ધતૂરો (ધંતૂરો) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તે ઉન્માદક (deliriant) અસર ઉત્પન્ન કરતો ઝેરી પદાર્થ ધરાવતો છોડ છે. તેની જાતિઓ છોડ, ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં તે બધે જ થાય છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી Datura innoxia Mill (ધતૂરો, કાંટાળો ધતૂરો, કાળો ધતૂરો), D. metal Linn. syn. D. fastuosa Linn. D. alba Nees. (સફેદ ધતૂરો) અને D. stramonium Linn. (કાંટાળું સફરજન થૉર્ન ઍપલ) મહત્વની ઔષધ વનસ્પતિઓ છે ; જ્યારે બીજી જાતિઓ શોભાની વનસ્પતિઓ છે.

ધતૂરાની ઇનૉક્સિયા જાતિનો છોડ મજબૂત, એકવર્ષાયુ અને 90-120 સેમી. ઊંચો ઉપક્ષુપ છે. તે સફેદ ટપકાંવાળી જાંબલી શાખાઓ ધરાવે છે. તે મેક્સિકોનો મૂલનિવાસી છે. ભારતમાં પશ્ચિમ હિમાલય અને દક્ષિણ ભારતની પશ્ચિમે આવેલી ટેકરીઓ પર તથા અન્ય થોડાંક સ્થળોએ થાય છે. તે ‘મૅટલ’ જાતિ સાથે ગાઢ રીતે સામ્ય દર્શાવે છે. ઇનૉક્સિયા જાતિ ‘મૅટલ’ જાતિ કરતાં તેના ગાઢ રોમ, 10-દાંત ધરાવતો દલપુંજ અને ફળ ઉપર લાંબા નબળા કાંટાના કારણે અલગ પડે છે. ઇનૉક્સિયાનાં પર્ણો ઘેરાં લીલાં, એકાંતરિત,  અંડાકાર, ઘણી વાર હૃદયાકાર, 12.5 સેમી. × 7.5 સેમી. અખંડિત કે દંતુર તિર્યકી (oblique) અને લાંબાં પણદંડવાળાં હોય છે. પુષ્પો સફેદ, સુગંધિત અને 7.5 સેમી. લાંબાં કક્ષીય, એકાકી (solitary) એકદલી (single) કે દ્વિદલી (double), ગળણી કે તૂર્ય (trumpet) આકારનાં સફેદ કે જાંબલી હોય છે. ફળ પટભંજક (septrifragal) પ્રવાર (capsule) પ્રકારનું અંડાકાર કે ગોળાકાર 5 × 3.8 સેમી. હોય છે. તે ટોચ ઉપરથી 4 કપાટ (valve) સ્વરૂપે ફાટે છે. જેથી અસંખ્ય, આછાં બદામી, વૃક્કાકાર બીજ ધરાવતો મધ્યસ્થ અક્ષ ખુલ્લો થાય છે.

ધતૂરાની મૅટલ જાતિ અરોમિલ (glabrous) ફેલાતો છોડ છે અથવા ક્ષુપીય સ્વરૂપ ધરાવે છે. પર્ણો ત્રિકોણીય – અંડાકાર, તિર્યકી અને એકાંતરિત હોય છે. પૂષ્પો લગભગ 17.5 સેમી લાંબાં, સફેદ કે આછા પીળા રંગનાં કે જાંબલી હોય છે. પાવર પ્રકારનું ગોળ ગાંઠોવાળું હોય છે. તે ટૂંકા જાડા પુષ્પદંડ પરથી ઉત્મન્ન થાય છે. ફળ અનિયમિતપણે ફાટી ગાઢ રીતે સમૂહમાં ગોઠવાયેલાં અસંખ્ય, ચપટાં, આછાં બદામી અને લગભગ ગોળાકાર બીજ ખુલ્લાં કરે છે.

શ્વેત ધતૂરો : 1. પર્ણ અને પુષ્પ સાથેની ડાળખી, 2. પુષ્પ, 3. ફળ, 4. ફળનો આડો છેદ, 5. બીજ.

