નવું ભારતીય સંસદ ભવન

September, 2023

નવું ભારતીય સંસદ ભવનઆત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત.

આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધે તો એ માટે આ ભવન અપૂરતું હતું. વળી, મંત્રીઓ માટેની કચેરીઓ, પ્રેસ રૂમ, મિટીંગ રૂમ વગેરેની વ્યવસ્થા પણ પર્યાપ્ત ન હતી. ભવનમાં એરકન્ડિશન, લાઇટીંગ, સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ખૂબ જૂનાં થઈ ગયાં હતાં આથી આધુનિકીકરણની જરૂર હતી. જૂની ઈમારત આગ જેવી આપત્તિના સમયે ભવન તાત્કાલિક ખાલી કરવા માટેની વ્યવસ્થા પણ પૂરતી ન હતી. આ બધાં કારણોસર તારીખ 13 જુલાઈ, 2012ના રોજ લોકસભાના સ્પીકર શ્રીમતી મીરાં કુમારે, તારીખ 9 ડિસેમ્બર, 2015ના રોજ શ્રીમતી સુમિત્રા મહાજને અને તારીખ 2 ઑગસ્ટ, 2019ના રોજ શ્રી ઓમ બિરલાએ પત્ર દ્વારા સરકારને સંસદ માટે નવું મકાન બાંધવા વિનંતી કરી હતી. આથી સપ્ટેમ્બર, 2019માં ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્તાર એવન્યુના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાનની યોજના કરવામાં આવી. સપ્ટેમ્બર, 2020માં ટાટા પ્રોજેક્ટ લિમિટેડ CPWD દ્વારા 862 કરોડ રૂપિયામાં નવું સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો અને ઑક્ટોબર, 2020માં અમદાવાદમાં આવેલી ડૉ. બિમલ પટેલની એચપીસી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આર્કિટેક્ચર કન્સલ્ટન્સીને આ કામ સોંપાયું.

નવા સંસદ ભવનનો 10 ડિસેમ્બર,2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શીલાન્યાસ કરવામાં આવ્યો. આ સમારોહમાં બધા જ સંપ્રદાય અને સનાતન ધર્મના ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરવામાં આવી હતી. 11 જુલાઈ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિમાનું અનાવરણ કર્યું. 28 ઑગસ્ટ, 2022ના રોજ નવી સંસદનું મુખ્ય માળખું પૂર્ણ થયું અને 20 મે, 2023ના રોજ બાંધકામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું. 28 મે,2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સમારંભમાં બધા ધર્મના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના અધ્યક્ષની ખુરશી પાસે સેંગોલ પ્રસ્થાપિત કર્યું. આ સેંગોલ ગવર્નર લૉર્ડ માઉન્ટબેટન દ્વારા ભારતની સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ 14 ઑગસ્ટ, 1947ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને અર્પણ કરવામાં આવેલો રાજદંડ છે. નહેરુએ આ સેંગોલ તમિલનાડુના થિરુવદુથુરાઇ આદિનમ(મઠ)માંથી ખાસ પધારેલા આદિનમો(પુરોહિતો) પાસેથી ગ્રહણ કર્યો હતો. એને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય નરેન્દ્ર મોદીએ કર્યું.

નવી સંસદમાં લોકસભા ભવનમાં 888 અને રાજ્યસભા ભવનમાં 384 મળીને કુલ 1272 વ્યક્તિઓ માટેની બેઠક ક્ષમતા છે. આ ભવન 12’02’’ ઉ. અ. અને012’36” પૂ. રે. પર આવેલું છે. તેની ઊંચાઈ 39.6 મીટર અને મેદાન 6500 ચોરસ મીટર એટલે કે સાત લાખ ચોરસ ફૂટ છે. તે 64500 ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ કોમ્પલેસ ષટ્કોણ આકારનું છે. આ ઈમારત 150 વર્ષથી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે તે રીતે ભૂકંપ પ્રતિરોધક મિકેનિઝમની સુરક્ષા સાથે બનાવવામાં આવી છે. તેમાં 26,045 મેટ્રિક ટન સ્ટીલ અને 63,807 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે. ઇકો ફ્રેન્ડલી ગ્રીન કન્સ્ટ્રક્શન કરી વીજળીનો વપરાશ 30% જેટલો ઓછો થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સંસદના પરિસરમાં રાષ્ટ્રીય વૃક્ષ વડ વાવવામાં આવ્યું છે. ભવનના દરવાજા પર અશોક ચક્ર બનાવવામાં આવ્યું છે અને સત્યમેવ જયતે લખવામાં આવ્યું છે. તેમાં ભારતના વિવિધ ભાગોની સ્થાપત્ય શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇમારત ચાર માળની છે, જેમાં મંત્રીઓનાં કાર્યાલય અને કમિટી રૂમનો સમાવેશ થાય છે. આ ઇમારત 20,866 ચોરસ મીટર એટલે કે 2,24,600 ચોરસ ફૂટ બિલ્ટ અપ વિસ્તાર ધરાવે છે. ચાર માળની આ ઇમારત માત્ર અઢી વર્ષમાં બનાવીને પૂર્ણ કરવામાં આવી છે. આ ઇમારતમાં લાલ અને સફેદ રેતિયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોરિડોરની કુલ લંબાઈ સાડા ત્રણ કિલોમીટર છે અને તેમાં 1700થી વધારે બારીબારણાં છે. અહીં દેશના બધાં જ રાજ્યોને કોઈને કોઈ સ્વરૂપે સ્થાન આપવામાં આવ્યું છે. ભવનના બહારના ભાગમાં પથ્થરની જાળીઓ અને તમામ પ્રકારના પથ્થરનું કામ રાજસ્થાનનું છે તો ફ્લોર ઉપર લાગેલા સફેદ આરસ ગુજરાતના છે. મહારાષ્ટ્રના કારીગરો અને શિલ્પીઓએ લાકડાની ડિઝાઇન તૈયાર કરી છે. નાગપુરના સાગના લાકડામાંથી બંને ગૃહોમાં અશોક ચક્ર લગાવવામાં આવ્યાં છે. ત્રિપુરાના વાંસના લાકડાનું ફ્લોરિંગ બનાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના ‘કાર્પેટ સિટી’ તરીકે જાણીતા ભદોહીથી હાથથી વણેલા ગાલીચા લગાવવામાં આવ્યાં છે.

