નાગોરચું : કિશોરો માટેની ભારતની તળપદી રમત. ટેનિસબૉલ જેવા દડાથી રમાતી આ રમતમાં સાઠથી સો ફૂટ જેટલા વ્યાસવાળા કૂંડાળાની મધ્યમાં લાકડાના સાત કટકાને ઉપરાઉપરી ક્રમસર ગોઠવીને નાગોરચું બનાવવામાં આવે છે. તાકનાર અને ઝીલનાર એમ નવ નવ ખેલાડીઓના બે પક્ષ હોય છે. રમતના પ્રારંભે બંને પક્ષના ખેલાડીઓ પોતપોતાના ગોળાર્ધમાં ગોઠવાઈ જાય છે તથા તાકનાર પક્ષનો પ્રથમ વારો લેનાર ખેલાડી નેમરેખા પર ઊભો રહી, કેન્દ્રમાં ગોઠવેલા નાગોરચા(ઉતરડ)ને દડા વડે તાકે છે. તાકનાર પક્ષના દરેક ખેલાડીને પોતાની વારીમાં પાંચ તક મળે છે. જો નાગોરચું પડ્યા વિના, નાગોરચા સુધીમાં એક ટપ્પો પડેલા અથવા બિલકુલ ટપ્પો પડ્યા વિનાના દડાને ઝીલનાર પોતાના પ્રદેશમાં રહી ઝીલી લે તો નેમ તાકનારની વારી પૂરી થઈ ગણાય અને ઝીલનાર પક્ષને એક ગુણ મળે. જો તાકેલા દડાથી નાગોરચું પડે તો તાકનાર પક્ષને દસ ગુણ મળે તથા તાકનાર પક્ષના ખેલાડીઓ તરત જ ત્યાં દોડી જઈ તેને પૂર્વવત્ ગોઠવવાનું કરે, જ્યારે ઝીલનાર પક્ષના ખેલાડીઓ દોડી દડો મેળવી લઈ પોતાના પક્ષનો ગોલંદાજ કે જે નાના કૂંડાળામાં ઊભો હોય તેને દડો પહોંચાડી દે. નાગોરચું ગોઠવવા મથનાર યા તે પક્ષના કોઈ ખેલાડીને તે દડો મારે તો તાકનારની વારી પૂરી થઈ ગણાય અને પછીનો તાકનાર પોતાની વારી શરૂ કરે અને ઝીલનાર પક્ષને પાંચ ગુણ મળે. તાકનાર પક્ષ પોતાનો કોઈ ભિલ્લુ માર થયા વિના જો નગોરચું અકબંધ ગોઠવી દે તો તાકનાર પક્ષને પાંચ ગુણ મળે. આ પ્રમાણે બંને પક્ષના દાવ પૂરા થતાં વધારે ગુણ મેળવનાર પક્ષ વિજયી ગણાય.

ચિનુભાઈ શાહ