શ્યામ ધતૂરો : 1. પર્ણ–પુષ્પ–ફળ સાથેની ડાળખી, 2. પુષ્પ, 3. ઊઘડેલો પુષ્પમુકુટ, 4. ફળ (ડોડવો), 5. બીજ

ધતૂરાની કાંટાળા સફરજનની (સ્ટ્રૅમોનિયમ) જાતિ અરોમિલ કે ચૂર્ણાવૃત (farinose), એકવર્ષાયુ અને સામાન્યત: 60 સેમી. ઊંચી (ફળદ્રૂપ જમીનમાં 1.8 મી. સુધી ઊંચી) હોય છે. પ્રકાંડ ફેલાતી શાખાઓવાળું અને ટટ્ટાર હોય છે. પર્ણો આછાં લીલાં. અંડાકાર, 12.5-15 સેમી. લાંબાં અને અનિયમિતપણે દંતુર હોય છે. પુષ્પો મોટાં, 7.5-20 સેમી. લાંબાં અને સફેદ કે જાંબલી હોય છે. ફળ ઉન્નત, અંડાકાર અને તીક્ષ્ણ કાંટાઓ વડે ગાઢ રીતે આવરિત હોય છે તથા 4 ઊંડી કપાટો વડે ફાટે છે. સરેરાશ કદના ફળમાં આશરે 450થી 500 બીજ હોય છે અને 100 બીજનું વજન લગભગ 1 ગ્રામ જેટલું થાય છે.

‘સફેદ ધતૂરો’ અને ‘કાળો ધતૂરો’ સ્થાનિક નામો છે.

પુષ્પનો રંગ જાતિની લાક્ષણિકતા નથી. એક જાતિની વનસ્પતિઓમાં સફેદ, જાંબલી કે રાતાં-જાંબલી પુષ્પો હોઈ શકે છે.

રાસાયણિક બંધારણ : ધતૂરાની જુદી જુદી જાતિઓમાં અને તેનાં જુદાં જુદાં અંગોમાં આલ્કેલૉઇડનું પ્રમાણ જુદું જુદું હોય છે (સારણી-1) મૅટલ જાતિમાં મુખ્ય આલ્કેલૉઇડ સ્કૉપોલેમાઇન (એલ-હાયોસિન) છે. હાયોસિયેમાઇન (C7H23O3N, ગ.બિ. 108.5° સે.), એટ્રોપિન (C7H23O3N, ગ.બિ. 118° સે.) અને નૉરહાયોસિયેમાઇન અલ્પ પ્રમાણમાં હોય છે. સ્ટ્રેમોનિયમ જાતિમાં 0.3-0.5 % આલ્કેલૉઇડ હોય છે; જેમાં મુખ્ય હાયોસિયેમાઇન અને અલ્પ પ્રમાણમાં એટ્રોપિન તથા સ્કૉપોલેમાઇન હોય છે. આલ્કેલૉઇડોનું નિર્માણ મૂળમાં થાય છે.

સારણી 1 : ધતૂરાની જુદી જુદી જાતિઓમાં કુલ આલ્કેલૉઇડનું પ્રમાણ (ટકાવારીમાં)

જાતિ સ્થળ પર્ણો પ્રકાંડ મૂળ પુષ્પ ફળ

બીજ

આર્બોરિયા

0.29 .. .. 0.49 0.06

..

ઇનૉક્સિયા

પંજાબ 0.25 .. .. .. 0.12

0.23 – 0.25

લૅટિન

અમેરિકા

0.52 0.30 0.39 .. 0.77

0.44

મૅટલ

આસામ 0.12

(પર્ણ +પ્રકાંડ)

.. 0.10 .. 0.20

..

મલેશિયા

0.07 – 0.41 0.03 – 0.04 .. 0.17 – 0.45 ..

0.22 – 0.59

સ્ટ્રેમોનિયા

પંજાબ 0.41- 0.45 0.25 – 0.26 0.21 .. 0.46

..

મૅટલ જાતિના બીજમાં 0.216 % સ્કૉપોલેમાઇન, 0.034 % હાયોસિયેમાઇન અને અત્યંત અલ્પ પ્રમાણમાં એટ્રોપિન હોય છે. આ ઉપરાંત તે દતૂરેસ્ટેરૉલ, ત્રિચક્રીય (tricyclic) ડાઇટર્પિન, બી-સિટોસ્ટેરૉલ, દતૂરેબાઇ ટૅટ્રાઇન, હાઇડ્રૉક્સિકાઉમેરિન, અમ્બેલિફેરોન સ્કોપોલિન, સ્કોપોલેટિન વિથેનોલાઇડ, વિથેસ્ટ્રેમોનોલાઇડ અને ફલુરોદતૂરિન [અત્યંત પ્રસ્ફુરક (fluorescent)] ધરાવે છે.

