નિર્માણયંત્રો (construction machinery)

January, 1998

નિર્માણયંત્રો (construction machinery) : રસ્તા, મકાન, પુલ, બંધ, નહેર, નાળાં વગેરેના બાંધકામ માટે વપરાતાં યંત્રો.

સમયની સાથે નિર્માણકાર્ય વધતું જાય છે. તે સમયસર પૂરું કરવા માટે કામની ઝડપ વધારવા તેમજ કામની ગુણવત્તા વધારવા જુદાં જુદાં નિર્માણયંત્રો અનિવાર્ય થઈ પડ્યાં છે. વપરાશને લીધે વિકાસ થતો જાય છે અને નિર્માણ માટેની વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી પણ તૈયાર થતી જાય છે. સિવિલ ઇજનેરીને લગતા પ્રત્યેક વિભાગનાં નિર્માણકાર્યોમાં નિર્માણયંત્રો બહોળા પ્રમાણમાં વપરાય છે

યંત્રોના પ્રકાર અને ગોઠવણી : (1) પ્રમાણમાપક સંયંત્ર (batching plant) : મિશ્રણમાં જુદી જુદી નિર્માણસામગ્રીનું પ્રમાણ માપવા માટેની આ યાંત્રિક ગોઠવણી છે; દા. ત., કૉન્ક્રીટમાં સિમેન્ટ, રેતી અને કપચીનું પ્રમાણ 1 : 2 : 4 રાખવા માટે.

આકૃતિ 1 : કાર્યરત બુલડોઝર

 (2) બુલડોઝર : વિશેષ શક્તિવાળા ટ્રૅક્ટરની આગળ યોગ્ય વળાંકની ઊંચીનીચી થઈ શકે તેવી સ્ટીલની મજબૂત બ્લેડ સાથેનું આ યંત્ર છે. તેનાથી ખોદેલ માટી, કંકર કે રોડાં વગેરે પાથરી શકાય છે તથા ઊંચીનીચી સપાટીને સમતળ કરી શકાય છે. બુલડોઝરથી વૃક્ષો પણ પાડી શકાય છે.

(3) ધાતુના પટ્ટાયુક્ત ટ્રૅક્ટર (caterpillar tractor): આગળ અને પાછળ એમ બે ધરી અથવા આગળ, મધ્યમાં તથા પાછળ એમ ત્રણ ધરી પરનાં પૈડાં પર આવતું વજન વધારે ક્ષેત્રમાં વહેંચાઈ જાય તે માટે પૈડાંને ફરતો સળંગ ધાતુનો પટ્ટો આ યંત્રમાં હોય છે. તેના લીધે આ યંત્ર પોચી જમીન કે બિનસમતળ જમીન પર સહેલાઈથી ચલાવીને કામમાં લઈ શકાય છે.

(4) ખેંચાણયંત્ર (drag machine) : આ યંત્રમાં બે કે તેથી વધારે સ્ટીલની બ્લેડ હોય છે. તે જમીનની સપાટીની કે માર્ગના પાયાની સપાટીની અનિયમિતતાઓ દૂર કરી સપાટી સરખી કરે છે અને વધારાની માટી ખોતરીને જુદી કાઢે છે.

આકૃતિ 2 : ડમ્પર

(5) ડમ્પર : આ યંત્રમાં રચના એવા પ્રકારની હોય છે કે ખોદેલી માટી વગેરે ભરી દૂર લઈ જઈ શકાય અને જરૂર હોય ત્યાં ટ્રૉલીને ઢળતી કરી આગળ ચલાવતાં માટી ઠલવાય.

(6) ગ્રેડર : જરૂર પ્રમાણે ગોઠવી શકાય તેવી બ્લેડવાળા આ યંત્રથી ઉપરની માટી બાજુ પર ખસેડાય છે અને તેથી માર્ગની પાયારૂપ સપાટી લંબાઈમાં તથા બાજુઓમાં જરૂરી ઢાળ સાથે રચી શકાય છે.

(7) જમ્પર : જાડા તથા ભારે સળિયાની છીણી કે ડ્રિલવાળા આ યંત્રથી ખડકને તોડી શકાય છે. ખડક ફોડવા કાણાં (blasting holes) પાડી, કાણાંમાંનો ડાઇનેમાઇટ ફોડી ખડકને તોડી શકાય છે.

(8) સ્કૂપ : પાવડા જેવા સાધન સહિત કાપતી ધારવાળું હોવાથી આ યંત્ર ખોદવા, ખોદેલ સામગ્રી ભરવા, ખેંચી જવા તથા જરૂર હોય ત્યાં થોડા અંતરે લઈ જઈને ઠાલવવા વપરાય છે.

(9) સ્ક્રૅપર : આમાં મોટું સ્કૂપ અને વધારે તાકાત હોવાથી તેની કાપતી ધાર ખોદાણની જોઈતી ઊંડાઈનું સાતત્ય જાળવી શકે છે.

આકૃતિ 3 : સ્ક્રૅપર

(10) રોલર : જુદા જુદા પ્રકારની સપાટીને દબાવવા ધીમી ગતિથી ચાલી શકે અને જરૂરી દબાણ આપી શકે તેવાં જુદા જુદા પ્રકારનાં રોલરો ઉપલબ્ધ હોય છે. આકૃતિ-4માં જુદાં જુદાં રોલરો દર્શાવ્યાં છે.

(ક) શિપ ફૂટ રોલર : આ રોલરમાં પોલા નળાની સપાટી ઉપર પિરામિડ આકારના નાના દાંતા હોય છે. તેથી ભેજવાળી માટીની સપાટી સારી રીતે દબાવી શકાય છે. બીજા કોઈ પણ પ્રકારના રોલર કરતાં આ રોલરથી માટી વધુ ઘટ્ટ થાય છે. ડ્રમમાં જરૂરિયાત પ્રમાણે ભેજવાળી રેતી ભરીને દબાણ વધારી શકાય છે.

ઉપરનું પડ સુંવાળી સપાટીવાળા રોલરથી દબાવાય છે. તે માટે આ રોલર હવા ભરેલાં ટાયરોવાળાં અથવા રબરનાં ટાયરોવાળાં પૈડાં સહિતનાં હોય છે.

(ખ) ટૅન્ડમ રોલર : દરેક ધરી પર એક સળંગ પૈડું એવી બે ધરીવાળું આ રોલર છે. તેનાથી 10 કિગ્રા.થી 17 કિગ્રા/ચોસેમી. દબાણ આપી શકાય છે. ઠંડા બિટ્યુમનયુક્ત સપાટીના દબાણ માટે કે ડ્રેસિંગ માટે આ રોલર વિશેષ પ્રમાણમાં વપરાય છે.

(ગ) ધ્રુજારાયુક્ત રોલર (vibratory roller) : 4 ટનથી 6 ટન વજનવાળાં આ રોલર બે પૈડાંવાળાં હોય છે. પૈડાંની ધરી અકેન્દ્રીય હોવાથી ધ્રુજારા ઉત્પન્ન થાય છે. તે કંકરીય સપાટી તેમજ આસ્ફાલ્ટવાળી કૉન્ક્રીટ સપાટી દબાવવા વપરાય છે.

(ઘ) ત્રણ પૈડાંવાળાં રોલર્સ : તે 8 ટનથી 10 ટન વજન આપી શકે છે. ગ્રૅવલ, રેતી, રોડાં વગેરે સપાટીઓના દબાણ માટે આ રોલર વધારે યોગ્ય છે. જરૂરી ભેજ કરતાં સહેજ વધારે ભેજયુક્ત સપાટી સહેલાઈથી દબાવી શકાય છે. સપાટી પર રોલરનાં પૈડાંનું સંપર્કક્ષેત્ર 75 મિમી. હોય છે. દરેક પૈડા પર સ્ક્રેપર ચઢાવેલાં હોવાથી પૈડાં પરની ચોંટેલી માટી વગેરે ચાલુ કામમાં છૂટી થતી જાય છે.

(11) પેવર્સ : આ યંત્રમાં ડમ્પર અને આગળ રસ્તાની એક પટ્ટી (લેન) જેટલી પહોળાઈની બ્લેડ હોવાથી ડમ્પરમાંની ડામરમિશ્રિત ગ્રિટ પથરાય છે અને બ્લેડ જેટલી ઊંચી સપાટીએ રાખી હોય તેટલી જાડાઈના એકસરખા પડમાં, ગ્રેડમાં અને કેમ્બરમાં પથરાય છે. આ પડ રોલરથી દબાતાં માર્ગની પૂર્ણ સપાટી સુંવાળી થાય છે.

(12) ક્રશર : પથ્થરોને જુદી જુદી સાઈઝમાં કચરવા માટે ક્રશરો વપરાય છે. આ ક્રશરો હૅમર (હથોડા) ટાઇપનાં કે ગ્રાઇન્ડર ટાઇપનાં કે હથોડા તેમ જ ગ્રાઇન્ડરયુક્ત હોય છે. આ ક્રશરો 15 સેમી.થી 1 સેમી. સુધીના કદમાં પથ્થરો કચરી શકે છે કે જેથી નિર્માણકાર્યને અનુરૂપ કદના પથ્થરના ગાંગડા મળી શકે.

આકૃતિ 4 : જુદા જુદા પ્રકારનાં રોલરો : (1) રોલર, (2) ટૅન્ડમ સ્ટીલ રોલર, (3) વાતિક રોલ ટાયરો, (4) શિપ ફૂટ, (5) સ્કેરિફાયર સાથેનો રોલ, (6) ત્રણ પૈડાંવાળું રોલર, (7) ત્રણ સમાંતર ધરી રોલર.

(13) ઊંટડો (crane) : નિર્માણકાર્યોમાં વજનવાળી સામગ્રી ઊંચકીને નિર્માણ માટેની મુકરર જગ્યાએ મૂકવા માટે ½ ટનથી 5 ટન સુધીની ક્ષમતાવાળી યાંત્રિક ક્રેન વપરાય છે. તેમાં ફ્રેમવાળું લાંબું લીવર ઊંચુંનીચું થઈ શકે છે તથા વર્તુળાકારે ઘૂમી શકે છે. ઉપરના છેડે ગરગડીઓ ઉપર થઈને લોખંડી દોરડાં પસાર થાય છે. તેના છેડે આવેલા હૂકમાં પિંજર કે સાંકળો હોય છે. લીવરના નીચેના છેડે ચક્રોમાં દોરડાં વીંટાતાં પિંજરામાં રાખેલો સામાન કે સાંકળોથી બાંધેલ પાટડા જેવી વસ્તુઓ ઊંચકાય છે. લીવરને પણ જોઈતા પ્રમાણમાં ઊંચે રાખેલું હોવાથી તે ઘુમાવતાં અને ચક્રોથી દોરડાં ઉકેલાતાં કાર્યની નિર્ધારિત  જગ્યાએ સામાન કે પાટડા ગોઠવી શકાય છે. ગોદીઓ ઉપર આવી ક્રેનો કાયમના ધોરણે મુકાય છે.

(14) ગ્રૅન્ટ્રી : ગૅન્ટ્રી એક પ્રકારની ક્રેન છે. તેમાં પૈડાંવાળી ટ્રૉલી સામસામી બે દીવાલોને અડીને મૂકેલ ગર્ડરો પર ચાલે છે. એટલે ગોડાઉનોમાંનો ભારે સામાન ટ્રૉલીમાંના મશીનથી સપાટી ઉપરથી ઊંચકી નિર્ધારિત જગ્યાએ ગોઠવી શકાય છે. ગ્રૅન્ટ્રીઓ ગોદીઓ ઉપર કાયમના ધોરણે મુકાય છે.

(15) ગ્રાઉટિંગ યંત્ર : તિરાડોમાં સિમેન્ટ, રેતી અને પાણીનું મિશ્રણ કે સિમેન્ટ અને પાણીનું મિશ્રણ મોટી કે નાની નૉઝલ દ્વારા દબાણથી ભરવા માટેનું યંત્ર. પાયાને મજબૂત બનાવવા નબળા પાયામાં કાણાં પાડી સિમેન્ટ-રેતી અને પાણીનું કે રસાયણોવાળું મિશ્રણ દબાણથી કાણાંમાં ભરતાં તે પાયામાં પ્રસારે છે. આમ મજબૂત બનેલા પાયા પર ધાર્યું બાંધકામ કરી શકાય છે.

આ ઉપરાંત પાઇલ્સ જમીનમાં ઊંડે સુધી ઉતારવા માટે હલકાથી ભારે ક્ષમતાવાળા યાંત્રિક હથોડા વપરાય છે. પોચીથી માંડીને ખડકાળ જેવી જમીનમાં ઊંડે સુધી કાણાં પાડવા (boring) માટે યાંત્રિક ડ્રિલો વપરાય છે.

વિશેષ વજન લઈ શકે તેવા સ્ટીલના મોટા સાંધાઓ માટે નાનાથી મોટા વેલ્ડિંગ કે રિવેટિંગ પ્લાન્ટ વપરાય છે.

નાનાથી મોટા કૉન્ક્રીટ મિક્સર મશીનો કે મિક્સિંગ પ્લાન્ટનો ઉપયોગ થાય છે.

ધાબાં, પાટડા કે બંધ જેવાં કાર્યોમાં કૉન્ક્રીટને યોગ્ય ધ્રુજારીથી સઘન કરી શકે તેવાં નાનાંમોટાં વાઇબ્રેટરોનો પણ નિર્માણકાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે ઘણા પ્રકારનાં નિર્માણયંત્રોનો બાંધકામમાં ઉપયોગ થાય છે.

યંત્રોની પસંદગી : (ક) કોઈ પણ જાતની યંત્ર-સામગ્રી ખર્ચની દૃષ્ટિએ ખરીદવી કે ભાડે લેવી તે કામના કદ અને નિર્માણ કરતી પેઢીના કદ ઉપર આધાર રાખે છે. મોટાં કામ કાયમ ન મળતાં હોય કે પેઢી નાની હોય તો યંત્રોની કિંમત કરતાં વાર્ષિક ભાડું થોડું વધારે હોય તોપણ તે ભાડે લેવાં હિતાવહ થઈ પડે છે. ભાડે લેવામાં યંત્રચાલક અનુભવી અને જાણકાર હોય, યંત્રો આધુનિક અને ક્ષમતાની દૃષ્ટિએ સારાં હોય અને ભાડાની યંત્રસામગ્રી કામ પૂરું થતાં સુધી સતત વાપરી શકાય તેવી કામની ગોઠવણી કરી હોય તો ફાયદો થાય છે.

ખરીદેલ સામગ્રી જૂના પ્રકારની હોય કે જૂની થઈ ગયેલી હોય તોપણ પેઢીએ તેનાથી ચલાવી લેવું પડે છે. જોકે ભાવ વધતા જતા હોવાથી અને જૂની સામગ્રી લાંબા ગાળા સુધી ચાલે તેવી રચાઈ હોવાથી ક્યારેક નવી સામગ્રી કરતાં જૂની સામગ્રી ફાયદાકારક થઈ પડે છે. જૂની સામગ્રી ધારી કિંમતે વેચી શકાતી નથી કે તેના ભાગો પણ મળતા નથી. તેથી તેની ખાસ કાળજી રાખવી જરૂરી બને છે.

નિર્માણપેઢી કામને અનુરૂપ સારા પ્રકારની યંત્રસામગ્રી ભાડે મેળવી શકે તો કામ સંતોષકારક આપી પોતાની નામના વધારી શકે છે.

વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી ભાડે આપનાર પેઢી ઇજારો ધરાવતી હોવાથી તેવી પેઢી ધાર્યું ભાડું પણ મેળવી શકે છે.

ઉદાહરણ : બુલડોઝર ખરીદવું કે ભાડે લેવું તેનું આર્થિક પૃથક્કરણ : બુલડોઝરની કિંમત રૂ. 6 લાખ.

પાંચ વર્ષના ઉપયોગ પછી તેની નિસ્તારણ (કાઢી નાંખવાની) કિંમત (salvage value) એ મૂળ કિંમતના 10 % પ્રમાણે રૂ. 0.6 લાખ. તેથી કુલ ઘસારો (6 – 0.6) = રૂ. 5.4 લાખ. યંત્ર દર વર્ષે 2,000 કલાક કામ કરે તો પાંચ વર્ષમાં કામના કુલ કલાક 10,000. દર કલાકે ઘસારા કિંમત

હવે ડ્રાઇવરનો પગાર, દુરસ્તી, ડીઝલ વગેરેનો કુલ ખર્ચ કલાકે રૂ. 90 આવતો હોય તો ઘસારાની અને વપરાશની કિંમત કલાકે (54 + 90) = રૂ. 144 થાય. સારું બુલડોઝર મહિને રૂા. 30,000/-ના ભાડાથી ચાલક, રિપૅરિંગ, બળતણખર્ચ સાથે મળતું હોય તો તેનું પ્રતિકલાક ભાડું

 = રૂ. 180. આ પૃથક્કરણથી માલૂમ પડે છે કે ભાડે લેવા કરતાં ખરીદવું સારું.

હવે જો પેઢી સક્ષમ હોય અને બુલડોઝર કાળજીથી વર્ષના 2,700 કલાક તેટલા જ ભાડામાં અને ખર્ચમાં વાપરે તો કલાકનું ભાડું  = રૂ. 133

આ સંજોગોમાં બુલડોઝર ખરેખર ભાડે લેવું હિતાવહ ગણાય છે.

(ખ) બે કે ત્રણ વિકલ્પો પૈકી યોગ્ય પસંદગી : ધારો કે કૉન્ક્રીટ-બંધના કામ માટે વર્ષે દહાડે 12 લાખ ટન પથ્થરની જરૂર પડે છે. તે માટે વહનપટ્ટા (belt conveyer) વાપરવા કે ટ્રક વાપરવી તેનું આર્થિક પૃથક્કરણ નીચે પ્રમાણે કરી શકાય :

(1) ટ્રક માટે આર્થિક પૃથક્કરણ : ધારો કે બાંધકામના સ્થળ સુધી રસ્તો બાંધવાની અંદાજી કિંમત રૂ. 30 લાખ થાય. તેના પરથી પથ્થરો લઈ જવાની વહનકિંમત 12 લાખ ટન × રૂ. 10 પ્રતિ ટન પ્રમાણે રૂ. 120 લાખ. કામ પત્યા પછી રસ્તો એમ ને એમ છોડી દેવાનો હોવાથી વહન તથા રસ્તાની કિંમત રૂ. 120 લાખ + 30 લાખ = રૂ. 150 લાખ આમ એક ટન પથ્થર વહી જવાનો ખર્ચ રૂ. 150 લાખ / 12 લાખ ટન = રૂ. 12.5

(2) વહનપટ્ટા (belt conveyer) માટે આર્થિક પૃથક્કરણ : વહનપટ્ટાની પડતર કિંમત રૂ. 90 લાખ. તેની કાઢી નાંખવાની કિંમત 20 % પ્રમાણે રૂ. 18 લાખ થાય. પટ્ટાને ચલાવવા માટે વિદ્યુતપુરવઠાનો અને ચલાવવાનો ખર્ચ મૂલ્યના 60 % પ્રમાણે 90 × 0.60 = રૂ. 54 લાખ આથી

કુલ ઘસારો = રૂ. 90 લાખ – રૂ. 18 લાખ = રૂ. 72 લાખ.

જાળવણી અને દુરસ્તી, ઘસારાના 25 % પ્રમાણે 18 લાખ. આમ બધું થઈને પથ્થર વહન કરવાનો ખર્ચ = 72 + 18 + 54 = રૂ. 144 લાખ. તેથી 1 ટન પથ્થરની વહન કિંમત =  = રૂ. 12.

ઉપરની બે પૈકી વહનપટ્ટાની પસંદગી કરી શકાય.

જોકે વહનખટારા બીજા ઉપયોગમાં પણ આવી શકે તેવું વહનપટ્ટામાં ન બને. આ બાબત ધ્યાનમાં લેવાતાં વહનખટારાની પસંદગી હિતાવહ કહેવાય, કારણ કે ઉપરના આર્થિક પૃથક્કરણમાં બે પસંદગીઓ વચ્ચે ખાસ ફેર નથી રહેતો.

(ગ) પ્રમાણિત અને વિશિષ્ટ (standard and special) યંત્રની પસંદગીની તુલના.

પ્રમાણિત યંત્રસામગ્રી તથા તેના ભાગ તેમજ તેના ચાલકો, જાણકારો સહેલાઈથી મળે છે અને તેની દુરસ્તી પણ સહેલાઈથી થઈ શકે છે. આ જાતનાં યંત્રો સામાન્ય પ્રકલ્પો માટે હિતાવહ છે. કાઢી નાખવાના સમયે તેની વેચાણ-કિંમત પણ સારી મળે છે.

વિશિષ્ટ પ્રકારના કામ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી સામગ્રી જોઈએ; દા.ત., 10 ઘમી. ક્ષમતાવાળો મોટો યાંત્રિક પાવડો (showel)  કે 10 ટન વહન કરી શકે તેવા ખટારા. આવા યંત્રની કિંમત 20 લાખ રૂપિયા હોય, પણ તે પ્રકલ્પ પૂરો થતાં બધા ખર્ચા બાદ કરતાં રૂ. 25 લાખ વળતર આપી શકે તો કામ પત્યા પછી વેચાય નહિ તો પણ તે ખરીદવું હિતાવહ થઈ પડે છે.

વિશિષ્ટ પ્રકારની સામગ્રીનો વપરાશ વધતાં તે પ્રમાણિત બની જાય છે. દા. ત., બે કે ત્રણ ધરીવાળાં માર્ગ-દબાણયંત્રો (heavy rollers).

પૃથક્કરણમાં ઉપયોગી વ્યાખ્યાઓ :

(ક) (1) યંત્રનો વાર્ષિક ઘસારો સીધી રેખાત્મક રીતથી નક્કી થઈ શકે છે. Da=વાર્ષિક ઘસારો તે નીચેના સૂત્રથી મળે.

 જ્યાં p = મૂળ (prime) કિંમત, s = ઉપયોગી સમય પછીની આખરી કિંમત, n = લાભપ્રદ સમયગાળો (economic life).

(2) યંત્રનો વાર્ષિક ઘસારો ઘટતી જતી કિંમતના આધારે નીચેના ઉદાહરણમાં દર્શાવેલી રીતથી નક્કી કરાય છે :

યંત્રની મૂળ કિંમત રૂ. 60,000

યંત્રનો ઉપયોગી સમયગાળો 5 વર્ષ

સરાસરી વાર્ષિક ઘસારો  = 20 %

હવે આ રીતમાં સરાસરી ટકાને બમણા કરી તે ઉપયોગમાં લઈને દરેક વર્ષના વાર્ષિક ઘસારાને આધારે નીચે પ્રમાણે કોઠો તૈયાર કરાય છે :

વર્ષ શરૂઆતની કિંમત વાર્ષિક ઘસારો ઘસારા બાદની કિંમત
1    60,000    24,000        36,000
2    36,000    14,400        21,600
3    21,600     8,640        12,960
4   12,960    5,200        7,760
5    7,760    3,080        4,680

આ રીતે પાંચ વર્ષના અંતે યંત્રની આખરી કિંમત રૂ. 4,680 એટલે કે રૂ. 4700 આવે છે. તે મૂળ કિંમતના લગભગ 8 % છે.

પૃથક્કરણ કર્યા સિવાય આખરી કિંમત મૂળ કિંમતના સામાન્યપણે 10 % લેવાય છે.

(ખ) રોકાણ-કિંમત : વ્યાજની કે ટૅક્સની ગણતરી માટે સરાસરી કિંમત તે રોકાણ-કિંમત છે. તે નીચેના સૂત્રથી નક્કી કરાય છે :

લેતાં સૂત્ર

(ગ) જાળવણી (maintenance) અને દુરસ્તી (repair) : આ અંગેની કિંમતો કાળજીભર્યા ઉપયોગ અને દેખરેખ પર આધારિત છે. તે વાર્ષિક ઘસારાના ટકામાં રજૂ કરાય છે; દા. ત., 20 %.

(ઘ) પ્રચાલન (operation) : પ્રચાલનચક્ર(operation cycle) સમય = ભારણ-સમય (loading time) + કાર્યવંત સમય (loaded time) + અભારણ-સમય (unloading time) + બિનવપરાશી સમયગાળો (idle running time).

ચક્રમાં કાર્યવંત (loaded) સમય જેટલો વધારે તેટલો વધુ ફાયદો અને પ્રચાલનચક્રનો સમયગાળો જેટલો વધુ તેટલો એકમ કાર્ય માટે ખર્ચ વધુ; દા. ત., પાવર-શોવેલનું પ્રતિકલાક બળતણમૂલ્ય નીચે પ્રમાણે ગણાય :

ધારો કે પાવર-શૉવેલ 160 હોર્સપાવર (HP)થી ચાલે છે. તેમાં પ્રત્યેક એચ.પી માટે 0.2 લિ. બળતણ વપરાય છે. તેના 20 સેકન્ડના એક ચક્રમાં કાર્યવંત સમયગાળો 5 સેકન્ડ છે જ્યારે બાકીના સમયમાં પ્રચાલન એચ.પી 50 % છે. એક કલાકમાં 10 મિનિટ જેટલો બિનવપરાશી સમયગાળો છે. આથી કલાકદીઠ બળતણ કેટલું વપરાય તે નીચે પ્રમાણે નક્કી થઈ શકે છે :

સમય અવયવ (time factor) =

ચક્ર માટે યાંત્રિક (mechanical) અવયવ :

કાર્યવંત પ્રચાલન દરમિયાન :

બાકીના સમય દરમિયાન :

∴ પ્રચાલન અવયવ = (સમય અવયવ) (યાંત્રિક અવયવ) = 0.833 (0.250 + 0.375) = 0.520

આથી પ્રતિ કલાકે વપરાતું બળતણ = પ્રચાલન અવયવ × કુલ એચ.પી. × પ્રતિ એચ.પી એ વપરાતું બળતણ = 0.520 × 160 × 0.2 = 16.4 લિ.

(ચ) યંત્રનો લાભપ્રદ સમય (economic life) : આ એવો સમયગાળો છે કે જો યંત્ર આ સમયગાળા પછી વપરાય તો તેનું પ્રચાલન અને દુરસ્તી ખર્ચ વધી જાય છે અને યંત્રનો ઘસારો વધી જતાં છેવટે તે ભંગાર જેવી સ્થિતિમાં આવી પડે છે. યંત્રનો લાભપ્રદ સમય નીચેની બાબતો પર આધારિત છે :

(1) ઘસારો અને યંત્રની બદલી (replacement)

(2) જાળવણી અને દુરસ્તી

(3) દુરસ્તીને લીધે બિનઉપયોગી સમય (down time)

(4) જુનાડ (obsolate)

જુનાડ યંત્રને લીધે આધુનિક યંત્રની સરખામણીમાં 20 % ઓછું કામ થાય તો આ 20 %ને જુનાડના નુકસાનીના ટકા કહે છે.

નિર્માણયંત્રોના ઉપયોગની સાથે તેના દ્વારા થયેલ કામ અને ખર્ચનો હિસાબ તથા તેમની ફાયદાકારકતા મૂલવવી જરૂરી છે. યંત્રોના ઉપયોગ સાથે સંકળાયેલ પરિબળોનું નિયંત્રણ, સામગ્રી તથા તેની સાથે કામ લેતા કામદારોની સહીસલામતી, બાંધકામના વિકાસને અનુરૂપ વિકસતાં સક્ષમ યંત્રોની જાણકારી વગેરે બાબતો પણ તેની સાથે સંકળાયેલી છે.

બાંધકામ અટકી ન પડે તે માટે યંત્રોની સંભાળ, તત્કાળ દુરસ્તી તથા નાનીમોટી વસ્તુઓની તત્કાળ બદલી પણ આવશ્યક છે.

નિર્માણયંત્રો દ્વારા નિર્માણકાર્યની સારી પ્રગતિ યંત્રો સાથે સંકળાયેલાઓનાં નિષ્ઠા, અનુભવ અને સહકારભર્યા વલણ ઉપર આધારિત છે.

સુમન ર. શાહ