દોલ્ચી, દાનીલો (જ. 28 જૂન 1924, સેસાના, ઇટાલી; અ. 30 ડિસેમ્બર 1997, પાર્ટિનિકો, ઇટાલી) : કવિપ્રકૃતિના ગૂઢવાદી ઇટાલિયન લેખક, સમાજસુધારક અને કર્મશીલ નેતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ દોલ્ચીની માતા મેલી કૉન્ટેલી સ્વભાવે ધાર્મિક અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતી હતી. પિતા સિનોર એનરિકો નિરાળી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. ગામડા પ્રત્યે માયા તથા ચાલવાનો શોખ એ દોલ્ચીને પિતા તરફથી મળેલ વારસો હતો.

એક વિદ્યાર્થી તરીકે તેઓ સામાન્ય કારકિર્દી ધરાવતા હતા. ઉંમર વધતાં અધ્યયનશીલતામાં વધારો થયો. 16 વર્ષની ઉંમરે તેમણે 300 કરતાં વધારે પુસ્તકોનું વાચન કર્યું હતું, જેમાં ગેટે, શીલર, ટૉલ્સ્ટૉય, ઇબ્સન, શેક્સપિયર ઉપરાંત ગ્રીક ઇતિહાસ, બાઇબલ, ગીતા, કુરાન વગેરેનો સમાવેશ થતો હતો.

પિતાની ઇચ્છા દોલ્ચીને સિવિલ ઇજનેર બનાવવાની હતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીની રાજકીય સ્થિતિ અસ્થિર અને વિસ્ફોટક બની. દોલ્ચીને મુસોલીનીનું રાજ્ય અસ્વીકાર્ય હોઈને તેમણે ફાસીવાદી પ્રવૃત્તિઓનો વિરોધ શરૂ કર્યો. તેઓ રોમ ગયા, જ્યાં થોડા સમય માટે તેમને જેલની સજા ભોગવવી પડી. 1947માં મિલાન યુનિવર્સિટીમાં તેમણે સ્થાપત્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

તેમના પર નોમેડેલ્ફિયાના અનાથાશ્રમની ઘેરી અસર પડી હતી. તેઓ પાદરી ડોન ઝેનોના અનાથાશ્રમમાં 1949માં જોડાયા. ત્યાં 70 બાળકોની સંભાળ દોલ્ચીને સોંપવામાં આવી. દોન ઝેનોના ઉપદેશ મુજબ આદર્શ ખ્રિસ્તી સમાજની રચનાના હેતુસર દોલ્ચીએ સેફારેલો ખાતે 40 છોકરાઓની મદદથી અવાવરુ જમીનને સમતલ કરીને 11 ઘરો, શાળા અને દેવળના પાયા પૂર્યા. આ સમયે દોલ્ચીને લશ્કરી સેવા માટે બોલાવવામાં આવ્યા. શાંતિવાદી દોલ્ચીએ સક્રિય લશ્કરી કામગીરીનો ઇન્કાર કર્યો.

1952માં દોન ઝેનો અને દોલ્ચી વચ્ચે અનાથાશ્રમમાં પ્રવેશની બાબતે ઉગ્ર મતભેદ થતાં દોલ્ચીએ નોમેડેલ્ફિયાની વિદાય લીધી. ત્યારબાદ દક્ષિણ ઇટાલીના સૌથી ગરીબ અને પીડિત પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. સિસિલીના પાલેરમોથી 30 માઈલ દૂર માછીમારોના ગામ ટ્રેપેટોને તેમણે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. આ પ્રદેશમાં પ્રવર્તતી ગરીબી અને બેકારીનો એકમાત્ર ઉપાય ઉત્પાદક શ્રમનો હતો. દોલ્ચીએ ઈયાટો નદીના પાણીને નાથીને સિંચાઈ યોજના રજૂ કરી. સ્થાનિક સત્તાવાળાઓની ઉદાસીનતા દૂર કરવા અનશન આદર્યા. પરિણામે ટ્રેપેટો માટે તાત્કાલિક મદદ અને સિંચાઈ યોજના માટે ગ્રાંટની ખાતરી મળી. આના લીધે સિસિલીના વિચારકવર્ગમાં દોલ્ચીની નૈતિક પ્રતિષ્ઠા સ્થપાઈ.

તેમણે વેન્સેન્ઝી નામની એક વિધવા સાથે લગ્ન કર્યાં. લોકોના વિરોધ છતાં દોલ્ચીએ ટ્રેપેટોમાં લોકસેવાનું કાર્ય જારી રાખ્યું. દસ વ્યક્તિઓની મદદથી ટ્રેપેટોની ઘરઘરની સર્વાંગી તપાસ શરૂ કરી. 1954માં ‘ઍક્ટ ક્વિક્લી, ફૉર પિપલ આર ડાઇંગ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તળપદી ભાષામાં લખાયેલા આ પુસ્તકમાં દોલ્ચીની ધાર્મિક વિચારસરણીનું હાર્દ રજૂ થયું છે. તે દક્ષિણના ઉપેક્ષિત પ્રદેશ વિશેનું દસ્તાવેજી લખાણ છે. આને લીધે તેમને સત્તાવાળાઓ, સ્થાપિત હિતો અને માફિયાનો વિરોધ સહન કરવો પડ્યો; પરંતુ હિંમત હાર્યા વિના દોલ્ચીએ પાર્ટીનિકોના ગરીબો, બેકારો અને બહારવટિયાઓની વચ્ચે રહીને દસ્તાવેજી હકીકતો એકઠી કરી, જે ‘આઉટલૉઝ ઑવ્ પાર્ટીનિકો’ના નામે પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થઈ.

સવિનય કાનૂનભંગના રાહે ચાલતાં દોલ્ચીએ નવેમ્બર, 1955માં ઇટાલીના બંધારણ અનુસાર કામ કરવાના હક્કના ભોગવટા માટે જાહેર માર્ગના સમારકામની કામગીરી શરૂ કરી. સત્તાવાળાઓ વિરુદ્ધ આદરવામાં આવેલ આ સત્યાગ્રહ એક સ્વરૂપમાં ધાર્મિક લડત બની રહી. 30 જાન્યુઆરી, 1956ના રોજ, ગાંધીનિર્વાણ દિને દોલ્ચીએ લોકોને સામૂહિક અનશનની અપીલ કરી. તેમની તથા સાથી કામદારોની ધરપકડ કરવામાં આવી, સમગ્ર યુરોપમાં તેનો ઉગ્ર પ્રત્યાઘાત પડ્યો. 24 માર્ચ, 1956ના રોજ પાલેરમોની અદાલતમાં તેમની સામે ખટલો ચાલ્યો; જેમાં ઇટાલીના 50 નામાંકિત વકીલોએ દોલ્ચી તથા તેના સહકાર્યકરોનો બચાવ કર્યો. તેમને વિવિધ આરોપમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યા. પરિણામે પાર્ટીનિકોમાં ચાલી રહેલી રિબામણી અટકી તથા વહીવટી ગેરરીતિઓ આચરનારા દૂર થયા. આ ગાળા દરમિયાન તેમણે ‘ઇન્કવાયરી ઇન પાલેરમો’ (ઇટાલીમાં) નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેને ઇટાલીનું સાહિત્યિક પારિતોષિક ‘પિયારેજીઓ પ્રાઇઝ’ એનાયત કરવામાં આવ્યું. કૅથલિક ધર્મસમાજે આ સમાજશાસ્ત્રીય ગ્રંથને બીભત્સ સાહિત્ય તરીકે નિંદ્યો.

1 જાન્યુઆરી, 1958ના રોજ દોલ્ચીને લેનિન પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તેમણે સામ્યવાદી હોવાનો ઇન્કાર કરીને ખૂબ કૃતજ્ઞતાપૂર્વક આ ઇનામ સ્વીકાર્યું, જેની રકમમાંથી દોલ્ચીએ અનેક અભ્યાસકેન્દ્રો શરૂ કરાવ્યાં, જોકે ઇટાલીના સત્તાવાળાઓએ ઇનામ લેવા જતા દોલ્ચીને અટકાવ્યા; પરંતુ 1959માં ઇટાલિયન સત્તાવાળાઓનું તેમના પ્રત્યેનું વલણ બદલાયું. પરિણામે દોલ્ચીએ ફેબ્રુઆરી, 1960માં ફ્રાન્સ, સ્વીડન અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. પ્રવાસેથી પાછા ફર્યા બાદ દોલ્ચીએ પાલ્મા નામના એક પછાત ગામમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવાનું નક્કી કર્યું. આ પરિષદની ફળશ્રુતિ રૂપે તેમની પ્રવૃત્તિઓને ડચ સરકાર તરફથી દર વર્ષે છ હજાર પાઉન્ડની મદદ જાહેર કરવામાં આવી. ડચ પ્રતિનિધિએ પાલ્મામાં એક કલ્યાણકેન્દ્ર શરૂ કર્યું. જર્મની તથા ઉત્તર ઇટાલીમાંથી પણ આર્થિક મદદ મળવા લાગી.

દોલ્ચીને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન ઈયોટો નદી પરના બંધનો હતો. બંધ જો સાકાર ન થાય તો વિસ્તારના સમગ્ર વિકાસનાં કામો અટકી જાય એમ હતું. આથી ફરી એક વાર દોલ્ચીએ અનશનનો આશ્રય લીધો. પરિણામે 1963ના ફેબ્રુઆરી માસમાં બંધનું કામકાજ શરૂ થયું. દોલ્ચીનું 12 વર્ષનું તપ સફળ થયું. આ સમયે (1963) તેમણે ‘વેસ્ટ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. ‘ઇટાલીના ગાંધી’ તરીકે જાણીતા બનેલા દોલ્ચીએ 1969માં ગાંધી જન્મશતાબ્દી પ્રસંગે ભારતની મુલાકાત લીધી હતી.

નવનીત દવે