નિદ્રા : અવાજ, સ્પર્શ કે અન્ય બાહ્ય સંવેદનાઓ કે દુખાવો થવા જેવી આંતરિક ઉત્તેજનાથી સહેલાઈથી જગાડી શકાય તેવી બેભાનઅવસ્થા. મગજની અંદર ઉત્પન્ન થતી ઉત્તેજક અને અવદાબક (inhibitory) પ્રક્રિયાઓ ઊંઘ, જાગ્રત અવસ્થા તેમજ ઉશ્કેરાટ, ખિન્નતા અને ભય જેવી મનોદશાઓ(moods)નું સર્જન કરે છે. ગાઢ બેભાનઅવસ્થા (coma), ઘેન (stupor), અતિનિદ્રિતતા (hypersomnia), લવરી ચઢવી (સનેપાત, સન્નિપાત/delirium), મૂર્ચ્છા આવવી (syncope), વાનસ્પતિક જડતા (vegetative state) વગેરેને જાગ્રત અવસ્થાના વિકારો લેખવામાં આવે છે અને નિદ્રાથી તેમને અલગ પાડવામાં આવે છે.

જાગ્રત અવસ્થાના કેટલાક વિકારો

અવસ્થા વ્યાખ્યાલક્ષી ગુણધર્મ
1. ગાઢ બેભાન-અવસ્થા તીવ્રતમ ઉત્તેજનાની હાજરીમાં જાગ્રત અવસ્થા કે પ્રતિભાવક્ષમતા ન ઉદભવે.
2. ઘેન ફક્ત જોરદાર ઉત્તેજનાની હાજરીમાં, તેટલા સમય પૂરતી, જાગ્રત અવસ્થા કે પ્રતિભાવ-ક્ષમતા પાછી આવે.
3. અતિનિદ્રિતતા ઊંઘનો વધેલો સમયગાળો અને જાગ્રત અવસ્થાના સમયે ઘટેલો પ્રતિભાવ.
4. લવરી (સનેપાત) ઘટેલી જાગ્રત અવસ્થા અને મનશ્ચલનલક્ષી (psychomotor) વિકારોનો ઉદભવ.
5. મૂર્ચ્છા મગજને લોહીનો પુરવઠો મળતો અટકવાથી થોડાક સમય માટે ઉદભવતી બેભાન-અવસ્થા.
6. વાનસ્પતિક જડતા જાગ્રતાવસ્થા  નિદ્રાનાં ચક્રો તથા સ્વાયત્ત ચેતાતંત્રની ક્રિયાઓ ચાલુ રહે, પરંતુ ઇન્દ્રિયલક્ષી જ્ઞાન મેળવવાનું (cognition) ઘટે.

જીવનકાળ દરમિયાન સમયાંતરે નિદ્રાનો સમયગાળો અને પ્રકાર વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા રહે છે. જન્મ પછીના શરૂઆતના ત્રણ મહિના દરમિયાન ચોવીસ કલાકમાંથી બાળકનો મોટાભાગનો સમય નિદ્રામાં વ્યતીત થાય છે. ધીરે ધીરે જાગ્રતાવસ્થાનો સમયગાળો વધતો જાય છે. તરુણાવસ્થા દરમિયાન 9થી 11 કલાકની નિદ્રા આરોગ્યપ્રદ ગણાય. સામાન્યત: પુખ્ત વ્યક્તિ માટે 7 કલાકની ઊંઘ પૂરતી ગણાય છે; પરંતુ 1થી 2 કલાકનો ઓછો વધતો સમય પણ સ્વાભાવિક મનાય છે. વૃદ્ધાવસ્થા દરમિયાન નિદ્રાના કલાકો ઘટી જાય છે.

નિદ્રા ખરેખર તો બીજા દિવસના કામમાં સ્ફૂર્તિ લાવે છે. તે દરમિયાન ચેતાતંત્ર ઘણે અંશે નિષ્ક્રિય બની આરામ મેળવી લે છે. આંખો બંધ અથવા અર્ધ-ખુલ્લી રહી પોતાની કામગીરી અટકાવી દે છે. સ્નાયુઓ શિથિલતા અનુભવે છે અને જાગ્રતતા લગભગ સ્થગિત થઈ જાય છે. નિદ્રા એ કંઈ સાદી સુપ્તાવસ્થા નથી.

નિદ્રાના તબક્કા : હળવી નિદ્રાથી ગાઢ નિદ્રા સુધી ઊંઘના વિવિધ તબક્કાઓ હોય છે. શાસ્ત્રીય રીતે તેને બે પ્રકારના વારાફરતી થતા તબક્કાઓ રૂપે સમજવામાં આવે છે : (ક) ધીમા તરંગોવાળી ઊંઘ અને (ખ) ઝડપી નેત્રચલન(rapid eye movement, REM)વાળી ઊંઘ. મગજમાં ચાલતી વીજરાસાયણિક પ્રક્રિયાઓનો આલેખ લઈ શકાય છે. તેને મસ્તિષ્કી વીજાલેખ (electro-encephalogram, EEG) કહે છે. ઊંઘના ધીમા તરંગોવાળા તબક્કામાં મસ્તિષ્કતરંગો (brain-waves) ઘણા ધીમા થયેલા હોય છે. ઊંઘમાં સમયાંતરે આંખો ઝડપથી ગોળ ગોળ ફરે છે તેને ઝડપી (ત્વરિત) નેત્રચલનનો તબક્કો કહે છે. તે સમયે વ્યક્તિ તો ઊંઘતી જ હોય છે. મોટાભાગની ઊંઘ ધીમા તરંગોવાળા પ્રકારની હોય છે. તે ઊંડી અને આરામદાયક હોય છે. લાંબા સમયના કામના સમયગાળા પછીની શરૂઆતની ઊંઘ આ પ્રકારની હોય છે. પુખ્ત વયની વ્યક્તિની કુલ ઊંઘનો 25 % સમય ત્વરિત નેત્રચલનનો હોય છે. એવું નેત્રચલન લગભગ દર 90 મિનિટે 5થી 30 મિનિટ માટે ફરી ફરીને થાય છે. ઊંઘ્યા પછીનો સૌપ્રથમ ત્વરિત નેત્રચલનનો તબક્કો 80થી 100 મિનિટે આવે છે. તેમાં પૂરતો આરામ મળતો નથી અને તે સમયે સ્વપ્નો જોવા મળે છે.

આકૃતિ 1 : મગજને જાગ્રત રાખતા અને નિદ્રામય કરતા અનુક્રમે ઉત્તેજક અને અવદાબક વિસ્તારો : (1) ઉત્તેજક વિસ્તાર, (2) અવદાબક વિસ્તાર, (3) મોટું મગજ, (4) નાનું મગજ, (5) મધ્ય મસ્તિષ્ક, (6) મજ્જાસેતુ, (7) લંબમજ્જા, (5, 6, 7) મસ્તિષ્ક પ્રકાંડ, (8) કર્પરીચેતા.

ધીમા તરંગવાળી ઊંડી ઊંઘના સમયે શરીરનાં અનેક અનૈચ્છિક કાર્યો પણ ઘટે છે; જેમ કે, નસોના સ્નાયુની સજ્જતા ઓછી થાય છે તથા લોહીનું દબાણ, શ્વસનદર અને તલીય અથવા ન્યૂનતમ ચયાપચયી દર (basal metabolic rate)માં 10 %થી 30 %નો ઘટાડો થાય છે. આમ તો તેને સ્વપ્નરહિત નિદ્રા કહે છે તેમ છતાં ક્યારેક તેમાં બિહામણાં સ્વપ્નાં પણ જોવાનું થાય છે. ધીમા તરંગની નિદ્રાનાં સ્વપ્નાં યાદ રહેતાં નથી જ્યારે ત્વરિત નેત્રચલનવાળી નિદ્રાનાં સ્વપ્નાં યાદ રહે છે. ત્વરિત નેત્રચલનના તબક્કામાં ગાઢ નિદ્રા હોતી નથી; પરંતુ તેમાંથી વ્યક્તિને ઉઠાડવામાં મુશ્કેલી પડે છે. સવારે મોટાભાગના લોકો આ તબક્કામાં જ જાગી જાય છે. તેમાં હૃદયધબકારા ને શ્વસનક્રિયા અનિયમિત બને છે. ત્વરિત નેત્રચલન તબક્કામાં વ્યક્તિ જ્યારે ઊંઘતી હોય ત્યારે તેનું મગજ ઘણું જ કાર્યરત હોય છે અને તેથી તેની વિદ્યુતક્રિયાઓ વધેલી હોય છે અને મગજનો ચયાપચયી દર પણ ત્યારે 20 % જેટલો વધેલો હોય છે. આમ દેખીતી રીતે ઊંઘતા માણસનું મગજ વધુ કામ કરતું હોવાથી તેને વિપરીતદર્શી નિદ્રા (paradoxical sleep) કહે છે.

