ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય

March, 2016

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય : ધ્વનિસિદ્ધાંત : ધ્વનિ એટલે વ્યંજના દ્વારા વાચકના ચિત્તમાં પ્રતીત થતો કાવ્યનો અંતર્હિત અર્થ. શબ્દનો ઉચ્ચાર કરતાં સીધેસીધો સમજાતો અર્થ એ વાચ્યાર્થ, જે અભિધા શક્તિથી મળે છે; દા. ત., ‘કમળ’ એ શબ્દનો એ નામનું ફૂલ એવો અર્થ, વાચ્યાર્થ છે. વાચ્યાર્થ બંધ બેસે નહિ ત્યારે લક્ષણાશક્તિથી મળતો અર્થ લક્ષ્યાર્થ કહેવાય છે. દા. ત., ‘આ બાળક સિંહ છે.’ અહીં ‘સિંહ’નો અર્થ હિંસક પ્રાણી બંધબેસતો નથી તેથી તેનો લક્ષણાથી ‘શૂરવીર’ એવો લક્ષ્યાર્થ મળે છે. આ બે અર્થ ઉપરાંત કાવ્યમાં સમગ્રતયા ભાવકના ચિત્તમાં સ્ફુરે તેવો વ્યંજનાશક્તિથી મળતો અર્થ તે વ્યંગ્યાર્થ અથવા ધ્વનિ. તેને આધારે આનંદવર્ધને (850–875 આશરે) કાવ્યશાસ્ત્રમાં ‘ધ્વનિ’ સંજ્ઞા પહેલી વાર પ્રયોજી. એણે પહેલી વાર બતાવ્યું કે શબ્દના અભિધા અને લક્ષણાવ્યાપારો પછી ત્રીજો વ્યંજનાવ્યાપાર પણ છે અને કાવ્યનો અંદરનો અર્થ વ્યંજના દ્વારા ભાવકના ચિત્તમાં પ્રગટે છે. આ કાવ્યાર્થ(1)ને એણે ધ્વનિ કહ્યો. પછી એણે આ ધ્વનિ-અર્થ પ્રગટાવનાર કાવ્યના શબ્દ(2)ને કે અર્થ(3)ને તથા ખુદ કાવ્ય(4)ને પોતાને તેમજ કાવ્યના વ્યંજના-વ્યાપાર(5)ને પણ ‘ધ્વનિ’ કહ્યો. સ્પષ્ટ છે કે આ પાંચેય પરસ્પરસંબદ્ધ છે. ધ્વનિની વ્યાખ્યા આનંદવર્ધને આમ આપી છે : જ્યાં શબ્દ કે અર્થ પોતાની જાતને ગૌણ બનાવી દઈ સૂક્ષ્મ પ્રતીયમાન અર્થને વ્યંજિત કરે તે કાવ્યવિશેષ ‘ધ્વનિ’ છે. અર્થાત્, કાવ્યમાં એના શબ્દ, અર્થ, લય, છંદ, વસ્તુસામગ્રી, અલંકાર, શબ્દચયન, રીતિ, વૃત્તિ, પ્રવૃત્તિ, પદશય્યા વગેરે બધાં જ અંગો પેલા સૂક્ષ્મ અર્થને પ્રગટ કરવાના હેતુ માટે સમર્પિત થઈ જાય છે. કાવ્યમાં પ્રાધાન્ય એ સૂક્ષ્મ પ્રતીયમાન કે વ્યંજિત ધ્વન્યર્થનું જ છે. કાવ્યની આથી વધારે મૌલિક મૂલગત વ્યાખ્યા જગતમાં બીજી થઈ નથી. તેથી જ ધ્વન્યર્થ જેમાં મુખ્ય હોય તે ઉત્તમ, ગૌણ હોય તે મધ્યમ અને ન હોય તે કનિષ્ઠ પ્રકારનું કાવ્ય  –એવો કક્ષાભેદ સમજવો સરળ છે.

