-72 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રાલયના અનુક્રમે ખાસ સચિવ અને સચિવ, 1968-72 દરમિયાન પરમાણુ ઊર્જા પંચના સભ્ય, 1972-77 દરમિયાન રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમ યુ.એન.ડી.પી.માં ડેપ્યુટી એડ્મિનિસ્ટ્રેટર, 1977-82 દરમિયાન ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર, 1982-84 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદના ડિરેક્ટર અને 1984-90 દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર. હાલ તેઓ આગાખાન રૂરલ સપૉર્ટ પ્રોગ્રામના ભારત ખાતેના ચૅરમૅન હોવા ઉપરાંત ઑગસ્ટ, 1996થી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદના ચૅરમૅનપદે સેવાઓ આપી હતી. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.

આઈ. જી. પટેલ

ડૉ. પટેલની શૈક્ષણિક કારકિર્દી અત્યંત ઉજ્જ્વળ રહી છે; દા. ત., 1944માં તેમને મુંબઈ યુનિવર્સિટીનું જેમ્સ ટેલર પ્રાઇઝ મળ્યું હતું. 1946માં રેનબરી સ્કૉલર તરીકેની તેમની પસંદગી થઈ હતી. ઇંગ્લૅન્ડના અભ્યાસકાળ દરમિયાન 1948માં તેમને ઍડમ સ્મિથ પ્રાઇઝ એનાયત થયેલું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા 1980માં ડી.લિટ.ની માનાર્હ પદવી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા તથા યુનિવર્સિટી ઑવ્ મૉરિશ્યસ દ્વારા 1990માં માનાર્હ ડૉક્ટરેટની પદવીઓ તેમને અર્પણ થઈ. 1985માં વિશ્વગુર્જરી ઍવૉર્ડ, 1987માં કિંગ્ઝ કૉલેજ – કેમ્બ્રિજની ફેલોશિપ, 1990માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ સંસ્થાની ફેલોશિપ અને તે જ વર્ષે ઇંગ્લૅન્ડનાં રાણી દ્વારા ઑનરેબલ નાઇટહુડ-કેબીઈનો ખિતાબ, 1991માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’ તથા 1998માં વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા 1997નો ‘સારસ્વત ગૌરવ ઍવૉર્ડ’ જેવાં અતિપ્રતિષ્ઠિત માનસન્માનો તેમને એનાયત થયાં હતાં.

વિખ્યાત ભારતીય અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલાના અવસાન પછી ગુજરાત ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે તથા એચ. એમ. પટેલના અવસાન પછી ચારુતર વિદ્યામંડળના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી. તેમના ઘણા સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયેલ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે