નેવાસા : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરથી ઈશાનમાં આશરે 55 કિમી.ના અંતરે, ગોદાવરી નદીની એક શાખા પ્રવરાને કાંઠે વસેલું નગર. તે નેવાસા ખુર્દ તરીકે ઓળખાય છે. આ વસાહતના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે. નેવાસા મુખ્યત્વે ‘જ્ઞાનેશ્વરી’ માટે પ્રસિદ્ધ છે. સંત જ્ઞાનેશ્વરે ગીતા પર ટિપ્પણી કે જે ‘જ્ઞાનેશ્વરી’ તરીકે જાણીતી છે તે આ સ્થળેથી લખી હતી. સંત જ્ઞાનેશ્વરનો ઈ. સ. 1271થી 1296 વચ્ચે અહીં નિવાસ હતો.

નેવાસા ખુર્દની પશ્ચિમે એકાદ કિલોમીટરના અંતરે સંત જ્ઞાનેશ્વરનું મંદિર આવેલું છે. તેની બાજુમાં ત્રણ ટિંબાઓ આવેલા છે જે પાણીના નાળાને કારણે નુકસાન પામેલા છે. પ્રથમ ટિંબો ‘લાડમોદ’ તરીકે ઓળખાય છે. અહીં પુણે યુનિવર્સિટીની ડેક્કન કૉલેજના પુરાતત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગના ડૉ. એચ. ડી. સાંકળિયા અને તેમના સહાયકો ડૉ. એસ. બી. દવે, ડૉ. ઝેડ. ડી. અન્સારી તથા ડૉ. સોફી એહર્ટને સને 1954થી 1956 વચ્ચે ઉત્ખનન કરેલું. એ ઉત્ખનનથી સિદ્ધ થયું કે મહારાષ્ટ્રમાં સર્વપ્રથમ મનુષ્ય 1,50,000 વર્ષ પહેલાં અહીં વસતો હતો. અહીં કરવામાં આવેલ સર્વેક્ષણ અને ઉત્ખનનના આધારે નેવાસાનું છ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું.

છ વિભાગના તબક્કા નીચે મુજબ હતા :

તબક્કો 1, આદ્ય પાષાણયુગ, 1,50,000 વર્ષ આશરે.

તબક્કો 2, મધ્ય પાષાણયુગ, 25,000 વર્ષ આશરે.

તબક્કો 3, તામ્ર પાષાણયુગ, 1500થી 1000 ઈ. સ. પૂર્વે.

તબક્કો 4, આદ્ય ઐતિહાસિક, 150થી 50 ઈ. સ. પૂર્વે.

તબક્કો 5, આદ્ય ઐતિહાસિક, ઈ. સ. 50થી 200.

તબક્કો 6, મધ્ય ઐતિહાસિક, ઈ. સ. 1400થી 1700.

નેવાસાની વસાહતને આમ છ વિભાગમાં વિભાજિત કરીને તે સમયની સંસ્કૃતિ અને સભ્યતાને પ્રકાશમાં લાવવામાં આવી છે. ઉત્ખનન કરતાં પાષાણયુગની કુહાડી, રાંપી વગેરે તથા વિવિધ પ્રકારે ઘડાયેલાં પથ્થરનાં હથિયારો, જનાવરોનાં હાડકાં અને જડબાં મળ્યાં છે. આ કાળનો માનવી જંગલી અવસ્થામાં ભટકતું જીવન ગાળતો અને શિકાર ઉપર તેની આજીવિકાનો આધાર હતો. ત્યાંથી મળેલાં હથિયારો પૈકી કેટલાંક હથિયારો નાના કદનાં અને રંગીન પથ્થરનાં તથા અણીદાર અને ત્રિકોણાકાર છે.