આ ધ્વન્યર્થ પોતે ત્રણ પ્રકારનો છે : ક્યાંક કાવ્યમાં કેવળ કોઈક વાત સૂચવાય તે વસ્તુધ્વનિ, ક્યાંક પ્રચ્છન્નપણે કોઈક અર્થાલંકાર અનુભવાય તે અલંકારધ્વનિ, પણ જ્યારે  કાવ્યમાં કોઈક ભાવ કે રસ વ્યંજિત થાય ત્યારે તે સર્વોત્તમ રસધ્વનિ બને છે. આ રસધ્વનિ એક શ્લોકથી માંડીને સમગ્ર પ્રબંધકાવ્યમાં વ્યંજિત થવાની ક્ષમતા ધરાવે છે. આનંદવર્ધને રામાયણમાં સમગ્રપણે કરુણરસ તથા મહાભારતમાં શાંતરસ પ્રતીત થતો બતાવ્યો છે.

ધ્વનિના 51 જેટલા મુખ્ય પ્રકારો ગણવામાં આવ્યા છે. સર્વપ્રથમ અભિધા જેના મૂળમાં હોય તેવા અભિધામૂલક વ્યંજનાથી મળતા ધ્વનિને વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ કહે છે. તેમાં વાચ્યાર્થ તો બરાબર હોય છે પરંતુ તે અન્યઅર્થપરક હોય છે. તેના વાચ્ય પછી વ્યંગ્ય મળવાનો ક્રમ ન જણાય તે અસંલક્ષ્યક્રમધ્વનિ છે. તે પદથી જણાય, વાક્યથી જણાય, પદના એક ભાગથી જણાય, રચનાથી જણાય, વર્ણથી જણાય કે પ્રબંધથી જણાય. તેને અનુક્રમે પદપ્રકાશ્ય, વાક્યપ્રકાશ્ય પદૈકદેશપ્રકાશ્ય, રચનાપ્રકાશ્ય, વર્ણપ્રકાશ્ય, પ્રબંધપ્રકાશ્ય – એવા 6 પ્રકારો અસંલક્ષ્યક્રમધ્વનિના પડે છે. જ્યારે જેમાં ક્રમની ખબર પડે તેવા વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના પ્રથમ ત્રણ પ્રકારો પડે છે : (1) શબ્દશક્તિ જેના મૂળમાં હોય તે શબ્દશક્તિમૂલ, (2) અર્થશક્તિ જેના મૂળમાં હોય તે અર્થશક્તિમૂલ અને (3) શબ્દ અને અર્થ બંનેની શક્તિઓ જેના મૂળમાં હોય એ શબ્દાર્થોભયશક્તિમૂલ. શબ્દશક્તિમૂલ ધ્વનિ પદપ્રકાશ્ય અને વાક્યપ્રકાશ્ય બે પ્રકારો ધરાવે છે. આ બંને પ્રકારોના વસ્તુરૂપ ધ્વનિ હોય કે જેમાં સાદું વિધાન હોય અને અલંકારરૂપ ધ્વનિ હોય કે જેમાં કોઈ અલંકારવાળું વિધાન હોય એવા બે બે પ્રકારો પડતાં શબ્દશક્તિમૂલધ્વનિના ચાર પ્રકારો પડે છે. જ્યારે અર્થશક્તિમૂલધ્વનિના (1) કુદરતી રીતે મળતો હોય તે સ્વત:સંભવી, (2) કવિએ રચેલી સુંદર ઉક્તિથી મળતો હોય તે કવિપ્રૌઢોક્તિસિદ્ધ, (3) કવિએ વર્ણવેલા પાત્રની સુંદર ઉક્તિથી મળે તે કવિનિબદ્ધવક્તૃપ્રૌઢોક્તિસિદ્ધ – એવા ત્રણ પ્રકારો છે. એ ત્રણે પ્રકારો (1) પદપ્રકાશ્ય, (2) વાક્યપ્રકાશ્ય અને (3) પ્રબંધપ્રકાશ્ય હોય એટલે 9 પ્રકારો થાય. એ નવ પ્રકારોના : (1) વસ્તુથી વસ્તુ, (2) વસ્તુથી અલંકાર, (3) અલંકારથી વસ્તુ અને (4) અલંકારથી અલંકાર  એમ ચાર ચાર પેટાપ્રકારો પડે તેથી 94=36 પ્રકારો અર્થશક્તિમૂલધ્વનિના પડે. જ્યારે શબ્દાર્થોભયશક્તિ મૂલનો એક જ પ્રકાર છે.