નિદ્રા અંગેની મૂળભૂત પરિકલ્પના : અગાઉ એવું મનાતું કે મસ્તિષ્કપ્રકાંડ(brain stem)માં આવેલું જાળીયુક્ત સક્રિયક તંત્ર (reticular activating system) થાકી જાય છે અને તેને લીધે મસ્તિષ્ક(મગજ)ના બહારના પડ-બાહ્યક(cortex)ને ઉત્તેજિત રાખી શકતું નથી. તેને કારણે ઊંઘ આવે છે. તેને નિદ્રાની અસક્રિય પરિકલ્પના (passive theory of sleep) કહે છે. જોકે વધુ આધુનિક પ્રયોગોએ દર્શાવ્યું છે કે ઊંઘ આવવાનું કારણ મજ્જાસેતુ(pons)ના મધ્ય ભાગથી નીચે આવેલાં કેન્દ્રોમાં ઉદભવતી સક્રિય અવદાબક પ્રક્રિયા (active inhibitory process) છે. મસ્તિષ્ક પ્રકાંડના વિવિધ જુદા જુદા વિસ્તારોને બહારથી ઉત્તેજિત કરીને નિદ્રા લાવી શકાય એવા પ્રયોગો થયેલા છે. અધશ્ચેતક (hypothalamus) નામના મગજના એક ભાગના અગ્ર વિસ્તારમાં જાગ્રત-અવસ્થા અંગેનું ચેતાકેન્દ્ર આવેલું છે. તેનાં ઈજા કે રોગમાં દર્દી સતત જાગતો જ રહે છે. આ ઉપરાંત ઊંઘ સમયે લોહીમાં સિરોટોનિન નામનું દ્રવ્ય ઘટે છે એવું નોંધવામાં આવ્યું છે. સિરોટોનિનના ઘટાડાને કારણે ઊંઘ આવે છે કે નહિ તે જાણવાના પ્રયોગો થઈ રહ્યા છે. વળી મુરામિલ પેપ્ટાઇડ નામના દ્રવ્યનું પ્રમાણ જો મગજની આસપાસમાં વધે તો પણ ઊંઘ આવે છે. આવાં અન્ય બે દ્રવ્યો પર પણ પ્રયોગો થઈ રહ્યા છે. આમ ચેતાકેન્દ્રોનું ઉત્તેજન અને કેટલાંક રસાયણો નિદ્રા માટે જવાબદાર છે એવું સમજાયું છે. ધીમા તરંગોવાળી ગાઢ નિદ્રાને સ્થાને ત્વરિત નેત્રચલનવાળી નિદ્રાનો તબક્કો કેવી રીતે આવે છે તે પૂરેપૂરું સમજાયેલું નથી. એસિટાઇલકોલિન કે તેના સમધર્મીઓ આ તબક્કાને લંબાવે છે. તેથી એસિટાઇલકોલિન સંબંધિત ચેતાપથોની સક્રિયતા તેને માટે કારણરૂપ હશે તેમ મનાય છે. વળી ઊંઘ તથા જાગ્રત અવસ્થાના નિયમિત ચક્રનું નિયંત્રણ કઈ રીતે થાય છે તે પણ સમજી શકાયું નથી.

