નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation)

January, 1998

નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation) : બાંધકામ(નિર્માણ)નાં વિવિધ કાર્યો માટે જરૂરી વ્યવસ્થાતંત્ર. નિર્માણકાર્યોમાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણેનાં બાંધકામ તૈયાર કરવાનાં થાય. આ પ્રકારનાં કાર્યોમાં ખર્ચ, ગુણવત્તા અને સમય-બદ્ધતા મહત્વની બાબતો છે. સાથોસાથ જે આ કાર્યનું સંચાલન કરી વ્યાવસાયિક જવાબદારી લે તેને માટે આર્થિક લાભ પણ મહત્વનો છે તેથી નિર્માણકાર્ય માટે સારું વ્યવસ્થાતંત્ર તેમજ વહીવટ જરૂરી બને છે.

બાંધકામનું સ્થળ અને બાંધકામના પ્રકારો ફરતા રહે છે. તેને કારણે કામ કરનાર કારીગર વર્ગ ફરતો રહે છે. નિર્માણકાર્યની આ ખાસિયત છે.

નિર્માણ-વ્યવસ્થાતંત્ર મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચાય છે :

(1) આયોજન અને ડિઝાઇન (planning & design);

(2) કાર્યનું અમલીકરણ (work execution);

(3) સ્ટોર્સ અને હિસાબ (stores & account);

(4) કર્મચારીગણની વ્યવસ્થા (personel arrangement).

નિર્માણકાર્યમાં સંચાલન અને વહીવટી પ્રવૃત્તિઓ નીચે મુજબ ગણાવી શકાય :

(1) સંચાલન અને વહીવટ માટે જરૂરી માળખું નક્કી કરવું;

(2) નાણાકીય ભંડોળ ઊભું કરવું;

(3) કામગીરીનું નિર્દેશન અને નિયંત્રણ કરવું;

(4) નિર્માણકામો માટેના કૉન્ટ્રૅક્ટ નક્કી કરવા;

(5) જે તે નિર્માણકાર્ય માટે સમયબદ્ધ આયોજન કરવું;

(6) આયોજન પ્રમાણે કાર્યનું અમલીકરણ કરવું;

કોઈ પણ મોટું બાંધકામ તેની શરૂઆતથી અંત સુધીમાં નીચેના તબક્કામાંથી પસાર થાય છે :

(1) કામની દરખાસ્ત;

(2) કામની દરખાસ્તની ચકાસણી અને જરૂરી સુધારા-વધારા;

(3) કામની વહીવટી મંજૂરી;

(4) સર્વેક્ષણ, ગણતરી, નકશા તેમજ અંદાજ તૈયાર કરવાં;

(5) ભંડોળની ફાળવણી;

(6) નિર્માણકાર્યને અનુરૂપ સ્થળનો વિકાસ;

(7) ટેન્ડરપત્રો તૈયાર કરવાં;

(8) આવેલ ટેન્ડરો માલ અને ભાવને લક્ષમાં લઈ ગુણવત્તાની દૃષ્ટિએ ચકાસી તુલના કરવી;

(9) કામની સોંપણી;

(10) કામનું કાર્યક્રમ પ્રમાણે સંચાલન;

(11) કાર્યની પ્રગતિનો સમયાંતરે અહેવાલ અને તેના પરથી આયોજનમાં જરૂરી ફેરફાર;

(12) કાર્યની પૂર્ણતા અંગેનો અહેવાલ. આ અહેવાલમાં કામની પૂર્ણ સમાપ્તિ (total completion) અંગેનો અહેવાલ તેમજ વધારાના માલ-સામાનની બીજા કામ પર ફાળવણી કે તેના નિકાલ અને હિસાબોની પતાવટ અંગેના અહેવાલનો સમાવેશ કરાય છે.

નિર્માણ-વ્યવસ્થાતંત્ર નિર્માણકાર્યને અનુરૂપ હોવું જોઈએ. અનેક પ્રકારનાં નિર્માણકાર્યો છે. તેનું વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે :

(1) કામનાં કદ અને વ્યાપ પર આધારિત નાનાં, સાદાં કામ; જેમ કે, નાના મકાનનું બાંધકામ; મોટાં કામો જેવાં કે મોટું બહુમાળી મકાન, મોટા પુલ, લાંબા રસ્તા, રેલવે-લાઇન, નદીના બંધો વગેરેનું કામ.

(2) કામની જટિલતાને ધ્યાનમાં લઈએ તો સાદું, સામાન્ય, અટપટું (જટિલ), ઘણું અટપટું  એમ ભાગ કરી શકાય. દરિયા પરની જેટી, ધક્કો (wharf), ભૂગર્ભ રેલવે, ખાડી પરના પુલ વગેરેનો ઘણાં જટિલ કામોમાં સમાવેશ થાય.

(3) બાંધકામની માલિકીને ધ્યાનમાં લઈએ તો સરકારી, અર્ધસરકારી, ખાનગી, પ્રજાકીય  એમ ગણી શકાય.

(4) કામની જરૂરિયાત તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈ ચાલુ જરૂરિયાતનાં કામો અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનાં જરૂરી કામો. અમુક રસ્તાઓ, પુલો, ઍરોડ્રોમ અને દરિયાઈ મથકો લશ્કરની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બાંધવામાં આવે છે.

કર્મચારીઓનાં જૂથ : કામના પ્રકારને અનુલક્ષીને જૂથ નક્કી કરાય છે. સામાન્ય રીતે નિર્માણકાર્યના જૂથમાં માલિક (કે માલિકના પ્રતિનિધિ), એન્જિનિયરો, સ્થપતિ અને કૉન્ટ્રૅક્ટરોનો સમાવેશ થાય છે. કામને લગતી આયોજના, ગુણવત્તા, સમયબદ્ધતા, ખર્ચ વગેરે બાબતો આ જૂથ ઉપર આધાર રાખશે. આ માટે તેના બધા ઘટકો વચ્ચે સંકલન અને સહકાર અપેક્ષિત છે. વ્યવસ્થાતંત્રે આ જરૂરી સંકલન અને સહકાર પૂરાં પાડવાનાં થાય. ઇજનેરે સમગ્ર જૂથમાં મહત્વનો ભાગ ભજવવાનો રહે છે. વિષયમાં નિપુણતા ઉપરાંત ઇજનેર તટસ્થ અભિગમ અપનાવે તે જરૂરી છે.

કૉન્ટ્રૅક્ટ પદ્ધતિ : બાંધકામનું સ્થળ બદલાતું રહે છે. આ કારણસર જુદાં જુદાં સ્થળે જુદા જુદા કર્મચારી કામ કરતા હોય. બાંધકામમાં માલિક કર્મચારીઓને કાયમી ધોરણે રાખી શકતા નથી તેથી કૉન્ટ્રૅક્ટ પદ્ધતિનું મહત્વ છે. જુદી જુદી કૉન્ટ્રૅક્ટ પદ્ધતિઓ નીચે મુજબ છે :

(1) માલ-સામાન સહિતનો કૉન્ટ્રૅક્ટ : આ રીતમાં સમગ્ર કામ માલ-સામાન અને મજૂરી સાથે ભાવ નક્કી કરીને અપાય છે. માલિકે માલ-સામાન કે મજૂરો પૂરા પાડવાના થતા નથી. બધું કૉન્ટ્રૅક્ટરે કરવાનું થાય. કૉન્ટ્રૅક્ટર નક્કી કર્યા પ્રમાણેનો જ માલ-સામાન વાપરે તે બાબતે તકેદારી રાખવાની થાય. માલ-સામાન અને મજૂરીના ભાવ વધતા જતા હોવાથી, જો કામ કોઈ કારણસર લંબાય તો કૉન્ટ્રૅક્ટરને નુકસાન થવાનો સંભવ રહે અને તે તકરારનો મુદ્દો બની જાય. કામ સમયસર પૂરું થાય તે અંગે કાળજી રાખવી ખૂબ જરૂરી છે.

