નાગરિક સંરક્ષણ તંત્ર

January, 1998

નાગરિક સંરક્ષણ તંત્ર : યુદ્વ ફાટી નીકળવાની સંભાવના હોય અથવા લડાઈ શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, પ્રજાનો જુસ્સો ટકાવી રાખવા તેમજ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવા રચાયેલું વ્યવસ્થાતંત્ર. ઉત્પાદનનો પ્રવાહ જાળવી રાખવા અને તે દ્વારા લોકોનું ખમીર ટકાવી રાખવાનો તેનો ઉદ્દેશ હોય છે.

દરેક વિકસિત દેશમાં નાગરિક સંરક્ષણ દળ હોય છે. ભારતમાં 1962ના ચીનના યુદ્ધ પછી 1963માં નાગરિક સંરક્ષણ તંત્ર શરૂ થયું હતું. તે કેન્દ્રીય ગૃહમંત્રાલય હસ્તક કામ કરે છે. સમય જતાં તેના કાર્યક્ષેત્રમાં કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, ધરતીકંપ વગેરે દરમિયાન રાહતકાર્યનું આયોજન કરવાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થયેલ છે.

શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવાનું કામ નાગરિક સંરક્ષણ તંત્ર કરે છે. શાળાના તથા કૉલેજોના વિદ્યાર્થીઓને પણ તે અંગેની પાયાની તાલીમ અપાય છે. હવાઈ હુમલાની ચેતવણી આપવા નક્કી કરેલાં શહેરોમાં સાયરનો ગોઠવાયેલી હોય છે. કામગીરીની સરળતા સારુ શહેરોને ડિવિઝનોમાં વહેંચવામાં આવે છે અને તેના ઉપર ડિવિઝનલ વૉર્ડન નીમવામાં આવે છે. દરેક ડિવિઝનને જરૂરિયાત પ્રમાણે મથકોમાં વહેંચવામાં આવે છે. દરેક મથકમાં વૉર્ડન તેના સ્ટાફ સાથે હોય છે. જરૂરિયાત પ્રમાણે મથકને વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગને વૉર્ડન હોય છે. બધા અધિકારીઓ માનદ સેવા આપતા હોય છે.

આજના જમાનામાં યુદ્ધ માત્ર સશસ્ત્ર દળો પૂરતું મર્યાદિત રહ્યું નથી, તેમાં સમગ્ર રાષ્ટ્રની કસોટી થતી હોય છે. રાષ્ટ્રની ખરેખરી સંરક્ષણશક્તિ યુદ્ધ લડવા અને તેમાં ટકી રહેવાના મનોબળ તથા તાકાતમાં સમાયેલી છે. આમાં વૈજ્ઞાનિક વિકાસ, પ્રજાની કાર્યદક્ષતા, શિસ્ત, તાલીમ, ઉપયોગી માનવબળ, રાષ્ટ્રીય ખમીર, આર્થિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે.

પ્રવર્તમાન અણુયુગમાં અણુબૉમ્બનો ઉપયોગ કદાચ ન થાય, તોપણ ભારે સ્ફોટક અને આગબૉમ્બ જેવાં શસ્ત્રો મહત્ત્વનો ભાગ ભજવે છે.

ભારે સ્ફોટક બૉમ્બનું વજન 10થી 10,000 કિગ્રા. સુધીનું હોઈ શકે છે. તેમાં સામાન્ય રીતે પોલાદના ખોખા(casing)માં ટી.એન.ટી. ભરેલો હોય છે. નિશાન સાથે અથડાવાની તૈયારીમાં હોય અથવા ખરેખર અથડાય અથવા અથડાયા પછી થોડી કે ઘણી વારે નિશ્ચિત સમયે તેનો ફ્યૂઝ તણખો ઉત્પન્ન કરે અને બૉમ્બ ફાટે છે. બૉમ્બના ફાટવાથી ધરતીકંપ જેવી અને ‘વંટોળિયા’ની અસર થાય છે, જેથી બહોળા વિસ્તારોમાં મકાનોને નુકસાન, છાપરાંનું ઊડી જવું, માણસોનાં ફેફસાં અને કાનને નુકસાન, તારનાં દોરડાં તેમજ પાણીની ગટરો વગેરેને નુકસાન થાય છે. નહિ ફાટેલા બૉમ્બ પાસે જવું કે તેને હાથ પણ લગાડવો અને એમ જમીનની ધ્રુજારી થાય તેવી બધી હિલચાલ કરવી તે જોખમ ગણાય છે.

આગબૉમ્બના ખોખામાં ફૉસ્ફરસ, થર્માઇટ, મૅગ્નેશિયમ, તેલ વગેરે વસ્તુઓને સીધેસીધી સળગાવી શકનારાં રસાયણો ભરવામાં આવે છે. ફ્યૂઝની મદદથી નિશાન સુધી પહોંચતાની સાથે આગબૉમ્બ સળગવાની શરૂઆત કરે છે, અને મોટા વિસ્તારમાં સળગતા પદાર્થો ફેંકાય છે. આગબૉમ્બ સાધારણ રીતે એકથી ત્રણ કિગ્રા.નો હોય છે. તેલબૉમ્બ આશરે 227 કિગ્રા. સુધીના હોય છે. આગબૉમ્બની સામે રક્ષણ મેળવવા માટે બધાં મકાનોનાં છાપરાં પરથી જૂનાં કપડાં, કાગળ, કચરો વગેરે સળગી ઊઠે તેવા પદાર્થો ખસેડી લેવા, જૂનો કાટમાળ કાઢી નાખી કચરો દરરોજ બાળવો, સળગી ઊઠે તેવા પદાર્થો છૂટા છૂટા રાખવા, આગ બુઝાવવા માટે મકાન કે લત્તામાં પાણી અને રેતીનો જથ્થો રાખવો વગેરે કાર્ય કરવાં જરૂરી હોય છે.

માનવરહિત બૉમ્બ લઈ જતા સ્વયંસંચાલિત સાધનને નિયંત્રિત મિસાઇલ કહેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોએ આની શોધ કરેલી. તેને જેટ કે રૉકેટ એન્જિનથી પાવર મળે છે. તે ટૂંકી, મધ્યમ અને લાંબી અંતરમર્યાદાના આક્રમણ મિસાઇલ તરીકે જાણીતાં છે. તેમાં ગોઠવાયેલા ‘વૉર-હેડ’ ઉપર તેની અસર રહે છે. ‘રડાર’ દ્વારા તેની ખબર પડી શકે છે, તથા અન્ય નિયંત્રિત મિસાઇલ દ્વારા જ તેને આંતરી તથા તોડી શકાય છે.

દુશ્મનના વિમાની હુમલામાંથી બચી ગયેલા લગભગ બધાને યુદ્ધની અસર નડે છે; જેવી કે, ઘરબાર કે અંગત માલમિલકત ગુમાવવી, બેરોજગારી, કુટુંબનું વેરવિખેર થવું, મૃત્યુ તથા ઘાયલ થવાથી કુટુંબમાં ભંગાણ, નિરાધારપણું, મકાનોને નુકસાન અને જીવન જીવવાની શૈલીમાં એકાએક પલટો. દુશ્મનના વિમાની હુમલાથી અનેક પેચીદા પ્રશ્નો પેદા થાય છે. તેને પહોંચી વળવા નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક અને સ્વયંસેવકોમાંથી આરોગ્યસેવાઓ, ટૅકનિકલ  સેવાઓ, સંદેશાવ્યવહાર-સેવાઓ અને અન્ય સેવાઓ ગોઠવવામાં આવે છે.

કુટુંબના દરેક સભ્યને પોતાના શહેર કે કસબા ઉપર દુશ્મનના હવાઈ હુમલામાંથી થતી પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવા તૈયાર રહેવાની તાલીમ અપાય છે. દરેક સભ્યને હવાઈ હુમલા પહેલાંની જરૂરી જાણકારી અપાતી તાલીમ પણ અપાય છે. હુમલાની ચેતવણી અને સબ-સલામતીની સંજ્ઞાઓ, વૉર્ડનનું નામ અને સરનામું, ટેલિફોન-નંબર, નજીકનું હાયડ્રન્ટ અને પોલીસસ્ટેશન, પોતાના ઘરમાં ઓછામાં ઓછી બત્તીઓ ચાલુ રાખવી, આશ્રયના ઓરડામાં તીકમ, પાવડો, દોરડું, બૅટરી, મીણબત્તીઓ, પીવાનું પાણી તથા ખોરાકની વસ્તુઓ વગેરે તૈયાર રાખવાં જરૂરી હોય છે.

હવાઈ હુમલા વખતે જો બહાર હોય તો તુરત આશ્રય મેળવવો, નહિ તો ઊંધે મોઢે સૂઈ જવું. જો મકાનમાં હોય તો તૈયાર કરેલા ઓરડામાં આશ્રય લેવો, બત્તીઓ ઓલવી નાખવી, કાચ પાસે જવું નહિ, બારીઓમાંથી બહાર જોવું નહિ, દીવાલને અઢેલીને ઊભા રહેવું નહિ વગેરે સાવચેતીનાં પગલાં લેવાય છે. બગીચામાં ખોદેલી ખાઈમાં આશ્રય લેવાય છે.

હવાઈ હુમલા પછી પાણીના ઉપયોગમાં કરકસર કરવી, વીજળીને નુકસાન થયું હોય તો વૉર્ડનને જાણ કરવી, ગટર વગેરેને નુકસાન થયું હોય તો ફિનાઇલનો છૂટથી ઉપયોગ કરવો, ઈજા થઈ હોય તો સારવાર માટેના સ્થળે જવું અને અન્યને ઉપયોગી થવા પ્રયત્ન કરવો, આગ ઓલવવાની કામગીરીમાં અન્યને મદદરૂપ થવું; રેતી, પાણી અને પંપની મદદથી આગને આગળ વધતી અટકાવવી વગેરે અંગે સૂચનાઓ અપાય છે.

હસમુખ માણેકલાલ પટેલ