આકૃતિ 2 : મગજના વીજતરંગોના આલેખ : (અ) સક્રિય જાગ્રત અવસ્થા (બીટા તરંગ), (આ) શાંત જાગ્રત અવસ્થા (આલ્ફા તરંગ), (ઇ) નિદ્રાના ધીમા તરંગો (ડેલ્ટા તરંગ), (ઈ) ત્વરિત નેત્રચલન, નિદ્રાના તરંગો (બીટા તરંગ) અને (ઉ) વિવિધ મન:સ્થિતિના તરંગો : (1) ઘેન(stupor)/નિશ્ચેતના(anaesthesia), (2) નિદ્રા, (3) લઘુખેંચ (petitmal), (4) શિશુઓ, (5) શિથિલન (relaxation), (6) ધ્યાનપૂર્વકનું માનસિક કાર્ય, (7) ગુરુખેંચ (grand mal epilepsy).

નિદ્રાની દેહધાર્મિક અસરો : નિદ્રાની મુખ્ય 2 પ્રકારની અસરો છે : (1) ચેતાતંત્ર સંબંધિત અને (2) દેહ સંબંધિત. તેમાંની મગજને લગતી અસરો મહત્વની ગણાય છે. લાંબો ઉજાગરો મગજના કાર્યને બગાડે છે અને માનસિક વિકારો સર્જે છે. તેને કારણે વિચારો ધીમા થઈ જાય છે અને વ્યક્તિ ઉશ્કેરાટ અનુભવે છે. માણસ ચીડિયો બની જાય છે. ક્યારેક તીવ્રમનોવિકાર (psychosis) પણ થાય છે. તેથી એવું મનાય છે કે નિદ્રા મગજની ક્રિયાઓને ફરીથી શૂન્યસ્થાને મૂકી આપે છે. ઐચ્છિક સ્નાયુઓ અને ઐચ્છિક ક્રિયાઓને નિદ્રાથી ખાસ લાભ થતો નથી; પરંતુ હૃદય, શ્વસન અને ચયાપચયનાં અનૈચ્છિક કાર્યોમાં થતો ઘટાડો કદાચ લાભકારક હશે એવું મનાય છે.

નિદ્રાવિકારો : નિદ્રાના વિકારોમાં પરાનિદ્રિતતા (parasomnias) અને નિદ્રાના રોગોનો સમાવેશ થાય છે. નિદ્રાના રોગોમાં અનિદ્રા, અતિનિદ્રાવસ્થા, નિદ્રાલકવો વગેરેનો સમાવેશ થાય છે.

પરાનિદ્રિતતા : પરાનિદ્રાના વિકારોમાં સ્નાયુઓના તથા સ્વાયત્ત ચેતાતંત્રના વિકારો થાય છે; જેમ કે, બાળકોમાં ઊંઘના સમયે નિદ્રાભ્રમણ, રાત્રિકાલીન ભયશંકા (night terror), પથારી પલાળવી, ભયજનક સ્વપ્નાં આવવાં વગેરે. મોટી ઉંમરે ઊંઘના સમયે દાંત કચકચાવવા, પગનું અતિશય હલનચલન, નિદ્રાકાલીન શ્વસન-સ્તંભન, ભયજનક સ્વપ્નો, રાત્રિકાલીન ભયશંકા વગેરે વિકારો થાય છે.

અનિયંત્રિત મૂત્રતા (enuresis) : ત્રણ વર્ષની ઉંમર પછી પણ રાત્રે ઊંઘમાં કેટલાંક બાળકોને અનૈચ્છિક રીતે પેશાબ થઈ જાય છે. તેથી તે મોટેભાગે રાત્રિ દરમિયાન પથારી ભીની કરે છે. પરંતુ દિવસ દરમિયાન પણ તેવું બની શકે. આને રાત્રિકાલીન અનિયંત્રિત મૂત્રતા (nocturnal enuresis) નિદ્રાપેશાબ કહે છે. કેટલાકને નિયમિત રીતે દરરોજ રાત્રે આવું બને છે. જ્યારે કેટલીક વાર વ્યક્તિ સારા એવા પ્રમાણમાં માનસિક દબાણ (stress) હેઠળ હોય ત્યારે, પ્રસંગોપાત્ત, નિદ્રાપેશાબ થવાની શક્યતા રહે છે. પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ આ પ્રક્રિયા જોવા મળે છે, પરંતુ તેની ટકાવારી ઓછી હોય છે. સૈનિકોના ભરતી સેવા કેન્દ્રમાં 1000 પસંદગી પામેલી વ્યક્તિઓમાંથી 5 વર્ષની ઉંમર પછી નિદ્રાપેશાબ કરનાર વ્યક્તિઓ 16.1 % જેટલી હતી જ્યારે 18 વર્ષની ઉંમર પછી પણ નિદ્રાપેશાબ કરવાની ટકાવારી 2.1ની હતી. બાળકો અને તરુણાવસ્થામાં પ્રવેશતા કિશોરોમાં નિદ્રાપેશાબ થવા માટેનાં મોટાભાગનાં કારણો મનોવૈજ્ઞાનિક હોય છે; જેમ કે, મનોવિકારી ચિંતા(anxiety neurosis)ની આડકતરી અભિવ્યક્તિ, માબાપનું દુર્લક્ષ અથવા તેમની હૂંફની જરૂરિયાત, માબાપ પ્રત્યેનો છૂપો અણગમો અથવા વિરોધ, કૌટુંબિક (ખાસ કરીને, માતાપિતા વચ્ચેના) સંબંધોમાં સુમેળનો અભાવ, સ્વપ્નદોષને લઈને ઊભી થતી મનોવિકારી ચિંતા, જૈવિક અને/અથવા સાંવેગિક અપરિપક્વતા, અતિગાઢ નિદ્રા અને/અથવા મૂત્રાશયના સ્નાયુઓની શિથિલતા. પુખ્તાવસ્થામાં પ્રવેશતા યુવાનો પર જે અભ્યાસો થયા છે તેમાં નિદ્રાપેશાબ માટે મુખ્યત્વે આવાં કારણો જોવા મળ્યાં છે. સાંવેગિક અપરિપક્વતાની તીવ્રતા, માનસિક દૌર્બલ્ય, મનોજનિત મનોવિકાર (psycho-neurosis) નાનપણથી યોગ્ય તાલીમના અભાવે પડેલી ટેવને કારણે મોટી ઉંમરના પુરુષોમાં પણ તે જોવા મળેલ છે. સામાન્ય રીતે આ પ્રકારની વ્યક્તિઓને માબાપ સાથે વૈમનસ્ય હોય છે અથવા તેમના વધુ પડતા ઘોંચપરોણા હોય છે. પાછળથી મનોવિકારી ચિંતા, બિનસલામતી કે સાંવેગિક અપરિપક્વતાના પરિપાક રૂપે તે પ્રક્રિયા ચાલુ રહે છે. આમાંથી છૂટવા માટે, બાળક કરતાં માતાપિતાને કેન્દ્રમાં રાખી, તેમને જાતે આ સમસ્યા હલ કરવા માટે બાળક પ્રત્યેનું વર્તન સુધારવાનું રહે છે. મોટી ઉંમરની વ્યક્તિઓએ માનસોપચાર (psychotherapy) દ્વારા પોતાના વ્યક્તિત્વમાં સુગ્રથિતતા (personality integration) લાવવી જરૂરી હોય છે.