(2) માલ-સામાન રહિત મજૂરી કૉન્ટ્રૅક્ટ : આ રીતમાં માલિક પોતે માલ-સામાન પૂરો પાડે છે. કૉન્ટ્રૅક્ટરે માત્ર કામની મજૂરીનો જ ભાવ આપી કામ કરવાનું હોય છે. આમાં માલ-સામાનના બગાડ કે વધુ પડતા ઉપયોગનો સંભવ રહે છે. માલિકે આ અંગે કાળજી રાખવી પડે.

(3) મૂળ કિંમત (prime cost) આધારિત કૉન્ટ્રૅક્ટ : આ રીતમાં માલ-સામાન અને મજૂરીના ચાલુ ભાવે ઉપર્યુક્ત (1) કે (2) રીત પ્રમાણે કૉન્ટ્રૅક્ટ અપાય છે. પરંતુ કામ ચાલુ હોય તે દરમિયાન ભાવમાં ફેરફાર થાય તો તેને ધ્યાનમાં લઈ ભાવફેર કરાય છે.

જો કામ ગુણવત્તાવાળું અને સમયસર થાય તો કૉન્ટ્રૅક્ટરને પ્રોત્સાહન રૂપે વળતર આપવાની બાબત અને તેવી જ રીતે ગુણવત્તામાં કચાશ રહે કે અનિવાર્ય કારણો સિવાય કાર્યમાં વિલંબ થાય તો દંડની બાબત કૉન્ટ્રૅક્ટમાં સમાવાય છે.

કારીગરોને રોજી કે મહેનતાણું આપવાની પદ્ધતિઓ : કામની પ્રગતિ અને ગુણવત્તાનો આધાર કારીગરોની કુશળતા, નિયમિતતા અને કામ પ્રત્યેની નિષ્ઠા ઉપર અવલંબે છે. સારા અને જરૂરિયાત પ્રમાણેના કારીગરો મળી રહેવાનો આધાર મજૂરી આપવાની પદ્ધતિ પર છે. રોજી કે મહેનતાણું આપવાની બે રીતો પ્રચલિત છે :

(1) રોજમદારી પદ્ધતિ (daily wage system), જેમાં કાર્યના પ્રકાર તેમજ જરૂરિયાત પ્રમાણે કારીગરોના રોજ (દર) નક્કી કરી તે પ્રમાણે મજૂરી આપવામાં આવે છે. કારીગર દિવસ દરમિયાન નિર્ધારિત પ્રમાણનું અને યોગ્ય ગુણવત્તાવાળું કામ કરે તે માટે કાળજી રખાય છે. નિર્ધારિત સમય કરતાં વધારે કલાકો કામ કરે તો રોજીમાં વધારો આપવાની વ્યવસ્થા હોય છે.

(2) છૂટક કામના ભાવની પદ્ધતિ(piece work wage system)માં કારીગરોને જુદાં જુદાં કામોનો ભાવ નક્કી કરી તે પ્રમાણે મહેનતાણું આપવામાં આવે છે. આમાં વધુ ઝડપ કરી વધુ મહેનતાણું મેળવવા પ્રયત્ન થાય. માટે કામની ગુણવત્તા પર વિપરીત અસર ન થાય કે માલ-સામાનમાં બગાડ ન થાય તે અંગે કાળજી રાખવી જરૂરી બને છે.

કોઈ પણ બાંધકામમાં, જુદા જુદા સ્તરે આ બંને રીતોનો ઉપયોગ થાય છે.

નિર્માણઆયોજનની રીતો : બાંધકામ યોગ્ય સમયમાં પૂરું થાય તે માટેનું આયોજન અને આયોજન પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહિ તેની દેખરેખ બહુ જરૂરી છે. આ માટે અનેક રીતો વિકસી છે.

(1) બાર ચાર્ટ દ્વારા આયોજન અને પ્રગતિની રજૂઆત (planning and progress presentation by bar chart) : આ રીતમાં જુદાં જુદાં કામ (મુખ્ય કામનાં પેટા-કાર્યો) આડી જાડી લીટીઓ (bar) દોરીને દર્શાવાય છે. કયું કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થવું જોઈએ તે દર્શાવાય છે. તે ઉપરાંત જ્યારે પણ પ્રગતિનો અહેવાલ જોઈતો હોય ત્યારે જે તે કામ ખરેખર ક્યારે શરૂ થયું, તે કામ કેટલા પ્રમાણમાં પૂરું થયું તે પણ જાડી રેખા દોરીને દર્શાવવામાં આવે છે, જેથી ઉપલા અધિકારીને પ્રોજેક્ટનાં બધાં કામોની પ્રગતિ કેટલી થઈ તેનો ખ્યાલ મળે છે. આ રીત પ્રમાણમાં સહેલી અને સરળ છે.

(2) નિર્ણયાત્મક પથપદ્ધતિ (critical path method – CPM) આ રીત CPM તરીકે જાણીતી છે. તેમાં મુખ્ય કાર્યને જુદી જુદી કામગીરીઓમાં વહેંચી દેવામાં આવે છે. તેમાંની દરેક પ્રવૃત્તિ બીજી કામગીરી સાથે કઈ રીતે સંકળાયેલ છે (એટલે કે કઈ કામગીરી કોના પહેલાં પૂરી થઈ જવી જરૂરી છે), દરેક કામગીરી માટે કેટલો સમય લાગશે તે નક્કી કરી તેની યાદી અને કોઠા તૈયાર કરાય છે. આ કોઠા પરથી વિવિધ કામગીરીઓના પરસ્પર સંબંધને સાંકળીને ચિત્રાત્મક નેટવર્ક (દોરીને) તૈયાર કરાય છે. આ નેટવર્ક ઉપર દરેક કામગીરીમાં કેટલો સમય લાગશે, તેમાં કેટલો વિલંબ કરીએ તોપણ સમગ્ર પ્રોજેક્ટના સમયને અસર ન થાય, તેવી બધી વિગતો આપવામાં આવે છે. પ્રોજેક્ટ શરૂ કરવાની પહેલી કામગીરીથી માંડી પ્રોજેક્ટ પૂરો થવાની છેલ્લી કામગીરી સુધીના નેટવર્કમાં અનેક પથ (માર્ગ) હોઈ શકે. પહેલી કામગીરીથી છેલ્લી કામગીરી સુધી પહોંચતાં જે કોઈ એક પથ પર સૌથી વધુ સમય (દિવસો/અઠવાડિયાં) લાગે, એટલે કે સમયની દૃષ્ટિએ જે પથ સૌથી લાંબો હોય તે પથ નિર્ણયાત્મક પથ (critical path) કહેવાય છે અને તે પથ પર આવતી બધી બાબતો નિર્ણયાત્મક કામગીરી (critical activity) કહેવાય. નિર્ણયાત્મક એટલા માટે કે તે તબક્કામાં જેટલો વિલંબ થાય તેટલો વિલંબ પ્રોજેક્ટ પૂરો થવામાં થાય. CPMમાં નિર્ણયાત્મક કામગીરીઓ તારવી તેમાં વિલંબ ન થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરી સમગ્ર પ્રોજેક્ટના સમયને નિયંત્રણમાં રાખી શકાય છે. CPM રીતનો આ મોટો ફાયદો છે. ઉપરની બાર ચાર્ટની રીતમાં આવો ફાયદો થતો નથી.

