નિર્મળી : દ્વિદળી વર્ગના લોગેનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ strychnos potatorum Linn. (સં. कातक, अम्बु-प्रसाद; હિં., ગુ., બં., નિર્મળી) છે. તે લગભગ 13 મી. ઊંચું વૃક્ષ છે અને પશ્ચિમ બંગાળ, મધ્ય અને દક્ષિણ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી આવેલાં પર્ણપાતી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનું વૃક્ષ ઝેરકોચલાના વૃક્ષ કરતાં મોટું હોય છે. પર્ણો ઉપવલયાકાર, 5.0થી 12.0 સેમી. લાંબાં, પર્ણાગ્ર અણીદાર; પુષ્પો સફેદ, સુગંધીદાર, કક્ષીય પરિમિત; ફળ અનષ્ઠિલ (berry), કાળાં, ગોળ, 1.7 સેમી. વ્યાસનાં; બીજ ચપટું, સફેદ, ઝેરકોચલાના બીજ જેવું, પરંતુ તે કડવું કે ઝેરી નથી હોતું. કરિયાણાની દુકાને નિર્મળીનાં બીજ તરીકે વેચાય છે. તેનો ઝેરકોચલા બીજના અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. પાકાં બીજ ડહોળા પાણીને સ્વચ્છ કરવામાં વપરાય છે. કોલસા ધોતાં રહી જતા નકામા પદાર્થમાંથી નિલંબિત (suspended) અશુદ્ધિઓ દૂર કરવામાં બીજમાં રહેલ ફટકડીનો ઘટક ખૂબ અસરકારક માલૂમ પડ્યો છે. આ નિર્મલીકરણ (clarification) બીજમાં રહેલાં કલિલો અને આલ્કેલૉઇડ્ઝને આભારી છે.

એક રાસાયણિક વિશ્લેષણ મુજબ બીજમાં ભેજ 8.26 %, નાઇટ્રોજન 1.33 %; કુલ આલ્કેલૉઇડઝ 0.17 %; ભસ્મ 1.34 %; સુક્રોઝ 1 %થી 2 % હોય છે. તે લોગાનીન પણ ધરાવે છે.

નિર્મળી

આયુર્વેદ અનુસાર તે મધુર, કષાય, વિપાક-મધુર, શીત-વીર્ય, કફવાતશામક, રોચક અને મૂત્રલ છે. અધિક માત્રામાં વમનકારક છે. અગ્નિમાંદ્ય, તૃષા, દાહ, કૃમિ, પ્રમેહ, અતિસાર, ગુલ્મ, મૂત્રકૃચ્છ્ર આદિ રોગોમાં તેનો ઉપયોગ થાય છે. તે મૂત્રગત શર્કરા ઓછી કરે છે.

અતિ પ્રાચીન કાળમાં જળની શુદ્ધિ માટે તેનો ઉપયોગ થતો હતો. ઔષધપ્રયોગ નિર્મળીનાં બીજ, શંખનાભિ, ત્રિકટુ, સેંધાનમક, સાકર, સમુદ્રફીણ, રસવંતી, વાવડિંગ, મનશીલ, મરઘીના ઈંડાનાં કોચલાં – આ બધાં સમાન ભાગે મેળવી ચૂર્ણ કરી તેને જળમાં ઘૂંટીને વર્તી બનાવવી. આ વર્તીને પાણીમાં ઘસી મધ સાથે મેળવી આંખમાં આંજવાથી તિમિર, પટલ, કાંચ, અર્શ, નેત્રશુક્લ, કંડૂક્લેદ, નેત્રાર્બુદ વગેરે નેત્રવિકાર નષ્ટ કરે છે.

નિર્મળીનાં બીજ વીંછીના ડંખનું ઝેર ઉતારવા માટે પાણીમાં ઘસીને લગાડાય છે. આ વૃક્ષનું મૂળ કુષ્ઠ રોગ પર વપરાય છે. નિર્મળીમાં પકાવેલું ઘી પથરીના રોગમાં ખાવાનું સૂચવે છે. નેત્રાભિષ્યંદમાં નિર્મળીનું બીજ પાણીમાં ઘસી તેમાં સિંધવ અને મધ સહેજ મેળવી આંજવામાં આવે છે. આંખના અર્જુન રોગમાં નિર્મળીનું બીજ અને સિંધવ આંખમાં અંજાય છે.

અપસ્મારમાં નિર્મળીના બીજનો અર્ક કાઢી તેને નાકમાં, કાનમાં અને આંખમાં નંખાય અને પિવાય છે, જેથી અપસ્પાર મટે છે.

નિર્મળીને મધ અને કપૂર સાથે ઘસીને આંખમાં આંજવાથી ફૂલું, છારી, ઝાંખ વગેરે મટે છે. નિર્મળી ઝેરકોચલાના કુટુંબનું હોવા છતાં તેમાં ઝેરી આલ્કેલૉઇડ નહિ હોવાથી તે ઝેરી નથી.

જીર્ણ અતિસાર : નિર્મળીનું બીજ નંગ 1 વાટીને માખણ સાથે એક સપ્તાહ સુધી આપવાથી મટે છે. મધુપ્રમેહમાં તેનો ક્વાથ પ્રશસ્ત મનાયો છે. તેનું ફળ મરડા અને શ્વસનીશોથમાં ઉપયોગી છે. તેનાં પર્ણો અપાદક(maggot)ગ્રસ્ત ચાંદાં પર પોટીસ તરીકે લગાડાય છે, છાલની ભૂકી કૉલેરામાં અપાય છે.

આદિત્યભાઈ છ. પટેલ