નિદ્રાભ્રમણ (somnambulism) : મંદ મનોવિકાર(neurosis)ના ભાગ રૂપે ક્યારેક વિઘટિત પ્રતિક્રિયા (dissociative reaction) થાય છે. તેને લઈને જાગ્રતાવસ્થામાં જે વિચારો રૂંધાઈ જાય છે તે નિદ્રા દરમિયાન વ્યક્તિના વર્તન પર તીવ્ર અસર કરે છે, અને તે ઊંઘમાં જ ચાલવા માંડે છે અને ઘણી વખત વિઘટિત થયેલું અજાગ્રત મન કાર્યો પણ કરાવે છે. આ પ્રક્રિયાને નિદ્રાભ્રમણ (somnambulism) કહે છે. સામાન્ય રીતે તરુણાવસ્થામાં પણ તે ઘણી વાર ધાર્યા કરતાં વધુ પ્રમાણમાં બનવા પામે છે. કૉલેજના પહેલા વર્ષના 1,808 વિદ્યાર્થીઓમાંથી 5 % વિદ્યાર્થીઓ નિદ્રાભ્રમણ કરતા હતા તેવો એક અહેવાલ છે. રોજિંદા વ્યવહાર પ્રમાણે આવા દર્દીઓ સૂઈ જાય છે, પરંતુ કેટલીક વખત ઊંઘમાં જ ઊભા થઈને બીજા ખંડમાં કે જાતે બારણું ઉઘાડીને ઘરની બહાર જતા રહે છે અને જટિલ પ્રવૃત્તિઓ કરે છે. પછી, પાછા આવીને પોતાની પથારીમાં સૂઈ જાય અને સવારે ઊઠે ત્યારે ઊંઘ દરમિયાન કરેલાં કાર્યોનું સંપૂર્ણ વિસ્મરણ થઈ ગયેલું હોય છે. દર્દીને બૂમ પાડવામાં આવે તો તે સામાન્ય રીતે જાગી જાય છે અને પોતાની તે વખતની સ્થિતિ જોઈને તેને પોતાને મૂંઝવણભરી નવાઈ લાગે છે. સામાન્ય માન્યતાની વિરુદ્ધ ઘણા ઊંઘમાં ચાલનારા પોતાની જાતને ગંભીર રીતે ઈજા કરી બેસે છે. સાધારણત: સંઘર્ષભરી પરિસ્થિતિમાંથી ભાગી જવાની પ્રતિક્રિયાના પ્રતીક રૂપે નિદ્રાભ્રમણ થતું હોય છે. તરુણાવસ્થા તેમજ તેની પ્રારંભાવસ્થા એટલે કે યૌવનારંભ(puberty)માં પરાધીનતા–સ્વતંત્રતાની મથામણ અથવા જાતીય સંઘર્ષ (sex-conflict) અથવા તે વયગાળાની બીજી કોઈ વિશિષ્ટ સમસ્યા સાથે નિદ્રાભ્રમણ સંબંધિત હોય છે; જેમ કે, હસ્તદોષપ્રેરિત ગુનાઇતપણું, સંઘર્ષ કે અસ્વીકૃતિના ભયમાંથી છુટકારાના પ્રતીક રૂપે તે જોવા મળે છે. અલબત્ત, છુટકારો મેળવવાનાં પરિબળો બીજાં હોય; જેમ કે, માનસિક દબાણને કારણે સાંવેગિક આંચકા(mental trauma)નો તાજો અનુભવ થયો હોય કે નજદીકના ભવિષ્યમાં તેની કોઈ શક્યતા રહેલી હોય તેને પરિણામે પણ વ્યક્તિ નિદ્રાભ્રમણનો ભોગ બને છે. ઘણી વખત આવો દર્દી જાગ્રતાવસ્થામાં જે ઇચ્છાઓનું દમન કર્યું હોય તે ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા નિદ્રા દરમિયાન પ્રયત્ન કરે છે. નિદ્રાભ્રમણમાંથી કાયમી છુટકારો મેળવવા માટે, દર્દીમાં વધુ પરિપક્વતા આવે, તેનો પોતાની શક્તિઓ અને યોગ્યતામાં આત્મવિશ્વાસ કેળવાય એવા ઉપાયો અનિવાર્ય બને છે.

નિદ્રાકાલીન શ્વસનસ્તંભન (sleep apnoen) : ઊંઘમાં થોડાક સમય માટે શ્વાસ રોકાઈ જાય તેવી સ્થિતિ ક્યારેક થાય છે. તેને નિદ્રાકાલીન શ્વસનસ્તંભન (sleep apnoea) કહે છે. તે વિકારજન્ય હોય છે અને કોક વખત મૃત્યુ પણ નિપજાવે છે. તેનાં મુખ્યત્વે 3 વિકાર-જૂથો જોવા મળે છે : (1) હૃદય અને ફેફસાંના અવરોધજન્ય વિકારો, (2) વિકાસલક્ષી, વૃદ્ધાવસ્થાના કે અન્ય રોગોને કારણે શ્વસનમાર્ગની રચનામાં ફેરફાર, અને (3) ચેતાતંત્ર અને સ્નાયુઓના વિકારો. ક્યારેક જરૂર પડ્યે ઊંઘ દરમિયાન નાક દ્વારા સતત વિધેયાત્મક શ્વસનમાર્ગીય દબાણ(continuous positive airway pressure, CPAP)ની સારવાર અપાય છે. ખોરાક નિયંત્રણ અને શ્રમ વડે વજન ઘટાડાય છે.

