નેઅમતખાન, ‘આલી’ (જ. ; અ. 1710, દિલ્હી) : ભારતના પ્રસિદ્ધ ફારસી લેખક અને કવિ. મૂળ નામ મિરઝા નૂરુદ્દીન મુહમ્મદ. તેમના પિતાનું નામ હકીમ ફત્હુદ્દીન શીરાઝી હતું. તેમના પિતા તેમને શીરાઝ લઈ ગયા, જ્યાં બધા જ પ્રકારનું પ્રચલિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ પાછા ફર્યા.

શાહજહાંએ તેમની જવાહિરખાતાના દારોગા તરીકે નિમૂણક કરી. શહેનશાહ ઔરંગઝેબે તેમની ‘વાકિયાનવીસ’ (વૃત્તાંત-લેખક) તરીકે નિમણૂક કરી. ઔરંગઝેબે તેમને ‘નેઅમતખાન’, ‘મુકર્રબખાન’ વગેરે ખિતાબોથી નવાજ્યા. શાહઆલમે તેમને ‘દાનિશમંદ’નો ખિતાબ આપ્યો. નેઅમતખાને ગદ્ય તેમજ પદ્ય લખાણ કરેલાં છે. તેથી પોતાનું તખલ્લુસ ‘આલી’ રાખ્યું હતું. પોતાની વિદ્વત્તાને બળે હિન્દના સાહિત્યકારોમાં તે ટૂંક સમયમાં જાણીતા થઈ ગયા. પદ્ય કરતાં તેમનું ગદ્ય ઘણું કઠિન છે. તેમની રચનાઓ ભપકાદાર અને અલંકૃત શૈલીના કારણે ઘણું મહત્વ ધરાવે છે. તેમાં રૂપક અને ઉપમાની પ્રચુરતા છે. નિંદાત્મક કાવ્યો લખવામાં તે એ પ્રકારના સૌ લેખકોને ટપી જાય તેવા હતા. તેમની મુખ્ય કૃતિઓમાં ‘વકાયયે હૈદરાબાદ’, ‘જંગનામા’ અને ‘કુલિયાત’ છે.

(1) ‘વકાયયે હૈદરાબાદ’માં 1685-86માં ઔરંગઝેબે હૈદરાબાદમાં નાખેલા ઘેરાનું સવિસ્તર વર્ણન છે. તે કટાક્ષમય અને વ્યંગપૂર્ણ છે. (2) ‘જંગનામા’ : ઔરંગઝેબના રાજ્યઅમલનાં છેલ્લાં વર્ષો અને તેના મૃત્યુ પછી શાહજાદાઓ વચ્ચેના આંતરવિગ્રહનું વર્ણન છે. (3) ‘બહાદુરશાહનામા’ : શાહઆલમ બહાદુરશાહની હકૂમતનાં પહેલાં બે વર્ષનો ઇતિહાસ છે. (4) ‘રાહતુલ કુલૂબ’માં નેઅમતખાને પોતાના કેટલાક સમકાલીનોનું કટાક્ષમય વર્ણન કર્યું છે. ‘રિસાલએ હિજ્વે હુક્મા’માં હકીમોનું ઉપહાસાત્મક વર્ણન છે તથા ‘ખ્વાને નેઅમત’ એ રાંધણકળા પર નિબંધ છે. પોતાના મિત્રોને સંબોધીને લખેલા પત્રો તથા ગઝલો, કસીદા, મુક્તકો અને રુબાઈઓના સંગ્રહ રૂપે એક ‘દીવાન’ પણ પ્રખ્યાત છે.

ઈસ્માઈલ કરેડિયા