નજલો (gout) : મૉનોસોડિયમ યુરેટ (MSU) મૉનોહાઇડ્રેટ નામના પદાર્થના સ્ફટિકો જમા થવાથી થતો હાડકાના સાંધાનો પીડાકારક સોજાવાળો રોગ. તેમાં જુદા જુદા અવયવો અને પેશીઓમાં MSUના સ્ફટિકો જમા થઈને સ્ફટિકાર્બુદો (tophi) નામની ગાંઠો બનાવે છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારનો વિકાર થાય છે. લોહીમાં યુરિક ઍસિડ વધે તેને અતિયુરિકરુધિરતા (hyperuricemia) કહે છે. લાંબા સમય સુધી યુરિક ઍસિડનું પ્રમાણ વધારે રહે તો જ નજલો થાય છે. ક્યારેક મૂત્રમાર્ગમાં પથરી થાય છે. તેને મૂત્ર-અશ્મરિતા (urolithiasis) કહે છે. તેની સાથે ક્યારેક નજલો થાય છે.

નજલો પુખ્ત વયે થતો રોગ છે. મોટેભાગે તેનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી. કદાચ અનેક પરિબળો તેમાં કારણભૂત હોય છે. બહુ જ થોડા કિસ્સામાં વારસાગત ઊતરી આવતો એક ચયાપચયી રોગ થાય છે જેમાં યુરિક ઍસિડના ક્ષારોનું ઉત્પાદન વધે છે, મૂત્રમાર્ગમાં પથરી થાય છે અને નજલો પણ જોવા મળે છે. અન્ય અનેક પરિસ્થિતિઓમાં અતિયુરિકરુધિરતા અને નજલો થાય છે. જેમ કે ગ્લુકોઝ-6-ફૉસ્ફેટની ઊણપવાળો ગિરકેનો ગ્લાયકોજન સંગ્રહકારી રોગ (glycogen storage disease) વારંવાર લોહીના કોષો તૂટે એવી દીર્ઘકાલી રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia), લોહીના કોષોનું વધુ ઉત્પાદન થાય એવા અતિકોષપ્રસર્જી (proliferative) રોગો તથા મૂત્રપિંડના વિવિધ રોગોમાં આ પ્રકારના વિકારો થાય છે. પેશાબનું પ્રમાણ વધે એવા મૂત્રવર્ધકો (diuretics), સાઇક્લોસ્પોરિન તથા સીસું અને અન્ય ઝેર પણ લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધારે છે. તેવી જ રીતે શરીરમાં કીટો ઍસિડ કે લૅક્ટિક ઍસિડનું પ્રમાણ વધે ત્યારે પણ આ વિકાર થાય છે.

જો નજલાની યોગ્ય સારવાર ન થાય તો તે એક પીડાકારક અને હાડકાંના સાંધાને ઘણું જ નુકસાન કરતો રોગ છે. તેમાં મૂત્રમાર્ગમાં પથરી પણ થાય છે અને મૂત્રપિંડની નિષ્ફળતા ઉદ્ભવે છે. અંતે તે મૃત્યુ નિપજાવે છે. જો વ્યક્તિમાં ફક્ત યુરિક ઍસિડનું પ્રમાણ વધ્યું હોય અને નજલો કે મૂત્રપિંડનો કોઈ વિકાર ન થયો હોય તો તેવા સંજોગોમાં ખાસ સારવારની જરૂર હોતી નથી.

સામાન્ય રીતે 0.5 % થી 0.7 % પુરુષોમાં અને 0.1 % સ્ત્રીઓમાં નજલો થાય છે. 40 વર્ષ પછી પીડાકારક સોજાવાળો શોથ કરતો સાંધાનો તે મુખ્ય રોગ છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ 7 % મિગ્રા.થી વધે તો નજલો થવાની સંભાવના વધે છે. તે 9 % મિગ્રા. જેટલું લાંબા સમય સુધી રહે તો 5 વર્ષમાં 22 % વ્યક્તિઓને  નજલો થાય છે. જો લોહીનું દબાણ ઊંચું રહેતું હોય તો નજલો થવાની સંભાવના 3 ગણી વધે છે. તેનું કારણ કદાચ મૂત્રવર્ધકો વડે કરાતી સારવાર છે. વિવિધ અભ્યાસો દ્વારા સાબિત થયેલું છે કે લોહીમાં યુરિક ઍસિડ વધે તો તેનાથી મૂત્રપિંડની નિષ્ફળતા કે હૃદયરોગનો હુમલો થવાની સંભાવના વધતી નથી.

ખોરાકમાંના પ્યુરીનના ચયાપચયમાં ઝેન્થિન અને હાયપોઝેન્થિન છે. ઝેન્થિન ઑક્સિડેઝ નામના ઉત્સેચક(enzyme)ની અસર હેઠળ તે યુરિક ઍસિડના ક્ષાર(MSU)માં પરિવર્તિત થાય છે. સામાન્ય રીતે તે મૂત્રમાર્ગે બહાર નીકળે છે. MSU હાડકાના સાંધાના તાપમાને સ્ફટિક રૂપે ફેરવાઈને ત્યાં જમા થાય છે. સામાન્ય રીતે લોહીમાંનું યુરિક ઍસિડ મૂત્રપિંડમાં પૂરેપૂરું ગળાઈ જાય છે. મૂત્રવર્ધકોની સારવાર હોય કે મૂત્રપિંડની નિષ્ફળતા હોય તો આ કાર્યમાં વિક્ષેપ પડે છે. ગળાયેલું બધું જ યુરિક ઍસિડ ફરીથી પાછું મૂત્રકનલિકાઓ (renal tubules) દ્વારા લોહીમાં પ્રવેશે છે. પ્રોબેનેસિડ, સલ્ફાપાયરેઝોન, બેન્ઝબ્રોમેરોન કે ઊંચી માત્રામાં ઍસ્પિરિન અપાય તો તે મૂત્રકનલિકા દ્વારા થતું પુન:શોષણ અટકાવે છે. માટે આ પદાર્થોને યુરિકામ્લમેહ-વર્ધકો (uricosuric agents) કહે છે. ત્યારબાદ એક સક્રિય પ્રક્રિયા દ્વારા લગભગ 50 % જેટલા યુરિક ઍસિડનો ફરીથી મૂત્રકનલિકાઓમાં અધિસ્રાવ (secretion) થાય છે. આ પ્રક્રિયાને પાયરિઝીનેમાઇડ, ઓછી માત્રામાં ઍસ્પિરિન, લૅક્ટિક ઍસિડ તથા કીટો/ઍસિડ વગેરે રોધે છે. તેથી લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે છે. તેમાંનું મોટાભાગનું ફરીથી પુન:શોષિત થાય છે અને ફક્ત 6 % થી 10 % જેટલું પેશાબમાં વહી જાય છે. ભૂખમરો, અનિયંત્રિત મધુપ્રમેહ, મદ્યપાન વગેરે કીટો/ઍસિડનું પ્રમાણ વધારીને નજલાનો વિકાર પ્રસ્થાપિત કરે છે. વધુપડતું વજન અને લોહીમાં ચરબીવાળાં દ્રવ્યો વધુ હોય તો પણ યુરિક ઍસિડનું પ્રમાણ વધે છે. તેથી વજન ઘટાડવાથી તથા દારૂનું સેવન ઘટાડવાથી ઘણો ફાયદો થાય છે.

હાડકાના સાંધાના તાપમાને લોહીમાંનું વધારાનું યુરિક ઍસિડ સાંધામાં જમા થાય છે. તે સમયે તે MSUના સ્ફટિકો રૂપે હોય છે. લોહીના  તટસ્થ શ્વેત કોષો (neutrophils) તેમને ગળી જાય છે અને વિવિધ કોષગતિકો (cytokines) નામનાં રસાયણો છૂટાં મૂકે છે. તે તટસ્થકોષોની સંખ્યા વધારવાનું કામ કરે છે. સક્રિય તટસ્થકોષોમાંથી સુપરઑક્સાઇડ અને કેટલાક ઉત્સેચકો નીકળે છે જે કોષોને તોડે છે. તૂટેલા કોષોમાંથી અન્ય વિવિધ કોષગતિક દ્રવ્યો નીકળે છે. આ બધાંની સંયુક્ત અસર હેઠળ સાંધાની પેશીનો નાશ થાય છે અને લાંબા ગાળાનું સાંધાનું નુકસાન થાય છે. આ ઉપરાંત કોષની બહાર પણ MSUના સ્ફટિકો હોય છે. તેમની સાથે લોહીમાંનાં પ્રોટીન જોડાય છે. તેને કારણે ઉદ્ભવતો શોથકારી (inflammatory) પ્રતિભાવ વિવિધ પ્રકારનો હોય છે.

(1) નજલોમાં થતા સ્ફટિકાર્બુદ તથા સાંધાના વિકારો. (અ) ઢીંચણ પર ઢાંકણીની આગળ થયેલો સ્ફટિકાર્બુદ (1), (આ) અગ્રબાહુ પરના સ્ફટિકાર્બુદો (1), (ઇ અને ઈ) હાથના પૃષ્ઠભાગ તથા આંગળીઓના વેઢા  વચ્ચેના સાંધા પરના સ્ફટિકાર્બુદો (1). જુઓ સાંધાના વિકારોથી હાથની આંગળીઓમાં આવેલી વિકૃતિ (2), (ઉ) કાન પરના સ્ફટિકાર્બુદો (1) તથા (ઊ) ખૂબ વધી ગયેલો નજલાને કારણે વિકૃત સાંધાવાળા પગર્બુદ એક્સરે-ચિત્રણ

MSUના સોયના આકારના સ્ફટિકોના નિક્ષેપને સ્ફટિકાર્બુદ (tophus) કહે છે. તેની આસપાસ બાહ્ય દ્રવ્યલક્ષી ચિરશોથગડ (foreign body granuloma) બને છે. તેમાં લાંબા સમય માટે એકકોષકેન્દ્રી કોષો હોય છે, અધિચ્છદાભ (epithelioid) કોષો હોય છે તથા મહાકોષો (giant cells) હોય છે. સામાન્ય રીતે સ્ફટિકોવાળી આવી ગાંઠો વિવિધ સ્થળે હોય છે; જેમ કે, સાંધા તથા કાન કે અન્ય સ્થળના કાસ્થિ (cartilage) પર, સાંધાની અંદરની સ્નિગ્ધ દીવાલ–સંધિકલા(synorium)માં, સ્નાયુબંધોનાં આવરણો (tendon sheaths) પર, સંધિકલાસંપુટિકાઓ(bursae)માં, હાડકાંના સાંધાની આસપાસનાં હાડકાં કે ચામડીની પેશી નીચે તથા મૂત્રપિંડની અંતરાલીય પેશી(interstitium)માં સ્ફટિકવાળી ગાંઠોના પ્રતિભાવ રૂપે ઉગ્ર પ્રકારનો પીડાકારક સોજો (શોથ) થતો નથી. સામાન્ય રીતે ચામડી નીચેની પીડા વગરની ગાંઠો કે એક્સ-રે-ચિત્રણોમાં ગંડિકાઓ જોવા મળે છે. સાંધામાંની ગાંઠો સહેજ મોટી થઈને કાસ્થિને ઈજા પહોંચાડે છે. તેને કારણે કાસ્થિનો કોઈ ભાગ નાશ પામે છે અને આસપાસની મૃદુપેશી અને હાડકામાં તંતુઓ વિકસે છે. સાંધો ગંઠાઈ જાય છે. જો હાડકાંનાં પોલાણમાંથી મૃદુપેશીમાં ગાંઠો થયેલી હોય તો તે હાડકાંમાં કાણાં પાડ્યાં હોય તેવા વિસ્તારો સર્જે છે.

મૂત્રપિંડમાંની અંતરાલીય પેશીમાં MSUના સ્ફટિકો જામે છે. ખાસ કરીને મૂત્રપિંડના મધ્યસ્તર (medulla) અને ત્રિપાર્શ્વી ક્ષેત્ર(pyramid)માં વિકાર ઉદ્ભવે છે. તેને કારણે એકકોષકેન્દ્રી કોષો અને મહાકોષો જમા થાય છે. તેને યુરેટજન્ય મૂત્રપિંડરુગ્ણતા (urate nephropathy) કહે છે. મૂત્રપિંડમાં લોહીને ગાળીને તેમાંથી સૂત્ર બનાવતા એકમને મૂત્રક (nephron) કહે છે. મૂત્રકમાં વાંકીચૂકી નલિકાઓ હોય છે. તેમાંની દૂરની નલિકાઓને દૂરસ્થ નલિકાઓ (distal tubules) કહે છે. તેમાં યુરિક ઍસિડના (યુરેટ અથવા યુરિક ઍસિડના ક્ષારના નહિ) સ્ફટિકો જમા થાય છે. તેને કારણે પાસેની (proxymal) નલિકાઓ પહોળી થાય છે અને ક્ષીણ થઈ જાય છે. તેને કારણે ધીમેથી વધતો મૂત્રપિંડનો વિકાર થાય છે. મૂત્રપિંડની અંતરાલીય પેશીમાં થતા વિકાર લોહીનું ઊંચું દબાણ, યુરિક ઍસિડની પથરી, ચેપ, મોટી ઉંમર તથા સીસાની ઝેરી અસરને લીધે પણ થાય છે. આ બધા વિકારોને યુરેટ્સથી થતા અંતરાલીય મૂત્રપિંડરુગ્ણતા(interstitial nephropathy)થી અલગ પડાય છે.

