ધોરાજી : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નૈર્ઋત્ય ખૂણે આવેલો તાલુકો, તાલુકામથક અને નગર.

તાલુકો : ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 47’ ઉ. અ. 70° 27’ પૂ. રે. પર આવેલો છે. તાલુકામાં અગત્યનું નગર ધોરાજી છે અને 30 ગામો આવેલાં છે. કુલ ક્ષેત્રફળ 484 ચોકિમી. છે અને 2011માં તેની વસ્તી 1.5 લાખ જેટલી હતી. તે સૌરાષ્ટ્રના મગફળી પકવતા વિસ્તારના મધ્યભાગમાં આવેલું છે. તાલુકાની પૂર્વમાં રાજકોટ જિલ્લાનો જેતપુર તાલુકો, પશ્ચિમમાં ઉપલેટા તાલુકો, અગ્નિખૂણે તથા દક્ષિણે જૂનાગઢ જિલ્લો અને ઉત્તરે રાજકોટ જિલ્લાનો જામકંડોરણા તાલુકો આવેલા છે.

સમગ્ર તાલુકાની જમીન સપાટ છે. ભાદરની ફળદ્રૂપ ખીણનો ઉત્તર તરફી થોડો ભાગ આ તાલુકામાં આવેલો છે. ભાદર નદી ધોરાજીથી પશ્ચિમ બાજુએ ત્રણ કિમી. દૂર વહે છે. આ તાલુકાની ‘ડેક્કન ટ્રૅપ’ ખડકોમાંથી બનેલી કાળી જમીન ફળદ્રૂપ છે અને ભેજ જાળવી રાખે છે. નદીની કાંપની ભાઠાની જમીન ખૂબ ફળદ્રૂપ બની રહે છે.

તાલુકામાં 338 હેક્ટર જેટલો જંગલ-વિસ્તાર છે. રસ્તાઓ ઉપર ગોંડલ રાજ્યના વખતથી પીપર, વડ જેવાં છાંયો આપતાં વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત તળાવ અને નદીકાંઠે તથા ગામ નજીક વડ,  પીપળો લીમડો વગેરે વૃક્ષો આવેલાં છે.

ધોરાજી તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળામાં દિવસનું તાપમાન 42°થી 44° સે. સુધી પહોંચી જાય છે, રાત્રિનું તાપમાન 19° થી 23° સે. રહે છે. શિયાળામાં જાન્યુઆરીમાં દિવસનું અને રાત્રિનું તાપમાન અનુક્રમે સરેરાશ 29.4° સે. અને 10°થી 11.9° સે. જેટલું રહે છે. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન અહીં 607 મિમી. વરસાદ પડે છે. કુલ વરસાદના 50 % જેટલો કે તેથી વધુ વરસાદ મોટેભાગે જુલાઈમાં પડી જાય છે.

સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ જિલ્લામાં ધોરાજીનું ભૌગોલિક સ્થાન

આ તાલુકામાં ગીર ઓલાદનાં ગાય-બળદ અને જાફરાબાદી ઓલાદની ભેંસ પ્રખ્યાત છે.

આ તાલુકાની 70 % જમીનમાં એટલે કે 45,977 હેક્ટરમાં ખેતી થાય છે. સૌથી વધુ પાક મગફળીનો લેવાય છે. કાળી જમીનમાં કપાસનું વાવેતર થાય છે. અન્ય પાકોમાં જુવાર અને બાજરી છે. ખેડાણ હેઠળની જમીનને ભાદરની નહેર, કૂવા વગેરે દ્વારા સિંચાઈનો લાભ મળે છે.

ધોરાજી વેપારનું અગત્યનું કેન્દ્ર છે. અનાજ, કપાસ અને મગફળી સમગ્ર તાલુકામાંથી માર્કેટયાર્ડમાં વેચાવા આવે છે. અહીં ઘણી તેલમિલો તથા સૉલ્વન્ટનું કારખાનું છે; આ ઉપરાંત જિન, સિલિકેટ અને સાબુનું કારખાનું વગેરે પણ આવેલાં છે.

ધોરાજી તાલુકામાં 24 કિમી. લંબાઈની રેલવે છે, જેના પર ધોરાજી, રૂહેણી અને સુપેડી સ્ટેશનો આવેલાં છે. તાલુકામાં 163 કિમી.ના પાકા રસ્તા અને 8 કિમી.ના કાચા રસ્તા છે.

તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને એક આર્ટ્સ-કૉમર્સ કૉલેજ છે. ગોંડલ રાજ્યે કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું, તેથી કન્યાઓમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ બીજા તાલુકાઓ કરતાં અહીં વિશેષ છે.

નગર : ધોરાજીનગર 21° 40’ ઉ. અ. અને 70° 20’ પૂ. રે. પર આવેલું છે. તે રાજકોટ-જેતલસર-પોરબંદર મીટરગેજ રેલવેનું સ્ટેશન અને મહત્વનું વેપારી કેન્દ્ર છે. તે જૂનાગઢ, સુપેડી, ઉપલેટા, મોટી મારડ, જેતપુર, પોરબંદર જેવાં મહત્વનાં શહેરો-નગરો-ગામો સાથે રસ્તાઓ અને રેલવે દ્વારા જોડાયેલું છે.

અહીં હાઈસ્કૂલો, કન્યાઓની અલગ હાઈસ્કૂલ, ટેકનિકલ શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિર, તાલુકા પુસ્તકાલય વગેરે જેવી શૈક્ષિણક સંસ્થાઓ આવેલી છે. ધોરાજીમાં રસ્તાઓ પહોળા અને નગરઆયોજન સુંદર છે.

આઝાદી પૂર્વે ધોરાજી ગોંડલ રાજ્યનો મહાલ હતો. જૂનાગઢ રાજ્યના નવાબ સાથે ધોરાજી અને ઉપલેટાના જાગીરદાર અને લશ્કરની ટુકડીના સરદાર વસંતરાય પુરબિયાને ઘર્ષણ થતાં તેણે જૂનાગઢ જીતી લઈને નવાબને કેદ કરેલ. ગોંડલના હાલોજી ઠાકોરે ઉપરકોટને આઠ માસ સુધી ઘેરો ઘાલી વસંતરાય પુરબિયાને હરાવવા નવાબને મદદ કરી હતી. તેથી 1748માં ધોરાજી અને ઉપલેટા મહાલો જૂનાગઢના નવાબે ગોંડલ રાજ્યને સહાય બદલ આપ્યા હતા.

શિવપ્રસાદ રાજગોર