નૉર્થ્રપ, જૉન હાવર્ડ

January, 1998

નૉર્થ્રપ, જૉન હાવર્ડ (જ. 5 જુલાઈ 1891, યોકર્સ, ન્યૂયૉર્ક; અ. 27 મે 1987, વિકેનબર્ગ, ઍરિઝોના, યુ.એસ.) : અનેક ઉત્સેચકોને સ્ફટિકમય સ્વરૂપમાં મેળવનાર 1946ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. નૉર્થ્રપના પિતા કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર હતા અને અવસાનના થોડા સમય પહેલાં પ્રયોગશાળામાં થયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમનાં માતા એલિસ ન્યૂયૉર્કની હન્ટર કૉલેજમાં વનસ્પતિશાસ્ત્ર ભણાવતાં હતાં. શરૂઆતમાં પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી નૉર્થ્રપ 1908માં કોલંબિયા યુનિવર્સિટી(ન્યૂયૉર્ક)માં દાખલ થયા. ત્યાં તેમણે આયુર્વિજ્ઞાન(medicine)/દેહધર્મવિદ્યામાં 1933ના નોબેલ પુરસ્કાર વિજેતા ટી. એચ. મૉર્ગનના હાથ નીચે પ્રાણીશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે 1912માં બી.એસસી.; 1913માં એમ.એ. અને 1915માં રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1916માં ફેલોશિપ મળતાં તેમણે રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાં જૅક્વિસ લૉબ(Loeb)ની લૅબોરેટરીમાં કામ કર્યું અને પછીના વર્ષે તેના સ્ટાફમાં જોડાયા. 1917–18 દરમિયાન તેમણે કેમિકલ વૉરફેર સર્વિસમાં કૅપ્ટન તરીકે કામગીરી સંભાળી. 1924માં તેઓ રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટના ઍસોસિયેટ સભ્ય બન્યા અને 1961માં નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં રહ્યા. 1949થી 1958 સુધી તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં જીવાણુશાસ્ત્ર(bacteriology)ના તથા પછીથી જૈવભૌતિકશાસ્ત્ર(biophysics)ના મુલાકાતી પ્રાધ્યાપક પણ નિમાયા હતા.

નૉર્થ્રપે પાચનતંત્રમાં પ્રોટીન અણુ વિચ્છિન્ન (split) કરનારા ઉત્સેચકોના શુદ્ધીકરણની રીત ઉપર અભ્યાસ શરૂ કર્યો અને ટ્રિપ્સિન, પેપ્સિન જેવા પાચક ઉત્સેચકો તેમજ રિબોન્યુક્લિએઝ અને ડિઑક્સિ-રિબોન્યુક્લિએઝને શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવ્યા. નૉર્થ્રપે તેમના સહાયક કુનિત્ઝ સાથે આ શુદ્ધ કરેલા ઉત્સેચકોની સમાંગતા (homogeneity) અને શુદ્ધિ(purity)નો વિશદ અભ્યાસ કર્યો તથા આ ઉત્સેચકો પ્રોટીન જ છે તેવું સાબિત કર્યું. તેમના અભ્યાસને પરિણામે ઉત્સેચકોનું સ્ફટિકીકરણ શક્ય બન્યું. આ ઉપરાંત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઍસિટોન બનાવવા માટેની આથવણવિધિ પણ વિકસાવી હતી. લૉબ સાથે તેમણે જીવન આવશ્યક ઉત્સેચકોની ગતિકીનો અભ્યાસ કર્યો. વિષાણુ (virus) તથા પ્રતિદ્રવ્યો(antibodies)ના પ્રોટીનનો અભ્યાસ કરીને તેમણે સૂચવ્યું કે વિષાણુ ન્યુક્લિયોપ્રોટીન છે અને વિષાણુની ક્રિયાત્મકતા ન્યુક્લિક ઍસિડને આભારી છે. આ સૂચન પાછળથી સાચું સાબિત થયું છે. નૉર્થ્રપે અનેક સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં છે.

જૉન હાર્વર્ડ નૉર્થ્રપ

1939માં તેમણે ‘સ્ફટિકમય ઉત્સેચકો’ નામનો ગ્રંથ લખ્યો તથા વર્ષો સુધી જર્નલ ઑવ્ જનરલ ફિઝિયૉલૉજીનું સંપાદન કર્યું. તેમણે સ્ટીવન્સ પારિતોષિક (1931), ચૅન્ડલર ચંદ્રક (1936), ડૅનિયલ જિરાન્ડ ઇલિયર ચંદ્રક (1939), ઍલેક્ઝાન્ડર હૅમિલ્ટન ચંદ્રક (1961) જેવાં પારિતોષિકો મેળવ્યાં હતાં. તેમને શૂટિંગ તથા શિકારનો શોખ હતો. ઉત્સેચકો તથા વિષાણુ-પ્રોટીન જેવા પદાર્થો શુદ્ધ સ્વરૂપે મેળવવાના તેમના સંશોધનકાર્યની કદર રૂપે તેમને 1946નો નોબેલ પુરસ્કાર સ્ટૅનલી અને સુમનર સાથે સંયુક્ત રૂપે એનાયત કરવામાં આવ્યો હતો.

જગદીશ જ. ત્રિવેદી