નિર્ણયાત્મક પથમાં સમાયેલા તબક્કાઓનો સમય જેટલા પ્રમાણમાં ઓછો કરીએ તેટલા પ્રમાણમાં પ્રકલ્પનો સમય ટૂંકાવવાની રીતને કાર્ય નિભંજન (programme crashing) કહેવાય. જે વિભાગનું નિભંજન કરીએ તે વિભાગમાં કાર્યઝડપ વધારવા વધારાનું ખર્ચ થાય. કઈ બાબત કેટલા પ્રમાણમાં નિભંજન કરી શકાય, તેમાં વધારાનું ખર્ચ કેટલું થાય, સમગ્ર પ્રકલ્પ કેટલો વહેલો પૂરો કરી શકાય વગેરે વિગતોની ગણતરી કરી શકાય અને તેના પરથી નિર્ણય લેવાય.

પ્રકલ્પનાં આયોજન અને પ્રગતિ માપવા માટે બાર ચાર્ટ અને CPM નેટવર્ક માટેના તૈયાર કમ્પ્યૂટર પ્રોગ્રામો ઉપલબ્ધ હોઈ તે માટે કમ્પ્યૂટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરાય છે.

નિર્માણયોજનાઓનું આર્થિક પૃથક્કરણ અને તેની ચકાસણી : બહુ મોટી યોજનાઓમાં મૂડીરોકાણ બહુ મોટા પાયે કરવું પડે છે. જે તે યોજનાઓથી જે અપેક્ષિત ફાયદાઓ મળે તેનું મૂડીરોકાણના સાપેક્ષમાં મૂલ્યાંકન કરવું જરૂરી બને. પ્રકલ્પ સ્વીકારાયા પછી તકનીકી (technical) દૃષ્ટિએ જુદી જુદી વૈકલ્પિક શક્યતાઓ (alternatives) વિચારવાની થાય તેમજ પર્યાવરણને કોઈ વિપરીત અસર થાય છે કે કેમ તે પણ જોવાનું થાય.

તાંત્રિક અને આર્થિક દૃષ્ટિએ જે સૌથી ફાયદાકારક હોય તેવો વિકલ્પ પસંદ કરાય. વિકલ્પોની તુલના કરવા માટે નીચેની રીતો વપરાય છે :

(1) કિંમતોની તુલનાત્મક રીત : યોજનાની દરેક શક્યતા (વિકલ્પ) માટે જરૂરી મૂડીરોકાણ કે વાર્ષિક ખર્ચના આધારે તુલના કરવી તે.

(2) મૂડીરૂપાંતરની રીત : દરેક યોજનાના ખર્ચાઓનું મૂડીમાં રૂપાંતર કરી એક જ કિંમતમાં લાવી સૌથી ઓછી કિંમતવાળી યોજના પસંદ કરવી તે.

(3) લાભ અને ખર્ચના પૃથક્કરણની રીત : યોજના દ્વારા મળતી સેવાઓ અને પેદાશોમાં થતા વધારારૂપી ફાયદાઓનું રૂપિયામાં મૂલ્યાંકન કરી પ્રકલ્પના લાભ અને ખર્ચનો ગુણોત્તર (benefit-cost ratio) શોધવો તે. જે વિકલ્પમાં આ ગુણોત્તર વધુ હોય તે વિકલ્પને પસંદ કરાય.

બાંધકામનાં કદ અને વિસ્તાર મોટાં હોય છે. તે રાષ્ટ્રની આર્થિક તેમજ સામાજિક સેવાકીય બાબતોને સ્પર્શે છે તેમજ તેમાં કારીગરો અને મજૂરોનો મોટો ભાગ સંકળાયેલો રહે છે. આ કારણસર નિર્માણકાર્યના વ્યવસ્થાતંત્રનું મૂલ્ય મહત્વનું બની રહે છે.

સુમન ર. શાહ