નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India)

January, 1998

નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India) : નૅશનલ મિશન ઑન એજ્યુકેશન થ્રૂ આઈસીટીનું એક ઘટક.

શિક્ષણના સાધન તરીકે માહિતી પ્રત્યાયન ટૅક્નૉલૉજી(ICT)નો ઉપયોગ કરીને ઉચ્ચશિક્ષણની ટકાવારીમાં વૃદ્ધિ કરવાના સઘન પ્રયત્નોના ભાગ રૂપે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘નૅશનલ મિશન ફૉર એજ્યુકેશન થ્રૂ આઈસીટીની શરૂઆત કરી. 11મી પંચવર્ષીય યોજનામાં 2008-2009માં રૂ. 502 કરોડનું બજેટ ફાળવ્યું. સમગ્ર દેશના અધ્યાપકો, નિષ્ણાતો અને વિદ્વાનો એક સ્થાને એકત્ર થાય અને પરસ્પરને મળી વિચારોની આપલે કે સંવાદ કરી શકે, સમાજમાં ડિજિટલ સાક્ષરતા આવે, શિક્ષણ સાથે સંબંધિત વિષયોમાં સંશોધનો થાય, જ્ઞાનના વિવિધ ફિરકાઓનું સંયોજન થાય તેમ જ એની સાથે સમગ્ર માનવસમાજનો સહયોગ થાય એ માટે એનએમઈઆઈસીટી (NMEICT) મુખ્ય ત્રણ ઘટકો સાથે કાર્યરત થયું. તેમાં 1. સાક્ષાત્ (Shakshat), 2. ડિજિટલ સાક્ષરતા (Digital Literacy) અને 3. ઈ-પુસ્તકો અને ઈ-સામયિકોની પ્રાપ્તિનો સમાવેશ થાય છે.

એનએમઈઆઈસીટી(NMEICT)ના ત્રીજા ઘટકના આવિર્ભાવ રૂપે નૅશનલ ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત થઈ. મે, 2016માં આ અંગે માર્ગદર્શક યોજના શરૂ કરવામાં આવી. એની ફલશ્રુતિ રૂપે 9 જૂન, 2018ના રોજ યુનિયન મિનિસ્ટર શ્રી પ્રકાશ જાવડેકરના હસ્તે નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ ડિજિટલ લાઇબ્રેરીના ભંડારમાં 70 કરતાં પણ વધારે ભાષાઓમાં 2,50,00,000થી પણ વધારે સ્રોતસામગ્રી ઉપલબ્ધ છે. તેમાં 1,50,000 અંગ્રેજી ભાષાના ગ્રંથો છે (2019). ભારતીય ભાષાઓના સ્રોતો (તળપદી બોલીના પણ) સ્કૅન કરીને સંગ્રહવામાં આવ્યા છે. ભારતીય ભાષાઓની સ્રોતસામગ્રીના ડિજિટાઇઝેશન માટે ઓસીઆર (OCR  Optical Character Recognition) સૉફ્ટવૅર વિકસાવવામાં આવેલું છે.

આ નૅશનલ ડિજિટલ લાઇબ્રેરીમાં વિવિધ વિષયો અને વિવિધ પ્રકારની સ્રોતસામગ્રીનો ભંડાર છે. તેમાં પુસ્તકો–પાઠ્યપુસ્તકો, લેખો, સામયિકો, અહેવાલો, નિબંધો, વ્યાખ્યાનો, પ્રશ્નપત્રો વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત વિવિધ પ્રકારની અભ્યાસસામગ્રી  ઑડિયોઝ, વીડિયોઝ (દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી) જેવી 60 પ્રકારની સ્રોતસામગ્રીનો સમાવેશ થયેલો છે.

એનડીએલ દરેક કક્ષાના અને સ્તરના ઉપયોગકર્તાઓને વિના મૂલ્યે 24 × 7 સેવાઓ આપે છે. પ્રાથમિક કક્ષાથી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, ગ્રંથપાલો, વિવિધ વ્યાવસાયિકો તેમ જ આજીવન અભ્યાસ અને સંશોધનમાં વ્યસ્ત કોઈ પણ વ્યક્તિ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. સમગ્ર વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ એનડીએલનો ઉપયોગ કરવા માટે સભ્યપદ મેળવી શકે છે. વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વમાંથી અભ્યાસસામગ્રી ઉપરાંત પ્રવેશ-પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટેની વિષયસામગ્રી પ્રાપ્ત થઈ શકે એ પ્રકારની સુવિધા છે. વળી દિવ્યાંગ વિદ્યાર્થીઓને માટેની અભ્યાસસામગ્રી પણ ઉપલબ્ધ છે.

એનડીએલ (NDL) સાથે અનેક સંસ્થાઓ જોડાયેલી છે; જેમ કે,  એનસીઈઆરટી (NCERT) દ્વારા પ્રાથમિકથી શરૂ કરીને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં જુદા જુદા વિષયનાં પુસ્તકો ઑનલાઇન પ્રાપ્ત થઈ શકે છે. એનપીટીએલ (NPTL) દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રનાં દસ હજાર દૃશ્ય-વ્યાખ્યાનો ઑનલાઇન ઉપલબ્ધ છે. ‘લિબ્રિવૉક્સ’ (Libri Vox) દ્વારા 2 લાખ શ્રાવ્ય-ગ્રંથો (ઑડિયો બુક્સ) ઑનલાઇન પ્રાપ્ત થાય છે. ‘કૃષિકોષ’ (KrishiKosh) દ્વારા 50 હજાર કૃષિવિજ્ઞાનનાં પુસ્તકો, સામયિકો, લેખો, અહેવાલો વગેરે ઑનલાઇન મળી શકે છે. ‘શોધગંગા’ (Shodhaganga)  ઇન્ફ્લિબનેટ-(INFLIBNET)ની આધારસામગ્રી દ્વારા 38,000થી પણ વધારે મહાનિબંધો અને અહેવાલો ઑનલાઇન પ્રાપ્ત થાય છે. આ ડિજિટલ સ્રોતસામગ્રીના વિષયવસ્તુની અધિકૃતતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, સંપૂર્ણતા તથા સુસંગતતાની જવાબદારી જે તે સંસ્થાઓની છે; એનડીએલ(NDL)ની નથી.

એનડીએલ(NDL)ના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારના વિશિષ્ટ હાર્ડવેર કે સૉફ્ટવૅરની જરૂર નથી; માત્ર કમ્પ્યૂટર અથવા લૅપટૉપ તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી  બસ. સમગ્ર એનડીએલ (NDL) તમારી આંગળીઓનાં ટેરવે…! ગૂગલપ્લે (Google Play) દ્વારા મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરીને એનડ્રોઇડ ફોન દ્વારા પણ એનડીએલ(NDL)નો ઉપયોગ થઈ શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (આઇઆઇટી–IIT), ખડગપુર દ્વારા એનડીએલ(NDL)નું સંચાલન થાય છે. ક્યારેક સ્રોતસામગ્રીને  વિષયવસ્તુને વ્યવસ્થિત કરવાનું કાર્ય ચાલતું હોય ત્યારે પ્રલેખો હોવા છતાં મળી શકતા નથી. માહિતીસામગ્રી મેળવવામાં કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સહાયતા મેળવવા માટે [email protected]નો સંપર્ક કરી શકાય છે.

ઊર્મિલા ઠાકર