વનસ્પતિ સ્વાપક (narcotic), વેદનાહર (anodyne) અને તાણરોધી (antiplasmodic) ગુણધર્મો ધરાવે છે. આલ્કેલૉઇડ મુખ્યત્વે કેન્દ્રસ્થ ચેતાતંત્ર (Central nervous system)ને અસરકારક રીતે ઉત્તેજિત કરે છે. તે જુદા જુદા ચેતાતંતુઓ પર પક્ષાઘાતની અસર કરે છે. તે પ્રસ્વેદ અને લાળ અટકાવે છે. ત્વચીય રુધિરવાહિનીઓ અને પાંપણોમાં સંકોચન ઉત્પન્ન કરે છે. શુષ્ક બીજ પર્ણો કરતાં વધારે સ્વાપક છે.

આયુર્વેદ અનુસાર, ધતૂરો કાંતિકર, ઉષ્ણ, તીખો, અગ્નિદીપક, તૂરો, મધુર, કડવો, મદકારક, વાંતિકર, ગુરુ અને વર્ણકર હોય છે. તે કોઢ, વ્રણ, કંડૂ (ખરજ), કૃમિ, વિષ, ખસ, ત્વગ્દોષ અને જૂનો નાશ કરે છે. ગુણની ર્દષ્ટિએ કાળો ધતૂરો શ્રેષ્ઠ છે. તેનો ઉપયોગ લાપોટિયું (ગલફોરું), ઉધરસ, સર્પદંશ, વાળો, સોજો, વીંછીનું વિષ, ગલગંડ, ઉન્માદ, યોનિશૂળ, વિષમજ્વર, કર્ણસ્રાવ, સોફોદર અને વીર્યવૃદ્ધિ માટે થાય છે.

એક મત પ્રમાણે ધતૂરો વેદનાસ્થાપન, સંકોચવિકાસ પ્રતિબંધક, કાસહર, શ્વાસહર, નિયતકાલિજ્વર, પ્રતિબંધક અને શોથહર હોય છે. મોટી માત્રામાં તે અત્યંત ઝેરી છે. કેટલાક માટે તે ઉન્માદકારક છે. તેમને માટે તે વાજીકર બને છે. બૅલેડોના કરતાં ધતૂરો શ્વાસનલિકા ઉપર અત્યંત વધારે અસર પહોંચાડી શ્વાસનલિકાને શિથિલ કરે છે. ધતૂરાને વેદનાહર બૅલેડોનાના પ્રતિનિધિ તરીકે લેવામાં આવે છે.માત્રા : પાનનું ચૂર્ણ 0.06-0.18 ગ્રા. ચલમમાં પીવા માટે બારીક કાતરેલું પાન 0.60-1.8 ગ્રા. બ્રીજનું ચૂર્ણ 0.06-0.12 ગ્રા. આરંભે અલ્પમાત્રામાં આપવામાં આવે છે અને રોગીની પ્રકૃતિ અને પ્રયોગના પરિણામ મુજબ વધારવામાં આવે છે. ધતૂરાનો ઉપયોગ શ્વાસનલિકાનો સોજો, દમ અને ફેફસાંના રોગોમાં થાય છે.

ઔષધપ્રયોગો : (1) શ્વાસહરયોગ : ધતૂરાનાં લીલાં ફળને રવૈયા પેઠે ચાર કાપ મૂકી તેમાં બારીક મીઠું અને હળદર સમાન ભાગે ભરી માટીના ઘડામાં રાખવામાં આવે છે. પછી તેને ઢાંકણું ઢાંકી કપડાથી સીલ કરવામાં આવે છે અને મોટાં છાણાંના ઢગલા વચ્ચે ઘડાને મૂકી અગ્નિ અપાય છે. ફળ બળી જાય એટલે તેનો કોલસો બહાર કાઢી વાટી તેને શીશીમાં ભરી લેવામાં આવે છે. સૂકી ખાંસી અને દમના દર્દીને સવાર-બપોર-સાંજ 0.5 ગ્રા. માત્રામાં હળદરના સ્વરસમાં મધ નાખી આપવામાં આવે છે. (2) કનકવટી : ધતૂરાના પાનના રસને તાપમાં સૂકવી સમાન ભાગે કાળાં મરીનું મિશ્રણ કરી વાટીને મઠના દાણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. આ ગોળી વેદનાહર અને શોથહર છે તથા પેટના દુ:ખાવા, શરદી, ખાંસી અને દમમાં આપી શકાય છે. (3) કનકતેલ : ધતૂરાનો સ્વરસ કાઢી સોળમા ભાગે પાનની લૂગદી બનાવી તેમાં ઉમેરાય છે. સોળમા ભાગે હળદરનો  પાઉડર અને સ્વરસના ચોથા ભાગે સરસિયાનું તેલ લઈ તેને ધીમે તાપે ઉકાળી તેલ સિદ્ધ કરાય છે. આ તેલ કાનમાં નાખવાથી ચસકા મટે છે. કર્ણપાક અને દુખાવો મટે છે. આ તેલ માથામાં નાખવાથી જૂ-લીખ તથા ખોડો નાશ પામે છે. (4) દમનીબીડી : પાનને સૂકવી તેમાં સૂરોખાર અને ચાની ભૂકી મેળવી બીડી પીવાથી દમના હુમલામાં રાહત થાય છે (5) સાટોડી, પીલુડી અને ધતૂરાને વાટી લેપ કરવાથી સોજો ઊતરે છે અને વેદના મટે છે. (6) ધતૂરાના રસનાં 4-5 ટીપાં દહીંમાં મેળવી લેવાથી ઝાડા-મરડો મટે છે. (7) ધતૂરાના પાનના રસમાં હળદર મેળવી ચોપડવાથી સ્તનનો સોજો મટે છે. શરીરના કપાયેલા ભાગ તથા ગૂમડાં ઉપર ધતૂરાનો રસ લગાડવો નહિ. (8) ધતૂરાના પાનની રાખ કણજિયાના તેલમાં કાલવી ખસ, ખૂજલી પર ચોપડવાથી ફાયદો થાય છે.

ધતૂરાનાઝેરનાંલક્ષણોઅનેચિહનો :  સામાન્ય રીતે ધતૂરાનું ઝેર ગળ્યા પછી અર્ધા કલાકની અંદર જ તેનાં લક્ષણો જણાય છે. ધતૂરાનાં બીજનો ઉકાળો લેવાય તો તાત્કાલિક ચિહનો દર્શાવે છે. તે ઉન્માદ અને મૂર્છા ઉત્પન્ન કરે છે. મોટાભાગના કિસ્સામાં ધતૂરાનાં બીજનો ભૂકો કરીને તે ખોરાકમાં  આપવામાં આવે છે. ધતૂરાનાં બીજનો ભૂકો હોજરીમાં પ્રકોપન કરતો હોવાથી તે લીધા પછી તુરત જ ઊલટી જેવું થાય છે. મુખમાં કડવો સ્વાદ, લાળગ્રંથિમાંથી લાળના અટકાવને લઈ મુખ અને ગળું સુકાય છે. તેને કારણે બોલવામાં તકલીફ, નિગરણ કષ્ટ (dysphagia), પુષ્કળ તરસ, હોજરીમાં બળતરાનો દુખાવો – એ તેનાં પ્રથમ ચિહનો છે. ચામડીની નસોના સંકોચાવાથી ચહેરો લાલચોળ થાય છે. પાંપણોના સંકોચનથી પ્રકાશની સંવેદનશીલતા રહેતી નથી અને ર્દષ્ટિમાં મુશ્કેલી ઊભી થાય છે. શરીરનું તાપમાન વધે છે. ત્વચા સૂકી અને ગરમ લાગે છે. આ લક્ષણો પછી વ્યક્તિને ચક્કર આવે છે અને ચાલવામાં તે અસ્થિર બને છે. વ્યક્તિ દારૂડિયાની જેમ લથડિયાં ખાય છે. મગજ ઉપર પહેલી અસર થાય છે. દર્દી પ્રથમ અશાંત બને છે અને મૂંઝવણ અનુભવે છે, ત્યારબાદ તે ઉન્માદી બને છે. અસ્પષ્ટ શબ્દો ગણગણે છે. તે રાડો પાડે છે અને ઉગ્રતા અનુભવે છે. જોવા અને સાંભળવામાં મતિભ્રમ અનુભવે છે. આભાસી વસ્તુને વાસ્તવિક માની લે છે અને આંગળાંનાં ટેરવાં પરથી અર્દશ્ય તાંતણા ખેંચવા પ્રયત્નો કરે છે. એકાદ કલાકમાં અતિ ઉન્માદકતાની સ્થિતિ શમવા માંડે છે અને વ્યક્તિ ઘેનમાં સરી પડે છે. શરીર લાલચોળ જણાય છે. મૃત્યુના કિસ્સામાં ઘેનની સ્થિતિ મૂર્છામાં પરિણમે છે અને ત્યારબાદ શ્વસનતંત્રમાં પક્ષાઘાતથી મૃત્યુ નીપજે છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિ સાજી થવામાં હોય ત્યારે ગૌણ ઉન્માદકતા થતી જણાય છે. ક્યારેક દારૂ પીવાથી કે લૂ લાગવાથી આ ચિહનો થયાનું સમજવાની ભૂલ પણ થઈ જાય છે.

