પંડિત કૃષ્ણરાવ શંકરરાવ

January, 1999

પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; . 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી આપતા અને પિતાના ગાયનમાં સંગાથ કરતા. ત્યારબાદ તેમણે ક્રમશ: હદ્દુખાં, નત્થુખાં અને નિસારહુસેનખાં સાહેબ પાસેથી શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. માત્ર ઓગણીસ વર્ષની વયે 1913માં તેમની સાતારાના મહારાજાના સંગીતશિક્ષક તરીકે નિમણૂક થઈ. ત્યારબાદ પાંચ વર્ષ સુધી (1914-19) ગ્વાલિયર રિયાસતના સંગીતશિક્ષક તરીકે તેમણે સેવાઓ આપી. 1914માં તેમણે ગ્વાલિયરમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી. 1918માં આ વિદ્યાલયનું નામ તેમના પિતાશ્રીના નામ પરથી ‘શંકર ગાંધર્વ વિદ્યાલય’ પાડવામાં આવ્યું. 1926માં તેમની ગ્વાલિયર રિયાસતના દરબારી ગાયક તરીકે નિમણૂક થઈ તથા 1947માં ગ્વાલિયર ખાતેના માધવ સંગીત વિદ્યાલયના સુપરવાઇઝરપદે તેઓ નિયુક્ત થયા. 1962માં મધ્યપ્રદેશના ખૈરાગઢ ખાતેના ઇન્દિરા સંગીત વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટરેટની પદવી એનાયત કરી.

કૃષ્ણરાવ શંકરરાવ પંડિત

રાગની શુદ્ધતા પર તેઓ વિશેષ ભાર મૂકતા. લયકારીમાં તેઓ અદ્વિતીય ગણાતા. 1940થી આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો પરથી તેમનું ગાયન પ્રસારિત થવા લાગ્યું. દેશનાં અનેક શહેરોમાં તથા અખિલ ભારતીય સંગીત સંમેલનોમાં તેમના કાર્યક્રમો થતા હતા.

તેમને એનાયત થયેલ ઍવૉર્ડોમાં સંગીતોદ્ધારક સભા, મુલતાન દ્વારા અપાયેલ ગાયન-શિરોમણિ(1941)ની પદવી, ગ્વાલિયર રિયાસત દ્વારા અપાયેલ સંગીત-રત્નાલંકાર(1945)ની પદવી, રાષ્ટ્રપતિ-પુરસ્કાર (1959), સંગીત નાટ્ય અકાદમી દ્વારા અપાયેલ સન્માન (1959) તથા ભારત સરકાર દ્વારા અપાયેલ ‘પદ્મભૂષણ’(1986)નું બિરુદ વિશેષ ઉલ્લેખનીય છે.

ગાયન, તબલાં, હાર્મોનિયમ, સિતાર, જલતરંગ ઇત્યાદિ વિશે તેમણે પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘સંગીત સરગમસાર’, ‘સંગીતપ્રવેશ’ તથા ‘સંગીત-આલાપ સંચારી’નો સમાવેશ થાય છે.

બટુક દીવાનજી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે