નાગોયા : ટોકિયો અને ઓસાકા પછીનું જાપાનનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10´ ઉ. અ. અને 136° 55´ પૂ. રે.. એઈચી જિલ્લાનું પાટનગર. જાપાનના મુખ્ય ટાપુ મધ્ય હોન્શુના દક્ષિણ કિનારે આઈસે (Ise) ઉપસાગરના મુખ પર તે આવેલું છે.

પ્રાચીન જાપાનમાં તે ઈમાગાવા–ઓડા કૌટુંબિક કિલ્લાની આજુબાજુ વસેલું એક નાનકડું ગામ હતું. પછીથી તે ઓવારી પ્રાંતનું શક્તિશાળી સામંતશાહી કેન્દ્ર બન્યું. 1610માં આઇયાસુ ટોકુગાવાએ અહીં પાંચ માળનો મજબૂત કિલ્લો બંધાવેલો હતો, જે બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામ્યો હતો. 1959માં આ કિલ્લાનું પુનર્નિર્માણ હાથ ધરાયું હતું. ટોકિયો અને કિયોટોની મધ્યમાં તેનું સ્થાન આવેલું હોવાથી તેને ‘મધ્યનું પાટનગર’ પણ કહે છે. હવે તેનો વિસ્તાર 251 ચોકિમી. જેટલો થયો છે.

નાગોયા જાપાનનું મુખ્ય રેલમથક તથા માર્ગમથક છે. બારા માટેની સુવિધાઓ હોવાથી વહાણો દ્વારા થતા દરિયાઈ વ્યાપારનું તે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં નાગોયા યુનિવર્સિટી તથા તેને સંલગ્ન કૉલેજો આવેલી છે. આ શહેર ઉત્પાદકીય ચીજવસ્તુઓ માટેનું કેન્દ્ર બની રહેલું છે. અહીં મહત્ત્વનો કાપડ-ઉદ્યોગ વિકસ્યો છે. પેટ્રોલિયમ રિફાઇનરી, રસાયણો, યંત્રસામગ્રી, વાહનો બનાવવાનાં કારખાનાં, ચિનાઈ માટીનો ઉદ્યોગ, વિમાન ઉદ્યોગ, સાઇકલો, સિલાઈ-મશીનો, ઘડિયાળો વગેરેનાં કારખાનાંને લીધે નાગોયા જાપાનમાં એક મહત્ત્વના વ્યાપારી મથક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. તારકસબ-એનેમલના ઉત્પાદનની દૃષ્ટિએ તે સમગ્ર જાપાનમાં પ્રથમ ક્રમે આવે છે. ગરમ કાપડ તથા સિરેમિકનું મોટા ભાગનું ઉત્પાદન નાગોયામાં થાય છે.

નાગોયા શહેર જાપાનનું વાહનો બનાવતું મોટું કેન્દ્ર છે. વિદેશમાં નિકાસ માટે નાગોયા બંદરે તૈયાર રખાયેલાં મોટર-વાહનોનો વિશાળ જથ્થો.

નાગોયામાં અસંખ્ય ધાર્મિક સ્થળો અને મંદિરો છે. સિન્ટો સંપ્રદાયનું બીજા નંબરનું મહત્ત્વનું મંદિર નાગોયામાં આવેલું છે. અહીંનાં મ્યુનિસિપલ મ્યુઝિયમ ઑફ સાયન્સીઝ અને હિગાશિયામા પાર્ક જોવાલાયક છે. તાંબા મઢેલી છતવાળો નાગોયા કિલ્લો અહીંનું પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ ગણાય છે. નાગોયામાં વિકસેલાં વેપાર, ઉદ્યોગો અને વસ્તીથી અહીંનો વિસ્તાર ગીચ બની ગયેલો છે. વસ્તી 22,64,000 (2010) જેટલી છે.

નવનીત દવે