નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા. પ્રથમ ઇરાક પછી ખુરાસાન પહોંચ્યા. તે ખુરાસાનમાં હતા ત્યારે એમની શાયરીની ખ્યાતિ ઈરાન અને ઇરાક સુધી ફેલાઈ ગઈ હતી.

હિંદુસ્તાનના સમ્રાટ અકબરની તથા તેમની સેનાના યોદ્ધા અબ્દુલ રહીમ ખાનેખાનાની સાહિત્યપ્રીતિની ખ્યાતિ તથા ઉદારતાનાં વખાણ સાંભળી  તેઓ હિંદુસ્તાનમાં પોતાનું નસીબ અજમાવવા આકર્ષાયા હતા. જહાંગીરના રાજ્યાભિષેક વખતે નઝીરીએ કસીદા કાવ્ય લખી જહાંગીરની સમક્ષ રજૂ કર્યું. જહાંગીરે નઝીરીને એક ખીલઅત (શાહી પોશાક) અને એક હજાર રૂપિયા ભેટ આપ્યા. તે દરબારના ખ્યાતનામ કવિઓની હરીફાઈમાં કાવ્ય લખતા હતા. તેથી બીજા કવિઓ અદેખાઈ કરવા લાગ્યા. તેમના ત્રાસથી તેઓ હજ કરવા ગયા અને ત્યાંથી હિંદ આવી ગુજરાતના મહાનગર અમદાવાદમાં રહેવા લાગ્યા હતા. તેઓ પોતાનો મોટાભાગનો સમય ધાર્મિક જ્ઞાન હાંસલ કરવામાં ગાળતા. તેમનાં કાવ્યો ભક્તિવિષયક જોવા મળે છે. હિંદમાં તેમણે હાફિઝ પછી ગઝલને નવો ઓપ આપી નવી શૈલી પ્રયોજી. તેમની કીર્તિ પણ ગઝલને લીધે છે. 500થી વધારે ગઝલો રચીને ગઝલના વિકાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. હિંદુસ્તાની શૈલીના તેઓ આગળ પડતા ગઝલકાર ગણાય છે. તેમની ગઝલોમાં મધુરતા અને તેમની શૈલીમાં રાગ અને તાલ છે. ભેટ-સોગાદ માટે તે જીવનના છેલ્લા તબક્કા સુધી પ્રશંસાકાવ્ય લખતા રહ્યા. તેમના કસીદા કાવ્યમાં મુઘલ ઇતિહાસની ઝલક જોવા મળે છે. તેમના કસીદામાં ભાષા-શૈલીની તાજગી છે. તેમણે લખેલાં શોકકાવ્યો પણ ઘણાં હૃદયદ્રાવક છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ

ઈસ્માઈલ કરેડિયા