10 % થી 25 % દર્દીઓમાં મૂત્રમાર્ગની પથરી જોવા મળે છે. જો યુરિક ઍસિડનો મૂત્રમાર્ગે ઉત્સર્ગ (excretion) 700 મિગ્રા./દિવસથી વધુ હોય તો પથરી થવાની સંભાવના 20 % છે અને જો તે 1100 મિગ્રા./દિવસ થાય તો સંભાવના વધીને 50 % થાય છે. લોહીમાંના યુરિક ઍસિડનું પ્રમાણ 12 % મિગ્રા. કે વધુ થાય તો 50 % કિસ્સામાં પથરી થાય છે. 80 % પથરીમાં યુરિક ઍસિડ (યુરેટ નહિ) હોય છે. 20 %માં કૅલ્શિયમના ક્ષારો પણ તેમાં ભળેલા હોય છે. ઍસિડિક પેશાબમાં યુરિક ઍસિડ ઓછું દ્રાવ્ય (soluble) છે અને તેથી તેના નિક્ષેપ કરે છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : મોટે ભાગે નજલો સૌપ્રથમ 45 વર્ષના પુરુષમાં દેખાય છે. તેવા કિસ્સામાં 20થી 30 વર્ષ સુધી લક્ષણરહિત અતિયુરિકરુધિરતા (asymptomatic hyper-uricaemia) રહેલી હોય છે. સામાન્ય રીતે નજલો ઉગ્ર નજલાજન્ય સંધિશોથ(acute gouty arthritis)ના રૂપે જોવા મળે છે. તે ક્યારેક દીર્ઘકાલી સ્ફટિકાર્બુદીય નજલા(chronic tophaceous gout)ના રૂપે કે નજલાજન્ય મૂત્રપિંડરુગ્ણતાના રૂપે પણ જોવા મળે છે.

ઉગ્ર નજલાજન્ય સંધિશોથ : તેમાં મુખ્યત્વે પગના સાંધામાં સોજો અને લાલાશ લાવતો પીડાકારક વિકાર થાય છે. તેને સંધિશોથ (arthritis) કહે છે. 3/4 ભાગે તે એક સાંધામાં થાય છે. સૌથી વધુ પગના અંગૂઠાના પ્રથમ સાંધામાં થાય છે. ક્યારેક તે ઘૂંટી, એડી, ઢીંચણ, કાંડું, આંગળી કે કોણીમાં પણ થાય છે. સાંધાના શોથ (inflammation) સાથે સ્નાયુબંધ (tendon) અને સંધિકલામાં પણ વિકાર થાય છે. તેને સ્નાયુબંધ-સંધિકલાશોથ (tenosynovitis) કહે છે. ક્યારેક સંધિકલાપુટિકા(bursae)માં સંધિકલાપુટિકાશોથ (bursitis) થાય છે. ક્યારેક આસપાસની મૃદુપેશીમાં પણ કોષશોથ પ્રસરે છે. તેને પેશીશોથ (cellulitis) કહે છે. એકદમ તંદુરસ્ત વ્યક્તિમાં અચાનક ગરમ, ગંદા લાલ રંગનો પીડાકારક સોજો થાય છે. તેને અડતાં, દુખાવો થાય છે. ઉગ્ર હુમલાની સાથે તાવ, લોહીના શ્વેતકોષોનો વધારો અને રક્તકોષ-ઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) વધે છે. ક્યારેક તે થોડાક કલાકોથી થોડાક દિવસોમાં આપોઆપ શમે છે. પરંતુ જો તીવ્ર હુમલો હોય તો ઘણા દિવસો સુધી ટકી રહે છે. હુમલો શમે એટલે સૂજેલા સાંધા પરની ચામડીની પોપડીઓ ઊખડે છે. સંપૂર્ણ રૂઝ આવે છે, ત્યારપછી થોડા કે લાંબા સમયનાં લક્ષણો કે તકલીફ વગરનો સમયગાળો પસાર થાય છે. લાંબું ચાલવાથી, ઈજા થવાથી, શસ્ત્રક્રિયા કરવાથી, દારૂ પીવાથી, ભૂખમરો થવાથી, ચેપ લાગવાથી કે લોહીમાં યુરિક ઍસિડ ઘટાડવાની દવા લેવાથી ફરીથી લઘુ હુમલો થઈ આવે છે. જો સારવાર ન અપાયેલી હોય તો વારંવાર, ઓછા ને ઓછા સમયાંતરે વધુ ને વધુ તીવ્ર અને લાંબા ને લાંબા ચાલતા લઘુ હુમલા થાય છે. પાછળથી થતા લઘુ હુમલામાં ખભા કે કેડનો સાંધો અસરગ્રસ્ત થાય છે. ક્યારેક જડબાના, મણકાના, કમરના કે હાંસડીના સાંધા પણ અસરગ્રસ્ત થાય છે.

