દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર મિલિટરી સ્કૂલમાં. વર્ષ 1967માં આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવી.

વર્ષ 1968માં કૅરળના કેડર તરીકે ભારતીય પોલીસ સેવા(આઇપીએસ)માં સામેલ થયા તથા સૌપ્રથમ કેરળના કોટ્ટયમમાં એએસપી (આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) બન્યા. 1972માં કેન્દ્ર સરકારની સેવાઓમાં સામેલ થયા. મોટા ભાગની કારકિર્દી ઇન્ટેલિજન્સ બ્યૂરો(આઇબી)ના જાસૂસ તરીકે સેવા કરી.આઇબીમાં મલ્ટિ એજન્સી સેન્ટર (એમએસી) અને જૉઇન્ટ ટાસ્ક ફોર્સ ઑન ઇન્ટેલિજન્સ (જેટીએફઆઇ)ના સ્થાપક ચૅરમૅન. આઇબીમાં જાસૂસ તરીકે કામગીરી દરમિયાન પૂર્વોતર ભારતમાં પોસ્ટિંગ થયું.

તેઓ પંજાબમાં ઉગ્રવાદવિરોધી કામગીરીમાં સક્રિયપણે સંકળાયા. પાકિસ્તાનમાં એક વર્ષ માટે આઇબીના અંડરકવર જાસૂસ તરીકે કામ કર્યું અને છ વર્ષ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં અધિકારી તરીકે કામ કર્યું. સિક્કિમના ભારત સાથે વિલય માટે ઇન્ટેલિજન્સમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. જાસૂસ તરીકે અને ઇન્ટેલિજન્સના હેડ તરીકે સૌથી સફળ કામગીરી ઑપરેશન બ્લેક થંડર, ઇરાકમાં 46 ભારતીય નર્સોને બચાવવાની કામગીરી, વર્ષ 2015નું ભારતીય સૈન્ય સાથે નાગાલૅન્ડના ઉગ્રવાદી સામે ઑપરેશન, 2016માં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક વગેરે ગણાય છે.

વર્ષ 1988માં ઑપરેશન બ્લેક થંડર અંતર્ગત દોવલે અમૃતસરના સુવર્ણમંદિરમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના એજન્ટના વેશમાં પ્રવેશ કર્યો અને ખાલિસ્તાની અલગાવવાદીઓની જાસૂસી કરી. ખાલિસ્તાનના માગના સમર્થક ઉગ્રવાદીઓએ સુવર્ણમંદિરમાં તેમનાં શસ્ત્રો કઈ જગ્યાએ રાખ્યાં છે અને તેઓ કઈ જગ્યાએ છુપાયેલા છે એની સચોટ જાણકારી મેળવી. ઉગ્રવાદીઓનો વિશ્વાસ જીતીને, તેમના મહત્ત્વપૂર્ણ સભ્ય બનીને તેમને ખોટી સલાહ આપી, જેથી નૅશનલ સિક્યોરિટી ગાર્ડ્સ(એનએસજી)ને સુવર્ણમંદિર કબ્જે કરવામાં સફળતા મળી. એટલું જ નહીં સુવર્ણમંદિરમાં વર્ષ 1984 જેવી મોટી કામગીરી કરવાની ઘટના કે દુર્ઘટના ટળી ગઈ.

વર્ષ 1999માં ઇસ્લામિક આતંકવાદીઓએ આઇસી-814 વિમાનનું અપહરણ કર્યું. પછી પેસેન્જરોને છોડાવવા આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા અફઘાનિસ્તાનના કંધાર મોકલવામાં આવેલી ટીમમાં સભ્ય તરીકે દોવાલ સામેલ હતા. વર્ષ 2004-05માં ઇન્ટેલિજન્સ બ્યૂરો(આઇબી)ના ડિરેક્ટર બન્યા. અગાઉના દાયકામાં આઇબીની ઑપરેશન વિંગના વડા તરીકે કામગીરી કરી.

નિવૃત્ત થયા પછી વર્ષ 2009માં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન(વીઆઇએફ)ની સ્થાપના કરી. વર્ષ 2009 અને 2011માં તેમણે ‘ઇન્ડિયન બ્લેક મની એબ્રોડ ઇન સિક્રેટ બૅંક્સ ઍન્ડ ટૅક્સ હેવન્સ’(વિદેશી બૅંકો અને કરચોરી માટે સ્વર્ગ સમાન દેશોમાં ગુપ્ત રીતે રહેલું ભારતીય કાળું ધન) પર બે રિપોર્ટના સહલેખક. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા રચિત ટાસ્ક ફોર્સમાં સામેલ થયા. પ્રધાનમંત્રી મનમોહન સિંઘના બીજા કાર્યકાળ દરમિયાન અણ્ણા હઝારે અને રામદેવના નેતૃત્વમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલન થયું તેની પાછળ અજિત દોવલ અને વીઆઇએફનો દોરીસંચાર હોવાની પણ શંકા વ્યક્ત થઈ. આ આંદોલનથી દેશમાં કૉંગ્રેસવિરોધી જનજુવાળ ઊભો થયો અને લોકસભાની વર્ષ 2014ની ચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય થયો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતાં જ દોવાલની પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિમણૂક કરી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે દોવાલે સૌપ્રથમ સફળ કામગીરી ઇરાકમાં જૂન, 2014માં આઇએસઆઇએલ દ્વારા મોસુલ પર કબ્જો કર્યા પછી ઇરાકના તિકરિતમાં એક હૉસ્પિટલમાં ફસાયેલી 46 ભારતીય નર્સોને સફળતાપૂર્વક સ્વદેશ લાવવામાં કરી. વર્ષ 2018માં સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રૂપ (એસપીજી)ના ચૅરમૅન તરીકે નિમણૂક થઈ, જે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ત્રિસ્તરીય માળખાનું પ્રથમ સ્તર છે અને નીતિનિર્માણનું કેન્દ્ર છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ ભારતે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેલા કાશ્મીર(પીઓકે)માં બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી, જેનાથી ફક્ત દેશમાં સાત લોકો જ વાકેફ હતા, જેમાં દોવાલ સામેલ હતા. આ સાત સભ્યોમાં ભારતીય નૌકાદળ, ભૂમિ દળ, હવાઈ દળના વડાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ હતા. ભારતીય પાઇલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનના લશ્કરમાંથી છોડવવાનો શ્રેય પણ દોવાલને જાય છે, જેમણે અમેરિકાના વિદેશમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે વાટાઘાટ કરી હતી.પાકિસ્તાન સાથે ભારત સરકારની રાષ્ટ્રીય સુરક્ષા નીતિને સંરક્ષણાત્મકમાંથી આક્રમક સંરક્ષણાત્મકના સૈદ્ધાંતિક પરિવર્તન માટે દોવાલ મુખ્ય વ્યક્તિ ગણાય છે.

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વાર વિજય મેળવ્યા પછી મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો કે કલમ 370 નાબૂદ કરી હતી. આ માટેની વ્યૂહરચના બનાવવામાં દોવાલે સારી ભૂમિકા અદા કરી. 15 સપ્ટેમ્બર, 2020ના રોજ એસસીઓની બેઠકમાં પાકિસ્તાને ભારતના કેટલાંક ભાગોને પોતાના વિસ્તારો તરીકે દર્શાવતો નકશો રજૂ કર્યા પછી દોવાલે બેઠક અધવચ્ચે છોડીનો ભારતનો મજબૂત વિરોધ વ્યક્ત કર્યો.

ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો પોલીસ મેડલ મળ્યો છે. 1988માં સર્વોચ્ચ સાહસ પુરસ્કારો પૈકીનું એક કીર્તિ ચક્ર પ્રાપ્ત કર્યું. સૈન્ય અધિકારીઓને પ્રાપ્ત થતાં આ પુરસ્કારને મેળવનાર દોવાલ પ્રથમ પોલીસ અધિકારી છે. દોવાલને ઉત્તરાખંડમાં સ્થિત જી બી પંત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન ડી. લિટ્ની ઉપાધિ એનાયત થઈ.

કેયૂર કોટક