નગાબોંગ ખાઓ (1975)

January, 1998

નગાબોંગ ખાઓ (1975) : મણિપુરી નાટ્યકાર જી. સી. તોંગ્બ્રા(જ. 1913)નું ત્રિઅંકી નાટક. મણિપુરી ઢબની દેહાંતદંડની સજા માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગુનેગારને કોથળામાં ભરી પાણીમાં નાખી દઈને આ સજા કરવાની પ્રથા છે.

આ ત્રિઅંકીમાં જે નાયિકાનું સર્જન કર્યું છે તે સુંદર, આકર્ષક અને સ્વતંત્ર જીવન જીવવા મથનારી નારીનું ચિત્ર છે. કહેવાતા નારીમુક્તિવાદીઓ તેને રૂઢિના ફાંસલામાંથી મુક્ત કરી શકે તેમ નથી, બીજાના આશ્રયે જીવીને મીઠી લાગતી પણ સ્વત્વને હણનારી છત્રછાયા શોધવાને બદલે તે સ્વયં પોતાનો જીવનપંથ એકલપંડે કાપવા તત્પર  થાય છે. તે આશ્રય નહિ પણ સહવાસ અને સહઅસ્તિત્વ ઝંખે છે. રૂઢિવાદી પુરુષો તેના દેહસૌંદર્યનો લાભ ઉઠાવવા માગે છે. નાયિકા આનો વિરોધ કે પ્રતિકાર નથી કરતી; ઊલટું આવો દેહોપભોગ ઇરાદાપૂર્વક થવા પણ દે છે. તેનો ઇરાદો સ્પષ્ટ છે અને તેમાં બદલો લેવાની ભાવના રહેલી છે. આ દંભી પુરુષોની નબળાઈ જાણી તેમને નબળા પાડી તે એવા હતવીર્ય પુરુષોનો લાગ આવ્યે બરાબર લાભ ઉઠાવે છે. આદર્શવાદના પાણીનાં વમળોમાં રૂઢિના કોથળામાં પુરાઈને ગૂંગળાઈને જીવતું મોત (નગાબોંગ ખાઓ) નોતરવાનું તેને પસંદ નથી; તેને તો પ્રવાહની સામે નહિ પણ પ્રવાહની ઉપર તરતા રહેવું છે અને જીવવું છે. જીવે તેનું જીવન, એ કદાચ તેનો જીવનમંત્ર છે. પુરુષ જો નિર્બંધ હોય અને છે તો નારીને પણ નિર્બંધતા મળવી જોઈએ એવું નાયિકાને, એટલે લેખકને અભિપ્રેત છે. નાયિકાની આ વિભાવના આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષમાં જ લેખકે કલ્પી હતી. કોઈ પણ હિસાબે ટકી રહેવાનો  જીવવાનો નાટ્યગત ખ્યાલ મણિપુરી સાહિત્ય પૂરતો તો તદ્દન નવો અભિગમ છે.

નાટ્યવિષય તથા વસ્તુની માંડણી અને ગૂંથણી હાસ્યરસથી ભરેલી છે; નાટકને લોકભોગ્ય બનાવવામાં એ તત્વ પણ સહાયભૂત થયું છે. નાટકનાં કટાક્ષલક્ષી સંવાદો તથા દૃશ્યરચના પણ પ્રશંસનીય નીવડ્યાં છે.

આ ત્રિઅંકીને સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી