નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી

January, 1998

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને માહિતી એકત્ર કરવી, કલાના વિવિધ વિષયો પર વ્યાખ્યાનો યોજવાં, ચર્ચાઓ અને પરિસંવાદોનું આયોજન કરવું વગેરે તેની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અહીં કલાના અભ્યાસ અને તેને લગતા સંશોધનકાર્યને ઉત્તેજન અપાય છે. વળી કલાને લગતા વિવિધ કાર્યક્રમો સતત યોજાતા રહે છે. કલાત્મક ચિત્ર-કાર્ડ, જાણીતા ચિત્રકારોની બહુરંગી પ્રિન્ટ્સ અને શુભેચ્છા-કાર્ડ ઉપરાંત કલાવિષયક પુસ્તકો, સામયિક, ફોટોગ્રાફ અને બીજી અનેક દૃશ્ય-શ્રાવ્ય સામગ્રીનું પ્રકાશન થાય છે. આધુનિક ભારતીય કલાની અલગ અલગ ચોક્કસ વિષય-કલ્પના (concept) પસંદ કરીને પણ અહીં પ્રદર્શનો યોજાય છે અને તેમાં  ચિત્રકલા, શિલ્પ, મુદ્રણ કલા, છબીકલા, રંગોળી જેવા તમામ કલાપ્રકારો આવરી લેવાય છે; જેથી દર્શકના મનમાં જે તે વિભાવનાનો સર્વાંગી ખ્યાલ ઊપસી રહે.

આજે આ કેન્દ્રમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજ સુધીના આશરે એક સૈકાના અનેક કલાકારોની 35,000થી વધુ કૃતિઓનો સંગ્રહ છે. દેવીપ્રસાદ રાય ચૌધરી જેવા જાણીતા શિલ્પીની વિખ્યાત કૃતિ ‘શ્રમનો વિજય’ પણ નૅશનલ ગૅલરીના પ્રાંગણમાં છે. આ ગૅલરીમાં રાજા રવિવર્મા (1848–1905), અવનીન્દ્રનાથ ટાગોર (1871–1957), નંદલાલ બોઝ (1883–1960), વિનોદ બિહારી મુખર્જી (1904–1980), રામકિંકર બૈજ (1910–1980), રવીન્દ્રનાથ ટાગોર (1861 –1941), ગગનેન્દ્રનાથ ટાગોર (1867–1938), જામિની રૉય (1887–1972), અમૃતા શેરગિલ (1913–1941), નિકોલસ રોરિક, એમ. એફ. હુસેન (1915) વગેરે ઉપરાંત ગુલામ મોહમદ શેખ (1937), પિરાજી સાગરા (1931), અમિત અંબાલાલ, વિનોદ શાહ (1934), ઈશ્વર સાગરા (1942), બાલકૃષ્ણ પટેલ (1931), જેરામ પટેલ (1930), નાગજી પટેલ (1937), જ્યોતિ ભટ્ટ (1934), સોમાલાલ શાહ (1905–1994) અને ભૂપેન ખખ્ખર (1934) જેવા ગુજરાતી કલાકારોની કલાકૃતિઓનો મૂલ્યવાન સંગ્રહ પણ સચવાયેલો છે. પાકિસ્તાનના આધુનિક ચિત્રકાર અબ્દુલ રેહમાન ચુગતાઈનાં ચિત્રો માટે અલાયદો ખંડ ફાળવાયો છે.

ભારતના આધુનિક કલાવિકાસનો એક જ સ્થળે પરિચય કરાવતા આ રાષ્ટ્રીય સ્થળની દેશવિદેશના અનેક કલારસિકો મુલાકાત લે છે.

જ. મૂ. નાણાવટી

સોનલ મણિયાર