હવે લક્ષણામૂલધ્વનિને અવિવક્ષિતવાચ્યધ્વનિ કહે છે, કારણ કે તેમાં વાચ્યાર્થ બંધબેસતો હોતો નથી. તેના બે પ્રકારો પડે છે : (1) જ્યાં વાચ્યાર્થને તેની સાથે યોગવાળા બીજા અર્થમાં લેવાય તે અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને (2) જ્યાં વાચ્યાર્થને સંપૂર્ણપણે છોડી દેવામાં આવે તે અત્યન્તતિરસ્કૃતવાચ્ય. આ બંને પ્રકારોના પદપ્રકાશ્ય અને વાક્યપ્રકાશ્ય એમ બે બે પ્રકારો પડતાં કુલ 4 પ્રકારો પડે છે. આ બધા પ્રકારો આ સાથેની સારણી (પૃ. 684) જોતાં સ્પષ્ટ થશે

ધ્વનિતત્વનું કેન્દ્રસ્થાનીય મહત્ત્વ બતાવ્યા પછી  એના સંદર્ભમાં અને એના સંબંધે બીજાં બધાં જ કાવ્યાંગોની યોજના આનંદવર્ધન સુપેરે કરી શકે છે. ધ્વનિ જો કાવ્યના ચિત્તસ્થાનીય સૂક્ષ્મ પ્રભાવરૂપ હોય તો દ્રુતિ, દીપ્તિ અને પ્રસન્નતારૂપ એના ત્રિવિધ સ્વરૂપ પ્રમાણે કાવ્યમાં ગુણો પણ માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ – એ ત્રણ જ હોય, વામનના દસ નહિ. અલંકારો પણ રસાલેખનમાં પ્રયોજક હોય તો જ, એટલા જ અને એ રીતે જ સ્વીકારાય કે (કાવ્યમાં પ્રયોજ્યા પછી પણ અર્ધેથી) છોડી દેવાય, સમાસયોજના કે શબ્દચયન પણ રસધ્વનિને (તથા કાવ્યપ્રકારને) અનુરૂપ જ હોય; રસ પણ કાવ્યમાં મુખ્ય રૂપે એક જ આલેખાય, બીજા બધા રસો-ભાવો ગૌણ રૂપે જ રહે (વિરોધી રસો પણ એક જ મુખ્ય રસના સંદર્ભે ઔચિત્યપૂર્વક પ્રયોજાય), જેથી કાવ્યમાં પદોથી માંડીને સમગ્ર ઉપકરણોની યોજના એકાગ્ર રૂપે થઈને એક સુંદર અખંડ કાવ્યરૂપનું નિર્માણ સંભવિત બને. કવિની પ્રતિભા પણ એક જ રસનું વ્યંજન સમગ્ર રચનામાં કરવાનું તાકે એમાં સ્વારસ્ય છે. સામગ્રી તો એ જ ર્દષ્ટ જગતમાંથી લીધેલી છતાં ધ્વનિના વિવિધ પ્રકારોના પ્રયોગથી કવિપ્રતિભાને પણ કાવ્યમાં નિત્યનવીનતા સિદ્ધ કરવાનો અવકાશ રહેલો છે.

ધ્વનિસંપ્રદાય : કાવ્યનો આત્મા ધ્વનિ છે, એમ પ્રતિપાદન કરતો સંપ્રદાય. ધ્વનિસિદ્ધાંતનું પહેલવહેલું નિરૂપણ આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ ગ્રંથમાં થયું છે. પણ એ એટલું સંપૂર્ણ છે કે એની પૂર્વે ધ્વનિસંપ્રદાયની કોઈક પરંપરા જરૂર રહી હશે એમ માનવાને અવકાશ રહે. આનંદવર્ધન પોતે ધ્વનિસિદ્ધાંતનો આધાર વ્યાકરણના સ્ફોટસિદ્ધાંતમાં રહેલો બતાવે છે. વળી એ પોતે પૂર્વવર્તી વિદ્વાનોમાં ધ્વનિનો સમામ્નાય (સંપ્રદાય) હોવાનું કહે છે. પ્રચ્છન્ન રૂપે ભરતના રસસિદ્ધાંતમાં ધ્વનિની સંકલ્પના રહેલી જોઈ શકાય. વામનના સમાધિગુણના નિરૂપણ તથા ઉદાહરણોમાં પ્રસ્ફુટ તથા ગૂઢ વ્યંજના રહેલી જોઈ શકાય છે. આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતનું પૂર્ણ રૂપે વ્યવસ્થિત નિરૂપણ સૌપ્રથમ કરે છે. ભટ્ટનાયક વ્યંજનાને બદલે ‘ભાવકત્વ’ અને ‘ભોગ’ નામના બે કાવ્યાત્મક શબ્દના વિશિષ્ટ વ્યાપારો સ્થાપીને ‘ધ્વનિ’ને બદલે ‘રસચર્વણા’ને કાવ્યનો પ્રાણ કહે છે. કાવ્યના આ જીવાતુભૂત ધ્વનિતત્વને ભાવકને બદલે કવિના ર્દષ્ટિબિંદુથી જોવાને કારણે કુન્તક તેને કવિપ્રતિભાજનિત વક્રતા કહે છે. વ્યંજના સ્વતંત્ર શબ્દવ્યાપાર હોવાની વાતનો અસ્વીકાર કરીને મહિમભટ્ટ તેનો અનુમિતિમાં સમાવેશ કરે છે. અભિનવગુપ્ત પોતાની ‘લોચન’ ટીકા તથા ભરતનાટ્યશાસ્ત્ર પરની ‘અભિનવભારતી’ ટીકામાં ધ્વનિપ્રક્રિયા તથા રસધ્વનિની શ્રેષ્ઠતા એવી જડબેસલાક સ્થાપે છે કે પછી કુન્તક-મહિમભટ્ટ-ભટ્ટનાયકના સંપ્રદાયો અનુયાયીઓના અભાવે સમાપ્ત થઈ ગયા. વળી મમ્મટ પણ ધ્વનિના બધા વિરોધી મતોનું સમર્થ નિરસન કરીને કાવ્યનાં વિવિધ અંગો-સિદ્ધાંતોને ધ્વનિકેન્દ્રી યોજનામાં સમંજસ રીતે ગોઠવી આપી ધ્વનિની સર્વોપરિતા સિદ્ધ કરે છે. વિશ્વનાથ ધ્વનિસિદ્ધાંત સ્વીકારવા છતાં પાછો રસને જ કાવ્યના આત્મા તરીકે સ્થાપે છે. અભિનવે બતાવેલું કે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ અંતે રસધ્વનિમાં જ પરિણમે છે, તેનું આ આત્યંતિક તાર્કિક પરિણામ છે. છેવટે જગન્નાથ ધ્વનિતત્વનો સ્વીકાર કરીને રમણીયતાનો સિદ્ધાંત સ્થાપીને ધ્વનિસિદ્ધાંતની અસ્પષ્ટતા દૂર કરે છે.

રાજેન્દ્ર નાણાવટી