નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)

January, 1998

નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) : ભારતમાં ડેરીવિકાસના કાર્યક્રમો ઘડતી તથા આવા કાર્યક્રમોને સહકારી પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય વિકાસ સંસ્થા. તેની સ્થાપના સપ્ટેમ્બર, 1965માં થઈ હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ઑક્ટોબર, 1964માં ‘અમૂલ’ની સમતોલ પશુઆહાર-દાણ-ફૅક્ટરીનું ઉદઘાટન કરવા રાજ્યની મુલાકાત લીધી, ત્યારે આણંદ-પદ્ધતિ મુજબ સહકારી ધોરણે અન્ય રાજ્યોમાં પણ દૂધ-મંડળીઓની રચના કરવાની તથા તે માટે રાષ્ટ્રીય કક્ષાની એક સંસ્થા સ્થાપવાની તેમણે ભલામણ કરી હતી. તેના પરિણામે એન.ડી.ડી.બી.ની સ્થાપના થઈ છે.

આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) ભારતમાં ડેરી વિકાસના કાર્યક્રમો ઘડવા, આવા કાર્યક્રમોને પ્રોત્સાહન પૂરું પાડવું તથા સહકારી પ્રવૃત્તિના માધ્યમ દ્વારા આવા કાર્યક્રમોને મદદરૂપ થવું. (2) દૂધ-ઉત્પાદકોની સહકારી મંડળીઓના માધ્યમ દ્વારા દૂધ-ઉત્પાદનોને વાપરનાર સુધી પહોંચાડવાં. સમય જતાં આ બે ઉદ્દેશોનો વિસ્તાર કરવામાં આવ્યો. એ રીતે તેલીબિયાં તથા ખાદ્યતેલના માળખામાં સુધારા કરવા, ફળફળાદિ અને શાકભાજીના વેચાણને વ્યવસ્થિત કરવું, મીઠા-ઉત્પાદકોની સહકારી મંડળીઓ સ્થાપવી તથા વૃક્ષઉછેર માટે સહકારી મંડળીઓ દ્વારા વનીકરણની ઝુંબેશને પ્રોત્સાહન આપવું જેવા વધારાના ઉદ્દેશો પણ સ્વીકારવામાં આવ્યા છે.

ભારતના ગ્રામવિસ્તારોમાં દૂધ-ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલ ‘ઑપરેશન ફ્લડ’ યોજનાનો અસરકારક અમલ કરવાના હેતુથી નૅશનલ ડેરી ડેવલપમેન્ટ ઍક્ટ, 1987 પસાર કરવામાં આવ્યો અને તે કાયદાના અન્વયે ઑક્ટોબર, 1987માં ભારત સરકારના તાબા હેઠળની સંસ્થા ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનનું નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. આ કાયદા અન્વયે બોર્ડમાં (1) ચૅરમૅન, (2) મધ્યસ્થ સરકાર દ્વારા નિયુક્ત અધિકારી, (3) રાજ્યોનાં સહકારી ફેડરેશનોના ચૅરમૅનોમાંથી બે સભ્યો, (4) એન.ડી.ડી.બી.માં ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા પૂર્ણ સમયના અધિકારીઓમાંથી વધુમાં વધુ ત્રણ તથા (5) એન.ડી.ડી.બી. સિવાયના ડેરી ક્ષેત્રના એક નિષ્ણાત  આટલા સભ્યોનો સમાવેશ થાય છે.

એન.ડી.ડી.બી. ઍક્ટ, 1987ની જોગવાઈ મુજબ આ બોર્ડ દિલ્હીમાં ‘મધર ડેરી’ અને ફળ તથા શાકભાજીની યોજના, કૉલકાતામાં મધર ડેરી તથા ગુજરાતમાં સાબરમતી આશ્રમ ગૌશાળા(બીડજ)નો વહીવટ ચલાવે છે.

એન.ડી.ડી.બી.ની સ્થાપના પછીના શરૂઆતના તબક્કામાં આ સંસ્થાએ આણંદ-પદ્ધતિ મુજબ ડેરી-વિકાસ માટે નાણાંની જોગવાઈ કરવા સારુ રાજ્ય-સરકારોને વિનંતી કરી હતી, પરંતુ તેનું ઇચ્છિત પરિણામ ન આવતાં 1967 –68ના વર્ષથી ડેરી-વિકાસના કાર્યક્રમો માટે ડેરી-પ્રોડક્ટના રૂપમાં બહારથી સહાય લેવાનું નક્કી કરવામાં આવ્યું.

બહારના દેશોમાંથી ખાદ્યપદાર્થ રૂપે મળતા દાનનો ઉપયોગ એક સારા મૂડીરોકાણ તરીકે કરવાના હેતુથી એન.ડી.ડી.બી.એ નીતિવિષયક બે મુદ્દાઓનું ચુસ્તપણે પાલન કર્યું હતું : (1) વિદેશોમાંથી દાનમાં મેળવેલ દૂધ-પાઉડર તેમજ બટર ઑઇલમાંથી બનેલ દૂધનું વેચાણ એ ભાવે કરવું, જે ભાવે સ્થાનિક ડેરીઓ તેનું વેચાણ કરે છે. આમ કરવાથી સ્થાનિક દૂધ-ઉત્પાદન પર તેની વિપરીત અસર પડે નહિ. (2) બહારથી દાનમાં મળેલ દૂધ અને બટર-ઑઇલના વેચાણમાંથી મળતાં નાણાંનો ઉપયોગ દેશનાં મોટાં નગરોની આસપાસના વિસ્તારોમાં દૂધની ડેરીઓ અને તે માટેના પાયાના માળખાની રચના કરવા માટે કરવો. 1970થી 1996 સુધી આ યોજના કાર્યરત હતી.

એન.ડી.ડી.બી. હેઠળ અમલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમોને લીધે ભારતમાં દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે 2010માં ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. એન.ડી.ડી.બી.એ આણંદ-ઢબની આશરે 96,000 સહકારી ડેરીઓનો વિકાસ કર્યો છે. ભારત દૂધની બનાવટોની નિકાસ કરતા દેશોની હરોળમાં મુકાયું છે. ભારત દૂધની બનાવટોની આયાત નહિવત્ કરે છે.

બોર્ડના સંશોધન અને ડેરીવિકાસ-વિભાગ તથા પ્લાન્ટ-ટૅકનૉલૉજી અને બાયૉટૅકનૉલૉજી-વિભાગે દુધાળાં ઢોરની જાતસુધાર તથા દુધાળાં પશુદીઠ દૂધ-ઉત્પાદનમાં વધારો કરવામાં અને તે ઉપરાંત દૂધની જુદી જુદી બનાવટો તૈયાર કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. મહિલાઓને દૂધ-ઉત્પાદન સાથે સાંકળીને તેમને રોજગારી પૂરી પાડી સ્વાશ્રયી બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.

હિના અવતારસિંઘ સિદ્ધુ