મૃત્યુમાટેધતૂરાનુંપ્રમાણઅનેસમય : પુખ્તવયની વ્યક્તિ માટે  60 મિગ્રા. અને બાળકો માટે 4 મિગ્રા. આલ્કેલૉઇડનું પ્રમાણ મૃત્યુ નિપજાવવા માટે પૂરતું ગણાય છે. આથી ધતૂરાનાં 100થી 125 બીજ મૃત્યુ નિપજાવે છે. સામાન્ય રીતે મૃત્યુ 24 કલાકમાં થાય છે.

ઉપચાર : ધતૂરાના ઝેરની અસરવાળી વ્યક્તિને 4 %થી 5 % ટૅનિક ઍસિડ અથવા મંદ પોટૅશિયમ પરમૅંગેનેટ આપી તેને ઊલટી કરાવી હોજરીમાં અવશિષ્ટ રહેલ ધતૂરાના બીજનું ચવાણ હોજરીમાંથી બહાર કાઢવામાં આવે છે. 15 મિગ્રા. પાઇલોકારપાઇન અથવા 1 મિગ્રા. પ્રોસ્ટિગ્માઇન ત્વચાના નીચેના ભાગમાં દાખલ કરવામાં આવે છે. તે પ્રતિવિષ (antidote) તરીકે કામ કરે છે. જુલાબની દવા ઉપયોગી રહે છે અને બીજા ઉપચાર વ્યક્તિને ઉત્પન્ન થતાં ચિહનો પ્રમાણે કરવાના રહે છે.

પાંપણોનું સામાન્ય પ્રમાણમાં પરત આવવું, જીભ ભીની થવી એ ઉપચારની અસરનાં માર્ગદર્શક ચિહનો છે. જીવલેણ ન હોય તેવા કિસ્સામાં વ્યક્તિને સામાન્ય સ્થિતિમાં પરત આવતાં એક કે બે દિવસ લાગે છે અને પાંપણ ઉપરની અસર છેલ્લે દૂર થાય છે. જરૂર જણાય ત્યારે કૃત્રિમ-શ્વસન અને પ્રાણવાયુ (oxygen) પણ આપવામાં આવે છે.

શબપરીક્ષણ : ધતૂરાના ઝેરથી મૃત્યુના કિસ્સામાં પણ શ્વાસાવ-રોધ(asphyxia)થી થતા મૃત્યુ જેવો મરણોત્તર દેખાવ જોવા મળે છે. જઠર તથા આંતરડાં અને વચ્ચેના માર્ગમાં ભરાવો થઈ ગયેલ જણાય છે. જઠર તથા આંતરડાંમાંથી ધતૂરાનાં બીજ કે તેના ટુકડા મળી આવે છે. ધતૂરાનાં બીજ પૂસડાવન(putrefaction)ની ક્રિયાને અવરોધતાં હોઈ સડી જતા કે વિઘટન પામતા શરીરમાં પણ તેની હાજરી મળી આવે છે. ધતૂરામાં રહેલ એટ્રોપિન જેવા આલ્કેલૉઇડના સૂક્ષ્મ અંશોની હાજરી ચકાસવા જરૂરી રાસાયણિક પરીક્ષણ કરવામાં આવે છે.

