નવીન ડી. (ડોંગરી મલ્લાહ)

January, 1998

નવીન ડી. (ડોંગરી મલ્લાહ) (જ. 24 ડિસેમ્બર 1941, વાવિલાલા, જિ. વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી તેમજ હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ગવર્નમેન્ટ મહિલા ડિગ્રી કૉલેજ, વારંગલમાં 35 વર્ષની સેવા બાદ 1996માં આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા છે.

1958થી લેખનકાર્ય આરંભીને તેમણે કુલ 25 પુસ્તકો આપ્યાં છે. 1969માં તેમણે ‘અંપાશય્યા’ નામક પ્રથમ નવલકથા પ્રગટ કરી. ‘અંતશ્રાવંતી’, ‘ચીકટિ રોજુલુ’, ‘સંકેલ્લુ’, ‘કાલરેખલુ’, ‘ચેદિરીના સ્વપ્નલુ’ તથા ‘બંધવ્યલુ’ તેમની મુખ્ય નવલકથાઓ છે. ‘એનમિડો અડુગુ’ સહિત 5 વાર્તાસંગ્રહો અને ‘નવીન સાહિત્ય વ્યાસલુ’ સાહિત્યિક નિબંધસંગ્રહ છે. તેમના અનેક ગ્રંથો અંગ્રેજી અને હિંદીમાં અનૂદિત થયા છે. તેમની 100થી વધુ પુસ્તક-સમીક્ષાઓ, ફિલ્મ-સમીક્ષાઓ અને લેખો પ્રગટ થયા છે. તેમને ઘણા પુરસ્કારો અને સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. તેમાં પોટ્ટિ શ્રીરામુલુ તેલુગુ યુનિવર્સિટીનો શ્રેષ્ઠ નવલકથા પુરસ્કાર અને પ્રતિભા પુરસ્કારમ્, ગોપીચંદ રાષ્ટ્રીય સાહિત્ય ઍવૉર્ડ, રવિ શાસ્ત્રી પુરસ્કાર, કાકતીય યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી અને ભારત સરકારના સંસ્કૃતિ વિભાગની વરિષ્ઠ ફેલોશિપનો સમાવેશ થાય છે.

નવીન ડી. (ડોંગરી મલ્લાહ)

તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ રાજસત્તા વિરુદ્ધ તેલંગણાના સંઘર્ષ પર આધારિત એક સામાજિક આત્મકથાત્મક નવલકથા છે. દમન કરાયેલ માનવતાના સંઘર્ષના હૂબહૂ ચિત્રાંકનને કારણે આ કૃતિ અનન્ય બની છે. લેખકે પોતાને મુક્ત કરવાની વ્યથામાં સામાન્ય માનવીની ભાવનાઓને તેમાં સફળતાપૂર્વક ઉજાગર કરી હોવાથી આ કૃતિ તેલુગુમાં લખાયેલ ભારતીય નવલકથામાં પ્રભાવશાળી ઉમેરો ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા