દેસાઈ, ખંડુભાઈ કસનજી

March, 2016

દેસાઈ, ખંડુભાઈ કસનજી (જ. 23 ઑક્ટોબર 1898, વલસાડ; અ. 17 એપ્રિલ 1975, અમદાવાદ) : ગાંધીવાદી મજૂરનેતા. સ્વાતંત્ર્ય-સૈનિક. ખંડુભાઈનો જન્મ અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

ખંડુભાઈ કસનજી દેસાઈ

તેમના પિતા પ્રામાણિક સરકારી અધિકારી હતા. તેમની માતા જમનાબહેને ખંડુભાઈને સાદાઈથી સ્વમાન સહિત જીવતાં શીખવ્યું હતું. ખંડુભાઈનાં લગ્ન માત્ર 13 વર્ષની વયે પાર્વતીબહેન સાથે થયાં. તેમને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે. મૅટ્રિક સુધીનો અભ્યાસ વલસાડમાં કર્યા બાદ મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા; પરંતુ 1920માં અસહકારની ચળવળ શરૂ થતાં કૉલેજ છોડી, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સહિત સ્નાતકની પરીક્ષામાં પ્રથમ આવ્યા.

ગાંધીજીના પ્રભાવ હેઠળ ખંડુભાઈ 1921માં અમદાવાદના મજૂર મહાજન સંઘમાં જોડાયા અને તેમાં 1946 સુધી અનસૂયાબહેન સારાભાઈ, શંકરલાલ બૅંકર અને ગુલઝારીલાલ નંદા જેવા મજૂર-નેતાઓ સાથે કામ કર્યું. તેમણે 1930માં ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો. 1932–33માં તેમણે એક વર્ષની જેલની સજા ભોગવી. ‘હિંદ છોડો’ ચળવળમાં તેમને સાબરમતી તથા નાસિક જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. શોષિતોના આર્થિક તથા સામાજિક ન્યાય માટે તેઓ સતત ઝૂઝતા. તેમણે મજૂરોમાં સ્વદેશી, સ્વાશ્રય તથા દારૂનિષેધના વિચારો ફેલાવ્યા. તેમણે ‘મજૂર સંદેશ’ નામનું દ્વિ-સાપ્તાહિક શરૂ કર્યું. અને તેમાં કામદાર વર્ગને કેળવવા માટે તેઓ ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા. તેમના પ્રયાસોથી મજૂર મહાજન સંઘ અમદાવાદના નાગરિક જીવનમાં મહત્વનું પરિબળ બન્યો. મજૂર મહાજનની પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં વિકસી અને તેમના પ્રયાસોથી ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી. ખંડુભાઈએ તેના મંત્રી (1947–50) અને ત્યારબાદ તેના પ્રમુખ (1950–53) તરીકે કામ કર્યું. તેમણે 1950માં આંતરરાષ્ટ્રીય શ્રમ-સંગઠન(I.L.O.)ના અધિવેશનમાં અને 1962માં ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સના સાતમા વિશ્વસંમેલનમાં ભારતના મજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1937માં મુંબઈ રાજ્યની વિધાનસભાના, 1946માં બંધારણસભાના, 1952–57 દરમિયાન લોકસભાના તથા 1959–68માં રાજ્યસભાના સભ્ય હતા. જવાહરલાલ નેહરુના મંત્રીમંડળમાં તેઓ 1954–57 દરમિયાન મજૂરમંત્રી પણ હતા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠની સિંડિકેટના સભ્ય તથા કોષાધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રીય સંરક્ષણ સમિતિ, વેપાર સમિતિ, ફિસ્કલ કમિશન વગેરેમાં સભ્ય તરીકે કામ કર્યું હતું. તેમણે કર્મચારી રાજ્ય વીમા નિગમ તથા ભારતના ઔદ્યોગિક નાણાકીય નિગમના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. 1961માં ભારત સરકાર અને બ્રિટિશ કંપની બર્મા શેલના સંયુક્ત સાહસ ‘ઑઇલ ઇન્ડિયા લિમિટેડ’ના અધ્યક્ષપદે તેમને નીમવામાં આવ્યા. 1969માં આંધ્રપ્રદેશના ગવર્નર તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. તે હોદ્દા પર તેઓ પાંચ વર્ષ રહ્યા હતા.

જયશ્રી ઠાકોર