ધરાસણા સત્યાગ્રહ

March, 2016

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ કરી. તેમાં મીઠા ઉપરનો કર તથા ખાનગીમાં મીઠું પકવવાનો પ્રતિબંધ દૂર કરવા વિનંતી કરી. આમ સરકારના દમન સામે ગાંધીજીએ ઉગ્ર પગલું ભરવાનો નિર્ધાર કર્યો, ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ગાંધીજી પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળનાર અબ્બાસ તૈયબજીએ 12 મેની સવારે સ્વયંસેવકોની ટુકડી સાથે કરાડીથી કૂચ કર્યા બાદ થોડી વારમાં તે બધાંની ધરપકડ કરવામાં આવી.

15 મેના રોજ સરોજિની નાયડુની આગેવાની હેઠળ ધરાસણાના અગરો સુધી ગયેલી ટુકડીના સ્વયંસેવકોએ પોલીસની હરોળ તોડવાને બદલે પાસે બેસીને કાંતવા માંડ્યું. 16 મેની સવારે 50–50 સ્વયંસેવકોની ત્રણ ટુકડીઓ સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ ધરાસણા પહોંચી. તેમને બધાંને પકડીને ધરાસણાની હદ બહાર છોડી મૂકવામાં આવ્યાં. 17થી 20 સુધી રોજ 150 સ્વયંસેવકોને ધરાસણા મોકલવામાં આવ્યા. પોલીસે તેમને પકડીને પોતાની હદની બહાર છોડી મૂક્યા. 21 મેના રોજ સમગ્ર ગુજરાતમાંથી આવેલા 1,500 કરતાં વધારે સ્વયંસેવકોએ ઇમામસાહેબ બાવઝીરની આગેવાની હેઠળ ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલો કર્યો. તેઓમાં સંગ્રામસમિતિના સભ્યો નરહરિ પરીખ, મણિલાલ ગાંધી અને પ્યારેલાલજી પણ હતા. તારની વાડની અંદર અને બહાર લાઠીવાળા સિપાઈઓ હતા. સત્યાગ્રહીઓ વાડની પાસે જતાં સિપાઈઓની લાઠીઓ ઘૂમવા લાગી. લાઠીઓ પગ પર, છાતી પર, માથા  પર, વાંસા પર, શરીરના બધા ભાગો પર સડાસડ પડતી હતી. દૂર ઊભેલા લોકોને લાઠીઓના ફટકા સાંભળીને અરેરાટી ઊપજતી હતી. થોડા સમયમાં 200 ઉપરાંત સત્યાગ્રહીઓ ઘાયલ થઈને જમીન પર પડ્યા. નરહરિભાઈ પાસે ગયા કે તરત એમના હાથ, પગ, વાંસા અને માથા પર ફટકા પડવાથી પડી ગયા. આવા પાશવી હુમલા સામે સત્યાગ્રહીઓની અહિંસા પ્રશંસનીય હતી. તેઓ અપૂર્વ હિંમત અને સહનશીલતાથી માર સહન કરતા હતા. ઇમામસાહેબ અને પ્યારેલાલજીને સવારે આવતાં જ પકડી લેવામાં આવ્યા હતા. સરોજિનીદેવી તે દિવસે પ્રેક્ષક તરીકે હાજર હતાં. દસ વાગ્યા સુધીમાં 300 ઘાયલ સત્યાગ્રહીઓને છાવણીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તે ઉપરાંત 440 જણાને માર પડ્યો હતો. તે ર્દશ્ય જોનાર અમેરિકન પત્રકાર વેબ મિલરે ‘ન્યૂ ફ્રીમૅન’ માં લખ્યું : ‘ખબરપત્રી તરીકેની મારી જિંદગીનાં બાવીસ વરસો દરમિયાન મેં ઘણાં રમખાણો જોયાં છે. પરંતુ ધરાસણા જેવાં કમકમાટી ઉપજાવે એવાં ર્દશ્યો મેં ક્યાંય જોયાં નથી…..સ્વયંસેવકોની શિસ્ત આશ્ચર્યકારક હતી. તેઓએ ગાંધીજીનો અહિંસાનો ઉપદેશ બરાબર પચાવ્યો હોય એમ લાગતું હતું.’

સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસૈનિકોની ધરાસણા સત્યાગ્રહકૂચ

બીજે દિવસે લશ્કરી પોલીસે સત્યાગ્રહીઓની છાવણી ખાલી કરાવવાનો પ્રયાસ કરતાં, 200 જણા ચોગાનમાં બેસી રામધૂન ગાવા લાગ્યા. તેમના ઉપર લાઠીમાર કરતાં 150 જેટલાને માર પડ્યો અને 20ને સખત ઈજા થઈ. ચાર બેભાન થયા. તેમાંથી બોરસદ તાલુકાના પાળજ ગામના ભાઈલાલ દાજીભાઈ મૂઢ મારથી શહીદ થયા.

23 મેના દિવસે ધરાસણાની છાવણીમાંથી નરહરિભાઈની ધરપકડ કરવામાં આવી. ઊંટડી અને ડુંગરીમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમનો અમલ કરવામાં આવ્યો. 25 મેના રોજ ધરાસણા આવતાં મુનિ જિનવિજયજીની તથા શેઠ રણછોડલાલની, તેમની ટુકડી સાથે ધરપકડ કરવામાં આવી. ત્યારપછીના દિવસોમાં ધરાસણાના માંડવા અને તંબૂ તોડ્યા. હૉસ્પિટલનો માંડવો પણ પોલીસોએ તોડી પાડ્યો. 28 મેની સવારે અમદાવાદથી ગયેલી બળવંતરાય ઠાકોરની આગેવાનીવાળી 34 સત્યાગ્રહીઓની ટુકડી ઊંટડીની છાવણીમાં આવતાં, તે બધાને ગિરફતાર કરીને છાવણીની હદમાંથી બહાર કાઢ્યા.

વયોવૃદ્ધ અબ્દુલ્લા શેઠના નેતૃત્વ હેઠળની ટુકડીએ 29 મેના દિવસે ધરાસણા પર હલ્લો કર્યો. પોલીસોએ તેમના ઉપર સખત લાઠીમાર કરી, વલસાડ લઈ જઈને છોડી મૂક્યા. 30 મેએ 111 સત્યાગ્રહીઓએ મીઠાના ઢગલા પર હલ્લો કર્યો ત્યારે ગોરા સાર્જન્ટોએ લાઠીમાર કરીને તેમને ઈજાઓ કરી. એ દિવસે 29 જણને ડોળીમાં નાંખીને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા. 31 મેની સવારે મહારાષ્ટ્ર અને ખેડાની 111ની ટુકડીએ ધરાસણા જઈ સત્યાગ્રહ કરતાં તેમણે લાઠીના પ્રહારો, લાઠીના ગોદા તથા બીભત્સ ગાળો ઝીલ્યા બાદ તેમના ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા. કેટલાક સત્યાગ્રહીઓને ઘસડીને આસપાસની કાંટાની વાડમાં સિપાઈઓએ ફેંક્યા હતા.

1 જૂનના દિવસે સવારે ખેડા, અમદાવાદ, ભરૂચ અને વિરમગામના 162 સત્યાગ્રહીઓએ મીઠાના જુદા જુદા અગરો ઉપર ધાડ પાડી. પોલીસોએ અગરો પાસે કૉર્ડન કરી તાપમાં તેમને રોકી રાખ્યા બાદ લાઠીના મૂઢ માર પછી હાથપગ ખેંચીને ઢસડી ગયા. તેમાંના કેટલાક બેભાન થયા અને કેટલાક ઘાયલ થયા. 3 જૂને ફરીથી પંચમહાલ ભરૂચ, સિંધ, ખેડા અને અમદાવાદની ટુકડીઓએ એકત્રપણે મીઠાના અગરો પર હલ્લો કર્યો. તેમાં પંચમહાલના વામનરાવ મુકાદમ તથા સિંધના મરીવાલાને ખૂબ ફટકારવામાં આવ્યા. ધરાસણાનો સબરસ સંગ્રામ 6 જૂનના છેલ્લા હલ્લા બાદ મોફૂક રાખવામાં આવ્યો.

ધરાસણાના સત્યાગ્રહમાં અમલદારોએ સત્યાગ્રહીઓનાં માથાં ફોડ્યાં, હાથપગ તોડ્યા, શરીરમાં કાંટા અને ટાંકણીઓ ભોંક્યાં, નિર્વસ્ત્ર કરી ગુહ્યાંગોમાં ઈજાઓ કરી કે લાઠીઓ મારી  બેભાન કર્યા, ખારા પાણીમાં ડુબાવી મોઢામાં કાદવ અને મીઠાના ડૂચા માર્યા, શરીર પર ઘોડા દોડાવ્યા. ધરાસણાના સંગ્રામમાં 2,650 જેટલા સત્યાગ્રહીઓએ ભાગ લીધો. તેમાંથી 4 મરણ પામ્યા, 286ને કેદની સજા થઈ અને 1,330 જેટલા માણસો સરકારનાં ક્રૂર કૃત્યોનો ભોગ બનીને ઘાયલ થયા હતા.

ર. લ. રાવળ