નેત્રબિંબશોફ (papilloedema)

January, 1998

નેત્રબિંબશોફ (papilloedema) : આંખના દૃષ્ટિપટલમાં આવેલા નેત્રબિંબ કે દૃષ્ટિચકતી(optic disc)નો અશોથજન્ય (non-inflammatory) સોજો. જ્યારે ચેપ કે ઈજાને કારણે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધતાં પીડાકારક સોજો આવે અને તેથી તે ભાગ લાલ થઈ જાય ત્યારે તે પ્રકારના વિકારને શોથ (inflammation) કહે છે. જ્યારે કોઈ જગ્યાએ ફક્ત પ્રવાહી ભરાવાથી સોજો આવે તો તેને જળશોફ (oedema) અથવા શોફ કહે છે. શોથ કરતા વિકાર કે રોગની ગેરહાજરીમાં જ્યારે નેત્રબિંબ કે દૃષ્ટિચકતીનો સોજો થાય ત્યારે તેને નેત્રબિંબનો કે દૃષ્ટિચકતીનો શોફ કહે છે. તેના શરૂઆતના તબક્કામાં દૃષ્ટિની તીવ્રતામાં ઘટાડો થતો નથી. દૃષ્ટિચકતીશોથ(papillitis)માં દર્દીને ઓછું દેખાય છે (જુઓ ‘દૃષ્ટિલક્ષીચેતાપથ’). દૃષ્ટિચકતીશોથનું મુખ્ય કારણ દૃષ્ટિચેતા(optic nerve)વિકાર છે. વિષાણુજન્ય (viral) ચેપ, આંખને ઈજા, આંખનો ક્ષય, મધુપ્રમેહ તથા અન્ય ઘણા શારીરિક વિકારોમાં દૃષ્ટિચકતીશોથ થાય છે. હલકા પ્રકારના દારૂ(લઠ્ઠો)માં મિથાઇલ આલ્કોહૉલ હોય છે. તે પણ આ જ વિકાર દ્વારા અંધાપો લાવે છે.

નેત્રબિંબશોફનાં મુખ્ય ત્રણ કારણો છે : (અ) ખોપરીમાં ગાંઠને કારણે લોહી જામી જવાથી કે ચેપ લાગવાથી જો ખોપરીમાંનું દબાણ વધે તો તેને અંત:કર્પરી અતિદાબ (increased intracranial tension) કહે છે. તેમાં નેત્રબિંબ પર સોજો આવે છે. ખાસ કરીને તેવું નાના મગજની ગાંઠમાં વહેલું જોવા મળે છે. પીયૂષિકા ગ્રંથિની ગાંઠ જો તેની બખોલ(sella)માં સીમિત હોય તો તે નેત્રબિંબશોફ કરતી નથી. (આ) દૃષ્ટિપટલની મધ્યસ્થ શિરા (central vein of retina) પર કે તે જે શિરામાં ખૂલે છે તે શિરાઓ પર બહારથી દબાણ હોય કે તેમની અંદર લોહી જામી ગયું હોય તો તે શિરાઓમાં લોહીનું વહન ઘટે છે. તેને શિરાલક્ષી અલ્પવાહિતા (venous statis) કહે છે. તેથી નેત્રબિંબશોફ થાય છે. (ઇ) દર્દીનું લોહીનું દબાણ લાંબા સમય સુધી ઘણું ઊંચું રહે તો દૃષ્ટિપટલની નસોમાં વિકાર થાય છે. તેને અતિરુધિરદાબી દૃષ્ટિપટલરુગ્ણતા (hypertensive retinopathy) કહે છે. તેના ચોથા તબક્કામાં નેત્રબિંબશોફ પણ જોવા મળે છે. ઝામરની શસ્ત્રક્રિયા પછી આંખના ગોળાની દીવાલની તણાવક્ષમતા ઘટે છે. તેથી પણ આ વિકાર થાય છે.

આ ત્રણેય પ્રક્રિયાઓમાં દૃષ્ટિચેતા(optic nerve)ના શીર્ષરૂપ ભાગ  દૃષ્ટિચકતી  પર સોજો આવે છે. શરૂઆતમાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ ક્યારેક દૃષ્ટિપટલ-ધમની(retinal artery)માં સતત સંકોચન (spasms) થવાથી અંધારાં આવે છે. જોકે નેત્રબિંબશોફના પાછલા તબક્કાઓમાં દૃષ્ટિની તીવ્રતા ઘટે છે. નેત્રાંત:ગુહાદર્શન (opthalmoscopy) વડે અવલોકન કરવામાં આવે તો સૌપ્રથમ ચકતીમાંનો ખાડો પુરાયેલો જોવા મળે છે અને ચકતીની  નાક તરફની કિનારી ઝાંખી થાય છે. ધીમે ધીમે ચકતીમાં સોજો આવે છે અને તે આગળની તરફ ઊપસી આવે છે. દૃષ્ટિપટલની શિરાઓમાં લોહીનો ભરાવો (congestion) થાય છે. ત્યારબાદ જ્યોત આકારના રુધિરસ્રાવડાઘા અને મૃદુ સફેદ બહિ:સારી દ્રવ્ય (exudate) જોવા મળે છે. જો તેની સમયસર સારવાર ન કરાય તો નેત્રબિંબ ફિક્કું પડે છે. તેનો સોજો શમે છે, દૃષ્ટિક્ષેત્ર નળાકાર રૂપે સંકોચાય છે અને છેલ્લે અંધાપો આવે છે. નેત્રબિંબશોફની સારવાર કારણરૂપ મૂળરોગની સારવાર પર આધારિત છે. જો મગજમાં કોઈ ગાંઠ ઉદભવેલી હોય તો ડૅક્સામિથેસોન, મેનિટોલ, ગ્લિસેરોલ કે એસેટાઝોલેમાઇડ વડે સારવાર કરીને મગજ પરનો વધારાનો સોજો ઓછો કરાય છે. તે તાત્કાલિક જરૂરિયાતનું ગણાય છે. યોગ્ય સમયે જો સારવાર ન અપાય તો મગજ ખોપરીમાંથી નીચે ઊતરે છે, જે જીવલેણ ઘટના ગણાય છે.

શિલીન નં. શુક્લ

દુર્દાન્ત દવે