દીર્ઘકાલી સ્ફટિકાર્બુદીય નજલો (chronic tophaceous gout) : લાંબા સમય સુધી લોહીમાં યુરિક ઍસિડનું વધારે પ્રમાણ રહે તો કોઈ ખાસ તકલીફ કર્યા વગર સાંધાની આસપાસ ગાંઠો થાય છે. સામાન્ય રીતે પહેલાં આંગળીઓની ટોચ પર, હથેળી કે પગના તળિયે પીળાશ પડતા સફેદ રંગની નાની નાની ગાંઠો થાય છે. સમય જતાં સાંધા અનિયમિત આકારે મોટા થાય છે. ઘૂંટીની પાછળનો અને પાનીની ઉપરનો સ્નાયુબંધ ફૂલીને વેલણ જેવો ગાંઠોવાળો થાય છે. ક્યારેક બહારના કાનની ઉપલી ધારી પર પણ ગંઠિકા થઈ આવે છે. આવી ગાંઠો 10 %થી 25 % દર્દીઓમાં થાય છે, પણ જેઓ નિયમિત સારવાર ન લે તેમના 50 %ને તે થઈ આવે છે. સામાન્ય રીતે નજલોની આ ગાંઠો થાય ત્યારે લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધ્યું હોય છે. ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા થઈ હોય છે અને ક્યારેક તો લોહીના કોષોની સંખ્યા વધારતો કો’ક વિકાર થયેલો હોય છે. ગાંઠોમાં દુખાવો થતો નથી, પણ તેને કારણે સાંધો કડક થાય છે અને તેમાં કળતર થાય છે. સાંધાની કાસ્થિ તથા હાડકામાં ઘસારો થાય છે અને તેમાં કાણાં પડી ગયાં હોય તેવા વિસ્તારો ઉદ્ભવે છે. સાંધાને ઘણું નુકસાન થાય છે. તેના કારણે ઘણી સાંધાની કુરચના થાય છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે. ગાંઠ પરની ચામડીમાં તણાઈને છિદ્રો પડે છે. તે ચાંદામાંથી સફેદ ચાક જેવી લુદ્દી નીકળે છે તેને યુરેટદૂધ કહે છે અને તેમાં યુરેટ્સના સ્ફટિકો હોય છે. ક્યારેક કોણી આગળનો ભાગ પોચો પડીને પરુ ભરાયેલી પોટલી જેવો થઈ જાય છે. સ્ફટિકની ગાંઠો ક્યારેક જીભ, સ્વરપેટી, શિશ્નની પોચી પેશી કે ઉપરની મુક્ત ચામડી, હૃદયમાં દ્વિદલ વાલ્વ કે મોટી ધમનીનો વાલ્વ કે હૃદયની આવેગવહન પેશી (conducting tissue) પણ અસરગ્રસ્ત થાય છે. હૃદયની આવેગવહન પેશી અસરગ્રસ્ત થાય તો હૃદયના ધબકારાની અનિયમિતતા થાય છે. સામાન્ય રીતે યકૃત્ (liver), બરોળ, ફેફસાં, મગજ અને કરોડરજ્જુ અસરગ્રસ્ત થતાં નથી.

મૂત્રપિંડી રોગ : યુરેટ મૂત્રપિંડરુગ્ણતા(urate nephropathy)ને કારણે મૂત્રપિંડની સતત વધતી લાંબા ગાળાની નિષ્ફળતા થાય છે. સામાન્ય રીતે વારસાગત ચયાપચયી વિકાર, વારસાગત ઊતરી આવતા મૂત્રપિંડના રોગો કે લાંબા ગાળાની સીસાની ઝેરી અસરવાળા દર્દીઓમાં તે થાય છે. ક્યારેક પેશાબમાં પ્રોટીન જાય છે. મોટી ઉંમર, લોહીનું ઊંચું દબાણ, મૂત્રપિંડમાં પથરી, સકુંડી મૂત્રપિંડશોથ (pyelonephritis) મૂત્રપિંડનો કોઈ અન્ય રોગ હોય તો નજલાના દર્દીમાં મૂત્રપિંડની નિષ્ફળતા જોવા મળે છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધારે હોય, ફક્ત તે જ કારણસર મૂત્રપિંડની નિષ્ફળતા સર્જાતી નથી.

યુરિક ઍસિડના સ્ફટિકોને કારણે મૂત્રકનલિકાઓ બંધ થઈ જાય તો ઉગ્ર પ્રકારનો અને પેશાબનું પ્રમાણ એકદમ ઘટી જાય તેવો મૂત્રપિંડની નિષ્ફળતાનો વિકાર થાય છે. તેને ઉગ્ર અલ્પમૂત્રમેહી મૂત્રપિંડી નિષ્ફળતા (acute oligouric renal failure) કહે છે. લોહીનું કૅન્સર, લિમ્ફોમા, કૅન્સરની દવાઓ વડે કરાતી સારવાર, શરીરમાં પ્રવાહી ઓછું હોય તેવી નિર્જલતા(dehydration)ની સ્થિતિ કે અતિઅમ્લતાદોષ(acidosis)નો વિકાર થયો હોય ત્યારે આ પ્રકારની તકલીફ થાય છે. તે થતું અટકાવવા મોંથી પુષ્કળ પાણી પીવાનું, પેશાબને અલ્કેલાઇન કરવાની દવા આપવાનું તથા એલોપ્યુરિનોલનો ઉપયોગ કરી યુરિક ઍસિડ બનતું અટકાવવાનું સૂચવાય છે.