તબીબીકાનૂનીમુદ્દા : ભારતમાં ધતૂરાનો ઉપયોગ મુખ્યત્વે મુસાફરોને બેશુદ્ધ કરી તેના સરસામાન, રોકડ, દાગીના વગેરેની ચોરી કે લૂંટ જેવા ગુના કરવામાં થાય છે. આથી ક્યારેક તેને ‘રસ્તાના ઝેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીસેલા ધતૂરાનાં બીજ ખોરાક, ચા કે પીણામાં મેળવીને અથવા પાનમાં નાખીને આપવામાં આવે છે. કેટલીક વખત બીજ તેમજ પાંદડાં તમાકુ કે ગાંજા સાથે ભેળવીને તે બીડી અથવા ચલમમાં આપવામાં આવે છે.

મુસાફરી કે યાત્રાપ્રવાસ દરમિયાન પરોપકારી હોવાનો ઢોંગ કરતા પ્રવાસી કે સાધુ દ્વારા નચિંત કે બેદરકાર પ્રવાસીને ખોરાક, પીણા કે પ્રસાદમાં આ બેહોશ બનાવતું ઝેર ભેળવીને આપી ચોરી, લૂંટના ગુના કરવામાં આવે છે. પરિણામે એવા પ્રવાસી પોતાનું સર્વસ્વ ગુમાવે છે. આવા બનાવો બનતા અટકાવવાના પ્રયાસ રૂપે રેલવે તથા યાત્રાધામોમાં જરૂરી સૂચનાઓ જાહેરમાં મૂકવામાં આવે છે.

આ પદાર્થનો સૂક્ષ્મ અંશ પણ ધૂમ્રપાન કે અન્ય રીતે લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર પર તેની અસર થાય છે. તે વ્યક્તિની વિચારશક્તિને ક્ષીણ કરે છે. પોતે શું કરી રહ્યા છે કે કોની સાથે શું બોલી રહ્યા છે તેમને યાદ હોતું નથી અને શું થઈ રહ્યું છે તે પણ તેઓ સમજી શકતા નથી. આવા સમયે વ્યક્તિ કોઈ પણ વિરોધ વગર પોતાની કીમતી ચીજવસ્તુઓ પણ આપી દે છે. તે વ્યક્તિનું કે બાળકોનું સહેલાઈથી અપહરણ પણ થઈ શકે છે. છોકરીઓ કે સ્ત્રીઓને અપહૃત કરવાના બનાવ પણ આ ઝેરથી બને છે.

કાચાં ફળો ખાવાની ટેવ કે ભૂલથી ધતૂરાના ફળને ખાવાનું ફળ સમજીને કે ધતૂરાનાં બીજને મરચાનાં બી સમજીને ખાઈ જવાના અકસ્માતોના કિસ્સા પણ બને છે. જુદાં જુદાં દર્દોના ઉપચારમાં ઊંટવૈદો દ્વારા પણ અકસ્માત થાય છે. ક્યારેક દેશી દારૂમાં ઉત્તેજના લાવવા પણ તેમાં ધતૂરો ઉમેરવામાં આવે છે.

D. arborea Linn. મોટું ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો 17.5-20 સેમી. લાંબાં અને સફેદ રંગનાં હોય છે. તેઓ કસ્તૂરી જેવી સુગંધી ધરાવે છે.

D. chlorantha Hook. ઉદ્યાનમાં ઉછેરવામાં આવતી છોડ-સ્વરૂપ-જાતિ છે. તેનાં પુષ્પો સુંદર, મીઠી સુવાસવાળાં લીલાશ પડતાં પીળાં હોય છે અને બહુદલ (multiple corolla) ધરાવે છે.

D. sanguinea Ruiz & Pav. અને D. suaveolens Humb. & Bonpl. (ઍન્જલ્સટ્રમ્પેટ) ઉદ્યાનોમાં શોભાની જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

લાલજી વિ. કરગથરા

બળદેવભાઈ પટેલ

આદિત્યભાઈ છ. પટેલ