નાગાર્જુન (આશરે આઠમી સદી) : રસવિદ્યાના વિખ્યાત ભારતીય કીમિયાગર (alchemist). નાગાર્જુન વિશે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે તંત્રજ્ઞાનનો વિખ્યાત ગ્રંથ ‘રસરત્નાકર’ લખવા ઉપરાંત સુશ્રુતનું સંપાદન કર્યું છે.

એક નાગાર્જુન બૌદ્ધ તત્વજ્ઞાનના માધ્યમિકા સંપ્રદાયના સ્થાપક તથા મહાયાન શાખાના સ્થાપક બીજી સદીના અંતથી ત્રીજી સદીની શરૂમાં થયા હોવાનું મનાય છે. કહેવાય છે કે પ્રજ્ઞાપારમિતાએ સ્વપ્નમાં નાગાર્જુનને રસાયણ અંગેનું જ્ઞાન આપ્યું હતું, કારણ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ શાલિવાહન તથા નાગાર્જુનના સંવાદ રૂપે તેમજ રત્નઘોષ અને માંડવ્ય વચ્ચેના સંવાદ રૂપે વર્ણવાયેલી છે. રાજા ઉદયન તથા નાગાર્જુન દ્વારા મિત્રતાભર્યા પત્રવ્યવહાર રૂપે લખાયેલો એક ગ્રંથ તિબ્બતી તથા ચીની આવૃત્તિમાં મળી આવ્યો છે. ઉદયનનું ચીની ભાષામાં લિપ્યંતર (transliteration) સદવાહન દ્વારા થયું છે. આ સદવાહન રાજા સંસ્કૃત સાહિત્યમાં શિક્ષણના પ્રોત્સાહક તરીકે જાણીતા છે. ભાંડારકરના મતે ઈ. સ. પૂ. 73થી ઈ. સ. 218 વચ્ચેના ગાળામાં આ નામના રાજાઓએ દક્ષિણ ભારતમાં રાજ કર્યું છે.

આમ જો ‘રસરત્નાકર’ ગ્રંથમાં વર્ણવાયેલ શાલિવાહન એ જ જૂના સાહિત્યમાંનો સદવાહન હોય તો નાગાર્જુન અને ‘રસરત્નાકર’નો સમયગાળો બીજી સદીનો ગણી શકાય તથા માધ્યમિકા તત્વદર્શનનો સ્થાપક તથા કીમિયાગર નાગાર્જુન એક જ વ્યક્તિ હોવાની સંભાવના છે. ‘રસરત્નાકર’ વાગ્ભટના સમય પછી જ રચાયો હોય તે સંભવિત છે. ‘રસરત્નાકર’માં પારદમાંથી બનતાં અનેક ઔષધો તથા વિધિઓનું વર્ણન તથા તે સમયે વપરાતાં સંયંત્રો(ઉપકરણો)નાં વર્ણનો છે.

આલ્બરૂની નામના અરબી વિદ્વાને પોતાનાથી સો વર્ષ અગાઉ થયેલા નાગાર્જુનનો ઉલ્લેખ કર્યો છે જે સોમનાથ પાટણ નજીક દહીયક કિલ્લાનો નિવાસી હતો અને આલ્બરૂનીના મતે પ્રસિદ્ધ કીમિયાગર તથા અલભ્ય ગ્રંથોનો રચનાકાર હતો. આમ ‘રસરત્નાકર’ અને તેના લેખક નાગાર્જુનને આઠમી સદીમાં મૂકી શકાય.

નેપાળમાંથી મળેલાં કેળપત્ર ઉપરનાં લખાણોને આધારે નાગાર્જુને ‘યોગસાર’ તથા ‘યોગશતક’ એમ બીજા બે ગ્રંથો લખ્યા છે. ‘યોગસાર’માં ભૌતિક શરીરને સુધારવાના નુસખાઓ તથા ‘યોગશતક’માં સૌન્દર્યપ્રસાધનો તથા વાળના રોગ માટેના ઉપચારરૂપ ઔષધોના નુસખા વર્ણવ્યા છે.

નાગાર્જુનનો ‘સિદ્ધ-નાગાર્જુન’ નામે પણ ઉલ્લેખ થયેલો છે. ભારતીય ખનિજમાંથી મળતી વિવિધ કાચી ધાતુના શુદ્ધીકરણની રીતો શોધી, પારો તથા અન્ય ધાતુનાં સંયોજનો બનાવવામાં નાગાર્જુનનો ઉલ્લેખ મળે છે.

 જગદીશ જ. ત્રિવેદી