નિરંકારી : શીખોનો એક સંપ્રદાય. આકાર વગરના પરબ્રહ્મ કે ઈશ્વરને નિરાકાર કે નિરંકાર કહે છે. તેને માનનારાઓનો સંપ્રદાય તે નિરંકારી સંપ્રદાય. નિરંકારના ઉપાસક ગુરુ નાનક અને તેમના શિષ્યોને પણ નિરંકારી કહે છે.

ગુરુ ગ્રંથમાં અમુક જગ્યાએ સંજ્ઞા તરીકે ‘નિરંકારી’ શબ્દ ગુરુ નાનકના શિષ્ય માટે પણ વપરાયો છે; જેમ કે ‘દુબિધા છોડ ભયે નિરંકારી’.

આ શબ્દનો વધારે ઉપયોગ શીખોમાંના એક સંપ્રદાય માટે થાય છે. આ સંપ્રદાય ભાઈ દયાલજીથી શરૂ થયો. પેશાવર(હાલ પાકિસ્તાન)માં એક સહેજધારી શીખ ગુરુસહાયજી વસતા હતા, જેમના પુત્ર રામસહાયનું લગ્ન ગુરુ ગોબિંદસિંહજીના ખજાનચી ભાઈ વસાખાસિંઘની સુપુત્રી લાડિકી સાથે થયું. રામસહાય અને લાડિકીને ત્યાં વૈશાખ સુદ 15 સંવત 1840(એપ્રિલ, 1773)-એ ભાઈ દયાલજીનો જન્મ થયો.

માતાનું જલદી અવસાન થઈ જવાથી દયાલજી પોતાના મામા મિલખાસિંહ પાસે રાવલપિંડી રહેવા માંડ્યા. દયાલજી ખૂબ જ પ્રભુપ્રેમી હતા એટલે એમના મામાએ એમને ધર્મપ્રચાર કરવાની પ્રેરણા આપી. તેમાં તેઓ ખૂબ જ સફળ થયા. દયાલજી હરહંમેશ ‘નિરંકાર’ શબ્દનો જાપ કરતા અને મૂર્તિપૂજાને અર્થહીન કહી નિરાકાર(નિરંકાર)ની ભક્તિ દૃઢ કરાવતા. તેમને અને તેમનાથી શરૂ થયેલા સંપ્રદાયને લોકો નિરંકારી (નિરંકારીઓ) કહેવા લાગ્યા.

દયાલજી માગશર વદ 3 સંવત 1911માં રાવલપિંડીમાં અવસાન પામ્યા. ત્યાં નિરંકારીઓનો એક બહુ જ સુંદર ગુરુદ્વારા છે. શીખ ધર્મ સાથે સુસંગત હોવાથી ભાઈ દયાલજીના અવસાન પછી થોડાંક વર્ષોમાં આ સંપ્રદાય શીખ ધારામાં ભળી ગયો.

પછી એક બીજો સંપ્રદાય શરૂ થયો, જેના અનુયાયીઓને પણ નિરંકારી કહેવામાં આવે છે. આ સંપ્રદાય શીખ ધર્મ સાથે સુસંગત નથી. આ સંપ્રદાયના વડાને બાબા (દાદા) કહેવામાં આવે છે. હાલ, આ નિરંકારીઓના વડા બાબા હરદેવસિંહ છે.

દર્શનસિંઘ બસન