ત્યાંથી મળેલા અવશેષો (1) તામ્ર પાષાણયુગના એટલે કે ઈ. સ. પૂ. 1500 વર્ષના છે. (2) સાતવાહન યુગના પૂર્વાર્ધ ભાગના અવશેષો એટલે કે ઈ. સ. પૂ. ત્રીજા શતકથી ઈ. સ.ના પહેલા શતક સુધીના છે. (3) સાતવાહન યુગના ઉત્તરાર્ધ સમયના અવશેષો ઈ. સ.ના પહેલા સૈકાથી ત્રીજા સૈકાના છે. (4) જ્ઞાનેશ્વરનો સમય તેરમી સદીનો છે. મુસલમાન કાળખંડનો સમય ચૌદમા અને પંદરમા શતકનો છે.

તામ્રપાષાણયુગના અવશેષોમાં ત્રાંબાની કુહાડી, અને માછલી પકડવાનો ગલ છે. નવા પાષાણયુગમાં પથ્થરનાં ધારવાળાં હથિયારો ઉપયોગમાં લેવાતાં હતાં. આ સમય ઈ. સ. પૂ. 1500 આસપાસનો છે. નવા અશ્મયુગનાં ધારદાર હથિયારો ઉપરાંત કાળા રંગનું નકશીકામ કરેલ વાસણ, હરણના ચિત્રાંકનવાળો વાડકો, કળશ અને માટીનો તવો છે. મરેલાં બાળકો રાખોડી રંગના માટીના પાત્રમાં (કુંભમાં) દાટી દેવાતા, જ્યારે મૃત પ્રૌઢોને મોટી કોઠીમાં દાટવામાં આવતા હતા. આ કાળ પછી નેવાસા નાશ પામ્યું હતું. સાતવાહન કાળમાં ટેકરા ઉપર વધારે લોકોનો વસવાટ થયો હતો. આ લોકોનાં ઘરો માટીનાં અને પાકી ઈંટોનાં, પાયાવાળાં હતાં. બાળકના ગળામાં રેશમી દોરામાં પરોવાયેલ ત્રાંબાની માણેકમાળા હતી. આ લોકો માંસાહારી હતા. ત્રીજા  કાળ દરમિયાન બહારની દુનિયા સાથે, ખાસ કરીને રોમન સામ્રાજ્ય અંતર્ગત પ્રદેશો સાથે વિશેષ સંબંધ હતો. આ કાળ દરમિયાન દારૂની બરણીઓ, રોમન કાચના મણિ, કાચની પૂતળી, કૂવો, કાળા અને ત્રાંબાના રંગ જેવા રંગવાળા વાડકા, કળશો, થાળી, ઢાંકણાં વગેરે માટીનાં પાત્રો, લોખંડનાં હથિયારો અને સાતવાહન કાળનું નાણું મળે છે.

તેરમી સદીમાં થયેલા જ્ઞાનેશ્વરે ત્યાં બેસીને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ની રચના કરી હતી. ચૌદમી અને પંદરમી સદી દરમિયાન મરાઠા અને બહ્મની સુલતાનોના શાસન દરમિયાન ઘરો, ધાર્મિક સ્થળો, કિલ્લા, મંદિરો વગેરેનું બાંધકામ થયું હતું. ઇદગા, કાર્મલશાહની દરગાહ, જામી મસ્જિદ, મોહિનીરાજનું મંદિર, હનુમાન અને ગણેશનાં મંદિરો અને પ્રવરા નદી ઉપરનો ઘાટ વગેરે આ કાળનાં જાણીતાં સ્થાપત્યો છે.

એમ કહેવાય છે કે દેવાસુરસંગ્રામ અહીં ક્ષીરસાગરને તીરે થયો હતો, વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત પાવાનું કાર્ય શરૂ કર્યું હતું. મોહિનીરાજનું મંદિર, અહલ્યાબાઈ હોળકરના દીવાન સરદાર ચંદ્રચૂડે 1773માં બંધાવ્યું હતું. મોહિનીરાજની અર્ધનારી મૂર્તિ છે અને તેના હાથમાં શંખ, ચક્ર, ગદા અને અમૃતની કૂપી છે.

શિવપ્રસાદ રાજગોર

દિનકર મહેતા