અતિનિદ્રા માંદગી : એક જમાનામાં સુષુપ્તિકારક મસ્તિકશોથ (encephalitis lethargica) તરીકે ઓળખાતી નિદ્રાને લગતા મનોવિકારને હવે સામાન્ય રીતે અતિનિદ્રા-વિકાર (sleeping sickness) તરીકે ઓળખાય છે, જેમાં ગાળી શકાય તેવા વિષાણુ(filtrable virus)ને લીધે મસ્તિષ્કમાં સોજાવાળો શોથ(inflammation)નો વિકાર થવાથી  વ્યક્તિ ઘસઘસાટ ઊંઘ્યા કરતી હોય છે. જોકે તેને કોઈ પ્રશ્નનો જવાબ મેળવવા કે જમાડવા પૂરતું થોડો સમય જગાડી શકાય છે. આની સાથે ઘણી વખત તાવ તથા આંખના સ્નાયુઓનું સતત-સંકોચન (oculogyric crises) પણ જોવા મળે છે. સતત-સંકોચનને કારણે બંને આંખો ત્રાંસી થઈને કોઈ એક દિશામાં સ્થિર થઈ જાય છે. આ રોગથી જે નુકસાન થયું હોય તેમાં સુધારો થઈ શકતો નથી, પણ નવાં ઍન્ટિબાયૉટિક્સ એ વિષાણુઓનો નાશ કરી શકે છે.

અતિનિદ્રાવસ્થા (narcolepsy) અને નિદ્રાલકવો (sleep paralysis) : તે અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. પહેલા રોગમાં કોઈ પણ જાતની ચેતવણી વગર દિવસ દરમિયાન થોડીક મિનિટોથી માંડીને  કેટલાક કલાકો સુધી દર્દી નિદ્રામાં સરી પડે છે. કોઈ અણગમતી જીવન-પરિસ્થિતિ સામેની અપરિપક્વ પ્રક્રિયા રૂપે આવા નિદ્રાહુમલાઓ થતા હોય છે. નિદ્રા-લકવામાં વ્યક્તિ સભાન હોય છે, છતાં હાલીચાલી શકતી નથી કે રડી શકતી નથી. નિદ્રા આવતાં પહેલાં અથવા જાગ્યા પછી થોડી જ વારમાં આવું બનતું હોય છે. તે થોડી સેકંડોથી માંડીને કેટલીક મિનિટો સુધી ચાલુ રહે છે. આ રોગો માટેનાં ચોક્કસ કારણો જાણી શકાયાં નથી; પરંતુ તે માટે સક્રિય, આક્રમક ક્રિયાત્મક આવેશો અને નિષ્ક્રિય, અપ્રતિકારાત્મક વર્તન વચ્ચેનો સંઘર્ષ અથવા અપરિપક્વ મંદ મનોવિકારવાળું વલણ ધરાવતી વ્યક્તિનો તાત્કાલિક ધ્યેયો(goals)ની બાબતમાં મૂંઝવણભરી દ્વિધાનો અનુભવ કારણભૂત હોઈ શકે. બંને પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વ્યક્તિત્વ-વિકાસ માટેના તેમજ વધુ અસરકારક સમાયોજન (adjustment) સાધી શકાય તેવા માનસોપચાર જરૂરી બને છે.

અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવી કે વહેલી ઊડી જવાના વિકારને અનિદ્રા કહે છે. મોટેભાગે ટૂંકા ગાળાની અનિદ્રાનું કારણ કોઈ શારીરિક રોગ, માનસિક દુ:ખ, વ્યક્તિગત કે નાણાકીય વિચારોનું પૂર્વાધિપત્ય (preoccupation), ખોરાકમાં અવિવેકપૂર્ણ છૂટછાટ અથવા લાંબા અંતરની વિમાનની મુસાફરી હોય છે. કોઈ ચોક્કસ પૂર્વનિર્ધારિત વિચાર કે કાર્ય જે તે સમયે કરવાના વિચાર કે કાર્યને થતાં અવરોધે તેવી સ્થિતિને પૂર્વાધિપત્ય કહે છે. લાંબા ગાળાની અનિદ્રાનું કારણ નશીલી દવાઓ કે દારૂનું સેવન, મોટી ઉંમર કે ખિન્નતાલક્ષી મનોવિકાર, વ્યક્તિગત સંબંધોમાં આવેલો ફેરફાર અથવા ક્યારેક કોઈ ચેતાતંત્રનો રોગ હોય છે. નસકોરાં બોલતાં હોય તેવા અનિદ્રાના દર્દીમાં ઘણી વખત નિદ્રાકાલીન શ્વસન-સ્તંભન કારણભૂત હોય છે. ઉપદંશ (syphilis), હટિંગ્ટન તથા પાર્કિન્સનના રોગમાં અનિદ્રા થાય છે. ક્યારેક નાના મગજના વિકારોમાં કે મગજપ્રકાંડની ઈજા કે લકવાના હુમલામાં પણ અનિદ્રા થાય છે. પીડાકારક કે અન્ય લાંબા ગાળાના રોગો પણ અનિદ્રા લાવે છે. સામાન્ય રીતે લાંબા ગાળાની અનિદ્રાના દર્દીને દિવસ દરમિયાન પથારીમાં ઓછું રહેવાની સલાહ અપાય છે. તેમને કોઈ જોખમી પરિણામો ન આવવાની હૈયાધારણ અપાય છે. દારૂ, ધૂમ્રપાન, ઉત્તેજક દ્રવ્યો, વધુ પડતી દવાઓ તથા સાંજનું ભારે ભોજન ન લેવા સલાહ અપાય છે. તેમને કસરત કરવા પ્રોત્સાહિત કરાય છે. તેમના દુખાવાની સારવાર કરાય છે. અવાજ-પ્રકાશને ઘટાડવાનું પણ આયોજન કરાય છે. સાંજે ગરમ પાણીથી નાહવાનું સૂચવાય છે અને સૂવાના ખંડમાં શાંત સૌમ્ય વાતાવરણ સર્જવાનું કહેવાય છે. સાંજે ભારે જમણ લીધું હોય તો ઓછામાં ઓછું ત્રણ કલાક પછી સૂઈ જવાનું પણ સૂચવાય છે. રાત્રે ચા, કૉફી, દારૂ જેવાં ઉત્તેજક પીણાં વધુ પડતાં ન લેવાનું ઘણું મહત્વ છે. વળી પથારી આરામદાયક (પીઠનો દુખાવો પેદા ન કરે તેવી) હોવી જરૂરી હોય છે. શારીરિક કે માનસિક ઉશ્કેરાટ પેદા કરે તેવાં વાચન, ટીવી-સીરિયલ કે તેવા વાતાવરણનો ત્યાગ કરેલો હોય તથા શયનખંડનું તાપમાન 16° સે.થી 18° સે. (60° ફેથી 65° ફે.) જેટલું હોય તો સારી ઊંઘ આવે છે. ધ્યાન (meditation), ઊંડી શ્વસનક્રિયા (deep breathing), શવાસન જેવાં આસનો વગેરેથી પણ તનાવ ઓછો થાય છે અને આંખો ઘેરાવા માંડે છે. લાંબા સમયની અનિદ્રાની સ્થિતિમાં ઘેન કરતી દવા ન લેવાનું સૂચવાય છે અને જરૂર પડ્યે ચિંતાનાશકો (anxiolytic) કે ખિન્નતારોધક (anti-depressant) દવાઓ અપાય છે. ઘેન લાવતી દવાઓ ટૂંકા ગાળાની અનિદ્રામાં ઉપયોગી છે. સામાન્ય રીતે ડાયાઝેપામ કે લોરાઝેપામ અપાય છે. અગાઉ બાર્બિચ્યુરેટ્સ વપરાતી હતી, પરંતુ લાંબા સમયના ઉપયોગથી તેની અસરકારકતા ઘટે છે. વળી તે ટેવ પાડે છે. ટ્રાઆઝોલામ અને ઝોલમિડેપ વડે ઊંઘ લાવી શકાય છે, જ્યારે ફ્લુરાઝેપામ અને ક્વેઝેપામ ઊંઘનો સમયગાળો લંબાવે છે.

શિલીન નં. શુક્લ

જયંતીભાઈ ડી. શાહ