નવરોતિલોવા, માર્ટિના (. 18 ઑક્ટોબર 1956 ચેકોસ્લોવૅકિયાના પ્રાગ શહેરમાં) : લૉન-ટેનિસની રમતમાં અનેક સિદ્ધિઓ મેળવનારી મહિલા ખેલાડી. તે ટેનિસમાં સર્વિસ અને વૉલીની રમત માટે જાણીતી હતી. ‘ક્રૉસ કોર્ટ’ અને ‘ડ્રૉપ વૉલી’ના ફટકાથી એ વિરોધીને મૂંઝવતી હતી. પાતળું અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતી ડાબોડી માર્ટિના નવરોતિલોવા પાસે કસાયેલું ખમીર, માનસિક સ્વસ્થતા અને ટૅકનિકની પૂર્ણતા હતી.

માર્ટિના નવરોતિલોવા

માર્ટિના ગ્રાસ કોર્ટ અને હાર્ડ બંને પર સમાન ક્ષમતા દાખવી શકતી હતી. 1979માં ક્રીસ લૉઇડને હરાવીને માર્ટિનાએ ઘાસવાળા વિમ્બલ્ડનના કોર્ટ પર વિજય મેળવ્યો. લૉન-ટેનિસની વિખ્યાત વિમ્બલ્ડન સ્પર્ધા એની મનપસંદ ગ્રાન્ડસ્લામ સ્પર્ધા હતી અને તેમાં માર્ટિના નવ વખત વિજયી બની હતી. વિમ્બલ્ડનની ડબલ્સની રમતમાં એણે પાંચ વર્ષ વિજય મેળવ્યો હતો. 1980–81માં વિમ્બલ્ડનમાં પોતાનું પ્રથમ સ્થાન ગુમાવતાં રમતની વ્યૂહરચનામાં પરિવર્તન કરીને માર્ટિનાએ 1982માં વિમ્બલ્ડનમાં અને 1983માં અમેરિકન ઓપન અને ફ્રેંચ ઓપનમાં જવાબદારીભરી રમત બતાવી. પોતાની બાવીસ વર્ષની અત્યંત વ્યસ્ત કારકિર્દીમાં માર્ટિનાએ મેળવેલા વિજયો એને ટેનિસની એક મહાન ખેલાડી સાબિત કરે છે. 1994માં વિમ્બલ્ડન સ્પર્ધાની સેમી-ફાઇનલ મૅચ હાર્યા બાદ માર્ટિનાએ નિવૃત્તિ લીધી.

નાનુભાઈ સુરતી