આ ત્રિકોણીય સંસદ ભવનમાં છ પ્રવેશ દ્વાર છે, જેમાં ભારતીય પરંપરા પ્રમાણે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રવેશદ્વાર પર પશુઓ અને પક્ષીઓને દ્વારપાળ બનાવવામાં આવ્યા છે. જળ, ભૂમિ અને આકાશ તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જળ તત્ત્વ માટે મગરદ્વાર અને હંસદ્વાર, ભૂમિ તત્ત્વ માટે અશ્વદ્વાર અને ગજદ્વાર તથા આકાશ તત્ત્વ માટે શાર્દૂલદ્વાર અને ગરૂડદ્વાર નામ આપવામાં આવ્યું છે. સંસદ ભવનમાં જ્ઞાનમંડપ, સંકલ્પમંડપ અને કર્તવ્યમંડપ એમ ત્રણ મંડપ બનાવવામાં આવ્યા છે. ભવનના ત્રણ ભાગમાં એક તરફ લોકસભા, બીજી તરફ રાજ્યસભા અને ત્રીજી તરફ સેન્ટ્રલ લોન્જ આવેલી છે. લોકસભા કક્ષ રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ ઉપર આધારિત છે. છત, બારીઓના કાચ, ખુરશીઓ અને જમીન પર પાથરેલ કાર્પેટમાં મોરપીંછની ઝલક જોવા મળે છે. સ્પીકરની ખુરશી પાછળની દીવાલ પણ લીલા ગ્રેનાઇટ પથ્થરની બનાવવામાં આવી છે. તેના પર ભારતીય પ્રતીકો અંકિત કરવામાં આવ્યા છે. સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં 888 સંસદોને બેસવાની વ્યવસ્થા છે. રાજ્યસભા કક્ષ રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર છે. અહીં અધ્યક્ષની ખુરશી પાછળ લાલ અને પીળા રંગના પથ્થરની દીવાલ છે. આ ભવનમાં 384 સંસદો માટે બેસવાની વ્યવસ્થા છે. બંને કક્ષ અત્યંત આધુનિક સુવિધાઓ યુક્ત છે. દરેક સીટ પર ટેબ છે જેથી સાંસદ દરેક દસ્તાવેજ જોઈ શકે અને પોતાનો વોટ આપી શકે.

