નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ.

1931માં ભારતનું પ્રથમ બોલતું ચલચિત્ર ‘આલમઆરા’ ઊતર્યું, તેના બીજા જ વર્ષમાં પ્રથમ ગુજરાતી બોલતું ચલચિત્ર ઉતારવામાં આવ્યું. પ્રારંભે છબીકલાની ખૂબીઓનો લાભ લેવા દિગ્દર્શકો ચમત્કારિક પ્રસંગોવાળી કથાઓ પસંદ કરતા. પણ આનંદશંકર ધ્રુવ જણાવે છે તેમ આ ચલચિત્રમાં દિગ્દર્શકે સંયમ રાખીને ઇતિહાસને જાળવવા પ્રયત્ન કરેલો છે. 139 મિનિટની અવધિ ધરાવતું ચિત્ર પંદર દિવસમાં 17,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયું. તેના લગભગ વાસ્તવદર્શી સેટોનું આયોજન કલાગુરુ રવિશંકર રાવળે કર્યું હતું. નરસિંહ મહેતાનાં વૈષ્ણવજન આદિ લોકપ્રિય પદો તેમાં સુંદર રીતે પ્રસ્તુત કરાયાં હતાં. ચલચિત્રની સફળતાને અનુસરીને એ જ શૈલીમાં તરત જ ‘સતી સાવિત્રી’ આવ્યું હતું.

બંસીધર શુક્લ