નિદાન : રોગનાં લક્ષણો અને ચિહનો નિદાનસૂચક છે. સાંધાના પ્રવાહીને સૂક્ષ્મદર્શક વડે જોઈને MSUના સ્ફટિકો દર્શાવી શકાય છે. સાંધામાંના પ્રવાહીને સંધિતરલ (synovial fluid) કહે છે. સંધિતરલમાંના શ્વેતકોષોમાં તે જોવા મળે છે. સંધિતરલમાં શ્વેતકોષોની સંખ્યા વધેલી હોય છે. પેશાબ દ્વારા યુરિક ઍસિડનો ઉત્સર્ગ વધેલો હોય છે. તે મૂત્રપિંડનો રોગ થવાની સંભાવના સૂચવે છે. માટે યુરિકામ્લમેહકારી (uricosuric) દવાઓને બદલે એલોપ્યુરિનૉલ આપવું વધુ હિતાવહ ગણાય છે. નજલાના રોગને છદ્મનજલો (pseudo-gout), ઉગ્ર આમવાતી (acute rheumatic) તાવ, આમવાતભ સંધિશોથ (rheumatoid arthritis), ઈજાજન્ય સાંધાનો વિકાર, અસ્થિ સંધિશોથ (osteoarthritis), પરુજન્ય સંધિશોથ, સાર્કોઇડનો સંધિશોથ, સાંધાની આસપાસના ચેપજન્ય વિકારો જેવા કે પેશીશોથ (cellulitis), સંધિકલાપુટિકાશોથ (bursitis), સ્નાયુબંધશોથ (tendinitis) તથા શિરાગઠનશોથ (thrombo-phlebitis) વગેરે વિવિધ વિકારો અને રોગોથી અલગ પાડવો પડે છે.

સારવાર : લાંબા સમયના ફાયદા માટે રોગ અને તેની સારવારના સિદ્ધાંતોને સમજવા જરૂરી ગણાય છે. દર્દી તેમજ તબીબ બંને માટે તેનાં 2 પાસાં છે. ઉગ્ર-લઘુ હુમલો શમાવવો અને લાંબા ગાળાનું નિયંત્રણ મેળવવું. દુખતા સોજાવાળા (શોથગ્રસ્ત) સાંધામાં થતા ઉગ્ર વિકારમાં સાંધાને આરામ અપાય છે. આઇબુ-પ્રોફેન કે ડાઇક્લોફેન સોડિયમ જેવી સ્ટીરૉઇડ વગરની પ્રતિશોથ દવા અપાય છે. આ જૂથની દવાઓને બિન-સ્ટીરૉઇડી પ્રતિશોધ ઔષધો (nonsteroidal antiinflammatory drugs, NSAIDS) કહે છે. ઍસ્પિરિન(સેલિસિલેટ)ની દવા આ તબક્કે અપાતી નથી. તેનાથી પેશાબમાં યુરિક ઍસિડ વધુ જાય છે અને તે આ તબક્કે નુકસાનકારક નીવડી શકે તેમ છે. યુરિક ઍસિડનું લોહીમાંનું પ્રમાણ ઘટાડતી દવા ક્યારેક ફરીથી ઉગ્ર લઘુ હુમલો લાવી દે છે. કોલ્ચિસીન મોં વાટે આપવાથી ફાયદો થાય છે, પરંતુ તેનાથી પેટની તકલીફ થાય છે. 24 કલાકમાં ફાયદો ન થાય તો દવા બદલવી જરૂરી છે. કોલ્ચિસીનને નસ વાટે આપવી પડે તેમ હોય તો ખૂબ સાવચેતી રખાય છે. તે કોષોની સૂક્ષ્મનલિકાઓનું ઝેર છે. તેની સારવારમાં વાળ ખરે છે, લોહીના કોષો બનાવતી પેશી તથા યકૃતને ઝેરી અસર થાય છે. લોહીના કોષોની સંખ્યા વારંવાર જોવામાં આવે છે. મૂત્રપિંડ કે યકૃતના રોગોમાં તેની માત્રા ઘટાડાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં સ્નાયુઓની દુર્બળતા થઈ આવે છે. ક્યારેક તે પોતે નજલાનો ઉગ્ર-લઘુ હુમલો કરે છે. ઉગ્ર-લઘુ હુમલો શમે તે પછી યુરિક ઍસિડ ઘટાડવાની દવાઓને કારણે ક્યારેક 6 મહિના સુધી ફરીથી ઊથલો મારે છે. મોં વાટે કોલ્ચિસીન આપવાથી તેનો ભય ઘટાડી શકાય છે. તકલીફ થશે તેવું લાગે કે તરત NSAID જૂથની દવા અપાય છે. યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડવાની દવા શરૂ કરાતી નથી, પરંતુ જો ચાલુ હોય તો તેને બંધ પણ કરાતી નથી. લોહીનું દબાણ જો ઊંચું હોય તો તેને તરત નીચે લવાય છે અને લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ ઘણું વધતું જાય તો તેની સામેની દવા વપરાય છે.

જેમને સાંધાના દુખાવાના હુમલા થયેલા હોય, સ્ફટિકાર્બુદો બન્યા હોય કે લોહીમાં યુરિક ઍસિડનું વધારે પડતું પ્રમાણ હોય તો તેને 6 મિગ્રા./લિટર સુધી લાવવા માટે યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડતી દવાઓ અપાય છે. ઍલોપ્યુરિનૉલ તે માટે સૌથી વધુ વપરાતી દવા છે. તેને બદલે જો પહેલેથી ચાલુ હોય તો, પેશાબ દ્વારા યુરિક ઍસિડને બહાર કાઢતી દવાઓ પણ અપાય છે. તેને યુરિક મૂત્રમેહકારી દવાઓ કહે છે; દા. ત., પ્રોબેનૅસિડ, સલ્ફીનપાયરેઝોન. ઍલોપ્યુરિનૉલ અને યુરિક મૂત્રમેહકારી દવાઓથી ઉગ્રલઘુ હુમલો થવાનો ભય રહે છે અને તેથી સાથે સાથે મોં વાટે કોલ્ચિસીન પણ અપાય છે. યુરિક મૂત્રમેહકારી દવા  પેશાબ દ્વારા યુરિક ઍસિડને બહાર કાઢીને કામ કરે છે તો ઍલોપ્યુરિનૉલ તેનું ઉત્પાદન ઘટાડે છે. માટે મૂત્રપિંડની નિષ્ફળતામાં ઍલોપ્યુરિનૉલ વધુ લાભદાયક છે. જોકે ઍલોપ્યુરિનૉલને કારણે પેશાબમાં ઝેન્થિનનું પ્રમાણ વધે છે અને તેથી ઝેન્થિન-પથરી થવાનો ભય રહે છે. આવું ખાસ કરીને લોહીના કૅન્સરમાં બને છે. ઍલોપ્યુરિનૅથૉલથી ક્યારેક પેટમાં બળતરા, ઝાડા કે ચામડી પર સ્ફોટ થાય છે. ક્યારેક તેની અતિસંવેદિતા હોય તો ચામડીને તથા યકૃતનો ઉગ્ર વિકાર થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતામાં જો માત્રા ન ઘટાડી હોય તો ક્યારેક આવું બને છે. વળી ઍલોપ્યુરિનેથૉલને ઍઝાથાયોપ્રિમ અને 6-મર્કોટૉપ્યુરિન નામની અન્ય રોગોની દવાઓ સાથે અપાય તો તે તેમની ઝેરી અસર વધારે છે. નજલાની સારવાર સારણી 1 માં ટૂંકમાં દર્શાવી છે. જેમને કૌટુંબિક તકલીફ રૂપે નજલો જોવા મળતો હોય તેવી યુરિક ઍસિડનું વધુ પ્રમાણવાળી વ્યક્તિને પ્રતિરોધાત્મક (prophylactic) સ્વરૂપે ઍલોપ્યુરિનૉલ અપાય છે. તેથી નજલોનો વિકાર થતો અટકે છે.