સંસદનું નવું ભવન 30 માસના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. 1000 કલાકારોએ પોતાની કલાનો પરિચય કરાવ્યો છે. આ ભવનના પ્રત્યેક ખૂણે ભારતીય કલા અને સંસ્કૃતિ જોવા મળે છે. સંસદ ભવનના ત્રણ ભાગોને એકબીજાથી અલગ કરતો એકએક કોરિડોર છે જેમાં ત્રણ ગેલેરીઓ બનાવવામાં આવી છે. આ ગેલેરીઓમાં શિલ્પ, સંગીત અને સ્થાપત્ય જોવા મળે છે. શિલ્પ ગેલેરીમાં ધાતુ, લાકડું અને માટીનાં શિલ્પ અને કાપડ ઉપર થતી કલાકારીગીરી પ્રદર્શિત કરવામાં આવી છે. આઠ ફલકોમાં જ્ઞાન, આસ્થા, પર્વ, ઉલ્લાસ, સમરસતા, સ્વાવલંબન, પ્રકૃતિ અને યાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. 8 ફૂટ લાંબા સાટિનના કાપડ ઉપર જરી અને સોનાના બ્રોકેડ વર્ક દ્વારા બનારસના ઘાટોને રજૂ કરવામાં આવ્યા છે. વ્રજની સાંઝી કલા દ્વારા પણ પ્રકૃતિને દર્શાવવામાં આવી છે.સંગીત ગેલેરીમાં સૂર્યના નાદથી શરૂ કરીને સામગાન સુધી ગાયન, વાદન અને નૃત્યની પરંપરાઓનો વિકાસ બતાવવામાં આવ્યો છે. સ્વામી હરિદાસથી લઈ ત્યાગ રાજાની તસવીર સાથે દેશના મહાન ઉસ્તાદોના મૂળ વાદ્યયંત્રો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં બિસ્મિલ્લાખાનની શરણાઈ, રવિશંકરની સિતાર, અમજદઅલીખાનનું સરોદ. હરિપ્રસાદ ચોરસિયાની વાંસળી, શિવકુમાર શર્માનું સંતૂર, કરાઈકુડી મણિનું મૃદંગ, સુરેશ તલવારકરના તબલાં, નૃત્યમુદ્રાઓ અને નવરસને દર્શાવતાં પેઇન્ટિંગ્સ પણ અહીં જોવા મળે છે. સ્થાપત્ય ગેલેરીમાં દેશભરમાં યુનેસ્કો દ્વારા જાહેર થયેલી વિશ્વ ધરોહરોને રજૂ કરવામાં આવી છે. જે રાજ્યોમાં આવી વિશ્વ ધરોહર નથી, તે રાજ્યોની પ્રસિદ્ધ ઇમારતોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમ કે, પુડુચેરીનું ઓરોવિલ, આંદામાન નિકોબારની સેલ્યુલર જેલ, મેઘાલયનો ઝૂલતો પુલ વગેરે. આ સિવાય અહીં બધા ધર્મોના મુખ્ય સ્થળો પણ જોવા મળે છે. અહીં ઝારખંડનું સમેત શિખર, અમૃતસરનું સુવર્ણ મંદિર, કોચી સ્થિત ભારતની પહેલી મસ્જિદ ચેરામન જુમાની ઝલક પણ અહીં જોવા મળે છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રને નવા સંસદ ભવનમાં કલા સંસ્કૃતિની ઝલક રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સેન્ટર ફોયરમાં બંધારણ કક્ષ બનાવવામાં આવ્યો છે. ત્યાં ભારતીય બંધારણની નકલની સાથે એની ડિજિટલ કોપી પણ મૂકવામાં આવી છે. આ કક્ષમાં ભારતને લોકતંત્રની જનની બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વૈદિક કાળથી આધુનિક કાળ સુધી લોકતંત્રની યાત્રાને 16 ફલકો પર બંધારણની મૂળ પ્રત પર નંદલાલ બોઝે જે ચિત્રો કોતરેલાં એને ફ્રેસ્કો પેઈન્ટીંગ દ્વારા બતાવવામાં આવ્યા છે. સંવિધાન કક્ષની ઉપરની છત પર 6.5 મીટર(21 ફૂટ) ઊંચું અને 9500 કિલોગ્રામ વજનનું કાંસાનું એક અશોકચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને ટેકો આપવા માટે લગભગ 6500 કિગ્રા વજનનું સ્ટીલનું માળખું બનાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ફોયરમાં સંવિધાન કક્ષની સામે 22 મીટર ઊંચું અને 36 કિગ્રા વજનનું એક વિરાટ પેન્ડ્યુલમ લટકાવવામાં આવ્યું છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતાં સૂર્યની પરિક્રમા કરે છે એને દર્શાવતું આ ફોકાલ્ટ પેન્ડ્યુલમ છે. ફ્રાંસના વૈજ્ઞાનિક લિયોન ફોકાલ્ટના નામ પરથી આ લોલકનું નામ આપવામાં આવ્યું છે. નવા સંસદ ભવનનું પેન્ડ્યુલમ કોલકાતામાં આવેલી રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ(NCSM) દ્વારા બનાવવામાં આવ્યું છે. એને તૈયાર કરવામાં બાર મહિના જેટલો સમય લાગ્યો હતો. પેન્ડ્યુલમને ઘડિયાળના કાંટાની દિશામાં એક ચક્કર પૂરું કરવા માટે લગભગ 49 કલાક 59 મિનિટ અને 18 સેકન્ડ જેટલો સમય લાગે છે.

60,000 મજૂરો દ્વારા 23 લાખથી વધુ માનવ દિવસોના રોજગાર દ્વારા બનેલું નવું સંસદ ભવન સંપૂર્ણપણે પેપરલેસ છે.

અનિલ રાવલ