ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ જિલ્લાનો તાલુકો છે. તેનું ક્ષેત્રફળ 1,650 ચોકિમી. છે તેમાં કુલ 237 ગામડાં છે. તેની ઉત્તરે ચીખલી અને વાંસદા તાલુકાઓ, દક્ષિણે દાદરા-નગરહવેલી, પૂર્વે મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો અને પશ્ચિમે વલસાડ તથા પારડી તાલુકાઓ અને દાદરા-નગરહવેલીનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે. તાલુકાના પૂર્વ ભાગમાં ઘણા ડુંગરો આવેલા છે. મોટા ભાગના ડુંગરો 300 મી. કરતાં ઊંચા છે. સૌથી ઊંચો ડુંગર વિલ્સન હિલ 700 મી. ઊંચો છે.

લેડી વિલ્સન સંગ્રહાલય, ધરમપુર

આ તાલુકામાં વહેતી દમણગંગા, પાર અને માન નદીઓ મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તે ઉપરાંત બારેમાસ વહેતી પાંચ અન્ય નદીઓ તેમાં છે જે 20 કિમી.થી 50 કિમી. લાંબી છે.

આ તાલુકો દરિયાથી માત્ર 15 કિમી. દૂર હોવાથી ત્યાં તાપમાન ઓછું રહે છે. આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. તાલુકામાં 1,800થી 2,000 મિમી. વરસાદ પડે છે.

તાલુકાની 90,859 હેક્ટર જમીનમાં જંગલો છે જેમાં સાગ, સાદડ, ખેર, દેશી બાવળ, એવરન, ટીમરુ, શીરસ, અરડૂસો વગેરે વૃક્ષો છે. ઇમારતી લાકડું ઉપરાંત જંગલોમાંથી કોલસો, મધ, ઘાસ અને ઔષધિઓ  મળે છે. જંગલોમાં દીપડો, રીંછ, હરણ અને સસલા જેવાં પ્રાણીઓ છે. તાલુકામાં આંધળી ચાકણ, અજગર, ધામણ, ચીતળો, નાગ, કાળોતરો, જળસર્પ વગેરે સાપની વિવિધ જાતિઓ છે. તાલુકામાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાની ખેતી હેઠળની કુલ જમીનના 75 % જમીનમાં ડાંગર, નાગલી, કઠોળ, જુવાર તથા ઘઉં જેવા ખાદ્યપાકો અને બાકીની જમીનમાં મગફળી, તલ, શેરડી તથા ખરસાણીનું વાવેતર થાય છે. તે સિવાય વાંસમાંથી બનતી ચીજવસ્તુઓનું ત્યાં ઉત્પાદન થાય છે.

વલસાડ અને નાસિકને જોડતો ધોરી માર્ગ આ તાલુકામાંથી પસાર થાય છે. રાજ્ય પરિવહનની બસો દ્વારા આ તાલુકો ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલો છે.

તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ આપતી એક કૉલેજ છે.

તાલુકામથક 20° 30´ ઉ. અ. તથા 73° 15´ પૂ. રે. ઉપર સ્વર્ગવાહિની નદીના કાંઠે વસેલું છે. નગર તળેટીમાં વસેલું છે અને તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ બાજુએ પશ્ચિમ ઘાટની ટેકરીઓ છે. શહેરની વચ્ચે રાજમહેલ અને તેની ફરતે કોટ છે. ઉપરાંત નગરના મધ્યમાં આવેલ  ઉદ્યાનમાં જાપાનીસ ટાવર અને ફુવારો પણ છે.

ઇતિહાસ : 1262માં ચિતોડના કુંવર રામશાહ કે રામરાજાએ અહીંના મૂળ દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તે પૂર્વે ત્યાં નાથોરાત નામે ભીલ રાજા રાજ્ય કરતો હતો જે થોરાતવંશનો હતો. આ રાજાનો વધ કરી રામરાજાએ તેનું નામ રામનગર પાડ્યું હતું. 1262થી 1566 દરમિયાન ત્યાં નવ રાજાઓએ રાજ્ય કર્યું. 1573માં મુઘલ સમ્રાટ અકબરના વજીર ટોડરમલે આ રાજ્યને ખંડિયું રાજ્ય બનાવ્યું. 1609-10માં અહમદનગરના વજીર મલિક અંબરે ગુજરાત પર સવારી કરી ત્યારે ગુજરાતના સૂબેદાર મીરઝા અઝીઝ કોકાના પુત્ર અને નાયબ સૂબેદાર જહાંગીર કુલીખાને રામનગર–ધરમપુરમાં લશ્કરી થાણું ઊભું કર્યું હતું. 1727માં મરાઠાઓએ 72 ગામો પોતાને હસ્તક લીધાં અને જકાતમાં ચોથો ભાગ વસૂલ કરવા લાગ્યા. 1764માં ધરમદેવ રાજાએ નગરને ધરમપુર નામ આપ્યું. 1785માં પડેલા કારમા દુષ્કાળ દરમિયાન લોકોએ દરબારગઢ લૂંટી લીધો. 1802માં પેશવા અને અંગ્રેજો વચ્ચે વસઈ મુકામે સંધિ થઈ અને તે મુજબ રાજ્યના સઘળા હકો બ્રિટિશ સરકારને મળ્યા. 1860માં કુંવર નારણદેવ બીજા ગાદી પર બેઠા. તેમણે રાજ્યમાં ઘણા સુધારાવધારા કર્યા તથા વિદ્યા અને સાહિત્યના વિકાસને પ્રોત્સાહન આપ્યું. 1890માં મોહનદેવજી ગાદીએ આવ્યા, જેમના શાસનકાળ દરમિયાન શિક્ષણનો પ્રસાર થયો, ધરમપુર-વલસાડ વચ્ચેની સડક પર સમારકામ થયું તથા નવા પુલો બંધાયા. નગરમાં દરબાર હૉલ, મોહનવિલાસ પૅલેસ તેમજ ડુંગર પર પ્રમોદભવન બંધાવ્યું. એમની પ્રશસ્તિ રૂપે ‘મોહનસુધાકર’ નામના ગ્રંથની રચના થઈ હતી. તેમના ભાઈ પ્રભાતદેવજી સંગીતના શોખીન હતા. તેમના થકી રાજ્યમાં સંગીતશાળા સ્થપાઈ હતી તથા શાસ્ત્રીય સંગીતના રાગોનો પરિચય આપતો ‘સંગીત-પ્રકાશ’ ગ્રંથ પ્રકાશિત થયો હતો.

1928માં ત્યાંના મહારાજાએ લેડી વિલ્સનના નામ પરથી ત્યાં મ્યુઝિયમની સ્થાપના કરી જે ગુજરાત, ભારત અને પરદેશની આદિવાસીઓની કલા અને સંસ્કૃતિના પ્રદર્શન માટે પ્રસિદ્ધ છે. આઝાદી પછી આ મ્યુઝિયમ સરકાર હસ્તક આવ્યું. મ્યુઝિયમમાં ખેતીવાડી અને ઉદ્યોગો, પ્રાણી-વિભાગ, ભૂસ્તરશાસ્ત્ર-વિભાગ, પુરાતત્વ-વિભાગ, આભૂષણો તથા પહેરવેશ, ચિત્રો, પોસ્ટરો, જંગલ સંબંધી વસ્તુઓ, હથિયારો વગેરેના ખંડો છે. તેમાં કુલ 8,433 જેટલા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સ્થળે અવારનવાર પ્રદર્શનો પણ યોજાતાં હોય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા

શિવપ્રસાદ રાજગોર