નેઈમી, મિખાઈલ (જ. 22 નવેમ્બર 1889, બિસ્કિન્ટા, લૅબેનોન; અ. 28 ફેબ્રુઆરી 1988, બૈરુત, લૅબેનોન) : જાણીતા અરબી ચિંતક અને લેખક. તેઓ અરબી ભાષાની રશિયન સ્કૂલમાં બિસ્કિન્ટામાં તથા ત્યારબાદ નાઝારેથની રશિયન ધર્મશિક્ષાલય(seminary)માં 1902થી 1906 સુધી અભ્યાસ કર્યા બાદ પોલ્ટાવા(યુક્રેન)માં થિયૉલૉજિકલ સેમિનરીમાં ભણ્યા (1906–11).

અમેરિકામાં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક થયા બાદ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થઈને અરબી ભાષાના સમાચારપત્ર ‘અલ-ફુનૂન’માં કામ શરૂ કર્યું. પ્રથમ વિશ્વવિગ્રહ દરમિયાન આ સમાચારપત્ર બંધ પડ્યું. થોડો સમય 191819માં યુરોપમાં અમેરિકન સૈન્યમાં કામ કર્યા બાદ, ફ્રાન્સની યુનિવર્સિટી ઑવ્ રેનેમાં 1919માં સાહિત્ય અંગેનો ડિપ્લોમા (M.A.સમકક્ષ) મેળવી ન્યૂયૉર્કમાં પત્રકાર તરીકે પાછા ફર્યા. અહીં તેઓ કલમ મંડળ (pen league) ‘અર-રબિતાહ અલ કલામિયાહ’માં જોડાયા અને બીજા ખૂબ જાણીતા અરબી લેખક ખલીલ જિબ્રાનના ગાઢ મિત્ર બન્યા. 1932માં ખ્યાતિ સાથે તેઓ લૅબેનોન પાછા ફર્યા અને તેમના ગામ બિસ્કિન્ટામાં જ સ્થાયી થયા.

તેમણે લૅબેનીઝ જીવનશૈલીને લગતી, તેમની સમસ્યાઓની તથા ગ્રામજીવનની ખૂબ સાદી પણ અસરકારક ભાષામાં છણાવટ કરી છે.  તેમની ખૂબ જાણીતી કૃતિઓમાં ‘ખલીલ જિબ્રાનનું જીવન’ (1934) તથા તેમની પોતાની આત્મકથા (ત્રણ ભાગમાં; 1959–60) જાણીતાં છે. પણ તેમને ‘ધ બુક ઑવ્ મિરદાદ’ નામના પુસ્તકથી આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ નામના મળી છે. ઉપનિષદો અને ભગવદગીતા જેવા ધર્મગ્રંથોની માફક જ માનવનું આંતરમન તથા તેનાં લક્ષ્યો અંગે આ કથામાં ખૂબ તલસ્પર્શી નિરૂપણ થયું છે. તેમના જમાનામાં ખલીલ જિબ્રાન પછી મિખાઈલ સ્વતંત્ર વિચારવાળા, હિંમતવાળા પ્રસિદ્ધ લેખક ગણાયા છે. માનવમનનું નીતિ, ધર્મ વગેરેથી સ્વતંત્ર પ્રતિપાદન તેમણે દર્શાવ્યું છે. વેદાન્તની અદ્વૈતવાદની વિચારધારા વાંચતા હોઈએ તેવું ‘ધ બુક ઑવ્ મિરદાદ’ વાંચતાં અનુભવીએ છીએ. તેમના લખાણમાં ત્રણ મૂળભૂત વિચારો છે : (1) અવતારવાદ, (2) કર્મ અને પુનર્જન્મ અને (3) પ્રત્યેક માનવીનો પોતાની જાત માટેનો (i) જળપ્રલય (ii) નાવ (arc) અને (iii) નાવ-ચાલક તરીકે ભાવાવેગ. એ ત્રણને ત્રિમૂર્તિ (trinity) તરીકે તેમણે દર્શાવેલ છે.

‘ધ બુક ઑવ્ મિરદાદ’ અંગ્રેજીમાં એન. એમ. ત્રિપાઠીએ 1955માં પ્રસિદ્ધ કર્યું છે. તેના ઉપરથી પી. રામાનંદ દ્વારા તૈયાર થયેલું ત્રિઅંકી અંગ્રેજી નાટક ‘Mirdad’ 1973માં ભારતીય વિદ્યાભવને પ્રસિદ્ધ કર્યું છે.

જ. પો. ત્રિવેદી