સારણી 1 : નજલાની સારવારના સિદ્ધાંતો

વિકાર સારવારનો હેતુ સારવાર
1. ઉગ્ર લઘુહુમલો ઉગ્ર શોથ શમાવવો (1) NSAID જૂથની દવા :
ઇન્ડોમિથાસિન કે આઇબુપ્રોફેન અથવા મુખમાર્ગી કોલ્ચિસીન.
(2) મુખમાર્ગી દવા ન અપાય ત્યારે નસ વાટે કોલ્ચિસીન.
(3) ઉપરની કોઈ દવા ન આપી શકાતી હોય તો પ્રેડ્નિસોલેન કે એ.સી.ટી.એચ.
(4) યુરિક મૂત્રમેહકારી દવા શરૂ કરાતી નથી, પરંતુ જો ચાલતી હોય તો બંધ પણ કરાતી નથી.
2. લક્ષણરહિત  અંતરાલીય તબક્કો ઉગ્ર લઘુહુમલા થતા અટકાવવા (1) મુખમાર્ગી કોલ્ચિસીન
(2) જરૂર પડ્યે યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડતી દવા શરૂ કરાય. દા.ત., ઍલોપ્યુરિનૉલ કે યુરિક મૂત્રમેહકારી દવા.
(3) પુષ્કળ પાણી, મધ્યમ પ્રમાણમાં પ્રોટીન અને ઓછી ચરબીવાળો ખોરાક, દારૂનો નિષેધ અને લોહીના ઊંચા દબાણની સારવાર.
3. લાંબા સમયની સારવાર લઘુહુમલા તથા સ્ફટિકાર્બુદો અટકાવવા અને લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ 6 મિગ્રા./ડે.લિ.થી ઓછું રાખવું. (1) મુખમાર્ગી કોલ્ચિસીન
(2) ઍલોપ્યુરિનૉલ અથવા યુરિક મૂત્રમેહકારી ઔષધ, દા.ત., પ્રોબૅનિસિડ કે સલ્ફીનપાયરેઝોન.
(3) પુષ્કળ પાણી–ખાસ કરીને રાત્રે, પેશાબને અલ્કેલાઇન કરવા ઍસેટાઝોલેમાઇડ કે આલ્કલીકરણ (alkalizing) કરતી દવાઓ, ખોરાકમાં ઓછું પ્રોટીન અને ચરબી, વધુ પડતા દારૂનો નિષેધ, લોહીના દબાણની સારવાર.

છદ્મનજલો (pseudogount) : કૅલ્શિયમ પાયરોફૉસ્ફેટ ડાઇહાઇડ્રેટના સ્ફટિકો જામવાથી થતા સાંધાના વિકારને છદ્મનજલો કહે છે. તેની સારવારમાં NSAID જૂથની દવાઓ, નસ વાટે કોલ્ચિસીન તથા સાંધામાં સ્ટીરૉઇડનાં ઇન્જેકશન અપાય છે. જરૂર પડ્યે સાંધો બદલવાની શસ્ત્રક્રિયા પણ કરવી પડે છે.

અન્ય સ્ફટિકનિક્ષેપી સંધિવિકારો (crystal deposition arthropathies) : કૅલ્શિયમવાળા સ્ફટિકોથી 3 પ્રકારના સાંધાના રોગો થાય છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક સ્ફટિકો સાંધામાં જામીને વિકાર સર્જે છે. (સારણી 2)

સારણી 2 : કેટલાક સ્ફટિકનિક્ષેપોથી થતા સાંધાના વિકારો

સ્ફટિક સ્ફટિક (માઇક્રોમીટર) સ્ફટિક કદ આકાર અન્ય નોંધ
1. કૅલ્શિયમ પાયરોફૉસ્ફેટ 2-20 દંડ, ચતુષ્કોણી મોટી ઉંમર, અન્ય ચયાપચયી રોગો હોય, કાસ્થિમાં કૅલ્શિયમ જમા થાય, હાડકામાં તંતુકાઠિન્ય (sclerosis).
2. કૅલ્શિયમ એમેટાઇટ 2-25 ગઠ્ઠા, ગોલિકાઓ (globules) મૃદુપેશીમાં કૅલ્શિયમ જમા થાય.
3. કૅલ્શિયમ ઑક્ઝેલેટ 2-15 દંડ, દ્વિપિરામિડી મૂત્રપિંડની નિષ્ફળતા, કાસ્થિ અને મૃદુપેશીમાં કૅલ્શિયમ જમા.
4. MSU 2-20 દંડ, સોય-આકાર નજલો
5. પ્રવાહી, મેદ, સ્ફટિકો 2-12 માલ્ટીઝ ક્રેપ્સ ઉગ્ર સંધિશોથ
6. કૉલેસ્ટીરોલ 10-80 ખાંચાવાળા લંબચોરસ રહ્યૂમેટિક આર્થ્રાઇટિસ કે અસ્થિસંધિશોથ (osteo-arthritis)માં ક્યારેક થાય.
7. સ્ટીરૉઇડનું અંત:સ્થાપન (depot-steroid) 4-15 અનિયમિત આકાર કે દંડ સારવારથી ઉદ્ભવતો વિકાર
8. પ્રોટીન/ઇમ્યનો- ગ્લોબ્યુલિન 3-60 દંડ કે અનિયમિત ક્રાયોગ્લોબ્યુલિનિમિયાનો વિકાર
9. શાર્કોટ-લેટન 10-25 વેલણ-આકાર ઇઓસિનોફિલિક સંધિકલાશોથ

શિલીન નં. શુક્લ