નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન
કર્યું છે :

मही पादाधाताद् व्रजति सहसा संशयपदं

पदं विष्णोर्भ्राम्यद्भुजपरिघरुग्णग्रहगणम् ।

मुहुद्यौंर्दौस्थ्यं यात्यनिभृतजटाताडिततटा

जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता ।।

(જગતની રક્ષા માટે હે શિવ, તમે નૃત્ય કરો છો ત્યારે તમારા પગના ઠમકાના આઘાતથી પૃથ્વીને ઓચિંતો ભય લાગે છે. વિષ્ણુપદ-આકાશમાં ગ્રહો અને તારાઓ તમારા આમ-તેમ ફેરવાતા પરિઘ જેવા ભુજોના પ્રહારોથી ત્રસ્ત થાય છે અને જટાઓના સતત પ્રહારથી આઘાત પામેલ સ્વર્ગ વારંવાર ધ્રૂજી ઊઠે છે. ખરે જ, તમારું વિભુપણું પણ વિચિત્ર જ છે.)

આ નૃત્ય શિવે કૈલાસમાં પાર્વતીને રત્નાસને બેસાડી તેમને પ્રસન્ન કરવા સારુ કરેલું છે અને તે નૃત્ય શિવનાં યૌગિક એવાં સાત્વિક નૃત્યોમાંનું એક અને આદિ ઈશ્વરે આદિશક્તિનું કરેલું પ્રણયારાધન છે. આવાં કરેલાં સાત પ્રકારનાં તાંડવ નૃત્યો વિવિધ સ્થળોની નટરાજની મૂર્તિઓમાં જોવા મળે છે; પણ નટરાજ તેમના ‘નાદાન્ત’ નૃત્યથી વધારે જાણીતા છે. નૃત્યશાસ્ત્રની પરિભાષામાં આ નૃત્ય ‘ભુજંગત્રસિત’ છે. ચિદંબરમની નટરાજમૂર્તિની નૃત્યસ્થિતિ આ પ્રકારની છે. આ મૂર્તિ દસમા સૈકાની અને ચોલરાજ પરાન્તક પહેલાએ બંધાવેલા મંદિરની છે. આ મૂર્તિ પદ્મપીઠ પર ઊભી છે. તેના જમણા પગ નીચે અપસ્માર નામનો ઠીંગણો પુરુષ ઊંધો પડેલો છે. તેના ઉપર જમણો પગ મૂકી સ્મિત કરતા શિવ ઊભા છે. મૂર્તિને ફરતું એક લંબગોળ પ્રભાવલય છે. તેની બહારની કિનારીએ અગ્નિજ્વાલાના અનેક અંકુર છે. નટરાજે તેમનો ડાબો પગ ઉઠાવી જમણી તરફ રાખ્યો છે. જમણા બે હાથમાંના પાછલા હાથે ડમરુ ધારણ કરેલું છે, અને આગલો જમણો હાથ અભય મુદ્રામાં છે. ડાબા પાછલા હાથે અગ્નિ ધારણ કર્યો છે, અને આગલો ડાબો હાથ દંડહસ્ત કે ગજહસ્ત મુદ્રામાં છે અને તે ઊંચા કરેલા ડાબા પગ તરફ અપસ્મારનો નિર્દેશ કરતો નીચે તરફ ઝૂકેલો છે. કિરીટ ધારણ કરેલા મસ્તકે જટાઓ બાંધેલી છે. કેટલીક જટા છુટ્ટી છે. જટા પર નાગ, નરમુંડ, ગંગા, ચંદ્રલેખા, પત્રમાલા વગેરે ચિહનો છે. છુટ્ટી જટાઓ હવામાં ફરફરે છે. ડમરુ અને અગ્નિવાળા બે હાથ પ્રભામંડળને સ્પર્શે છે. મૂર્તિ ત્રિનેત્ર છે. શરીરે વ્યાઘ્રચર્મ અને ઉપવીત છે. કટિવસ્ત્ર છે, હાથે પગે વીંટીઓ છે. જમણો પગ વિશ્વના સર્જન માટે જીવોને પ્રેરી સંસારના બંધનમાં મૂકે છે અને ઉઠાવેલો ડાબો પગ મોક્ષ આપે છે.

નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા શિવ(નટરાજ)ની પારંપરિક પ્રતિમા

સૃષ્ટિનિર્માણમાં પહેલી ઉત્પત્તિ શબ્દની થઈ તેના પ્રતીકરૂપ ડમરુ શિવના એક જમણા હાથે છે. આમ પગોની સ્થિતિ બંધ અને મોક્ષની તથા હાથની સ્થિતિઓ સર્જન અને સંહારની દ્યોતક છે. અપસ્માર એ અવિદ્યાનું પ્રતીક છે. પ્રભામંડળ એ પ્રકૃતિના નૃત્યનું કે માયાનું પ્રતીક છે અને શિવના હસ્તસ્પર્શથી તે સર્જનમાં પ્રવૃત્ત થાય છે. નટરાજના નૃત્યના આરંભથી સૃષ્ટિની પ્રવૃત્તિ આરંભાય છે. જ્વાલાંકુરોની પાંચ શિખાઓ પંચમહાભૂતનું પ્રતીક છે. નૃત્યનો વિરામ થતાં સૃષ્ટિનો વિલય થાય છે. આમ નટરાજનું નૃત્ય સર્જન, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ – એ પાંચ ક્રિયાઓનું દ્યોતક છે. આખીય નૃત્યમુદ્રામાં ૐ–  ઓંકારનો આકાર પ્રતીત થાય છે. નટરાજનું નાદાન્ત નૃત્ય સાત્વિક પ્રકારનું છે. નટરાજની મૂર્તિ ચિદંબરમમાં છે એ પણ સૂચક છે. ચિત્ એટલે ચિત્ત અને અંબર એટલે આકાશ. નટરાજ પ્રત્યેક જીવના ચિદાકાશમાં નૃત્ય કરે છે. એટલે કે ચિત્તમાંથી જ સૃષ્ટિ જન્મે છે. નટરાજ નૃત્ય ન કરે તો પ્રકૃતિનટી પણ નૃત્ય ન કરે અને સર્જન ન થાય

જ. મૂ. નાણાવટી